૨૦૨૫માં થયેલી વસ્તીગણતરી મુજબ સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં ૧૦૦થી વધુ સિંહ નોંધાયા છે. એમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ૩૩૯, ગીર સોમનાથ જિલ્લામાં ૨૨૨, જૂનાગઢ જિલ્લામાં ૧૯૧ અને ભાવનગર જિલ્લામાં ૧૧૬ સિંહ નોંધાયા છે.
ગીરમાં પરિવાર સાથે વનકેસરી. તસવીર : ભૂષણ પંડ્યા
ગુજરાતના ગૌરવસમા ગીરના એશિયાટિક સિંહોની સંખ્યા સતત વધી રહી હોવાથી હવે એ પહોંચી ગયા છે ગુજરાતના ૧૧ જિલ્લાઓ સુધી : ક્યાંક સિંહોની પજવણી થાય છે તો ક્યાંક સિંહો માણસનું લોહી ચાખી ગયા છે ત્યારે માનવ-સાવજનું સહઅસ્તિત્વ જોખમમાં મુકાયું છે : આજે જૂનાગઢમાં ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન મળવાનું છે ત્યારે આ બદલાયેલી પરિસ્થિતિનાં કારણો અને સંભવિત સમાધાનો વિશે ચર્ચા કરીએ ગુજરાતના પર્યાવરણપ્રધાન, સિંહપ્રેમીઓ અને સિંહો સાથે રહેતા ગ્રામજનો સાથે
ગુજરાતના સિંહો આજકાલ ચર્ચામાં છે. આમ તો ગીરના સિંહો ગુજરાત તેમ જ દેશ માટે ગૌરવ છે. સિંહોની સંખ્યા પણ વધતી જઈ રહી છે ત્યારે સિંહો ગીરના જંગલ પૂરતા સીમિત ન રહેતાં હવે તો ગુજરાતના ૧૧ જિલ્લા સુધી પહોંચી ગયા છે. ૨૦૨૫માં થયેલી સિંહોની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં ૮૯૧ સિંહ છે. આ સિંહો માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે એવું નથી. તમને સિંહો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુત્રાપાડા, કોડીનાર, રાજુલા, જાફરાબાદ પંથકમાં પણ જોવા મળશે તો ઘૂઘવતા દરિયાકાંઠે પણ ક્યારેક સિંહો આંટાફેરા મારતા દેખાઈ જાય. સિંહો અને માણસોને એકસાથે ફાવી પણ ગયું છે. વર્ષોથી સાથે પણ રહે છે. જોકે છેલ્લા કેટલાક સમય દરમ્યાન સૌરાષ્ટ્રમાં બનેલી ઘટનાઓને કારણે માનવીઓ સાથેના સિંહોના સહઅસ્તિત્વ સામે સવાલો ઊઠ્યા છે.
ADVERTISEMENT
સિંહો અને માનવીઓ વચ્ચે વર્ષોથી મિત્રતા જેવો વ્યવહાર ચાલતો રહ્યો છે, પણ આ મિત્રતા વચ્ચે જાણે કે દીવાલ ઊભી થઈ રહી છે. એક યા બીજી રીતે થતી સિંહોની પજવણીના કિસ્સા અવારનવાર બહાર આવી રહ્યા છે. સિંહો પર ક્યાંક હુમલા થાય છે તો ક્યાંક સિંહો પણ હવે જાણે કે માણસનું લોહી ચાખી ગયા હોય જેવો ઘાટ છે. જૂનાગઢમાં ગીર અને સિંહ બચાવો સંમેલન યોજાવા જઈ રહ્યું છે જેમાં ગીરમાં દબાણો, માનવીઓ અને વન્યપ્રાણીઓ વચ્ચે વધતા ઘર્ષણ, પ્રાણીઓના કૉરિડોરના સંરક્ષણ સહિતના મુદ્દે ચર્ચા અને ચિંતન થશે. આજે આપણે સિંહપ્રેમીઓ, ગુજરાતના વનપ્રધાન, અસરગ્રસ્ત ગામના આગેવાન, સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ, માનદ વાઇલ્ડલાઇફ વૉર્ડન અને લાયન કન્ઝર્વેશન સોસાયટીના ભૂતપૂર્વ સભ્યો સાથે વાત કરીને તાગ મેળવવાની કોશિશ કરીએ કે સિંહોની થતી પજવણી, તેમનું બદલાયેલું વર્તન તેમ જ ગીર અને બૃહદ ગીરમાં સાવજો સાથે સહઅસ્તિત્વ ધરાવતા ગ્રામજનોની કેવી સ્થિતિ છે.

સિંહદર્શન માટે ગીરના જંગલમાં આવતા ટૂરિસ્ટો.
૧૯૮૦ના દાયકામાં સિંહ નીકળ્યો હતો પહેલી વાર ગીરની બહાર
હવે માત્ર સિંહો ગીરના જંગલમાં જ નથી રહેતા, ગીરની બહાર નીકળીને જ્યાં એમને અનુકૂળ વાતાવરણ લાગ્યું હોય ત્યાં વસવાટ કરવા લાગ્યા છે. પહેલી વાર ૧૯૮૦ના દાયકામાં ગીરમાંથી સિંહ બહાર નીકળ્યો હતો. ગીરમાંથી બહાર નીકળેલા સિંહોના મુદ્દે વાત કરતાં ભૂષણ પંડ્યા કહે છે, ‘૧૯૮૦ના દાયકામાં ગીરમાંથી સિંહો બહાર નીકળવા લાગ્યા હતા. ૧૯૮૫માં જ્યારે સિંહોની વસ્તીગણતરી થઈ ત્યારે જૂનાગઢમાં ગિરનારમાં ૪ કે પાંચ સિંહ નોંધાયા હતા. જોકે ત્યારે સિંહોની એટલી બધી સંખ્યા નહોતી. નીલગાય, જંગલી ભૂંડ, હરણ જેવા સિંહના શિકાર બહાર જવા લાગ્યા અને એની પાછળ-પાછળ સિંહ પણ ગીરની બહાર જવા લાગ્યા અને જ્યાં એમને અનુકૂળ લાગ્યું ત્યાં સેટલ થઈ ગયા. ૧૯૮૫થી સિંહો બહાર જવાના શરૂ થયા હતા. ત્યારે તો ફૉરેસ્ટ વિભાગવાળા બહાર જતા રહેલા સિંહોને પકડીને પાછા ગીરમાં લઈ આવતા હતા.’

નવાનગર નેચર ક્લબ, જામનગરના પ્રમુખ વિજયસિંહ જાડેજા.
એશિયાઈ સિંહ બચાવો સંમેલન
જૂનાગઢમાં પાંચમી જુલાઈ એટલે કે આજે ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન થવાનું છે. આ સંમેલન પાછળનો હેતુ શું છે એ વિશે વાત કરતાં સંમેલનના આયોજક અને નવાનગર નેચર કલબ, જામનગરના પ્રમુખ વિજયસિંહ જાડેજા આક્ષેપ કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં સિંહોના સંરક્ષણ, માલધારીઓના પુનર્વસન, ગેરકાયદે રિસૉર્ટ, વન્યજીવ કૉરિડોરના સંરક્ષણ તેમ જ અન્ય પર્યાવરણના મુદ્દાઓને લઈને ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગીર અને એશિયાઈ સિંહ બચાવો સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ગુજરાતભરના અંદાજે ૧૦૦ જેટલા સિંહપ્રેમીઓ, પ્રકૃતિપ્રેમીઓ, પર્યાવરણવિદો એકઠા થશે અને મનોમંથન કરશે. ગીરના સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ, વન્યજીવ હૅબિટાટ અને કૉરિડોરના સંરક્ષણ, માનવો અને વન્યપ્રાણીઓ વચ્ચેના સંઘર્ષ, જંગલ-વ્યવસ્થાપન, પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને પડતી સમસ્યાઓ વિશે વિચારવિમર્શ કરવામાં આવશે.’
પહેલી વાર દરિયાકિનારે ટહેલતી સિંહણનો ફોટો ક્લિક થયો ૧૯૯૬માં
ગીરના જંગલમાં રહેતો સિંહ પરિવાર હવે તો દરિયાકિનારા સુધી પહોંચી ગયો છે એની વાત કરતાં ભૂષણ પંડ્યા કહે છે, ‘૧૯૯૬માં કોડીનાર-સુત્રાપાડા પાસે દરિયાકિનારે ફરતી સિંહણનો ફોટો મેં પાડ્યો હતો. સિંહ તો ૧૯૯૦થી દરિયાકિનારે ફરતા હતા એવું સંભળાતું હતું. હવે તો રાજુલા અને જાફરાબાદ સુધી પહોંચી ગયા છે. જોકે દરિયાકિનારે સિંહણ હોય, પાછળ દરિયો દેખાતો હોય એવો સૌથી પહેલો ફોટો પાડ્યો હોય એ ફોટોગ્રાફર હું હતો. દરિયાકિનારે એક સિંહ, એક સિંહણ અને એમનાં બે-ત્રણ બચ્ચાં હતાં. તેઓ ગાંડા બાવળના છાંયામાં બેઠાં હતાં.’

સિંહપ્રેમી પરિમલ નથવાણી
પહેલાં જૂનાગઢથી જંગલ શરૂ થઈ જતું
ગીરના સિંહોને હવે ગીરનું જંગલ નાનું પડી રહ્યું છે કેમ કે સંખ્યા વધી રહી છે.સિંહો ગીરની બહાર ફેલાઈ રહ્યા છે એ વિશે વાત કરતાં વિજયસિંહ જાડેજા કહે છે, ‘ગીર જંગલ અને આજુબાજુમાં થયેલાં દબાણોને કારણે સિંહ બહાર નીકળ્યા છે એ સનાતન સત્ય છે. ગીરના જંગલમાં રિસૉર્ટનું દબાણ વધ્યું છે. પહેલાંના લોકો કહેતા હતા કે જૂનાગઢથી જંગલો શરૂ થઈ જતાં હતાં, પણ હવે જૂનાગઢ એટલું વિશાળ થઈ ગયું છે કે તમારે જંગલ ગોતવું પડે. દબાણો ઉપરાંત સિંહોની સંખ્યા પણ વધી છે એટલે એ રીતે પણ સિંહો બહાર નીકળ્યા છે. પહેલાં જંગલ વિશાળ હતું, હવે જંગલનો વિસ્તાર નાનો પડે છે.’

રાજુલા તાલુકાના ભેરાઈ ગામે બે સિંહણની યાદમાં બનાવેલું સિંહણ સ્મૃતિ સ્મારક અને એની બહાર ઊભેલા વિપુલ લહેરી.
વધુપડતો હસ્તક્ષેપ સિંહોને અકળાવી શકે
છેલ્લા કેટલાક સમયથી સિંહોના બદલાયેલા વર્તન પાછળનાં કારણો વિશે વાત કરતાં સિંહપ્રેમી, વન્યજીવપ્રેમી અને રાજ્યસભાના સંસદસભ્ય પરિમલ નથવાણી ‘મિડ-ડે’ને કહે છે, ‘સિંહ વન્યજીવ છે. માનવો અને એમની રીતભાતોનો વધુપડતો હસ્તક્ષેપ સિંહોને અકળાવી શકે. દાખલા તરીકે બૅન્ડવાજાં કે ડિસ્ક જૉકી (DJ)નો કાન ફાડી નાખે એવો અવાજ, આંખોને આંજી નાખતી વીજળીની રોશની, વાહનોનો ઘોંઘાટ સિંહોને એમની પોતાની જીવનશૈલીમાંથી વધુ અને સતત વિચલિત કરે ત્યારે સિંહ અચાનક આક્રમક અને હિંસક બની શકે એવું મારું માનવું છે. તેથી સિંહોના વસવાટ અને અવરજવરના માર્ગોમાં માણસો એમને નડે નહીં તો સિંહ જંગલના રાજા તરીકે શાહી ઠાઠમાં રહે અને માણસ પર હુમલા ન કરે એમ હું માનું છું.’
સિંહોની રંજાડથી ગ્રામજનોના જીવ અધ્ધર
સૌરાષ્ટ્રમાં સિંહ દ્વારા માણસો પર હુમલાની ઘટનાથી સૌરાષ્ટ્ર પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા થોડા સમયમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓના માણસો પર હુમલાની પાંચ ઘટના બની છે, જેમાં ૪ કેસમાં માણસોનાં મૃત્યુ થયાં હોવાની વિગતો બહાર આવી છે. થોડા દિવસ પહેલાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા ચતુરી ગામે રાતે એક સિંહણ પાંચ વર્ષના બાળક પર હુમલો કરીને લઈ જતાં બાળકનું મોત થયું હતું. આ ગામના સરપંચ કમલેશ જાની ‘મિડ-ડે’ને કહે છે, ‘રેવન્યુ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી ગઈ છે. ગામોમાં સિંહોની અવરજવર વધી ગઈ છે. તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે રેવન્યુ વિસ્તારમાં સિંહ અને દીપડાના કારણે અત્યારે લોકો શાંતિથી જમી પણ શકતા નથી. ક્યારે કોના પર હુમલો કરે એ કોને ખબર છે? સિંહોની રંજાડથી લોકો તકલીફમાં મુકાયા છે. લોકો પહેલાં શાંતિથી ઘરેથી ખેતર–વાડીએ જતા, બાળકો સ્કૂલમાં જતાં; પણ હુમલાઓ થયા પછી હવે લોકોને ડર લાગી રહ્યો છે. એકલા અમરેલી જિલ્લાનાં ગામોની આ વાત નથી. બોટાદ અને ભાવનગર જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં પણ સિંહ આંટા મારે છે.’

સુત્રાપાડાના દરિયાકિનારે ટહેલતી સિંહણની ૧૯૯૬માં ક્લિક કરેલી તસવીર. તસવીર : ભૂષણ પંડ્યા, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર
પહેલાં ફૉરેસ્ટ એરિયામાં ગાયો-ભેંસો ચરતી
પહેલાંના સમયમાં જંગલ વિસ્તારની આસપાસનાં ગામોના પશુપાલકો ગાય-ભેંસ જેવાં ઢોરઢાંખરને લઈને જંગલ વિસ્તારમાં ચરાવવા જતા હતા, પણ હવે એ બંધ થઈ ગયું છે. આ વિશે વાત કરતાં કમલેશ જાની કહે છે, ‘સિંહો માનવભક્ષી બનવાનું એક જ કારણ છે કે ફૉરેસ્ટ એરિયામાં ગાય-ભેંસને ચરાવવા માટે માલધારીઓને પહેલાં જવા દેવાતા હતા એ હવે બંધ કર્યું એટલે સિંહ ખોરાક માટે બહાર નીકળે છે. સિંહ ગાય-ભેંસને મારી નાખે તો પણ માલધારીઓ બોલતા નહોતા. સિંહોને ખોરાક મળી રહેતો હોવાથી બહાર નીકળતા નહીં. હવે જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા પર પ્રતિબંધ છે. સિંહોના હુમલાનો અમરેલી જિલ્લામાં પાંચમો બનાવ બન્યો છે ત્યારે પગલાં લેવાં પડશે, સિસ્ટમ બદલવી પડશે.’
ફરી જંગલભણી લઈ જાઓ
સિંહોના વધતા હુમલાને કારણે ગ્રામવાસીઓ દ્વારા સિંહોને પાછા જંગલમાં લઈ જવાની માગણીઓ થઈ રહી છે. કમલેશ જાની કહે છે, ‘અમારી માગણી છે કે સિંહ અને દીપડાઓને રેવન્યુ વિસ્તારમાંથી હટાવીને જંગલમાં લઈ જવામાં આવે અને જંગલ ફરતી ફૅન્સિંગ કરવામાં આવે. બીજી માગણી એ છે કે જંગલ વિસ્તારની અંદર દસથી ૧૫ કિલોમીટર સુધી માલધારીઓને ગાય-ભેંસ ચરાવવા માટે જવા દેવામાં આવે, જેથી સિંહ-દીપડાને ખોરાક મળી રહેશે અને માનવજાત શાંતિથી વસવાટ કરી શકે. પહેલાં સિંહો માણસો પર હુમલા કરતા નહોતા. જંગલમાં મારણ થતાં હતાં અને સિંહો શાંતિથી ખોરાક લેતા હતા, પણ સિંહો હવે રેવન્યુ વિસ્તારમાં આવી ગયા છે. એમની પજવણીના કિસ્સા વધી ગયા છે. સિંહદર્શન કરવાનો, ફોટોગ્રાફી કરવાનો ક્રેઝ વધ્યો છે. સિંહની પાછળ ગાડીઓ ફરે છે. ઘણાં ગામો એવાં છે જે જંગલને અડીને આવ્યાં છે ત્યાં સિંહો હુમલા કરે છે.’
બે સિંહણ માટે બન્યું છે સિંહણ સ્મૃતિ સ્મારક રાજુલા-ક્વીન સિંહણ ફરીને આવી ગઈ પાછી
આપણે ત્યાં વ્યક્તિવિશેષનાં સ્મારકો ઘણાં જોવા મળે છે, પરંતુ સિંહણ માટે સ્મારક બનાવ્યું હોય એવું રૅર કેસમાં જોવા મળે. રાજુલા તાલુકામાં આવેલા સિંહણ સ્મૃતિ સ્મારક વિશે વાત કરતાં વિપુલ લહેરી કહે છે, ‘પીપાવાવથી રેલવેની અંદરની બાજુ બ્રૉડગેજ રેલવેલાઇન બાજુએ સુંદરી અને રૂપસુંદરી નામની બે સિંહણ લોકોમાં પૉપ્યુલર હતી. બધાની વચ્ચે આ બે સિંહણ રહેતી હતી. જોકે આ બન્ને સિંહણ રેલવે-અકસ્માતમાં મૃત્યુ પામી હતી એટલે એમનું સ્મારક બનાવવાનું વિચાર્યું. રાજુલા તાલુકાના ભેરાઈ ગામે એક ભાઈએ રેલવે-ટ્રૅક પાસે જમીન આપી એમાં બે સિંહણની યાદમાં ૨૦૧૨-’૧૩માં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું હતું. સંભવિત રીતે દુનિયાનું આ એકમાત્ર સિંહણ સ્મૃતિ સ્મારક હશે. આ સ્મારકમાં બે સિંહણના ફોટો મૂક્યા છે. વર્ષમાં જ્યારે વિશ્વ સિંહ દિવસ આવે ત્યારે બધા સિંહપ્રેમીઓ અહીં એકઠા થાય છે અને સિંહચાલીસા કરે છે, આરતી કરે છે અને પ્રસાદનું આયોજન પણ કરે છે. આ દિવસે બે સિંહણને યાદ કરીને સિંહોના રક્ષણ માટે સંકલ્પ પણ લે છે. અમારા વિસ્તારમાં રાજુલા-ક્વીન તરીકે સિંહપ્રેમીઓમાં ઓળખાતી એક સિંહણ છે. એને થોડાં વર્ષ પહેલાં પકડીને સાસણ લઈ ગયા હતા. જોકે એ સિંહણને અહીં ફાવી ગયું હોવાથી એનાં બે બચ્ચાં સાથે પોરબંદર થઈને લગભગ ૩૦૦થી વધુ કિલોમીટર ફરીને પાછી રાજુલામાં આવી ગઈ હતી.’
માણસ કરતાં છથી આઠગણું વધુ સાંભળી શકે છે સિંહ
ગીરના ડાલામથ્થા સિંહ શક્તિશાળી તો છે જ, પરંતુ એમનામાં રહેલી ખૂબીઓને નજીકથી જેમણે સમજી છે એવા વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર, સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ, ગુજરાતના ભૂતપૂર્વ સભ્ય તેમ જ ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરીમાં જેમને ઑબ્ઝર્વર તરીકે આમંત્રિત કરાય છે તે રાજકોટના ૭૧ વર્ષના ભૂષણ પંડ્યા ‘મિડ-ડે’ને કહે છે, ‘હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી માટે ૪૦ વર્ષથી ગીરમાં રેગ્યુલર જાઉં છું. ફૉરેસ્ટ વિભાગ દ્વારા ૧૯૯૫થી ૧૯૯૮માં બાયોડાઇવર્સિટી પર ગીરમાં ડૉક્યુમેન્ટેશન કર્યું હતું. લગભગ સાડાત્રણ વર્ષ સુધી ત્યાં સતત કામ કર્યું છે એટલે સિંહોને નજીકથી જોવાનો અને સમજવાનો ચાન્સ મને મળ્યો હતો. સિંહની સાંભળવાની શક્તિ અને જોવાની શક્તિ આપણા કરતાં પાવરફુલ છે. સિંહ માણસ કરતાં છથી આઠગણું વધુ સાંભળી શકે એવી પાવરફુલ શક્તિ ધરાવે છે. ગીર ફરતે હોટેલો અને રિસૉર્ટ વધી ગયાં છે. સિંહની મૂવમેન્ટ માટેના વાઇલ્ડલાઇફ કૉરિડોર બ્લૉક થઈ ગયા છે. DJ વાગે ત્યારે આપણે થોડાઘણા ઘોંઘાટમાં ડિસ્ટર્બ થતા હોઈએ તો સિંહોને આટલા અવાજમાં કેટલું ડિસ્ટર્બન્સ થતું હશે? આવી પરિસ્થિતિના હિસાબે સિંહ ઘણી વખત અટૅકિંગ નેચરનો થઈ જાય એવું પણ બને.’

વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને સ્ટેટ બોર્ડ ફૉર વાઇલ્ડલાઇફ ગુજરાતના ભૂતપૂર્વ સભ્ય ભૂષણ પંડ્યા.
શિકારની શોધમાં નીકળે છે સિંહ
સિંહોના શિકાર અને એમની ડાયટ વિશે વાત કરતાં ભૂષણ પંડ્યા કહે છે, ‘સિંહો લગભગ ૧૮થી ૨૦ કલાક આરામ કરે છે અને રાત્રે શિકારની શોધમાં નીકળે છે. નીલગાય, જંગલી ભૂંડ, હરણ જેવાં પ્રાણીઓ સિંહને મળી રહે છે. સિંહની ૬૦ ટકા ડાયટ નીલગાય અને જંગલી ભૂંડ છે. બીજી તરફ ગેરકાયદે લાયન્સ શો વધી રહ્યા છે અને આવા શો કરતાં લોકો પકડાય તો તંત્ર દ્વારા દંડ પણ કરવામાં આવે છે. જોકે ઘણી વાર સિંહ શિકાર કરવા નીકળ્યો હોય કે પછી મારણ કર્યું હોય તો એ ખાવા આવે ત્યારે આ લોકો લાયન-શોનું આયોજન કરેછે. એ જોવા લોકો આવે ત્યારે ઘણી વાર વાહનો લઈને આવે છે. એ વાહનોથી ઘેરી લઈને હેડલાઇટ તેમ જ ટૉર્ચનો પ્રકાશ સિંહ પર ફેંકતા હોય છે. એથી સિંહ ડિસ્ટર્બ થાય છે અને ઘણી વખત તો સિંહનો શિકાર પણ ભાગી જાય છે. એકાદ વખત આવું થાય તો સમજ્યા, પણ વારંવાર થાય તો-તો ભૂખ્યો સિંહ શું કરે? માણસ એકલદોકલ હોય તો સિંહ અટૅક કરી શકે. બીજું, સિંહ શિકાર કરવા સક્ષમ ન હોય, ઘાયલ હોય, ઘરડો થયો હોવાથી શિકાર ન કરી શકતો હોય તો કદાચ માણસ પર હુમલો કરી શકે છે. જોકે આવું બહુ ઓછું બનતું હોય છે, કેમ કે સિંહ સમૂહમાં રહે છે એટલે બીજા સિંહ કે સિંહણના કારણે એને ખોરાક મળી રહે છે.’
બેઝિક પ્રિકૉશન જરૂરી
સિંહોના બદલાયેલા વર્તનને લઈને જંગલ નજીક આવેલાં ગામડાંઓના લોકોએ પોતાના રક્ષણ માટે સાવધ રહેવાની જરૂર છે એ વિશે વાત કરતાં ભૂષણ પંડ્યા કહે છે, ‘દર વર્ષે ખેતીપાક લેવાનો હોય ત્યારે બીજાં રાજ્યોમાંથી ખેતમજૂરો અહીં આવતા હોય છે. ઘણી વખત તેઓ નૉન-વેજ ખાતા હોય છે અને વધેલો ખોરાક આજુબાજુમાં ફેંકતા હોય છે. એની સુગંધથી સિંહ-દીપડા આકર્ષાય છે અને ત્યાં સુધી પહોંચી જતા હોય છે અને મુશ્કેલી સર્જાય છે. આવું ન થાય એ માટે બેઝિક પ્રિકૉશન્સ જરૂરી છે. રાતે બહાર નીકળવાનું થાય તો ટૉર્ચ સાથે રાખવી. એકલા બહાર ન નીકળવું, સાથે લાકડી રાખવી અને લાકડી ખખડાવતા જવું જેથી કદાચ સિંહ કે અન્ય કોઈ પ્રાણી હોય તો નજીક ન આવે.’
સૌરાષ્ટ્રમાં સિંહોના વસવાટ પર નજર
૨૦૨૫માં એશિયાટિક સિંહની વસ્તીગણતરી થઈ હતી, જેમાં કુલ ૮૯૧ સિંહ નોંધાયા હતા. કયા વિસ્તારમાં કેટલા સિંહ વસવાટ કરે છે એના પર એક નજર.
૩૮૪ સિંહ ગીર નૅશનલ પાર્ક ઍન્ડ ગીર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એની આસપાસના વિસ્તારોમાં નોંધાયા છે.
૧૦ સિંહ પાનિયા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં.
૩૨ સિંહ મિતિયાળા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એની આસપાસના વિસ્તારોમાં.
૫૪ સિંહ ગિરનાર વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી અને એની આસપાસના વિસ્તારોમાં.
૨૫ સિંહ સાઉથ વેસ્ટર્ન કોસ્ટ એટલે કે સુત્રાપાડા, કોડીનાર, ઊના અને વેરાવળમાં.
૯૪ સિંહ સાઉથ ઈસ્ટર્ન કોસ્ટ એટલે કે રાજુલા, જાફરાબાદ, નાગેશ્રીમાં.
૧૨૫ અમરેલીના સાવરકુંડલા–લીલિયા અને એની આસપાસના વિસ્તારમાં.
૧૦૩ સિંહ ભાવનગર મેઇનલૅન્ડમાં.
૧૫ સિંહ ભાવનગર કોસ્ટમાં.
૧૭ સિંહ બરડા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં.
૬ સિંહ જેતપુર અને એની આસપાસના વિસ્તારોમાં.
૪ સિંહ બરડા, જસદણ અને એની આસપાસના વિસ્તારોમાં.
કૉરિડોર એરિયામાં બાવીસ સિંહ નોંધાયા છે.
૨૦૨૫માં થયેલી વસ્તીગણતરી મુજબ સૌરાષ્ટ્રના ૪ જિલ્લામાં ૧૦૦થી વધુ સિંહ નોંધાયા છે. એમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાં ૩૩૯, ગીર સોમનાથ જિલ્લામાં ૨૨૨, જૂનાગઢ જિલ્લામાં ૧૯૧ અને ભાવનગર જિલ્લામાં ૧૧૬ સિંહ નોંધાયા છે.
વન્યજીવને પજવવામાં ન આવે
છેલ્લા થોડા સમયમાં સિંહોએ માણસો પર હુમલા કર્યા છે ત્યારે માણસ અને સિંહો વચ્ચે ઘર્ષણ અટકે એ માટે શું કરવુ જોઈએ એ મુદ્દે વાત કરતાં પરિમલ નથવાણી કહે છે, ‘પ્રવાસન-વ્યવસ્થા મુજબ જ માણસો સિંહદર્શન કરે અને સિંહોના વસવાટ નજીક હોટેલો, રિસૉર્ટ વગેરેમાં વેડિંગ ડેસ્ટિનેશન, હાઈ ડેસિબલ પાર્ટીઓ વગેરે ન યોજાવાં જોઈએ. આનંદ ખાતર સિંહ પાછળ વાહન ભગાવીને એને ન ગમતી દોડ લગાવવાની ફરજ ન પાડે, વન્યજીવને પજવવામાં ન આવે, એમના અવરજવરના રસ્તામાં અડચણો ઊભી ન કરે તો કદી માણસ અને સિંહ વચ્ચે ઘર્ષણ ન થાય એવું હું ચોક્કસપણે માનું છું.’
સિંહના વર્તનને સમજે છે માલધારીઓ
માલધારીઓ વર્ષોથી નેસમાં રહેતા આવ્યા છે અને સિંહો સાથે સહઅસ્તિત્વનો નાતો ધરાવે છે ત્યારે માલધારીઓ સિંહના વર્તનને સારી રીતે સમજે છે એ વિશે વાત કરતાં પરિમલ નથવાણી કહે છે, ‘જંગલમાં સાબર કે ચીતળ જેવાં ચપળ પ્રાણીઓનો શિકાર કરવા માટે સિંહે ઘણી મહેનત કરવી પડે છે અને સફળતાનો દર પણ ઓછો હોય છે. એની સરખામણીએ રેવન્યુ વિસ્તારોમાં બાંધેલાં ગાય-ભેંસ જેવાં પશુઓ કે રખડતાં ઢોરનો શિકાર કરવો ખૂબ જ સરળ બને છે, જેમાં ઊર્જા ઓછી વપરાય છે. માનવવસવાટની આસપાસ ફેંકવામાં આવતો કચરો, એંઠવાડ કે મરેલાં પશુઓ સિંહોને આસાનીથી મળી રહે છે. વિજ્ઞાન દર્શાવે છે કે હિંસક પ્રાણીઓ પણ જ્યાં ઓછી મહેનતે ખોરાક મળે ત્યાં જવાનું વધુ પસંદ કરે છે. માલધારીઓ સિંહના વર્તનને ખૂબ સારી રીતે સમજે છે. રાત્રે નેસની આસપાસ ચોક્કસ પ્રકારનો અવાજ કરીને કે લાકડીના સહારાથી જ તેઓ સિંહને પોતાનાં પશુઓથી દૂર રાખવાની પ્રૅક્ટિકલ વ્યૂહરચના વર્ષોથી અપનાવતા આવ્યા છે. આ પ્રકારની તાલીમ રેવન્યુ વિસ્તારમાં આપવી જોઈએ. આ પરંપરાગત સમજણ અને આધુનિક વનવ્યવસ્થાપન બન્ને સાથે મળીને જ ગીરના સિંહોને સુરક્ષિત ભવિષ્ય આપી શકે છે.’
રાજુલા અને જાફરાબાદમાં સિંહોની વસ્તી
ગીરમાંથી સિંહો રાજુલા અને જાફરાબાદ સુધી પહોંચી ગયા એટલું જ નહીં, વિના રોકટોક અહીં વસવાટ કરે છે. આ મુદ્દે ભૂતપૂર્વ માનદ વાઇલ્ડલાઇફ વૉર્ડન, અમરેલી ડિસ્ટ્રિક્ટ, લાયન કન્ઝર્વેશન સોસાયટીના ભૂતપૂર્વ કારોબારી સભ્ય અને રાજુલા નેચર ક્લબના પ્રમુખ વિપુલ લહેરી ‘મિડ-ડે’ને કહે છે. ‘સિંહોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી છે. ગીર ઉપરાંત બૃહદ ગીરમાં સિંહોની સંખ્યા વધુ છે. સિંહોની સંખ્યા વધતાં ગીર જંગલ સિંહોને ટૂંકું પડવા માંડ્યું એટલે સિંહો ગીરની બહાર નીકળ્યા અને અમારા રાજુલા તેમ જ જાફરાબાદ સુધી આવી ગયા છે. હાલમાં અમારા વિસ્તારમાં ૯૫ જેટલા સિંહ વસવાટ કરે છે. ૨૦૧૦-’૧૧માં અમારા વિસ્તારમાં પહેલી વાર સિંહો આવ્યા હતા. આ વિસ્તારમાં લોકો, માલધારીઓ અને સિંહો સારી રીતે રહે છે. ક્યારેય સિંહોએ અટૅક કર્યો નથી, પણ પહેલી વાર જોવા મળ્યું કે આટલા હુમલા થયા છે એમાં સિંહોની કંઈક ને કંઈક પજવણી મુખ્ય કારણ છે. ઘણી વાર સિંહ શિકાર માટે રાતે નીકળે ત્યારે એની પાછળ ગાડીઓ દોડાવે છે, લાઇટ કરીને એને ડિસ્ટર્બ કરે છે જેને કારણે ક્યારેક મુશ્કેલી પણ સર્જાય છે. આવા સમયે ગીર અને બૃહદ ગીરના નિયમોમાં ફેરફાર કરવા જરૂરી છે. બૃહદ ગીરમાં જ્યાં સિંહો છે ત્યાં વનવિભાગનો પૂરતો સ્ટાફ નથી. એક મૅનેજમેન્ટ પ્લાન બનાવવો પડશે. સિંહોની સંખ્યા વધી છે તો બીજાં રાજ્યોમાં પણ મોકલવા માટે વિચારવું જોઈએ.’

ચતુરી ગામે ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી એ સમયે ગામના સરપંચ કમલેશ જાનીએ (હાથમાં આવેદનપત્ર છે) તેમને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.
ટેરિટરી બનાવીને રહે છે સિંહ
સિંહોની સંખ્યા વધતાં ગીરનું જંગલ નાનું પડતાં સિંહો ગીરની બહાર નીકળ્યા છે એ વિશે વાત કરતાં ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘સિંહો ગીરની બહાર નીકળ્યા એનું કારણ એ છે કે સિંહોનો સ્વભાવ ટેરિટરી બનાવીને રહેવાનો છે. હવે સંખ્યા વધી એટલે ટેરિટરીની જગ્યા ઓછી થવા માંડી એટલે સિંહ બહાર નીકળે છે. કોઈ સિંહ ૧૦ સ્ક્વેર કિલોમીટરમાં રહેતા હોય તો કોઈ સિંહ ૧૫ સ્ક્વેર કિલોમીટર જગ્યામાં રહેતા હોય. સિંહો આપોઆપ બહાર નીકળવા માંડ્યા રેવન્યુ એરિયાની અંદર. ભાવનગર સુધી, મહુવા સુધી ઘણા નાના-નાના પૅચ છે, વીડીઓ છે, નદીઓ છે એ એમના માટે અનુકૂળ છે એટલે ત્યાં આવી ગયા.’
સિંહોની થતી પજવણીના મુદ્દે અર્જુન મોઢવાડિયા કહે છે, ‘ના, એમાં તો હવે ઝીરો ટૉલરન્સ છે. સિંહોની પજવણી કરનારને બહુ સિરિયસ્લી લઈએ છીએ એટલે એ તો નહીંવત્ જેવું છે. આવા કેસમાં આરોપીને તરત પકડીને કોર્ટમાં લઈ જઈએ છીએ. સિંહોને હેરાનગતિ થાય તો તરત પગલાં લેવાય છે.’
સિંહોનું અસ્વાભાવિક વર્તન
સિંહોના બદલાયેલા વર્તન અને વ્યવહાર વિશે ગુજરાત સરકાર વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો દ્વારા અભ્યાસ કરાવવાની છે ત્યારે સિંહોના અસ્વાભાવિક વર્તન વિશે વાત કરતાં અર્જુન મોઢવાડિયા કહે છે, ‘સિંહો ૩૫ ડિગ્રીથી ઓછા તાપમાને જીવનારું પ્રાણી છે. વધુપડતો તડકો એનાથી સહન નથી થતો. બહારના ભાગે થોડું ઘટાટોપ જંગલ ન હોય એટલે છાંયો પૂરતો ન મળ્યો હોય, ક્યાંક કોઈ દિવસ પાણી ન મળ્યું હોય, સખત તાપ હોય એટલે એને કારણે આવું અસ્વાભાવિક વર્તન રૅર કેસમાં કરતા હોય છે. બાકી ગુજરાત માટે ગૌરવની વાત છે કે સિંહો તો સહઅસ્તિત્વવાળા છે.’
