Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગિલ્બર્ટ હિલ : ૬૬૦ કરોડ વર્ષ જૂના પ્રકૃતિના ઇતિહાસને જાળવવાની જવાબદારી કોણ લેશે?

ગિલ્બર્ટ હિલ : ૬૬૦ કરોડ વર્ષ જૂના પ્રકૃતિના ઇતિહાસને જાળવવાની જવાબદારી કોણ લેશે?

Published : 17 January, 2026 01:51 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ગિલ્બર્ટ હિલ ડાયનોસોરના જમાનાનું મોનોલિથિક બેસાલ્ટ રૉક સ્ટ્રક્ચર છે. સમગ્ર દુનિયામાં આવાં કુલ ત્રણ સ્ટ્રક્ચર છે જેમાં બે અમેરિકા પાસે છે જે ત્યાંનાં જાણીતાં પર્યટકસ્થળો ગણાય છે અને એક કુદરતે મુંબઈને આપ્યું છે.

ગિલ્બર્ટ હિલ

ગિલ્બર્ટ હિલ


અંધેરી-વેસ્ટની વચ્ચોવચ એક કાળો મોટો ડુંગર છે જે સીધા મોટા ખડક જેવો દેખાય છે. એ ગિલ્બર્ટ હિલ ડાયનોસોરના જમાનાનું મોનોલિથિક બેસાલ્ટ રૉક સ્ટ્રક્ચર છે. સમગ્ર દુનિયામાં આવાં કુલ ત્રણ સ્ટ્રક્ચર છે જેમાં બે અમેરિકા પાસે છે જે ત્યાંનાં જાણીતાં પર્યટકસ્થળો ગણાય છે અને એક કુદરતે મુંબઈને આપ્યું છે. જોકે આ ગિલ્બર્ટ હિલ વિશે ઘણા ઓછા લોકો પાસે માહિતી છે. આ સ્ટ્રક્ચરની કાળજી જેવી લેવી જોઈએ એવી લેવાતી નથી એ સૌથી મોટો અફસોસ છે

ડાયનોસોર જ્યારે પૃથ્વી પર હતા ત્યારનો સમય કેટલો અદ્ભુત હોઈ શકે એની કલ્પના આપણે ફિલ્મોમાં ઘણી જોઈ. એમાં જે બતાવાયું એ બધું જ કાલ્પનિક હતું. અને કલ્પના સિવાય તો આમ પણ આપણે શું કરી શકવાના, કારણ કે પૃથ્વી પર ડાયનોસોરનો કાળ ૨૫૨ મિલ્યન વર્ષથી લઈને ૬૬ મિલ્યન વર્ષ સુધીનો માનવામાં આવે છે. પણ જો તમને કહેવામાં આવે કે એ સમયની કોઈ વસ્તુને તમે તમારી નજરોથી જોઈ શકો છો અને હાથેથી અડી પણ શકો છો તો તમે માનશો ખરા? આમ તો આપણે ત્યાં જૂની વસ્તુઓનું સરનામું સંગ્રહાલય હોય છે પરંતુ આને તો કોઈ સંગ્રહાલયમાં રાખવામાં આવી નથી. ઊલટું એવું છે કે આ કીમતી વસ્તુ તમારી નજરોની સામે જ છે પણ તમે ઓળખી ન શક્યા કે ત્યાં સુધી જવાની તસ્દી જ લીધી નથી. આ ૬૬ મિલ્યન એટલે કે લગભગ ૬૬૦ કરોડ વર્ષ જૂની વસ્તુ છે અંધેરી-વેસ્ટમાં આવેલી ગિલ્બર્ટ હિલ. અંધેરીમાં રહેતા લોકો માટે આ નામ એક એરિયાની ઓળખ છે. રિક્ષાવાળાને જ્યારે કહ્યું હશે કે ભૈયા, ગિલ્બર્ટ હિલ લે લો ત્યારે ક્યારેય વિચાર આવ્યો છે કે આ ગિલ્બર્ટ હિલ એ કોઈ એરિયાનું નામ નહીં પણ પ્રકૃતિનો ઇતિહાસ છે?  



ગિલ્બર્ટ હિલ અંધેરી સ્ટેશનથી ૨.૫ કિલોમીટર અને આઝાદનગર મેટ્રો સ્ટેશનથી એક કિલોમીટર દૂર છે. આ જ્વાળામુખીના લાવામાંથી બનેલો કાળો બેસાલ્ટ રૉક છે. એટલે કે એક સમયે ધરતીના પેટાળમાં થયેલી હિલચાલને કારણે જ્વાળામુખી ફાટ્યો હશે અને બહાર જે લાવા આવ્યો એ ઠંડો થઈને અલગ-અલગ નહીં, એક જ સ્ટ્રક્ચર તૈયાર થયું. એને કહેવાય મોનોલિથિક સ્ટ્રક્ચર. આ જે કાળો દેખાતો લાવાનો પથ્થર છે એને બેસાલ્ટ રૉક કહે છે. સમગ્ર દુનિયામાં જ્વાળામુખીથી બનેલા મોનોલિથિક બેસાલ્ટ રૉક સ્ટ્રક્ચર ત્રણ છે, જેમાંથી બે અમેરિકા અને એક આમચી મુંબઈમાં છે. આપણા ગિલ્બર્ટ હિલ સિવાયનાં બીજાં બે સ્ટ્રક્ચર એટલે વ્યોમિંગમાં આવેલો ધ ડેવિલ્સ ટાવર અને કૅલિફૉર્નિયામાં આવેલું ધ ડેવિલ્સ પોસ્ટપાઇલ. નવાઈની વાત એ છે કે આ બન્ને સ્ટ્રક્ચરનું નામ ડેવિલ એટલે કે રાક્ષસી તત્ત્વ સાથે જોડાયેલું છે. 


જોકે ગિલ્બર્ટ હિલના નામમાં કોઈ રાક્ષસી તત્ત્વ નથી એટલું સારું છે. તો પછી એનું નામ ગિલ્બર્ટ હિલ કેવી રીતે પડ્યું હશે? કેટલાક લોકો માને છે કે કોઈ બ્રિટિશ અધિકારી, જેણે આનું સંશોધન કર્યું તેના નામ પર આ નામ રાખવામાં આવ્યું. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે ભૂગર્ભશાસ્ત્રી ગ્રોવ કાર્લ ગિલ્બર્ટના નામ પર આ હિલનું નામ રાખવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે અહીં જ્યારે દાવાનળ ફાટ્યો ત્યારે ૫૦,૦૦૦ સ્ક્વેર કિલોમીટરમાં એ ફેલાયો. કેટલાક વિશેષજ્ઞોના મત મુજબ મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશની જે સપાટી બની એ આ જ કાળા બેસાલ્ટ રૉકથી બની છે. આ ફક્ત માહિતી નથી. જે ધરતી પર આપણે રહીએ છીએ એ ધરતીનો ઇતિહાસ આપણી સમક્ષ ખડો છે. એ પોતાનામાં એક ખૂબ મોટી વાત છે. ૬૬૦ કરોડ વર્ષો પહેલાંનો પથ્થર તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો, ઊંચકી શકો છો, એને હાથમાં પકડી શકો છો એ એક અનુભવ છે જે દરેક મુંબઈકરે લેવો જ જોઈએ. 

આ એક જણસ છે એ તો સમજી શકાય છે પણ સરકારે એ સમજવામાં કદાચ મોડું કરી દીધું. એનું સંવર્ધન કરવા માટે ૧૯૫૨માં આ જગ્યાને નૅશનલ પાર્ક અને ૨૦૦૭માં ગ્રેડ-૨ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી હતી પરંતુ મુંબઈનું શહેરીકરણ એને ભરખી ગયું છે. કહેવાય છે કે એ વિશાળકાય જગ્યામાં ફેલાયેલો ડુંગર હતો પરંતુ એને તોડી-તોડીને ત્યાં બિલ્ડિંગો બનાવવામાં આવ્યાં છે. ગિલ્બર્ટ હિલને લગોલગ અઢળક બિલ્ડિંગો અત્યારે પણ છે. એની બાજુમાં જ ઝૂંપડપટ્ટી પણ છે. આ જગ્યા અત્યારે ગંદવાડથી ભરેલી જોવા મળે છે. ડુંગરને નીચેથી જોઈએ તો ક્યાંક-ક્યાંકથી ફાટી નીકળેલું ઘાસ અને વનસ્પતિ જોવા મળશે. સુંદરતા નીચેથી તમને નહીં અનુભવાય એટલે પહેલી નજરમાં પ્રેમ થાય એવું કશું અહીં નથી. પણ જેમ વડીલને આપણે તેના દેખાવથી નહીં, તે વડીલ છે એટલે માન આપીએ છીએ એમ ૬૬૦ વર્ષ જૂના આ ડુંગરને એક વડીલ જેટલું તો માન ખપે જને. 


ગિલ્બર્ટ હિલની ઊંચાઈ ૬૦ મીટર એટલે કે ૨૦૦ ફીટ જેવી છે. ત્યાં ઉપર જવા માટે પગથિયાં બનાવેલાં છે. જે લોકો શહેરી જીવનમાં ખુરસી પર બેઠાં-બેઠાં કામ કરવા સિવાય બીજું કંઈ નથી કરતા તેમના માટે આ જગ્યા એક નાનકડો ટ્રેક પણ સાબિત થઈ શકે છે. આ પગથિયાં થોડાં મોટાં છે અને ખડાં એટલે કે સીધાં છે એટલે થોડો થાક તો લાગશે. આમ તો ગણીને ૩૦૦ જેવાં પગથિયાં છે એટલે વધુ સમય નહીં લાગે ચડતાં. આમ તો પાંચ વર્ષનાં બાળકો પણ સરળતાથી ચડી જાય એવી જગ્યા છે એટલે પગથિયાં ચડવાં પડશે, કોણ જાય એવું વિચારીને ટાળતા નહીં. શરીરને વધુ નહીં, થોડું કષ્ટ આપવું સફળ રહેશે. 

ભારતમાં જે જગ્યાઓને તમારે સાચવવી હોય એ જગ્યા પર ઈશ્વરનું એક ધામ બનાવી દો એવો વર્લ્ડ ક્લાસ આઇડિયા આપણા વડીલો અનુસરતા એટલે જ કદાચ ગિલ્બર્ટ હિલ પર લગભગ ૫૫૦ વર્ષ જૂનું એક મંદિર છે. આ મંદિર એટલે ગાવદેવી દુર્ગામાતા મંદિર. ગ્રામ એક સંસ્કૃત શબ્દ છે જેનું અપભ્રંશ થઈને ગાવ શબ્દ આવ્યો. માન્યતાઓ મુજબ મહારાષ્ટ્ર આખામાં દરેક ગામની બહાર એક દેવી હોય છે, જે દેવીને ઝરીમરી માતા કહે છે જે ગામને બહારથી રક્ષણ આપે છે અને દરેક ગામમાં અંદર એક દેવી હોય છે જે ગામમાં રહીને ગામનું રક્ષણ કરે છે, જેને ગાવદેવી કહે છે. મહારાષ્ટ્રના દરેક ગાવમાં એક દેવી છે. ગિલ્બર્ટ હિલ પર આવેલી દેવી અંધેરી ગામની દેવી છે જે અંધેરીનું રક્ષણ કરે છે. આ મંદિરની પણ ઘણી માન્યતા છે. ખાસ કરીને નવરાત્રિમાં લોકો અહીં દર્શનાર્થે ચોક્કસ જાય છે. આ મંદિર એકદમ સુંદર છે. અહીં માતાજી સિવાય ભગવાન વિષ્ણુ અને હનુમાનજીની દેરી પણ છે. 

૨૦૦ ફીટની ઊંચાઈથી નીચે જોવાની મજા પડે છે. અહીંથી આખું અંધેરી દેખાય એવો ભાસ થાય છે. વર્સોવા, જુહુ બીચ, ઍરપોર્ટનો ટાવર પણ ત્યાંથી ક્લિયર દેખાય છે. ત્યાંથી અરબી સમુદ્ર પણ સુંદર દેખાય છે. હિલની ઉપર અતિ શાંતિ પ્રાપ્ત થાય છે. ખૂબ જ મસ્ત હવા અને આજુબાજુ ફેલાયેલું શહેર જોવાની મજા આવે એવું છે. ત્યાં ઉપર એક વડનું ઝાડ પણ છે. બેસાલ્ટ રૉક ઉપર ઊગેલું વડનું ઝાડ પોતાનામાં એક અજૂબો છે, કારણ કે આ ઝાડ હંમેશાં મેદાનમાં જ વધુ જોવા મળે છે. 

ગિલ્બર્ટ હિલની સાચવણી બાબતે ઘણી સમાજસેવી સંસ્થા અને કેટલાક પર્યાવરણવિદો લડી રહ્યા છે. લોકલ સરકારને જ નહીં, ભારત સરકારને પણ વિનવણી ચાલુ છે. એ લોકોનો પ્રયાસ એ છે કે ગિલ્બર્ટ હિલને ગ્રેડ-૧ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવે જેને લીધે એની સંપૂર્ણ કાળજી લઈ શકાય. એ જગ્યાએ આખું પર્યટનસ્થળ વિકસાવી શકાય, જેવું અમેરિકાએ કર્યું છે. એ દેશમાં લોકો ઓછા છે પણ તેમની પાસે જે છે એ વસ્તુઓની કદર તેમને જેવી છે એવી આપણને નથી એ તો માનવું જ પડશે. ૬૬૦ મિલ્યન વર્ષ જૂનો ડુંગર આપણી પાસે હોય અને જો આપણે ઇચ્છતા હોઈએ કે આવનારી પેઢીઓ પણ એ જોઈ શકે તો એની સાચવણી અને સંવર્ધન કરવાં જરૂરી છે.

કેવી રીતે જશો? 
મુંબઈમાં તમે ગમે તે ખૂણેથી આવતા હો, અંધેરી-વેસ્ટ સ્ટેશન પર ઊતરીને બસ કે રિક્ષા દ્વારા અહીં પહોંચી શકાય છે. નહીંતર મેટ્રોથી આવશો તો આઝાદનગર મેટ્રો સ્ટેશનથી પગપાળા અહીં જઈ શકાય છે. અહીં બપોરના સમયે જવા કરતાં વહેલી સવારે કે સાંજે સૂર્યાસ્ત સમયે જશો તો વધુ મજા આવશે. 

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2026 01:51 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK