Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > યુદ્ધને કારણે આજે જે પરિસ્થિતિ સંકટભરી જણાઈ રહી છે એ ભવિષ્યમાં માત્ર એક નાનકડી નોંધ બની જશે

યુદ્ધને કારણે આજે જે પરિસ્થિતિ સંકટભરી જણાઈ રહી છે એ ભવિષ્યમાં માત્ર એક નાનકડી નોંધ બની જશે

Published : 05 April, 2026 02:48 PM | IST | Mumbai
Khyati Mashru Vasani

હાલ ગૅસની અછત અને મોંઘવારી બાબતે ડર લાગી રહ્યો છે. તમારે આ સ્થિતિને અવગણવી નહીં, પરંતુ સાથે-સાથે એનાથી ચિંતિત થઈ જવાની કે ગભરાઈ જવાની પણ જરૂર નથી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મની મૅનેજમેન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


આજકાલ લોકોને ઈંધણ ખૂટી પડવાની બીક સૌથી વધારે લાગી રહી છે. આ ડરની પાછળ સમાચારોની ભયજનક હેડલાઇન્સ જવાબદાર છે. જ્યારે પણ દેશ-દુનિયામાં કોઈ કટોકટી સર્જાય ત્યારે બધાને એમ જ લાગતું હોય છે કે ‘આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ છે’. વાસ્તવિકતા એ છે કે મનુષ્યની ઉત્ક્રાન્તિમાં આવી કેટકેટલીયે આપદાઓ આવી ચૂકી છે.

એક વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે સમાચારોમાં જેટલી વધારે ગંભીરતા દેખાતી હોય છે એટલું તમારા રોકાણ સામે જોખમ હોતું નથી. જ્યારે પરિસ્થિતિ વધારે ડરામણી લાગવા માંડે ત્યારે તરત કોઈ પગલું ભરવાની ઇચ્છા થાય છે, પરંતુ મોટા ભાગે ઉતાવળે લેવાયેલા આવા નિર્ણયો ખોટા પુરવાર થાય છે.



હાલ ગૅસની અછત અને મોંઘવારી બાબતે ડર લાગી રહ્યો છે. તમારે આ સ્થિતિને અવગણવી નહીં, પરંતુ સાથે-સાથે એનાથી ચિંતિત થઈ જવાની કે ગભરાઈ જવાની પણ જરૂર નથી.


દુનિયાએ ઊર્જાને લગતાં અનેક સંકટોનો સામનો કર્યો છે. ૧૯૭૩નું તેલ-સંકટ, ૧૯૭૯ની ઈરાનની ક્રાન્તિ, ૧૯૯૦નું અખાતનું યુદ્ધ અને ૨૦૦૮માં તેલના ઊંચા ભાવ એ દરેક વખતે લોકોમાં ભય અને અનિશ્ચિતતા ફેલાયાં હતાં. દરેક વખતે એવું કહેવામાં આવ્યું કે વિશ્વમાં હવે ઈંધણના ભાવ ક્યારેય નીચા નથી જવાના. દુનિયા હવે કાયમ માટે બદલાઈ ગઈ હોવાની વાતો થવા લાગી હતી. જોકે સમય જતાં બધું સમુંસૂતરું થઈ ગયું. નવી ટેક્નૉલૉજી વિકસાવાઈ, ઊર્જાના વૈકલ્પિક સ્રોતો મળ્યા અને ડિમાન્ડમાં પણ સમય-સંજોગો અનુસાર પરિવર્તન આવ્યું.

ખરું જોખમ સંકટ નથી હોતું પરંતુ આપણે એને કેવી પ્રતિક્રિયા આપીએ છીએ એ હોય છે. ભૂતકાળમાં ઘણા રોકાણકારોએ ભયને કારણે બજાર છોડ્યું અને પછી સુધારાની તક ચૂકી ગયા. બજાર ક્યારેય કોઈની રાહ નથી જોતું. લોકો સ્થિરતાભરી પરિસ્થિતિની રાહ જોતા બેસી રહે છે, પરંતુ સ્થિરતા આવતી જણાય ત્યારે મોટા ભાગે સારી તક હાથમાંથી નીકળી ચૂકી હોય છે.


ભારતીય રોકાણકારો માટે એક સકારાત્મક વાત એ છે કે ભારત ઊર્જાના મુદ્દે હંમેશાં વ્યવહારુ અભિગમ અપનાવે છે. દેશ વિવિધ વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે સંતુલન જાળવીને પોતાના હિતમાં નિર્ણયો લે છે. આ કારણે અતિશય ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડે એવી શક્યતા ઓછી હોય છે.

આગામી દિવસોમાં થોડી અસ્વસ્થતા રહેવાની શક્યતા છે. ગૅસના ભાવ વધી શકે છે, મોંઘવારી વધી શકે છે અને સમાચાર વધુ ચિંતાજનક બની શકે છે; પરંતુ લાંબા ગાળાનાં રોકાણોને આ વિષમતાઓની અસર થવી જરૂરી નથી. એનું કારણ ખૂબ સરળ છે : યુદ્ધના કારણે આજે જે પરિસ્થિતિ સંકટભરી જણાઈ રહી છે એ ભવિષ્યમાં માત્ર એક નાનકડી નોંધ બની જશે.

સારો રોકાણકાર એ નથી જે દરેક સમાચાર પર પ્રતિક્રિયા આપે. સારો રોકાણકાર એ છે કે મુશ્કેલ સમયમાં પણ સ્વસ્થતા જાળવી રાખે છે. ક્યારેક કંઈ જ નહીં કરવું એ સારામાં સારો રસ્તો હોય છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 02:48 PM IST | Mumbai | Khyati Mashru Vasani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK