દારૂના ગેરકાયદે વેપાર કરતાં તો દારૂનું કાયદેસર નિયમન વધુ યોગ્ય કહેવાય
દારૂબંધી પર ચર્ચા
સૌપ્રથમ સ્પષ્ટ કરી દઉં કે હું કોઈ પણ પ્રકારના નશાને પ્રોત્સાહન આપતો નથી. ન તો હું મદ્યપાનનો સમર્થક છું કે ન તો માદક પીણાંનો પ્રચારક. આ લેખ માત્ર ગુજરાતની કાગળ પરની દારૂબંધી અને એની વિરુદ્ધની જમીની વાસ્તવિકતા વિશે છે. આજે જ્યારે દારૂબંધી હટાવવાની માગણી થઈ રહી છે ત્યારે એની કેટલીક હકીકતો અને પ્રશ્નો સમજવાં જરૂરી છે.
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાંનો છે. તત્કાલીન બૉમ્બે રાજ્યમાં બૉમ્બે પ્રોહિબિશન ઍક્ટ 1949 અંતર્ગત ૧૯૫૦ની ૬ એપ્રિલે દારૂબંધી અમલમાં આવી. ત્યાર બાદ ૧૯૬૦ની પહેલી મેએ બૉમ્બે રાજ્યમાંથી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ રાજ્યો પડ્યાં અને મહારાષ્ટ્રે દારૂના કાયદેસર વેચાણની વ્યવસ્થા અપનાવી, જ્યારે ગુજરાતે દારૂબંધીને ચાલુ રાખી. આજે એ જ કાયદો વિવિધ સુધારાઓ સાથે ગુજરાત પ્રોહિબિશન ઍક્ટ તરીકે અમલમાં છે.
હવે ગુજરાતમાં દારૂબંધીના સમર્થનમાં મહાત્મા ગાંધીના વિચારોનો હવાલો આપવામાં આવે છે. ગાંધીજી દારૂને વ્યક્તિ, પરિવાર અને સમાજ માટે નુકસાનકારક માનતા હતા અને દારૂબંધીને સમાજસુધારણાનું સાધન ગણતા હતા. જોકે બાપુ માત્ર ગુજરાતના જ નહોતા, બાપુ તો સમગ્ર રાષ્ટ્ર અને માનવજાતના હતા. તો બાપુના નામે ગુજરાતમાં દારૂબંધી કેમ કાયમ રાખી છે? બાપુ તો દારૂબંધી ઉપરાંત સત્ય, અહિંસા, સાદગી, સ્વચ્છતા, શ્રમ અને સ્વદેશી જેવાં અનેક મૂલ્યોના પણ આગ્રહી હતા. તો પછી બાપુના બીજા આગ્રહોને કોરાણે મૂકીને માત્ર દારૂબંધીના આગ્રહને જ કેમ પકડી રાખ્યો છે?
હું સ્વીકારું છું કે દારૂ ખરાબ છે અને અનેક પરિવારોની બરબાદીનું કારણ છે; પરંતુ સવાલ એ નથી કે દારૂ સારો છે કે ખરાબ, સવાલ એ છે કે દારૂબંધીનો કાયદો જે હેતુથી બનાવાયો હતો એ હેતુ આજે સિદ્ધ થયો છે કે નહીં? ગુજરાતમાં દારૂ ગેરકાયદે હોવા છતાં મોટાં શહેરો,
તાલુકા-મથકો અને કેટલાંક ગામડાંઓમાં દારૂ મળે છે. દારૂના ગેરકાયદે વેપાર સાથે રાજકીય તથા વહીવટી (પોલીસ અને પ્રશાસન) રક્ષણના આક્ષેપો પણ સમયાંતરે સામે આવે છે. ક્યારેક પોલીસ દરોડા પાડીને દારૂ પકડે છે, લોકોની ધરપકડ કરે છે, કેસ કરે છે; પણ પછી શું થાય છે એ તો રામ જાણે. દારૂના ગેરકાયદે વેપારમાં કોનાં-કોનાં ખિસ્સાં ગરમ થાય છે એ તો તપાસનો વિષય છે.
ગુજરાત રાજ્યની આ દંભી દારૂબંધીની ઘણી વખત ટીકા પણ થઈ છે. આખેઆખા દારૂના અડ્ડા ચાલે અને પોલીસ તથા પ્રશાસનને એની જાણ ન હોય એ વાત ગળે ઊતરે એવી નથી. ક્યારેક-ક્યારેક નકલી દારૂને લીધે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ પણ ઘટે છે. આવી સ્થિતિમાં ગુજરાત સરકારના પ્રધાનોએ અને સરકારી અધિકારીઓએ પોતાની જાતને એક સીધો સવાલ પૂછવો જોઈએ કે ‘શું આપણે ખરેખર દારૂબંધી કરી છે કે દારૂનો કાયદેસર વેપાર બંધ કરીને દારૂનો ગેરકાયદે વેપાર ઊભો કર્યો છે?’
હવે આ આખી ચર્ચામાં સૌથી રસપ્રદ વળાંક અહીં આવે છે. ગુજરાત સરકારે દારૂબંધીના કાયદામાં સમયાંતરે સુધારા કરીને કેટલીક છૂટછાટો આપી છે. આજે ગુજરાતના નાગરિકો માટે દારૂબંધી યથાવત્ છે, પરંતુ અન્ય રાજ્ય કે વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ નિયત પરમિટ મેળવીને દારૂ ખરીદી અને પી શકે છે. ડિસેમ્બર ૨૦૨૩માં ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમોમાં વિશેષ છૂટ આપીને અન્ય રાજ્યોના મુલાકાતીઓ તથા વિદેશી નાગરિકોને નિર્ધારિત સ્થળોએ પરમિટ હેઠળ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવી અને ડિસેમ્બર ૨૦૨૫માં નિયમો વધુ હળવા કરવામાં આવ્યા.
હવે સવાલ એ છે કે જો ગુજરાતમાં દારૂ એટલો ખરાબ છે કે એના પર પ્રતિબંધ જરૂરી છે તો પછી એ ગિફ્ટ સિટીમાં ખરાબ કેમ નથી? આમ જોવા જઈએ તો આ છૂટ ફક્ત એક ગિફ્ટ સિટી પૂરતી નથી. ગુજરાતમાં બહારથી આવતા પ્રવાસીઓ પણ અનેક જિલ્લાઓમાં નિયત પ્રક્રિયા હેઠળ ટૂરિસ્ટ અથવા વિઝિટર્સ પરમિટ મેળવી શકે છે અને ગુજરાત સરકાર દ્વારા અધિકૃત હોટેલો તથા પરમિટ ધરાવતાં વેચાણકેન્દ્રોમાંથી કાયદેસર દારૂ ખરીદી શકે છે. હાલમાં તો પ્રવાસીઓ દારૂની પરમિટ મેળવવા ઑનલાઇન અરજી પણ આપી શકે છે. હવે જો બહારથી આવેલા લોકોને નિયંત્રણ સાથે દારૂ આપી શકાય તો ગુજરાતના લોકો માટે પણ દારૂબંધીની નીતિ વિશે નવેસરથી વિચારણા કરવામાં વાંધો શું છે? ખુલ્લેઆમ થતા દારૂના આ ગેરકાયદે વેપારને કાયદેસર વેપાર કેમ નથી બનાવી દેવામાં આવતો?
ગુજરાતમાંથી દારૂબંધી સંપૂર્ણપણે હટાવવાના મારા કેટલાક તર્ક પણ છે. પહેલો તર્ક એ છે કે પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં ગેરકાયદે દારૂ વેચાય છે, ખરીદાય છે અને પીવાય પણ છે. આ ગેરકાયદે વેપાર સરકારી તંત્રની રહેમનજર વિના શક્ય નથી. પરિણામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. તેથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવી હોય તો દારૂબંધીની નીતિ પર પણ પુનર્વિચાર કરવો જોઈએ. બીજો મહત્ત્વનો તર્ક આર્થિક છે. જો દારૂ કાયદેસર રીતે વેચાય તો સરકારને ટૅક્સ અને લાઇસન્સ-ફીમાંથી આવક થઈ શકે. આજે જે રૂપિયા ભ્રષ્ટાચારીઓનાં ખિસ્સાં ભરે છે એ જ રૂપિયા સરકારી તિજોરીમાં જઈ શકે.
ત્રીજો તર્ક લોકોના જીવ સાથે જોડાયેલો છે. કાયદેસર અને નિયંત્રિત વેચાણ હોય તો દારૂની ગુણવત્તા ચકાસી શકાય અને વેચાણની જગ્યાઓ પર નિયંત્રણ રાખી શકાય. એનાથી ઝેરી દારૂ કે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓમાં થતાં મૃત્યુનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે. ચોથો તર્ક એ છે કે દારૂબંધીના અમલ પાછળ વપરાતાં પોલીસ અને વહીવટી સંસાધનોને અન્ય ગંભીર ગુનાઓ સામે વાપરી શકાય.
અહીં સંપૂર્ણ છૂટછાટ આપવાની વાત નથી. ગુજરાત સરકાર સખત નિયમન, વયમર્યાદા, આરોગ્યલક્ષી નિયંત્રણો અને જનજાગૃતિ સાથેનું નિયંત્રિત મૉડલ અપનાવી શકે. આમ કરવાથી મહિલા વર્ગ, દારૂબંધીના સમર્થકો કે વિરોધ પક્ષ તરફથી ઊઠી શકે એવા અનેક પ્રશ્નોના જવાબ પણ નીતિમાં જ સમાવી શકાય.
અંતિમ વિચાર
ADVERTISEMENT
હું ફરી એક વાર સ્પષ્ટ કરી દઉં કે આ લેખ નશાને પ્રોત્સાહન નથી અને મદ્યપાનનો પ્રચાર પણ નથી. સવાલ માત્ર એટલો છે કે પ્રતિબંધ હોવા છતાં જો ગુજરાતમાં દારૂ વેચાય છે, ખરીદાય છે, પીવાય છે અને દારૂના ગેરકાયદે વેપારને રોકવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે તો પછી દારૂબંધીની વર્તમાન નીતિ પર પુનર્વિચાર કરવામાં વાંધો શું છે? ગુજરાત સરકારે નક્કી કરી લેવું જોઈએ કે ગ્લોબલ બની રહેલા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી છે કે દારૂના ગેરકાયદે વેપારને જ જાળવી રાખવો છે?
-રાજેશ ચાવડા
