આજની તારીખમાં ગ્રીન કાર્ડધારકોને જરૂર પડતાં અમેરિકાની બહાર ૩૬૪ દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. તેમણે ૩૬૫મા દિવસે અમેરિકામાં પ્રવેશી જવું જ પડે છે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગ્રીન કાર્ડ એટલે કે ‘એલિયન રજિસ્ટ્રેશન રિસીટ’ જેમને આપવામાં આવે છે તેમનો ઇરાદો અમેરિકામાં કાયમ રહેવાનો હોવો જોઈએ. જેઓ લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહે તેમનો ઇરાદો અમેરિકામાં કાયમ રહેવાનો નથી એવું માની લઈને અમેરિકાની સરકાર તેમનું ગ્રીન કાર્ડ પાછું ખેંચી લેવાની કાર્યવાહી કરી શકે છે.
જોકે આજની તારીખમાં ગ્રીન કાર્ડધારકોને જરૂર પડતાં અમેરિકાની બહાર ૩૬૪ દિવસ સુધી રહેવા દેવામાં આવે છે. તેમણે ૩૬૫મા દિવસે અમેરિકામાં પ્રવેશી જવું જ પડે છે. આવા લોકોને તેઓ જ્યારે અમેરિકામાં પ્રવેશતા હોય છે ત્યારે ઇમિગ્રેશન ઑફિસરો તેમનો ઇરાદો ખરેખર અમેરિકામાં રહેવાનો છે કે નહીં અને તેઓ ગ્રીન કાર્ડનો ઉપયોગ એક પાસની જેમ અમેરિકામાં આવવા-જવા મારે કરે છે કે શું એ જાણવા માગે છે. તેમણે અમેરિકામાં ઘર લીધું છે? બૅન્ક-અકાઉન્ટ ખોલ્યું છે? ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવ્યું છે? ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લીધાં છે? બિઝનેસ કરે છે? નોકરી કરે છે? ભણે છે? આ બધું તેઓ જાણવા માગે છે. એના પરથી તેઓ નક્કી કરે છે કે તે વ્યક્તિ ખરેખર ગ્રીન કાર્ડ પર અમેરિકામાં રહેવાને લાયક છે કે નહીં.
ADVERTISEMENT
ગ્રીન કાર્ડધારકોએ તેમની બધી જ આવક, અમેરિકાની બહાર સુધ્ધાં પર ટૅક્સ અમેરિકામાં જ ભરવાનો રહે છે. તેમણે વખત આવે ત્યારે લશ્કરમાં જોડાઈને અમેરિકા વતી લડાઈમાં પણ જવું પડે છે. ગ્રીન કાર્ડ મળ્યા બાદ પાંચ વર્ષ પછી અને જો ગ્રીન કાર્ડ લગ્ન સંબંધના આધારે મળ્યું હોય તો ૩ વર્ષ પછી અમેરિકન નાગરિક બનવાની નૅચરલાઇઝેશન દ્વારા અરજી કરી શકાય છે. આ અરજી કરતાં દેખાડી આપવાનું રહે છે કે પાંચ યા ૩ વર્ષના સમયગાળામાં અડધો સમય તેઓ અમેરિકામાં રહ્યા હતા અને એકેય વાર લાગલગાટ છ મહિનાથી વધુ અમેરિકાની બહાર રહ્યા નહોતા. તેમણે અમેરિકાના સામાન્ય જ્ઞાન તેમ જ અંગ્રેજી ભાષાની પણ પરીક્ષા આપવાની રહે છે. તેમની ચાલચલગત સારી હોવી જોઈએ.

