Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૨)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૨)

Published : 29 March, 2026 07:13 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

તેના ગયા પછી થોડીક ક્ષણો પ્રતીક્ષા કરીને વિશ્વપ્પાએ એક મેસેજ ટાઇપ કર્યો, ‘શુજા ફુટેજ લઈ ગયો છે.’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


બ્યુટી ફ્રૉમ બૉમ્બે...’ LED પર લખાયું. અક્ષરા દાખલ થઈ કે તરત તેના શરીરના માપના આંકડા LED પર ડિસ્પ્લે થવા લાગ્યા. તેની જાણ બહાર અને જાણમાં લેવાયેલી તેની તસવીરો અલગ-અલગ મૂડ્સ અને અલગ-અલગ લુક્સ સાથે LED પર દેખાતી હતી. ધ્રૂજતી, ડરતી અક્ષરા આંખોમાં ઝળઝળિયાં સાથે ઍમ્ફીથિયેટરના સ્ટેજના સેન્ટરમાં આવીને ઊભી રહી. તેણે કોઈ દિવસ આવી કલ્પના પણ નહોતી કરી. તેની આઈ તેને મિસ ઇન્ડિયા કૉન્ટેસ્ટમાં મોકલવા માગતી હતી, ઍક્ટ્રેસ બનાવવા માગતી હતી. અચ્યુત ગોહિલ તેને દિલ ફાડીને પ્રેમ કરતો હતો, તેની દરેક ઇચ્છા પૂરી કરવા માટે જમીન-આસમાન એક કરતો હતો... પણ તેણે જાતે જ પોતાની બરબાદીનો રસ્તો પસંદ કર્યો. આજે તે નુમાઇશની ચીજ બનીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાવા માટે ઊભી હતી.

ઍમ્ફીથિયેટરની મધ્યમાં આવીને જ્યારે ઊભી રહી ત્યારે તેણે આંખો મીંચી દીધી. તેની સામે જોઈ રહેલા લોકોની આંખો અક્ષરાને તેનાં વસ્ત્રોની આરપાર જોઈ રહી હતી. આ અપમાન સહેવું એના કરતાં મરી જવું સારું, અક્ષરાને વિચાર તો આવ્યો પરંતુ આપઘાત કરવાની તાકાત નહોતી તેનામાં. તેણે પરાણે આંખો ઉઘાડીને સામે જોયું. એક ટેબલ પર અઝીઝ બેઠો હતો. તેના અરબી ઝભ્ભા (કંદૂરા) અને અઘાલ(દોરી)-ગુત્રા (કપડું) સાથે તે પ્રભાવશાળી દેખાતો હતો. તેણે અક્ષરા સામે જોઈને આંખો મીંચકારી. તેના ચહેરા પર નફ્ફટાઈભર્યું, બેશરમ સ્મિત હતું. અક્ષરાને એવો ડૂમો ભરાયો કે તે પોતાનાં આંસુ રોકી શકી નહીં. એક શાંત, સુખી, સ્નેહાળ જિંદગીમાંથી તેની લાલચ અને મોહ તેને ક્યાં લઈ આવ્યાં હતાં એ વિચારથી તેને પોતાના પર જ તિરસ્કાર થઈ આવ્યો. ઍમ્ફીથિયેટરના સેન્ટરમાં ઊભેલી અક્ષરા રડી રહી હતી. રડતી અક્ષરાએ બે હાથ જોડ્યા. તેનું કહેવાનું એ હતું કે મને મુક્ત કરો, જવા દો, માફ કરો; પરંતુ આસપાસ બેઠેલા લોકો આ રુદનને જોઈને અક્ષરાની પીડા સમજવાને બદલે હસવા લાગ્યા. તેમને હાથ જોડવાની આ સ્ટાઇલને કારણે અક્ષરા બીજાથી જુદી અને ઇન્ટરેસ્ટિંગ લાગી. જોકે અહીં તાળી પાડવાની કે બોલવાની મનાઈ હતી તેમ છતાં સહુએ તાળીઓ પાડી. એક પછી એક પ્લૅકાર્ડ ચમકવા લાગ્યાં. ભાવ વધવા લાગ્યા. આંકડા બદલાવા લાગ્યા... અંતે બે લાખ દસ હજાર યુરોમાં ફાઇનલ બિડ પૂરી થઈ. એક મહિલા ગાર્ડે આવીને ‘સોલ્ડ’નું પ્લૅકાર્ડ ઊંચું કર્યું. ત્રીજા પ્લૅટફૉર્મ પર બેઠેલો એક હૅન્ડસમ ઇટાલિયન પુરુષ આ બિડ જીત્યો હતો. તેણે ઊભા થઈ, હાથ હલાવી સૌનું અભિવાદન કર્યું. બિડ સાઇલન્ટ હતી. સહુ એ ઇટાલિયન પુરુષ તરફ થોડું ઈર્ષાથી અને થોડું અહોભાવથી જોઈ રહ્યા. એ પુરુષે જે રીતે અક્ષરા સામે જોયું એ આંખોએ જાણે અક્ષરાને નખશિખ માપી લીધી. વસ્ત્રોની આરપાર પોતાને જોઈ રહેલી બધી આંખો સામે પોતાના બન્ને હાથ ક્રૉસમાં ખભા પર મૂકીને સ્વયંને ઢાંકતી અક્ષરા પાછળ ફરી, પરંતુ મહિલા ગાર્ડે આવીને તેને રોકી. હવે તેણે અંદર નહીં, અહીંથી તેના ખરીદદારના રૂમમાં જવાનું હતું. સંકોચ, અપમાન અને સ્વયં પ્રત્યેના ધિક્કાર સાથે અક્ષરા મહિલા ગાર્ડની પાછળ-પાછળ ચાલવા લાગી. તેણે જતાં-જતાં એક વાર અઝીઝ સામે જોયું. અઝીઝે હવામાં ફ્લાઇંગ કિસ આપીને અક્ષરાને હાથ હલાવી ‘ગુડ બાય’ કહ્યું. અક્ષરા અહીંથી જઈ રહી હતી એ વાતથી તેને કોઈ ફરક જ નહોતો પડતો એવું તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. રડતી, ડરતી અક્ષરા મહિલા ગાર્ડની સાથે ચૂપચાપ ચાલતી રહી.



રહમત શુજાની ગાડી એક પ્રસિદ્ધ જ્વેલરની શૉપ પાસે આવીને ઊભી રહી. ‘જી. બી. ઍન્ડ સન્સ’ ગોલ્ડ, ડાયમન્ડ અને લક્ઝરી ડિઝાઇન માટે જાણીતી દુકાન છે. શારજાહ જ્યારે લગભગ રણ હતું ત્યારે અહીં અરેબિક ડિઝાઇન્સની જ્વેલરી લેવા માટે દુબઈ અને અબુ ધાબીથી આરબો રણ પસાર કરીને આવતા. ગોલ્ડ ટ્રેડની શરૂઆતના એક જીવંત ઇતિહાસ તરીકે પણ આ જી. બી. ઍન્ડ સન્સનું ખૂબ મહત્ત્વ છે. ૧૯૬૦થી પણ જૂની આ દુકાન એની પ્રામાણિકતા અને શુદ્ધતા માટે પ્રખ્યાત છે. સમય સાથે બીજા જ્વેલર્સ અને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ્સની દુકાનો ખૂલતી ગઈ, પરંતુ જી. બી. ઍન્ડ સન્સનું એક આગવું સ્થાન આજે પણ ખાનદાની શેખ અને ઉમરાવ પરિવારોમાં અકબંધ છે. રહમત શુજા અને જી. બી. ઍન્ડ સન્સના માલિક ગુંડપ્પા બાલેશ્વર વર્ષોથી એકમેકના મિત્રો હતા. શાહજાહની ગલીઓમાં સાવ નાનકડી દુકાન હતી ત્યારે પણ રહમત શુજાના પિતા અહીં આવતા. આજે ગુંડપ્પાના દીકરા વિશ્વપ્પાએ દુકાન સંભાળી લીધી ત્યારે બીજી પેઢીની આ મિત્રતા અકબંધ રહી.


રહમત શુજા તેની બુલેટપ્રુફ રેન્જ રોવરમાંથી નીચે ઊતર્યા કે તરત જ ગાર્ડે જી. બી. ઍન્ડ સન્સના વિશાળ શોરૂમનો દરવાજો ખોલી નાખ્યો. તેણે નમીને રહમત શુજાને આદરપૂર્વક આવકાર્યો. શોરૂમ વટાવીને રહમત શુજા સીધા વિશ્વપ્પાની ઑફિસમાં પહોંચ્યા. બે મહિલાઓ બુરખામાં તેમની શૉપિંગનો અંતિમ હિસાબ કરી રહી હતી. શુજાને જોઈને બન્નેએ ‘આદાબ’ કર્યા. આ બન્ને સ્ત્રીઓ શુજાના એક ઓળખીતાની બે બેગમ હતી. શુજાએ વારાફરતી બન્ને મહિલાઓનો હાથ પકડીને તેમના હાથ પર હળવેથી હોઠ અડાડ્યા. અરબી સન્માનની આ આગવી રીત ઉમરાવોના પરિવારોમાં હજી જળવાઈ રહી છે.

વિશ્વપ્પાએ હળવેકથી ઇશારો કર્યો, ‘આ બે જણને જવા દે, પછી વાત કરીએ.’ વિશ્વપ્પાએ હિસાબ પૂરો કર્યો ત્યાં સુધી શુજા નિરાંતે પોતાના ફોન સાથે રમતો રહ્યો. પર્સમાંથી દિરહામની થોકડી કાઢીને ટેબલ પર મૂકી આદરપૂર્વક વિશ્વપ્પાનો આભાર માનીને બન્ને બુરખાધારી મહિલાઓ વિદાય થઈ એ પછી રહમતે ફરી એક વાર પ્રશ્નાર્થચિહ‍્ન સાથે વિશ્વપ્પા તરફ જોયું, ‘ગુડ ન્યુઝ છે કે બૅડ ન્યુઝ?’ શુજાએ પૂછ્યું.


‘આમ તો ગુડ ન્યુઝ, ફુટેજ મળ્યાં છે...’ કહીને વિશ્વપ્પાએ તેના ટેબલ પર મૂકેલું CCTVનું મૉનિટર રોટેટ કરીને સામેની તરફ ફેરવ્યું. કીબોર્ડ પર થોડી વાર આંગળીઓ ચલાવીને તેણે માઉસથી એ ફુટેજ શોધી કાઢ્યાં જેમાં અઝીઝ અને અક્ષરા જી. બી. ઍન્ડ સન્સમાંથી ખરીદી કરી રહ્યાં હતાં.

રહમત શુજાની આંખો આ ફુટેજ જોઈને ચમકી ઊઠી. તેણે વિશ્વપ્પાને કહ્યું, ‘આની કૉપી...’

‘હું મરી જઈશ.’ વિશ્વપ્પાની આંખોમાં અઝીઝનો આતંક સ્પષ્ટ વંચાતો હતો, ‘તે મારા ટુકડા કરી નાખશે.’

‘તને કંઈ નહીં થાય.’ શુજાએ કહ્યું, ‘મારું વચન છે તને.’ વિશ્વપ્પા છતાંય ગભરાયેલો હતો. શુજાએ ઊભા થઈને તેના ખભે હાથ મૂક્યો, ‘સુલતાન જાતે આ કેસમાં રસ લઈ રહ્યા છે. પ્રેસ કે મીડિયાના હાથમાં પડી જશે તો ઇન્ટરનૅશનલી બદનામ થઈ જઈશું.’ તેણે અરેબિકમાં કહ્યું, ‘લૈસા હાજા અમ્રન શખ્સિય્યન, બલ હુઆ મસઅલતુ કરામત હાજા અલ-બલદ (આ વ્યક્તિગત મુદ્દો નથી. મુલ્કની ઇજ્જતનો સવાલ છે).’ વિશ્વપ્પા થોડીક ક્ષણો માટે રહમત શુજાની સામે જોઈ રહ્યો, પછી તેણે પેનડ્રાઇવ નાખીને એ ફુટેજ કૉપી કર્યાં. રહમત શુજાના હાથમાં પેનડ્રાઇવ પકડાવી દીધી. રહમત શુજાએ ફરી અરબીમાં કહ્યું, ‘સયબ્કા હાજા ફજ્લન અલૈય્યા (મારા ઉપર આ ઋણ રહેશે).’ રહમત શુજાએ એના થોબ (કંદૂરા-ઝભ્ભા)ના ખિસ્સામાં પેનડ્રાઇવ સરકાવી દીધી. તે બહાર નીકળી ગયો.

તેના ગયા પછી થોડીક ક્ષણો પ્રતીક્ષા કરીને વિશ્વપ્પાએ એક મેસેજ ટાઇપ કર્યો, ‘શુજા ફુટેજ લઈ ગયો છે.’

અઝીઝના VVIP ગેસ્ટહાઉસમાં, જ્યાં તે પહેલાં અચ્યુત સાથે રહી ચૂકી હતી ત્યાં દાખલ થતાં અક્ષરાનું હૃદય એક થડકારો ચૂકી ગયું. આ એ જ જગ્યા હતી જ્યાંથી તેણે અચ્યુતનો હાથ છોડીને તેને મુશ્કેલીમાં ધકેલી દીધો હતો. અહીં તેણે લગ્નને, સપ્તપદીનાં વચનોને, વિશ્વાસને તોડી-ફોડીને સ્વાર્થના જગતમાં પગ મૂક્યો હતો. આજે આ સ્વાર્થનો સુંવાળો સાપ તેને એવો ડંખ્યો હતો કે તે પાણી માગવાને પણ લાયક નહોતી રહી. અક્ષરા ધ્રુસકે-ધ્રુસકે રડી રહી હતી. મહિલા ગાર્ડ તેની સામે જોઈ રહી. તેને માટે આ કંઈ નવું નહોતું. અઝીઝની દુનિયામાં આવતી દરેક સ્ત્રી થોડો સમય માટે મહારાણીની જેમ રહેતી. પછી તેની આ જ દુર્દશા થતી હતી. અક્ષરાએ મહિલા ગાર્ડની આંખોમાં સહાનુભૂતિ અને હાંસી મિશ્રિત ભાવ જોયા. અક્ષરા કંઈ કહેવા ગઈ, પણ મહિલા ગાર્ડે નજરથી જ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો, પછી તેણે આજુબાજુ જોયું. નજરથી જ અક્ષરાને CCTV કૅમેરા બતાવ્યા. અહીં એક ઇંચ જગ્યા પણ CCTV કૅમેરાની નજર બહાર નહોતી. અક્ષરા સમજી ગઈ.

બન્ને જણ ચૂપચાપ VVIP રૂમ્સની લૉબીમાં ચાલતાં રહ્યાં. મહિલા ગાર્ડે તેને એક રૂમ ખોલીને અંદર દાખલ થવાનો ઇશારો કર્યો. અક્ષરા રડતી-રડતી દાખલ થઈ.

‘હવે રડવાનો શું ફાયદો? તારો સોદો થઈ ચૂક્યો છે. અહીં આવતાં પહેલાં વિચારવું જોઈતું હતું.’ મહિલા ગાર્ડથી કહેવાઈ ગયું. ‘આ માણસ તને પોતાની સાથે લઈ જશે. કોણ જાણે કેવી રીતે રાખશે, કોને-કોને સોંપશે, શું હાલ કરશે તારા.’ મહિલા ગાર્ડ બહુ જ ડરેલી હતી, તે એકદમ ધીમે બોલી રહી હતી, ‘દર વર્ષે અહીંથી દોઢસો-બસો સ્ત્રીઓનો સોદો થાય છે. શેખસાહેબના ખરીદદારો મોંમાગ્યા ભાવ આપીને આ સ્ત્રીઓને બહારના દેશોમાં લઈ જાય છે. અબજોનો ધંધો છે આ.’ બુરખો પહેરેલી મહિલા ગાર્ડ એક સ્ત્રી હતી. અક્ષરાના રુદનથી તેને એટલું ચોક્કસ સમજાયું હતું કે અક્ષરા પસ્તાઈ રહી હતી.

‘મને કલ્પના પણ નહોતી કે અઝીઝ મારી સાથે આવું કરશે. તેણે મને મોંઘી ભેટો આપી, પોતાના પ્રેમનો અહેસાસ કરાવ્યો...’

‘તારો શૌહર સારો માણસ લાગ્યો મને.’ મહિલા ગાર્ડે અક્ષરાની દુખતી નસ પર હાથ મૂકી દીધો, ‘તને પાગલની જેમ શોધતો હતો. રડતો હતો. શેખસાહેબને વારે-વારે કહી રહ્યો હતો, મારી વાઇફને આપી દો, હું તેના વગર નહીં જીવી શકું...’

 ‘મૂરખ હતી હું. સન્માન અને સાચા પ્રેમને લાત મારી મેં! બરાબર થયું મારી સાથે. આજે બેઇજ્જત થઈને બજારમાં પહોંચી ગઈ છું.’ અક્ષરા ફરી રડી પડી, ‘હું તને મારા હસબન્ડનો ફોન નંબર આપું. તું તેને એક ફોન કરીશ? તે મને ક્યાંયથી પણ લઈ જશે...’ અક્ષરાએ હાથ જોડ્યા.

‘હવે આ માણસ તને નહીં છોડે. તારો હસબન્ડ કદાચ તને બચાવવા આવશે તો તેનું મોત નક્કી છે. ડ્રગ માફિયા, કસીનો અને જિસ્મફરોશીની સાઠગાંઠ છે આ. UAEની પોલીસ પણ બેખબર નથી...’ કહીને મહિલા ગાર્ડ કશું બોલે એ પહેલાં તેની કમર પર ભરાવેલા વૉકીટૉકીમાં બઝર વાગ્યું, ‘મારે જવું પડશે. હવે આ જ તારું નસીબ છે.’

‘હવે આ જ તારું નસીબ છે’ કહીને મહિલા ગાર્ડ ત્યાંથી જવા લાગી, ‘ખુદા હાફિઝ.’ તેણે કહ્યું, ‘અલ્લાહ તારી નિગેહબાની કરશે, આમીન.’ તે ચાલી ગઈ. દરવાજો બંધ થઈ ગયો. અચ્યુત અને અક્ષરા જેમાં રહ્યાં હતાં એવો જ, પ્રાઇવેટ સ્વિમિંગ-પૂલ ધરાવતો લક્ઝુરિયસ રૂમ હતો. એ દિવસે અક્ષરાને આ જગ્યા જન્નત જેવી લાગતી હતી, આજે તેને આ રૂમમાં દોજખનો અનુભવ થઈ રહ્યો હતો. તે બહાર ગૅલરીમાં ગઈ. આછા અંધારામાં ઊભેલાં વૃક્ષો, સફાઈબંધ કપાયેલી લૉન અને ડ્રાઇવ વેની લાઇટનાં ગોળ ચકરડાં જોતી તે રડતી રહી. કોણ જાણે કેટલો સમય થયો હશે અક્ષરાને ભાન જ નહોતું. તે થાકીને ત્યાં જ, ગૅલરીમાં જ જમીન પર આડી પડી ગઈ. તેની આંખો ક્યારે મીંચાઈ તેને ખબર જ ન રહી.

અક્ષરાના શરીર પર કોઈ હળવેથી હાથ ફેરવતું હતું. અક્ષરા ચોંકી. તે ચમકીને બેઠી થઈ ગઈ. જે ઇટાલિયન પુરુષે બે લાખ દસ હજાર યુરોનું પ્લૅકાર્ડ બતાવ્યું હતું તે હળવે હાથે અક્ષરાને પંપાળી રહ્યો હતો. અક્ષરા ઊભી થઈ ગઈ. ઊંધી ફરીને અક્ષરાએ બન્ને હાથે ક્રૉસ કરીને તેની છાતી ઢાંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ માણસે બળજબરીથી અક્ષરાના હાથ હટાવ્યા. તેના બન્ને હાથ પહેલાં અક્ષરાના ખભા પર ને પછી ધીમે-ધીમે નીચેની તરફ સરકતા ગયા. અક્ષરાના લીસા હાથ પર સરકીને એ પુરુષના હાથ અક્ષરાની કમર સુધી પહોંચ્યા. શરીર પર કોઈ સાપ સરકી રહ્યો હોય એવી સૂગ અને ભય સાથે અક્ષરા એ સ્પર્શ સહેતી રહી. તેનું ચાલ્યું હોત તો તેણે એ માણસને ત્યાં જ લાત મારીને જમીન પર પાડી દીધો હોત! અક્ષરામાં કોણ જાણે કેમ આ પરિસ્થિતિ અને એ માણસનો સામનો કરવાની તાકાત ઓસરી ગઈ હતી.

અક્ષરાની કમરમાં હાથ પરોવીને તેણે અક્ષરાને નજીક ખેંચી. તેના ખુલ્લા ખભા પર હળવું ચુંબન કરીને તેણે કહ્યું, ‘માય નેમ ઇઝ સાલ્વાતોરે ફેબિયો.’ તેણે અક્ષરાને પોતાના તરફ ફેરવી, ‘યુ આર બ્યુતિફુલ.’ એ માણસના ઉચ્ચારો ઇટાલિયન હતા. તે છ ફીટથી વધુ ઊંચો, ઍથ્લેટિક શરીર ધરાવતો, સાફસુથરો અને સુરુચિપૂર્ણ માણસ હતો. મજબૂત જડબાં, સીધું નાક અને સોનેરી રંગની આછી દાઢી તેની સોનેરી ત્વચા સાથે મેળ ખાતી હતી. સોનેરી અને કથ્થઈની વચ્ચેના કોઈ અજબ શેડમાં વાળ તેના કપાળ પર લહેરાતા હતા. આંખો હેઝલ-કથ્થઈ અને લીલાની વચ્ચેનો કોઈ શેડ, જેમાં એક આત્મવિશ્વાસ હતો. તેના સ્મિતમાં એક ઇટાલિયન શરારત હતી. રોમની પથરીલી ગલીમાંથી નીકળીને કોઈ પુરાણો રોમન યોદ્ધો અચાનક વાસ્તવિક દુનિયામાં આવી ગયો હોય એવો એ માણસ અક્ષરાની સામે જે રીતે જોઈ રહ્યો હતો તેનાથી અક્ષરાની નજર નીચી થઈ ગઈ, ‘યૉર નેમ ઇઝ એક્સેરા...’ તે નામનો ઉચ્ચાર બરાબર ન કરી શક્યો, ‘હું લકી છું કે તને પામી શક્યો.’

‘પામ્યો નથી, ખરીદી છે મને.’ અક્ષરાના મનની કડવાશ તેના અવાજમાં ઊતરી આવી.

‘તું મને ધિક્કારે છે, રાઇટ?’ તેણે પૂછ્યું, પણ તેના ચહેરા પરનું સ્મિત હજી એટલું જ શરારતી હતું.

‘અહીંથી ક્યાં લઈ જઈશ મને?’ અક્ષરાએ પૂછ્યું.

‘તારે ક્યાં જવું છે?’

‘ગુલામોને ઇચ્છા નથી હોતી. તેમણે તો હુકમને તાબે થવાનું હોય છે.’

‘તું લે રેજીના ડે ઈતાલિયા છે...’ તેણે એ જ સ્મિત સાથે કહ્યું, ‘ડિઆ ડેલ્લા બેલેઝા...’ ફેબિયો તેની સામે ઘૂંટણ પર બેસી ગયો, ‘ધ ક્વીન ઑફ બ્યુટી.’

‘ગુલામ.’ અક્ષરાએ ચીડ સાથે કહ્યું, ‘આપણે ક્યારે નીકળવાનું છે?’

‘કાલે.’ ફેબિયોએ અત્યારે વાત ટૂંકાવી, ‘આપણને અઝીઝનું પ્રાઇવેટ જેટ શારજાહ ઍરપોર્ટ છોડી જશે. ત્યાંથી મિલાન.’ ફેબિયો કહી રહ્યો હતો, ‘મિલાનથી બેલાજીઓ, દોઢ કલાકમાં મારું ગામ. લેક કોમોના કિનારે, રોમૅન્ટિક શહેર. ઝરણાં, પહાડ, ફૂલોથી મહેકતું નાનકડું સ્વર્ગ... એક વાર ત્યાં આવીશ પછી આ બધો ગુસ્સો, કડવાશ અને તિરસ્કાર ક્યાંય ઓગળી જશે.’

‘તો તું ત્યાં મારી પાસે ધંધો કરાવીશ? ગ્રાહકો ગામના જ હશે કે દેશ-વિદેશથી આવશે? મુખ્યત્વે પ્રવાસીઓ હશે, રાઇટ? શું ભાવ રાખીશ મારો? બે લાખ દસ હજાર યુરો વસૂલ કરવાના છે તારે...’ અક્ષરાની ભીતર આગ હજી તેજ હતી. તે રડવા લાગી, ‘હું તને તારા પૈસા અપાવી દઈશ. મને ઇન્ડિયા મોકલી દે.’ તેણે હાથ જોડ્યા. ફેબિયોએ તેના જોડેલા હાથ પકડી લીધા. દયા, મોહ અને પુરુષત્વસભર નજરના સંમિશ્રણ જેવા ભાવો સાથે તે અક્ષરાને જોતો રહ્યો, ‘મારો વર તારા પૈસા આપી દેશે. બે-ત્રણ કરોડ રૂપિયા મારા વર માટે મોટી રકમ નથી. તે મને છોડાવશે...’ ફેબિયો કંઈ બોલ્યો નહીં. અક્ષરાએ ફરી કહ્યું, ‘હું અહીં ફસાઈ ગઈ છું. હું... એવી છોકરી નથી.’

‘એવી એટલે કેવી?’ ફેબિયોએ પૂછ્યું. તેની આંખોમાં કોઈ વિચિત્ર ભાવ હતો. તે થોડી વાર અક્ષરાની આંખોમાં જોતો રહ્યો. પછી તેણે કહ્યું, ‘અહીં જેટલી છોકરીઓના સોદા થયાને એમાંની મોટા ભાગની છોકરીઓ એવી નથી. બધીને કોઈ ને કોઈ રીતે ફસાવીને, છેતરીને અહીં લાવવામાં આવી છે.’

‘તું આ જાણે છે?’ અક્ષરાને આઘાત લાગ્યો, ‘અને તો પણ આ બધી જીવતી-જાગતી વ્યક્તિને ખરીદો છો તમે? પાપ લાગશે...’

‘પાપ-પુણ્ય જેવું કશું હોતું નથી.’ થોડીક ક્ષણો પહેલાંનો ફેબિયો અને અત્યારનો ફેબિયો જાણે બે જુદા માણસો હતા. તેની આંખો પથ્થરની થઈ ગઈ હતી. ચહેરા પર કોઈ ક્રૂર, કસાઈ જેવા ભાવ હતા, ‘તું જે પતિની વાત કરે છે તેને છોડી દેતી વખતે તને પાપ-પુણ્ય યાદ ન આવ્યું.’ ફેબિયોએ પૂછ્યું, ‘તું તો તેની સાથે આવી હતીને અહીં?’ અક્ષરા આઘાતથી તેની સામે જોતી રહી, ફેબિયોનો અવાજ ચપ્પુની ધાર જેવો ઠંડો હતો, ‘કોઈ પણ છોકરીને ખરીદતાં પહેલાં અમે તેનું પૂરું બૅકગ્રાઉન્ડ ચેક કરીએ છીએ. અઝીઝે તેમને પૂરી વિગતો આપવી પડે. કોણ લાવ્યું, કેવી રીતે, ક્યાંની છે, માતા-પિતા કોણ છે ત્યાંથી શરૂ કરીને બ્લડગ્રુપ, મેડિકલ વિગતો સુધી બધું ચેક થાય છે. આ ઇન્ટરનૅશનલ ધંધો છે. અમને રિસ્ક લેવું ન પોસાય.’ કહીને ફેબિયો આરામથી ખાવા લાગ્યો.

અક્ષરા હાથમાં પ્લેટ પકડીને અસમંજસમાં ઊભી રહી. આ બધું સાંભળ્યા પછી નફ્ફટ થઈને ખાવું કે પ્લેટ મૂકીને ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જવું એનો નિર્ણય અક્ષરા કરી શકી નહીં.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 07:13 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK