Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કન્સ્ટ્રક્શનને પણ સસ્ટેનેબલ બનાવી દીધું ભરૂચના આ કપલે

કન્સ્ટ્રક્શનને પણ સસ્ટેનેબલ બનાવી દીધું ભરૂચના આ કપલે

Published : 02 August, 2026 04:19 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના બે સિવિલ એન્જિનિયરોએ 30,000 ટન ઔદ્યોગિક કચરાનું રિસાયક્લિંગ કરીને ઇકો-ફ્રેન્ડલી ઈંટો અને બાંધકામની સામગ્રી તૈયાર કરી છે, જેનાથી સસ્તાં, ટકાઉ અને કુદરતી રીતે ઠંડાં રહેતાં ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે.

કન્સ્ટ્રક્શનને પણ સસ્ટેનેબલ બનાવી દીધું ભરૂચના આ કપલે

કન્સ્ટ્રક્શનને પણ સસ્ટેનેબલ બનાવી દીધું ભરૂચના આ કપલે


હાલમાં સૌથી વધુ કચરો ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીમાં અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં થતો આવ્યો છે. આ બન્ને ક્ષેત્રોને એકમેકના પૂરક બનાવીને અનોખું સર્જન કર્યું છે ગુજરાતનાં બે સિવિલ એન્જિનિયરો અદિતિ અને વેદાંત ગાંધીએ. તેમણે ૩૦,૦૦૦ ટન ઇન્ડસ્ટ્રિયલ કચરો રીસાઇકલ કરીને એમાંથી એવી ઈંટો અને બાંધકામનું મટીરિયલ તૈયાર કર્યું છે જેથી ઇકો-ફ્રેન્ડ્લી, કુદરતી રીતે ઠંડાં રહી શકે એવાં અને અફૉર્ડેબલ ઘર બની શકે છે. છેલ્લાં ૩ વર્ષમાં આ યુગલે ૪૫૦ ઘર, બે સ્કૂલ અને ૩ સરકારી સંસ્થાઓના બાંધકામ માટેની સામગ્રી બનાવીને ૧૫,૦૦૦ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડ્યું છે. જાણીએ તેમના આ સસ્ટેનેબલ સ્ટાર્ટઅપની સફર વિશે

ગુજરાતનું નામ આવે એટલે વિકાસ અને ઉદ્યોગોની વાત સ્વાભાવિક છે, પરંતુ આ વિકાસની એક બીજી બાજુ પણ છે - ઔદ્યોગિક કચરો. રાજ્યનાં સૌથી મોટાં ઔદ્યોગિક ક્લસ્ટરોમાં ગણાતા અંકલેશ્વરમાં દરરોજ ટનબંધ ફ્લાય ઍશ, સિલિકા સ્લજ અને અન્ય ફૅક્ટરી-વેસ્ટ ઉત્પન્ન થાય છે. વર્ષો સુધી આ કચરો પર્યાવરણ માટે માથાનો દુખાવો બનતો રહ્યો, પરંતુ જ્યાં મોટા ભાગના લોકો સમસ્યા જોઈ રહ્યા હતા ત્યાં ભરૂચનાં મૂળ રહેવાસી અને બાળપણનાં મિત્રો અદિતિ તથા વેદાંત ગાંધીએ એક તક જોઈ. અદિતિ તથા વેદાંત ગાંધી આગળ જતાં માત્ર જીવનસાથી અને 
બિઝનેસ-પાર્ટનર જ ન બન્યાં, બાળપણથી પોતાની આસપાસ જોયેલી ઔદ્યોગિક કચરાની ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવાનો સંકલ્પ પણ કર્યો. આ જ વિચાર સાથે તેમણે અંકલેશ્વરમાં Co2ncrete નામની કંપનીની સ્થાપના કરી જે ફ્લાય ઍશ (થર્મલ પાવર-પ્લાન્ટમાંથી નીકળતો બારીક પાઉડર), સિલિકા સ્લજ અને અન્ય ઔદ્યોગિક કચરામાંથી ઇકો-ફ્રેન્ડલી બાંધકામ-સામગ્રી તૈયાર કરે છે. કંપની દ્વારા વિકસાવવામાં આવેલી આ સામગ્રી પરંપરાગત બાંધકામની સરખામણીએ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બને છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઘરોને વધુ ઠંડક પણ આપે છે. ચાલો જાણીએ કેવી રીતે બાળપણમાં જોયેલી એક સમસ્યાએ આ દંપતીને નવી દિશામાં વિચારવા પ્રેર્યું. ભારોભાર સંઘર્ષથી શરૂ થયેલી તેમની સફર આજે ટકાઉ બાંધકામ-ક્ષેત્રમાં સફળતાની એક પ્રેરણાદાયી કહાની બની છે.



ભરૂચથી ઘાટકોપર અને ફરી ભરૂચ સુધીની સફર


અદિતિ ગાંધી Co2ncreteનાં સહસ્થાપક (Co-founder) અને વેદાંત ગાંધી કંપનીના સહસ્થાપક અને ચીફ ટેક્નૉલૉજી ઑફિસર (CTO) તરીકે નેતૃત્વ સંભાળી રહ્યાં છે. કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ અને સેલ્સની મોટા ભાગની જવાબદારી સંભાળતાં અદિતિ ગાંધી કહે છે, ‘મેં અને વેદાંત બન્નેએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ વેદાંત ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયો હતો, જ્યારે મેં મુંબઈમાં લગભગ ૧૦ વર્ષ સુધી વિવિધ કંપનીઓમાં કામ કરીને વ્યાવસાયિક અનુભવ મેળવ્યો. વેદાંતનો પરિવાર લગભગ ૪૫ વર્ષ સુધી મુંબઈના ઘાટકોપરમાં રહ્યો હતો. બાદમાં તેના દાદાજીએ પેપરની ફૅક્ટરી શરૂ કરવાનો નિર્ણય લીધો અને ૧૯૯૧માં આખો પરિવાર ભરૂચ પાછો આવ્યો. આજે પણ અમારું એક ઘર ઘાટકોપરમાં છે એટલે અમારો એક પગ મુંબઈમાં હોય છે. અમે બન્ને બાળપણથી જ મિત્રો હતાં. સમય જતાં અમારી મિત્રતા બિઝનેસ-પાર્ટનરશિપમાં બદલાઈ અને પછી જીવનસાથી પણ બન્યાં. મારા પરિવારમાં લગભગ બધા જ લોકો નોકરી કરે છે, જ્યારે વેદાંતના પરિવારમાં મોટા ભાગના લોકો બિઝનેસમાં છે. મારા માટે બિઝનેસની દુનિયા એકદમ નવી હતી, પરંતુ વેદાંતની બિઝનેસની સમજ અને મારો કૉર્પોરેટ અનુભવ એકબીજાના પૂરક સાબિત થયાં. આજે પાછળ વળીને જોઈએ તો લાગે છે કે અમારો આ સંયુક્ત અનુભવ જ સ્ટાર્ટઅપ માટે સૌથી મોટી તાકાત બન્યો કેમ કે અમારી શરૂઆત જરાય સહેલી નહોતી.’

કચરામાંથી સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન સુધીની સફર


સ્કૂલ સમયથી જ હું અને વેદાંત સિવિલ એન્જિનિયરિંગમાં રસ ધરાવતાં હતાં, અમને બન્નેને લાગતું હતું કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી હજી પણ સંપૂર્ણ રીતે સસ્ટેનેબલ નથી અને એ વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતી ઇન્ડસ્ટ્રીઓમાંની એક છે એમ જણાવતાં અદિતિ કહે છે, ‘સાથે જ અમે જે વિસ્તારમાં મોટાં થયાં છીએ એ પાનોલી અને દહેજ જેવા વિસ્તારો એશિયાનાં મોટાં કેમિકલ હબ તરીકે ઓળખાય છે. બાળપણથી જ અમે જોયું હતું કે આ ઉદ્યોગો પર્યાવરણ અને માનવ-સ્વાસ્થ્ય પર કેવી અસર કરી શકે છે. આ અનુભવને કારણે જ ભણતર પૂરું કર્યા બાદ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં કંઈક અલગ અને સસ્ટેનેબલ કરવાની ઇચ્છા હતી. સ્ટાર્ટઅપની શરૂઆતથી જ અમારો વિચાર સસ્ટેનેબલ અને 
ઇકો-ફ્રેન્ડ્લી ઈંટો બનાવવાનો નહોતો. કોવિડ દરમ્યાન અમે અનેક અલગ-અલગ વિચારો પર સંશોધન અને પ્રયોગો કર્યાં. એક સમયે પ્લાસ્ટિક-વેસ્ટને રીસાઇકલ કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ થોડા સમય પછી સમજાયું કે એમાં આગળ વધવાની મર્યાદાઓ હતી અને એ લાંબા ગાળાનો ઉકેલ બની શકે એમ નહોતો. ત્યાર બાદ અમે શહેરોની આસપાસ જમા થઈ રહેલા ઔદ્યોગિક કચરાનો ઉપયોગ કરીને સિમેન્ટ-ફ્રી પ્રોડક્ટ કેવી રીતે બનાવી શકાય એ દિશામાં સંશોધન શરૂ કર્યું. છેલ્લાં ઘણાં વર્ષોથી ફ્લાય ઍશમાંથી બનેલી ઇકો-ફ્રેન્ડ્લી ઇંટો બાંધકામ-ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે, પરંતુ એમાં પણ વેસ્ટ સાથે ૩૦થી ૩૫ ટકા સુધી સિમેન્ટનો ઉપયોગ થાય છે જેને કારણે કાર્બન-ઉત્સર્જન સંપૂર્ણપણે દૂર થતું નથી. અમારો હેતુ એવું મટીરિયલ બનાવવાનો હતો જે વધુમાં વધુ સસ્ટેનેબલ હોય અને સિમેન્ટનો સંપૂર્ણ અભાવ હોય.’

મજબૂત ઈંટો, ઠંડાં ઘરો અને મોટાં સપનાં

સ્ટાર્ટઅપની દિશા મળી એમ છતાં ત્યાં સુધી પહોંચવાની સફર બિલકુલ સરળ નહોતી એમ જણાવીને અદિતિ કહે છે, ‘સંશોધન, પ્રયોગો અને યોગ્ય ટેક્નૉલૉજી વિકસાવવામાં અમને ઘણો સમય, મહેનત અને સંઘર્ષ કરવાં પડ્યાં. કહી શકાય કે અમારા સંઘર્ષના લગભગ ૧૦૦૦ દિવસ ખૂબ જ આકરા રહ્યા. આખરે ગયા વર્ષે મે મહિનામાં અમે Co2ncreteની સત્તાવાર શરૂઆત કરી અને આજે ધીમે-ધીમે લોકો સુધી અમારી ટેક્નૉલૉજી અને પ્રોડક્ટ્સ પહોંચી રહી છે. વિવિધ પ્રકારના ઔદ્યોગિક કચરામાંથી તૈયાર કરવામાં આવતી અમારી ઈંટોમાં સિલિકા અને કૅલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જે કાર્બન ડાયૉક્સાઇડને શોષવામાં મદદરૂપ બને છે. એને કારણે પ્રોડક્ટ વધુ મજબૂત બને છે. પરંપરાગત લાલ ઈંટોમાં જેટલી મજબૂતાઈ હોય છે એટલી જ સ્ટ્રેન્ગ્થ અમારી ઈંટોમાં પણ જોવા મળે છે. અમારી ઈંટો વધુ સારું થર્મલ-રેઝિસ્ટન્સ આપે છે જેને કારણે ઘરની અંદર ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. આ પ્રોડક્ટ એ લોકો માટે છે જેમના ઘરમાં ઍર-કન્ડિશનર કે કૂલર નથી હોતાં અને જેઓ અફૉર્ડેબલ ઘર બનાવવા ઇચ્છે છે. અમારી પ્રોડક્ટથી બાંધકામમાં લગભગ ૫૦ ટકા સુધીનો ખર્ચ ઘટાડી શકાય છે. હવે અમે પ્રીકાસ્ટ મિક્સ અને રેડી મિક્સ બન્ને પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જેથી ભવિષ્યમાં વધારે મોટા પ્રોજેક્ટ પર કામ થઈ શકે.’

૩૦ હજાર ટન કચરાથી સર્જાયું ટકાઉ બાંધકામ

પ્રીકાસ્ટ મિક્સ શું છે? પ્રીકાસ્ટ મિક્સ એટલે બાંધકામના એવા ભાગો જે બિલ્ડિંગની સાઇટ પર બનાવવાને બદલે પહેલેથી જ ફૅક્ટરી અથવા નિયંત્રિત જગ્યાએ તૈયાર કરવામાં આવે છે અને પછી સાઇટ પર લઈ જઈને અસેમ્બલ કરવામાં આવે છે. રેડી મિક્સ એટલે બાંધકામની જગ્યા પર સામગ્રી લઈ જઈને બાંધકામ કરવામાં આવે. ઇન્સ્ટાગ્રામ પર Co2ncreteના વિડિયો જોશો તો તમને ખ્યાલ આવી જશે એમ જણાવતાં અદિતિ કહે છે, ‘પ્રીકાસ્ટ એ કન્સ્ટ્રક્શન ક્ષેત્રનું ફ્યુચર છે. એમાં દીવાલની પૅનલ, બીમ, કૉલમ, સ્લૅબ જેવા બાંધકામના ભાગો પહેલાં તૈયાર કરવામાં આવે છે અને પછી સ્થળ પર જઈને ફિટ કરવામાં આવે છે. એને લીધે બાંધકામનો સમય ઓછો થાય છે, ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને કચરો ઓછો થાય છે. નિયંત્રિત વાતાવરણમાં ઉત્પાદન થવાથી સામગ્રીનો બગાડ ઓછો થાય છે. દર વખતે પ્રીકાસ્ટ શક્ય ન બને એટલે રેડી મિક્સ પણ જરૂરી છે. કોઈ પણ ક્લાયન્ટ અમારી પ્રોડક્ટ પર વિશ્વાસ કેમ કરે? એ માટે અમે એક મહત્ત્વનું પગલું લીધું - સૌથી પહેલો પ્રોજેક્ટ. અમે અમારું પોતાનું ૩૦૦૦ સ્ક્વેર ફીટનું ઘર પણ આ જ મટીરિયલથી બનાવ્યું છે. અમે જ્યારે લોકોને કહીએ છીએ કે અમે પોતે પણ આ સામગ્રીથી ઘર બનાવ્યું છે ત્યારે તેમનો વિશ્વાસ વધુ મજબૂત બને છે. અમે અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા છે. સરકાર સંચાલિત ૩ સંસ્થાઓના બિલ્ડિંગમાં આ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય બે સ્કૂલોનું બાંધકામ પણ અમારી ઈંટોના ઉપયોગથી કરવામાં આવ્યું છે. ભરૂચ અને અંકલેશ્વરની આસપાસ લગભગ ૪૫૦ જેટલાં ઘરોના બાંધકામમાં આ સામગ્રીનો ઉપયોગ થયો છે. થોડા સમય પહેલાં જ અમે આ મટીરિયલનો કમર્શિયલ ઉપયોગ પણ શરૂ કર્યો છે. છેલ્લાં ૩ વર્ષમાં આશરે ૩૦,૦૦૦ ટન ઔદ્યોગિક કચરાનું રીસાઇક્લિંગ કરવામાં આવ્યું છે અને એને કારણે લગભગ ૧૫,૦૦૦ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળી છે. આ એક એવું મૉડલ છે જેનું મૅન્યુફૅક્ચરિંગ ભારતમાં કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. જોકે મોટા પાયે વધતી ડિમાન્ડને પહોંચી વળવી અમારી સામે હજી પણ એક મોટો પડકાર છે. હાલની યુનિટ કૅપેસિટીનું વિસ્તરણ કરવા માટે અમારે વધુ રોકાણ અને નવા ભાગીદારો સુધી પહોંચવાની જરૂર છે.’ 

 

Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK