Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > પુસ્તકો પણ પ્રિય છે, મનમિત છે

પુસ્તકો પણ પ્રિય છે, મનમિત છે

Published : 26 April, 2026 03:57 PM | IST | Mumbai
Hiten Anandpara

યુવાનીના સમયગાળામાં કવિ સુરેશ દલાલ થોડા સમય માટે ડિપ્રેશનમાં સરી પડેલા. એ સમયે તેમના હાથમાં જે. કૃષ્ણમૂર્તિનું એક પુસ્તક આવ્યું અને કાળી હતાશામાંથી તેઓ બહાર આવ્યા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિન ઊજવાયો. યુનેસ્કોએ ૧૯૯૫થી આ દિવસ ઊજવવાની શરૂઆત કરી હતી. ડિજિટલ માધ્યમના પ્રખર આક્રમણ સામે પુસ્તકોનું આકર્ષણ ઓસરતું જાય છે. પુસ્તકોની મહત્તા ઓછી નથી થઈ, મમત જરૂર ઓછી થઈ છે. ધાર્મિક, મૅનેજમેન્ટ, સ્વ-વિકાસ વગેરે વિષયનાં પુસ્તકો હજી પણ વેચાય-વંચાય છે. એની સામે સાહિત્યિક પુસ્તકોના ચલણમાં મોટો ધબડકો થયો છે. આ વરવી વાસ્તવિકતા સ્વીકારીને પણ શિલ્પા શેઠ ‘શિલ્પ’ના મુક્તક સાથે પુસ્તકવંદનાનો આરંભ કરીએ...

પુસ્તકો છે શ્રેષ્ઠ મિત્ર આપણાં



ખોલી નાખે છે હૃદયનાં બારણાં


અન્ન તો કેવળ કરે તનને પુષ્ટ

મનને માટે કરે વિચારણા


યુવાનીના સમયગાળામાં કવિ સુરેશ દલાલ થોડા સમય માટે ડિપ્રેશનમાં સરી પડેલા. એ સમયે તેમના હાથમાં જે. કૃષ્ણમૂર્તિનું એક પુસ્તક આવ્યું અને કાળી હતાશામાંથી તેઓ બહાર આવ્યા. ફિલ બોસ્મન્સના અંગ્રેજી પુસ્તકનો રમેશ પુરોહિતે ‘સુખને એક અવસર તો આપો’ નામે ગુજરાતી અનુવાદ કર્યો હતો. આ પુસ્તકની હકારાત્મક અસર વાચકો પર પડી હતી. ડૉ. સેજલ દેસાઈ કહે છે એવું મન આપણને બધાને થવું જોઈએ...

પુસ્તકોનાં પાનાં સાથે ખૂલવાનું મન થયું

આપવીતીને ફરી શણગારવાનું મન થયું

ડાયરીમાં કિસ્સો નોખો ટાંકવાનું મન થયું

જે દિવસથી જિંદગીમાં જીવવાનું મન થયું

ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ જો પુસ્તક સ્વરૂપે પ્રગટ ન થઈ હોત તો આપણે ઘણું બધું ગુમાવ્યું હોત. ઝવેરચંદ મેઘાણીએ ગામેગામ ફરીને લોકસાહિત્યનું અમૃત એકઠું કર્યું અને આપણને સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા જેવાં ઉત્તમ પુસ્તકો મળ્યાં. પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ’ કે કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’ લઈએ ત્યારે થાય કે આ અને આવાં પુસ્તકો ન હોત તો આપણે ખરેખર કેટલા ગરીબ હોત. અશોક નિર્મલ એની મહત્તા આંકે છે...

ધર્મનો છે સાર સારાં પુસ્તકો

પ્રેમનો આધાર સારાં પુસ્તકો

હોળી, ધુળેટી, દિવાળી વર્ષભર

રોજનો તહેવાર સારાં પુસ્તકો

સારાં પુસ્તકો સારી રીતે છપાઈને હાથમાં આવે તો વધારે ગમે. ગુજરાતીમાં છપાતાં પુસ્તકો વૈશ્વિક દૃષ્ટિએ સ્પર્ધા કરી શકે એ રીતે છપાય છે છતાં ગુજરાતીઓના વસતીવધારા સામે વાચકવર્ગ વિકસ્યો નથી. એક સમય હતો જ્યારે NRI વર્ગ ભારતની મુલાકાતે આવતો ત્યારે પ્રિન્સેસ સ્ટ્રીટ જઈને ગમતાં પુસ્તકો ખરીદતો. એટલું જ નહીં, લંડન અને અમેરિકાથી ઑર્ડર આપીને પુસ્તકો મગાવવામાં આવતાં. બે દાયકા પહેલાંની વાત આજે હવે દિવાસ્વપ્ન જેવી લાગે છે. મનીષા દુધાત વેદના વ્યક્ત કરે છે...

વાંચી શકો તો વાંચો હું ખુલ્લી કિતાબ છું

એનો બચેલો આખરી મોંઘો ખિતાબ છું

હરએક પાને છલકે છે આહતની લાગણી

સંભવ નથી સરભર કરો, અઘરો હિસાબ છું

સામાન્ય રીતે આપણને જે વિષયમાં રસ હોય એ પુસ્તક વાંચવાનું પસંદ કરીએ છીએ. કવિઓમાં નવલકથા વાંચવાની ધીરજ નથી હોતી તો નવલકથાકારોને કાવ્યસંગ્રહોમાં રસ નથી પડતો. જોકે કટારલેખન સાથે કે અખબારી જગત સાથે સંકળાયા હોય તેમણે રાજકારણમાં પણ રસ રાખવો પડે અને સાહિત્યમાં પણ ચાંચ ડુબાડવી જોઈએ. જિંદગીના તાણાવાણામાં બધું ઓછેવત્તે અંશે ગૂંથાયેલું હોય છે. જેમાંથી કંઈક શીખવા મળે એનો સ્વીકાર આપણને ઊર્ધ્વગમનની તક આપે છે. ગુરુદત્ત ઠક્કર એને ઘડતર સાથે સાંકળે છે...

હું મળું છું જાતને એના વડે

પુસ્તકો વ્યક્તિત્વને કેવું ઘડે

નાત, જાતિ, ધર્મ એને ના નડે

પુસ્તકાલય જેવું મંદિર ના જડે

મુંબઈ જેવા શહેરમાં તો ગ્રંથાલયોની હાલત જોવા જેવી છે. હજારો પુસ્તકો છે, પણ સામે વાચકો ગણ્યાગાંઠ્યા જ મળે. અલમારીમાં ગોઠવેલાં પુસ્તકો વાચકની રાહ જોઈ-જોઈને થાકી જાય. ‘કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ’ ગીત વર્ષોનાં વર્ષો ગાતા રહેવું પડે. મહિમ્ન પંચાલ એની વેદનાને શબ્દસ્થ કરે છે...

આપમેળે કોઈ પુસ્તકનું વજન તો ના વધે

ક્યાંક ખૂણે એકલામાં ધૂળ ચોક્કસ ખાય છે

લાસ્ટ લાઇન

પુસ્તકોની સાથ જેને પ્રીત છે

શબ્દનું સાંનિધ્ય પણ સંગીત છે

પાત્રમાં ખુદને પાઠક પામતાં

કથાઓ શું હજુ જીવિત છે?

ચાંપીને હૈયે કદીક ઊંઘ્યા હશું

પુસ્તકો પણ પ્રિય છે, મનમિત છે

લાગણીથી આપતાં લેતાં હતાં

પુસ્તકોની ભેટ જૂની રીત છે

જ્યારથી દુનિયા સમાઈ મુઠ્ઠીમાં

પુસ્તકો શો-કેસમાં સીમિત છે

- રૂપલ સંઘવી ‘ઋજુ’’

Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 03:57 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK