Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ગ્રીન ફટાકડા ખરેખર ગ્રીન છે ખરા?

ગ્રીન ફટાકડા ખરેખર ગ્રીન છે ખરા?

Published : 24 October, 2026 01:12 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

પ્રવર્તતી અસમંજસને કારણે ફટાકડાના જૂના વેપારીઓ પણ બીજા ધંધામાં શિફ્ટ થવા લાગ્યા છે ત્યારે જાણીએ પ્રદૂષણ ઘટાડવા માટેના ઍક્ટિવિસ્ટોની ડિમાન્ડ શું છે અને મુંબઈના ફટાકડાના વેપારીઓ બદલાયેલા આ સિનારિયો માટે શું કહે છે

તામિલનાડુના સિવાકાસીમાં ભારતનો સૌથી મોટો ફટાકડા ઉદ્યોગ છે.

તામિલનાડુના સિવાકાસીમાં ભારતનો સૌથી મોટો ફટાકડા ઉદ્યોગ છે.


દિવાળી આવે એ પહેલાં જ મુંબઈમાં વધી રહેલા હવાના પ્રદૂષણ માટે કયાં પગલાં લેવાયાં છે એનો જવાબ માગીને બૉમ્બે હાઈ કોર્ટે જાહેર સ્થળો, રોડ અને ફુટપાથ પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી છે. બીજી તરફ આવાઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ ગ્રીન ફટાકડાઓમાં મળી આવેલી વિસંગતિઓ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. આ ગતિવિધિઓને કારણે મુંબઈમાં માહોલ એવો ઊભો થયો છે કે જાણે ફટાકડા ફોડવા પર જ પ્રતિબંધ મુકાઈ ગયો હોય. પ્રવર્તતી અસમંજસને કારણે ફટાકડાના જૂના વેપારીઓ પણ બીજા ધંધામાં શિફ્ટ થવા લાગ્યા છે ત્યારે જાણીએ પ્રદૂષણ ઘટાડવા માટેના ઍક્ટિવિસ્ટોની ડિમાન્ડ શું છે અને મુંબઈના ફટાકડાના વેપારીઓ બદલાયેલા આ સિનારિયો માટે શું કહે છે

દર વર્ષે દિવાળી પછી પ્રદૂષણમાં બેફામ વધારો થતો હોય છે. એમાં માત્ર ફટાકડાનો જ ફાળો હોય છે એવું નથી. સીઝનલ ચેન્જ, ટ્રાફિકનું પૉલ્યુશન અને અમુક વિસ્તારોમાં પરાળી સળગાવવાનાં કારણો પણ એમાં જવાબદાર હોય છે. દર વખતે દિવાળી પછી પ્રદૂષણ માઝા મૂકે એ પછી લોકો જાગીને હાયવોય કરે છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં જ બૉમ્બે હાઈ કોર્ટે સુઓ મોટો એટલે કે સ્વયં નોંધ લઈને વધી રહેલા પ્રદૂષણ માટે સ્થાનિક ઑથોરિટી પાસે જવાબ માગ્યો હતો. જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે મુંબઈમાં દિવાળી પહેલાં જ દિલ્હી કરતાં વધુ પ્રદૂષણ થઈ ગયું હોવાની નોંધ સાથે કહ્યું હતું કે ‘તહેવારોની ઉજવણી સામે કોઈ વાંધો નથી, પરંતુ એ રેગ્યુલેટેડ હોવી જોઈએ. આ રેગ્યુલેશન્સ નાગરિકોના ઓવરઑલ હકોને ધ્યાનમાં રાખીને નક્કી થવાં જોઈએ. ઉજવણી થવી જોઈએ પણ એ હજારો નાગરિકોના કાનૂની હકોના ભોગે નહીં. પ્રદૂષણને કારણે આપણે હજારો નાગરિકોને એમ જ ચૂપચાપ સહન કરવા ન દઈ શકીએ.’



બૉમ્બે હાઈ કોર્ટનું ઉપરોક્ત નિવેદન ગણેશોત્સવમાં થયેલા લાઇટ અને નૉઇસ પૉલ્યુશન પછી આવ્યું હતું અને દિવાળીમાં ફટાકડાઓને લઈને કહેવામાં આવ્યું હતું કે જાહેર રસ્તાઓ, ગલીઓ, ફુટપાથ પર ફટાકડા ફોડવા પર હંમેશાં પ્રતિબંધ હતો અને એ દિવાળીમાં પણ રહેશે. જોકે એનું અર્થઘટન એવું કરવામાં આવ્યું હતું કે જાણે આ વખતે કોર્ટે ફટાકડાને જ પ્રતિબંધિત કરી દીધા છે. આ વિશે મુંબઈ અને થાણે ડિસ્ટ્રિક્ટ ફાયરવર્ક્સ ડીલર્સ અસોસિએશનના ઑનરરી સેક્રેટરી મિનેશ મહેતા કહે છે, ‘કોર્ટે ફટાકડા ફોડવાની મનાઈ જરાય નથી કરી, પરંતુ જાહેર રસ્તાઓ અને ફુટપાથ પર લોકોને અગવડ પડે એ રીતે ફટાકડા ફોડવાની ના પાડી છે. ૧૫ ઑક્ટોબરે થયેલા હિયરિંગમાં હું પોતે કોર્ટમાં હતો. એમાં ક્યાંય સંપૂર્ણ બંધીની વાત થઈ નથી. કોર્ટે રાતે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા દરમ્યાન ફટાકડા ફોડવાના નિયમને યાદ કરાવ્યો છે. જાહેર રસ્તાઓ, ગલીઓ અને સાઇલન્સ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ પહેલાં પણ હતો અને આજે પણ છે. એમાં કશું જ નવું નથી. ઇન ફૅક્ટ, આવો નિર્દેશ જરૂરી જ છે. તહેવારોની ઉજવણી હોય તો પણ લોકોને રાતે સાઉન્ડ સ્લીપ મેળવવાનો હક છે જ. જાહેર રસ્તાઓ પર ફટાકડા ન જ ફૂટવા જોઈએ. જોકે કોર્ટે ક્યાંય એના મૅન્યુફૅક્ચરિંગ, સેલિંગ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનની મનાઈ નથી કરી. સુપ્રીમ કોર્ટે પણ થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય જ નથી.’


અવાજ કરતા ફટાકડાને બદલે આતશબાજીનો ટ્રેન્ડ 

ફટાકડાના શોખીનો માટે ફૅન્સી ફટાકડાઓના અઢળક ઑપ્શન્સ છે. એક સમય હતો જ્યારે વધુ ને વધુ પ્રચંડ અવાજ કરતા ઍટમબૉમ્બ વધુ વેચાતા હતા. હવે એનું સ્થાન કલરફુલ ક્રીએશન્સે લીધું છે એમ જણાવતાં મિનેશ મહેતા કહે છે, ‘હું ૧૩-૧૪ વર્ષનો હતો ત્યારથી પપ્પા સાથે ફટાકડાની દુકાને આવતો હતો. એ વખતે લગભગ ૭૫ ટકા ફટાકડા અવાજવાળા હતા અને બાકીના ફટાકડા રંગબેરંગી પ્રકાશ ફેલાવતા. આજે સિનારિયો સાવ જ બદલાઈ ગયો છે. માત્ર ૨૦ ટકા ફટાકાડા જ અવાજવાળા છે. એ પણ સીમિત અવાજવાળા. ૮૦ ટકા ફટાકડા આતશબાજીવાળા છે. ૧૪-૧૫ વર્ષથી નાની વયનાં બાળકો માટે મોસ્ટ કલરફુલ ફટાકડાની વિશાળ રેન્જ આવી ગઈ છે. ફટાકડા મુખ્યત્વે ૩ પ્રકારનાં હોય : લાઇટિંવાળા, અવાજ કરતા અને કલર પાથરતા. છેલ્લાં ૧૫ વર્ષથી એમાં એક નવું ઉમેરણ થયું છે મ્યુઝિકલ ફટાકડાનું. ક્રૅકલિંગ અને વ્હીસલિંગ સાઉન્ડ ટ્યુન્સ ધરાવતા ફટાકડા પણ આજકાલ બહુ ચાલે છે.’


૩૦ સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાન્તના નેતૃત્વમાં ૩ જજિઝની બેન્ચે પણ કહ્યું હતું કે સંપૂર્ણપણે ફટાકડા પર પ્રતિબંધથી લોકોની ધાર્મિક લાગણી દુભાશે અને એવા પ્રતિબંધને અમલી બનાવવાનું પણ શક્ય નથી. દિવાળી પહેલાં જ ફટાકડા પર બ્લૅન્કેટ બૅન લાદવાની મનાઈ ફરમાવતાં CJI સૂર્યકાન્તે કહ્યું કે ‘પ્રતિબંધને બદલે કોઈક વચલો રસ્તો કાઢવો જરૂરી છે જેમાં ટાઇમ-બાઉન્ડ રેગ્યુલેટરી અપ્રોચ હોય. CSIR-NEERI સંસ્થા દ્વારા નિર્દેશિત ગ્રીન ફટાકડાનું લાઇસન્સ ધરાવતા ફટાકડાને પરવાનગી આપવી જોઈએ. નિયમો એવા હોવા જોઈએ જેનો અમલ કરાવવાનું શક્ય હોય. માત્ર ભારે પ્રતિબંધો મૂકી દેવાને બદલે પબ્લિકને યોગ્ય રીતે એજ્યુકેટ કરવામાં આવે એ જરૂરી છે.’

ગ્રીન ફટાકડાની ગોલમાલનું શું?

ગ્રીન ફટાકડાને સુપ્રીમ કોર્ટે પરવાનગી આપી દીધી છે, પરંતુ આવાઝ નામની સામાજિક સંસ્થાએ મુંબઈની માર્કેટમાં મળતા ઘણા ફટાકડા ગ્રીન નથી એવો દાવો કર્યો છે. ૨૦૦૩થી અવાજ અને ઍર પૉલ્યુશન માટે સક્રિય ઍક્ટિવિસ્ટ સુમૈરા અબ્દુલઅલી કહે છે, ‘ફટાકડાની સૌથી મોટી માર્કેટ ગણાતા મોહમ્મદ અલી રોડ અને કુર્લાની છૂટક ફટાકડા વેચતી દુકાનોમાંથી અમે વિવિધ પ્રકારના કલરફુલ લાઇટિંગવાળા ૧૮ પ્રકારના ફટાકડાઓનાં સૅમ્પલ લઈને પ્રાઇવેટ લૅબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યાં હતાં. એમાં મોટા ભાગના નમૂનાઓમાં બૅરિયમનું પ્રમાણ ખૂબ ઊંચું હતું. કેટલાક ફટાકડાઓ પર ગ્રીન ક્રૅકરનું લેબલ હતું, પણ એ માટે જરૂરી QR કોડ નહોતો. કેટલાક QR કોડ ફેક હતા. અમે રંગબેરંગી આતશબાજી કરતા ફટાકડા પસંદ કરેલા, કેમ કે એનાથી જ સૌથી વધુ ધુમાડો થતો હોય છે. અમે હજી એનું સમગ્ર કેમિકલ કમ્પોઝિશન ચેક કર્યું નથી ત્યાં આ હાલત છે તો એનું સંપૂર્ણ ઍનૅલિસિસ કરાવવામાં આવે તો આ ગ્રીન ફટાકડા પણ કઈ હદે માણસના સ્વાસ્થ્ય માટે જોખમી છે એનો સાચો ચિતાર મળી શકશે.’

ફટાકડામાં મર્ક્યુરી હોવાનું શક્ય છે?

છેલ્લાં ઘણાં વર્ષોથી છાશવારે ફટાકડામાં વપરાતી ધાતુઓ વિશે પણ સવાલો ઊઠી રહ્યા છે. કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા દાવો થયો છે કે ગ્રીન ફટાકડામાં મર્ક્યુરી એટલે કે પારો અને લેડ એટલે કે સીસું પણ જોવા મળે છે. આ બન્ને ધાતુઓ સ્વાસ્થ્ય માટે અતિશય હાનિકારક છે. પારાના ઉપયોગ વિશે મિનેશ મહેતા કહે છે, ‘પારો એટલી મોંઘી ધાતુ છે કે એને ઍટમબૉમ્બ કે સૂતળી બૉમ્બમાં વાપરવાનું કોઈને પોસાય જ નહીં. જે ફટાકડો તમને ૬૦, ૮૦ કે ૧૦૦ રૂપિયામાં મળી જાય છે એમાં સસ્તી ધાતુ હોય, પારા જેવી મોંઘી ચીજ નહીં. જ્યારે પણ આવા દાવા સાંભળીએ ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે આવું હોય તો-તો અમે ફટાકડા બનાવતી કંપનીઓને એમ જ કહીએ કે ભાઈ, તું અમને આટલા રૂપિયામાં ફટાકડા નહીં, માત્ર મર્ક્યુરી જ આપ.’

સમસ્યા ક્યાં છે?

ગ્રીન ફટાકડા ગ્રીન છે કે કેમ એવા સવાલનો જવાબ મેળવતાં પહેલાં એ સમજીએ કે કયા ફટાકડાને ગ્રીન કહેવામાં આવે છે. ગ્રીન ફટાકડાનો કન્સેપ્ટ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી અમલમાં આવ્યો હતો. છેલ્લાં પાંચ વર્ષથી ભારતભરમાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડવાની પરવાનગી છે એ વિશે વાત કરતાં મિનેશ મહેતા કહે છે, ‘૨૦૧૮માં ગ્રીન ફટાકડાનો વિચાર આવ્યો હતો. ફટાકડાથી પ્રદૂષણ થાય છે એને મિનિમમ લેવલ પર કઈ રીતે લાવી શકાય એ માટે સરકારે એક ગવર્નમેન્ટ એજન્સીને કામ સોંપ્યું હતું. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ – નૅશનલ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ (CSIR-NEERI) દ્વારા એક્સપરિમેન્ટ્સ કરીને ઓછામાં ઓછો અવાજ અને ધુમાડો કરતા ફટાકડાની ફૉર્મ્યુલા તૈયાર કરવામાં આવી હતી. એમાં અવાજ અને ધુમાડા બન્ને માટેનાં પરિમાણો નક્કી કરવામાં આવેલાં. ૪ મીટરના અંતરે ૧૪૦ ડેસિબલ અને દૂરથી ૧૨૫ ડેસિબલનો અવાજ કરતા ફટાકડા ગ્રીન કહેવાય. એ માટે ગન પાઉડરનું કેટલું પ્રમાણ વાપરવું એની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવેલી. આ એજન્સીઓએ જ એક ખાસ એડિટિવ સજેસ્ટ કર્યું હતું જેનાથી એમિશન ઘટી જાય. ક્રૅકર્સ બનાવતી તમામ ફૅક્ટરીઓએ CSIR-NEERI દ્વારા અપાયેલી ફૉર્મ્યુલા મુજબ ઉત્પાદન કરીને પ્રોડક્ટ્સને સર્ટિફાઇડ કરાવવાની હતી. ફટાકડા કંપનીઓએ કોઈ પણ નવી પ્રોડક્ટ લૉન્ચ કરતાં પહેલાં આ એજન્સી પાસેથી એ પ્રોડક્ટ ‘ગ્રીન’ છે એવું લાઇસન્સ લેવું પડે. શરૂઆતમાં આ પ્રોસેસ કદાચ મૅન્યુફૅક્ચરરને અઘરી લાગતી હોઈ શકે, પરંતુ હવે મોટા ભાગે તમામ લાઇસન્સ ધરાવતી ફટાકડા કંપનીઓ એને ફૉલો કરે છે. CSIR-NEERI દ્વારા પ્રમાણિત થયેલા ફટાકડા ગ્રીન કહેવાય અને એ દરેક પર QR કોડ મૂકવામાં આવે છે અને એમાં કયાં કેમિકલ્સ વપરાયાં છે એની પણ પારદર્શિતા જાળવવાની હોય છે. ગ્રીન ફટાકડાની ઇન્ડસ્ટ્રી ખૂબ જ ઑર્ગેનાઇઝ્ડ, કન્ટ્રોલ્ડ અને રેગ્યુલેટેડ છે.’

જો એવું હોય તો ફટાકડાની બધી જ પ્રોડક્ટ્સ પર ગ્રીનનું લેબલ નથી હોતું અથવા તો લેબલ ન હોવા છતાં એ ગ્રીન નથી હોતા એનું કારણ શું? દાદરમાં હોલસેલ ફટાકડાના એક વેપારી કહે છે, ‘જે ફટાકડાની કંપનીઓ લાઇસન્સ ધરાવે છે એ તો ગ્રીન ફટાકડા જ બનાવે છે કેમ કે એમના પર રેગ્યુલેટરી એજન્સીઓની કડક નજર હોય છે; પરંતુ ગામડાંઓમાં, ગલીઓના ખૂણેખાંચરે અને ખેતરોમાં ફટાકડાની ગેરકાનૂની ફૅક્ટરીઓ બની ગઈ છે. એ લોકો લાઇસન્સ લેવા નથી જતા અને અંતરિયાળ જગ્યાએ કામ થતું હોવાથી ઑથોરિટીની નજરે પણ નથી ચડતા. ગ્રીનનું લેબલ લગાવી દેવાથી તેમનો માલ વેચાઈ જાય છે અને પાછું એ લોકો સસ્તું પણ આપે છે. દુખની વાત એ છે કે ગ્રાહકોને પણ સસ્તું મળે તો ત્યાંથી જ લેવા જાય છે. ગ્રીન સર્ટિફિકેટ અને પ્રમાણભૂતતાની અશ્યૉરિટીની ચકાસણી કરવાને બદલે સસ્તું ખરીદાય છે એટલે ગેરકાનૂની કંપનીઓને પણ બઢાવો મળે છે. અમે સંપૂર્ણપણે ગ્રીન સર્ટિફાઇડનો આગ્રહ રાખીએ છીએ અને લાઇસન્સ્ડ કંપનીઓનો જ માલ વેચીએ એટલે અમારો માલ મોંઘો લાગે છે. ફેરિયો કંઈ પણ વેચીને નૌ દો ગ્યારહ થઈ જાય છે અને પોલીસ તેમ જ અન્ય એજન્સીઓ પણ જેઓ કાનૂની ધોરણે કામ કરે છે તેમને જ સવાલ પૂછે છે.’


ગ્રીન ફટાકડા પર આવો લોગો છાપેલો હોય છે અને QR કોડ હોય છે. એ સ્કૅન કરીને ફટાકડાનું ગ્રીન સર્ટિફિકેટ તમે ચેક કરી શકો છો. 

ફટાકડાની ઇન્ડસ્ટ્રી વિશે જાણવા જેવું

૨૦૨૫માં ભારતનું ફટાકડાનું માર્કેટ લગભગ ૬૦૦૦ કરોડ રૂપિયાનું હતું. ફટાકડાની ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૮૫ ટકા હિસ્સો તામિલનાડુના સિવાકાસીનો છે એટલે જ એને ભારતની ફટાકડાની રાજધાની કહેવાય છે. અહીં વર્ષે લગભગ ૫૧૦૦ કરોડ રૂપિયાના ફટાકડાનું ઉત્પાદન થાય છે.

આ વર્ષે અનેક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ માર્કેટને ખાસ અસર પડે એમ નથી. એનું કારણ છે સિવાકાસીમાંથી આ વખતે ફટાકડા એક્સપોર્ટ પણ થઈ રહ્યા છે. સિવાકાસી ફાયરવર્ક્સ મૅન્યુફૅક્ચર અસોસિએશનનો દાવો છે કે આ વખતે એવા દેશોમાંથી ડિમાન્ડ આવી છે જે અત્યાર સુધી ચીન પાસેથી જ ફટાકડા ખરીદતા હતા.

ભારતમાં ફટાકડા સંપૂર્ણપણે હૅન્ડમેન્ડ પ્રોડક્ટ છે. દેશભરમાં જેટલા ફટાકડા ફૂટે છે એ માટે ફટાકડાની ફૅક્ટરીઓ આખું વર્ષ કામ કરે છે. એનું કારણ એ છે કે આ ફૅક્ટરીઓમાં દરેકેદરેક ફટાકડો હાથથી બનાવાય છે. ચકરડી જેવો એક ફટાકડો બનાવવા માટે ૬ સ્ટેજમાં કામ થાય છે. હાથથી કાગળની અંદર ચોક્કસ કેમિકલ્સ ભરીને એનાં લેયર્સ બનાવીને દરેક વખતે એને સૂકવવા માટે ખુલ્લામાં મૂકવામાં આવે છે.

ચીનમાં ફટાકડા બનાવવા માટે ઘણી પ્રક્રિયાઓ ઑટોમેશનથી થાય છે. અહીં મશીનો ઉપરાંત ફટાકડા સૂકવવા માટે હીટર્સ પણ અલાઉડ હોવાથી ચીનમાં ફટાકડાનું ઉત્પાદન બહુ મોટી માત્રામાં શક્ય છે.  

ગેરકાનૂની ધોરણે ફટાકડા વેચતા લોકો સામે ફાયરવર્ક્સ અસોસિએશન કેમ કોઈ પગલાં નથી લેતું? આ વિશે જ્યારે મુંબઈ અને થાણે ડિસ્ટ્રિક્ટ ફાયરવર્ક્સ ડીલર્સ અસોસિએશનના ઑનરરી સેક્રેટરી મિનેશ મહેતાને પૂછ્યું તો તેમણે અસહાયતા વ્યક્ત કરતાં કહ્યું, ‘અમારું માત્ર એક અસોસિએશન છે. અમારા બાયલૉઝમાં અમે સાથી ડીલર્સને જાગૃત કરી શકીએ, એમને જરૂરી માહિતી આપીને રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફૉલો કરવા માટેનો સર્ક્યુલર બહાર પાડીને સમજાવી શકીએ. અમારી પાસે કોઈની ઊલટતપાસ કરવાનો કે ડેટા માગવાનો અધિકાર નથી. અસોસિએશનના લેવલ પર એ એન્શ્યૉર થઈ શકતું નથી. ઇન ફૅક્ટ, લાલચુ લોકોને કારણે આખી ટ્રેડ-ઇન્ડસ્ટ્રી પર સવાલ ખડો થાય છે એ પણ એટલી જ ચિંતાનો વિષય છે. પોલીસો અને ઑથોરિટીને એમાં બ્લેમ કરી શકાય એમ નથી. ખૂણેખાંચરે થતી કેટકેટલી જગ્યા પર પોલીસો નજર રાખે?’

સેફ્ટી પણ મોટી કન્સર્ન

અત્યારે મુદ્દો માત્ર પ્રદૂષણનો જ ચર્ચાય છે, પરંતુ ફટાકડા બનાવતી ઇન્ડસ્ટ્રીમાં સેફ્ટી પણ બહુ જ મોટી કન્સર્ન હોય છે. અસોસિએશનના લેવલ પર કર્મચારીઓની સેફ્ટી બાબતે અમે ખૂબ સજાગ રહીએ છીએ. એ વિશે વાત કરતાં મિનેશ મહેતા કહે છે, ‘તમે જોયું હોય તો જ્યારે પણ ફટાકડાની ફૅક્ટરી કે દુકાનમાં અનહોની કે ઍક્સિડન્ટ થાય છે ત્યારે ૯૫ ટકા કેસમાં એ ગેરકાનૂની જ હોય છે કાં તો કૅપેસિટી કરતાં વધુ માત્રામાં ઉત્પાદન થતું હોય છે. જ્યાં લાઇસન્સ્ડ ફટાકડા બને છે એ ફૅક્ટરીઓમાં સૂર્યોદય સાથે કામ શરૂ થાય છે અને સૂર્યાસ્ત થાય એ પહેલાં કામ બંધ થઈ જાય છે. આ યુનિટ્સમાં લાઇટ્સ તો દૂરની વાત છે, પંખો સુધ્ધાં નથી રાખતા. યુનિટમાં બારી-બારણાં અને હવા-ઉજાસ પૂરતાં હોય એની પણ સુનિશ્ચિત ગાઇડલાઇન્સ હોય છે જે ફૉલો કરવામાં આવે છે. મોટા ભાગે જ્યાં આવાં ફૅક્ટરી યુનિટ્સ હોય છે ત્યાં અમે લીમડાનાં ઝાડ વાવીએ છીએ. એ ઘેઘૂર હોય છે અને એનાથી કુદરતી રીતે જ ઠંડક મળી રહે છે. અમારા ગોડાઉન્સ પણ અમે શહેરી વિસ્તારોથી લગભગ ૭૦-૧૦૦ કિલોમીટર દૂર રાખીએ છીએ. આ ગોડાઉનમાં પણ લાઇટ્સ નથી હોતી. માલ મૂકવા-કાઢવાનું કામ પણ અમે દિવસના અજવાળામાં કરી લઈએ. નાછૂટકે અંધારામાં માલ કાઢવો-મૂકવો પડે તો મોટી ટૉર્ચ વાપરીએ.’

અવાજ અને ઍર પૉલ્યુશનનો ઉકેલ શું? 

ગણેશ ચતુર્થી અને દુર્ગા પૂજામાં પણ ખૂબ અવાજ અને હવાનું પ્રદૂષણ થયેલું. હવે દિવાળી અને ક્રિસમસમાં પણ વધારો થશે. દર વર્ષે આ બાબતે અવાજ ઉઠાવતાં સુમૈરા અબ્દુલઅલી કહે છે, ‘૨૦૦૩થી મેં આ બાબતે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. પ્રદૂષણ રોકવા માટે ગ્રીન ફટાકડાનો કન્સેપ્ટ આવ્યો. જોકે એમાં પણ પૂરું અમલીકરણ નથી થતું. હવે હું માનું છું કે ગ્રીન ફટાકડાને પણ માન્યતા ન આપવી જોઈએ. જો સરકાર અને ઑથોરિટી નિયમોનું પાલન ન કરાવી શકતાં હોય તો આવી વ્યવસ્થાનું કામ જ શું છે? મુંબઈ અત્યારે દિવાળીના સેલિબ્રેશન પહેલાં જ પ્રદૂષણની રેન્જ પાર કરી ગયું છે તો હવે આવનારા સમયમાં તો શું થશે?’

તો શું તમે તહેવારોના સેલિબ્રેશનને સાવ જ ફિસ્સું રાખવું જોઈએ એવું માનો છો? એના જવાબમાં સુમૈરા અબ્દુલઅલી એક ઉકેલ સૂચવતાં કહે છે, ‘સેલિબ્રેશનનો જરાય વિરોધ નથી, પરંતુ એવું સેલિબ્રેશન થવું જોઈએ જેનું રેગ્યુલેશન સરકારના હાથમાં હોય. દરેકના હાથમાં ફટાકડો આપી દેવાથી ઑથોરિટી પૂરતું નિયમન નથી કરી શકતી. એને બદલે સરકારે લેઝર જેવો ઉકેલ લાવવો જોઈએ. હું અમેરિકા ગયેલી ત્યાંની વ્યવસ્થા મને ગમી. ૪ જુલાઈએ અમેરિકાના ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીમાં સરકારે જ લેઝર શો યોજ્યો હતો. લોકોએ આતશબાજીનો લુત્ફ પણ ઉઠાવ્યો અને એટલું પૉલ્યુશન પણ ન થયું. હું માનું છું કે લેઝરનો ઑપ્શન પણ લોકોના હાથમાં ન આપવો જોઈએ. સરકાર દ્વારા એનું સેન્ટ્રલી નિયંત્રણ થવું જોઈએ. નહીંતર એનાથી થનારા લાઇટના પૉલ્યુશનની બીજી સમસ્યા મોં ફાડીને ઊભી થશે.’

પ્રદૂષણ અને પાબંદીઓને કારણે પલાયન

દર દિવાળીએ ફટાકડા સામે વિરોધના સૂર ઊભા થઈ જતા હોવાથી હવે મુંબઈમાં અનેક વેપારીઓએ વ્યવસાય બદલી નાખ્યો છે. અમે વર્ષોથી ફટાકડાનો સીઝનલ બિઝનેસ કરનારા ૩ વેપારીઓનો સંપર્ક કર્યો ત્યારે ખબર પડી કે તેમણે આ બિઝનેસ છોડી દીધો છે. મસ્જિદ બંદરમાં એક સમયે મોટું નામ ધરાવતા ડીલરે કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દિવાળીમાં ફટાકડાની માર્કેટ ધમધમતી હતી. અમે એ સોનેરી યુગ જોયો છે, પરંતુ હવે આ ક્ષેત્રમાં રેગ્યુલેશન્સ અને અનિશ્ચિતતા વધી ગઈ છે. ધંધાની સીઝનમાં જ પ્રદૂષણના નામે ખૂબ દબાણ આવે છે. આપણે ગ્રીન ફટાકડા બાબતે ગમેએટલી કાળજી રાખતા હોઈએ, પરંતુ ખુદ મૅન્યુફૅક્ચરિંગ ન કરતા હોવાથી આપણે પણ માલ સપ્લાય કરતી કંપનીના લાઇસન્સ પર જ નિર્ભર રહેવું પડે છે. હવે જ્યારે બૉમ્બે હાઈ કોર્ટે જાહેર સ્થળો પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવી છે ત્યારે આ ઇન્ડસ્ટ્રીનો શું ચાર્મ રહેશે? ઇન ફૅક્ટ, આ નિયમનું પાલન મુંબઈ પોલીસ કઈ રીતે કરાવશે એ પણ અસમંજસનો વિષય છે. આ વખતે ભારે અનિશ્ચિતતાઓ સરજાઈ છે. હું અંગત રીતે કહીશ કે ગ્રીન ફટાકડાઓથી પ્રદૂષણ થાય છે, પરંતુ એ ખૂબ જ ઓછું છે. સરકારી એજન્સીઓએ જ એ કેમિકલ ફૉર્મ્યુલેશન આપ્યું છે. એનો અમલ થાય તો ખરેખર જ કોઈ વાંધો નથી.’

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 01:12 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK