Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૩)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૩)

Published : 05 April, 2026 02:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘આ શું બોલો છો તમે?’ અચ્યુતે તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, ‘આપણે અક્ષરાને શોધી કાઢીશું. તમે મારામાં ભરોસો કરો, સહકાર આપો તો આપણે વધુ સરળતાથી સાથે મળીને...’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


અચ્યુત ગોહિલનો કેસ મીડિયામાં ખૂબ ચગ્યો હતો. આવો અનોખો કેસ પહેલાં કોઈ દિવસ બન્યો નહોતો એટલે સૌ આજનું પહેલું હિયરિંગ સાંભળવા ઉત્સુક હતા. કોર્ટના બિલ્ડિંગની બહાર મીડિયાની ભીડ હતી. OB વૅન અને હાથમાં માઇક સાથે યુવા છોકરા-છોકરીઓ ‘એક્સક્લુઝિવ’ મેળવવાના ચક્કરમાં આમથી તેમ ભટકી રહ્યાં હતાં. અચ્યુતને લઈને પોલીસ-વૅન દાખલ થઈ કે તરત મીડિયાકર્મીઓ એ વૅનની પાછળ દોડ્યા. સૌને દૂર રાખીને અચ્યુતને કોર્ટરૂમમાં લઈ જવામાં આવ્યો. એમ છતાં સવાલોનો મારો અચ્યુતને બેચેન કરતો રહ્યો. પોલીસે ગોપનીયતા જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. એમ છતાં આવો વિચિત્ર અને અનોખો કેસ કદાચ મુંબઈ જ નહીં, ભારતના ઇતિહાસમાં પહેલી વાર સાંભળવા મળ્યો હતો. આયરા ખાન અને રાકેશ વિરમાણી સામસામે હોય એવો વિચિત્ર કેસ હોય તો કોને રસ ન પડે?

અંધેરી મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટની કોર્ટમાં જજ આવીને ગોઠવાયા કે આયરા ખાન મન્સૂરીએ પોતાનું ઓપનિંગ સ્ટેટમેન્ટ આપ્યું, ‘અચ્યુત ગોહિલ ગુનેગાર છે. તેણે જ પોતાની પત્ની સાથે કશું ખોટું કર્યું છે. મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર બન્નેનાં સાથે બોર્ડિંગ ગેટ તરફ જતાં ફુટેજ છે, પરંતુ પાછો આવતો ફક્ત અચ્યુત જ દેખાય છે. એનો અર્થ એ છે કે શારજાહમાં જ અક્ષરા સાથે કંઈ ખોટું કરવામાં આવ્યું...’ વગેરે... વગેરે... બાબતોને ન્યાયાધીશ સામે મૂકીને આયરાએ અચ્યુતની જુડિશ્યલ કસ્ટડીની માગણી કરી. સામે ‘લાશ નથી મળી એટલે ખૂન થયું છે એમ કહી ન શકાય’ એવી પહેલી દલીલ સાથે રાકેશ વિરમાણીએ અચ્યુતના જામીન માગ્યા. આયરાએ જામીન અટકાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ પાસે એક પણ પુરાવો એવો નહોતો જેનાથી અચ્યુત ગુનેગાર સાબિત થઈ શકે. એટલે અંતે અચ્યુતના જામીન મંજૂર થયા. પ્રેમલતાએ રાહતનો શ્વાસ લીધો અને સુશીલાનું મોઢું ચડી ગયું. બહાર પ્રેસ અને મીડિયામાં ઊહાપોહ મચી ગયો.



‘મને ખબર જ હતી...’ પ્રેમલતાએ સ્નેહથી અચ્યુતના બન્ને હાથ પકડીને ગળગળા અવાજે કહ્યું, ‘મારો દીકરો કશું ખોટું કરી જ ન શકે.’


‘રહેવા દો...’ સુશીલા પ્રજાપતિ ધસમસતી આવીને ઊભી રહી ગઈ, ‘તેણે મારી દીકરી સાથે કંઈક તો ખોટું કર્યું જ છે.’ તેના ડોળા ચકળવકળ થતા હતા. તેણે અચ્યુત સામે જોઈને જોરથી પૂછ્યું, ‘સાચું બોલ સાલા, શું કર્યું છે તેં મારી દીકરી સાથે? ક્યાં મૂકી આવ્યો છે તેને? કે પછી...’ સુશીલાએ મોટા અવાજે રડવાનો ડોળ કર્યો, ‘ખતમ જ કરી નાખી છે?’

‘આ શું બોલો છો તમે?’ અચ્યુતે તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો, ‘આપણે અક્ષરાને શોધી કાઢીશું. તમે મારામાં ભરોસો કરો, સહકાર આપો તો આપણે વધુ સરળતાથી સાથે મળીને...’


‘સાથે મળીને? હરામખોર, મને મૂરખ નહીં બનાવી શકે તું... એક વાત યાદ રાખજે, હું તને જેલના સળિયા પાછળ ધકેલ્યા વગર જંપીશ નહીં.’ કહીને સુશીલા જેવી ધસમસતી આવી હતી એવી જ આયરા ખાન તરફ દોડી ગઈ.

આ બધું ચાલતું હતું ત્યારે મિહિર પાઠક, રાકેશ વિરમાણી અને રાઘવ લોખંડે આવીને ઊભા રહ્યા. અચ્યુતની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં એ જોઈને મિહિરે કહ્યું, ‘ડોન્ટ વરી, આપણે કોઈ પણ રીતે સત્ય સાબિત કરીશું.’

અચ્યુતે આભારવશ થઈને મિહિરનો હાથ પકડી લીધો. મિહિરે હળવેથી તેનો હાથ પંપાળ્યો. રાઘવની આંખોમાં પણ અચ્યુત માટેની સહાનુભૂતિ છાની ન રહી શકી. મિહિરે કહ્યું, ‘જામીન મળ્યા એટલે આપણું કામ પૂરું નથી થતું, બલ્કે હવે આપણું કામ શરૂ થાય છે. સાંજ સુધીમાં કંઈક વિગત ચોક્કસ મળશે. એના પરથી આપણે તપાસ આગળ લઈ જઈ શકીશું.’

અચ્યુત ભીની આંખે ચૂપચાપ ઊભો રહ્યો. રાઘવે તેની સાથે હાથ મિલાવ્યો. અચ્યુતને હજી જાણે ભરોસો જ નહોતો પડતો કે તે મુક્ત થઈ ગયો હતો. તેણે કસ્ટડીમાં વિતાવેલા દિવસોની પીડા જાણે હજી તેના મનમાં સંઘરાયેલી હતી.

અંતે પ્રેમલતાએ તેના ખભે હાથ મૂકીને કહ્યું, ‘જઈએ બેટા?’

મા-દીકરો એકબીજાના સહારે મેટ્રોપૉલિટન કોર્ટના બિલ્ડિંગનાં પગથિયાં ઊતર્યાં.

અચ્યુત બહાર નીકળ્યો ત્યારે રાકેશ વિરમાણી મીડિયા સામે સ્ટેટમેન્ટ આપી રહ્યો હતો, ‘જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી મારો અસીલ નિર્દોષ છે. અંગત અદાવત રાખીને તેને કોઈ કારણ વગર ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ મને વિશ્વાસ છે કે અંતે સત્ય બહાર આવશે... મને ભારતની ન્યાયપ્રણાલિકા પર
વિશ્વાસ છે.’

વિશ્વપ્પાનો મેસેજ વાંચ્યો ત્યારે રાતની મહેફિલ લપેટાઈ ચૂકી હતી. અઝીઝ એટલો વ્યસ્ત હતો કે તેને મેસેજ વાંચવાનો સમય મળ્યો નહોતો. બધા મહેમાનોને વિદાય આપીને તેણે પોતાની રૂમમાં જઈને મેસેજ વાંચ્યો, ‘શુજા ફુટેજ લઈ ગયો છે.’

અઝીઝના ચહેરા પર સ્મિત આવી ગયું. અઝીઝ અને વિશ્વપ્પા વચ્ચે વિચિત્ર સંબંધ હતો. બન્ને એકબીજાના ખાસ ગ્રાહક હતા. અઝીઝને ત્યાં આવતી-લાવવામાં આવતી છોકરીઓને વિશ્વપ્પા માટે પેશ કરીને અઝીઝ તેને ખુશ રાખતો. બીજી તરફ અઝીઝ જે છોકરીઓને પટાવવા-ફસાવવામાં મોંઘા સોના-હીરામોતીના દાગીનાનો ઉપયોગ કરતો એ વિશ્વપ્પાને ત્યાંથી ઉચક લાવવામાં આવતા. છોકરી ફસાઈ જાય એ પછી દાગીના કે મોંઘી ભેટો વિશ્વપ્પાને ત્યાં પાછી પહોંચી જતી. બન્ને વચ્ચે ઘણા સમયથી આ સમજૂતી ચાલી આવતી હતી એટલે વિશ્વપ્પાની વફાદારી અઝીઝ તરફ ઝૂકી ગઈ. મેસેજ વાંચીને અઝીઝે જવાબ આપ્યો, ‘ડોન્ટ વરી, હું તૈયાર છું.’ જવાબ આપીને અઝીઝે ફોનમાં સમય જોયો. રાતના બે વાગ્યા હતા. તેણે રૂમની લાઇટ બંધ કરી અને ઊંઘવાનો પ્રયાસ કરવા લાગ્યો. બીજા દિવસની સવાર તેના માટે અઘરી પડવાની હતી.

ફેબિયોએ જે રીતે અક્ષરાને રોકડો જવાબ આપ્યો એનાથી અક્ષરાનું સ્વમાન તો ઘવાયું જ, પરંતુ તેને ફરી એક વાર પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. હાથમાં પકડેલી પ્લેટ થોડીક ક્ષણો સુધી એમ જ પકડી રાખ્યા પછી અક્ષરાએ પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. ફેબિયો સાથે ચૂપચાપ અહીંથી નીકળવું એ જ એક ઑપ્શન તેની પાસે બચ્યો હતો એ વાત તેને સમજાઈ ગઈ હતી. તેણે સ્વયંને સંપૂર્ણ નિયંત્રણમાં લઈને સ્મિત કર્યું, ‘એક રીતે જોવા જાઓ તો તારી વાત સાચી છે. ગો સૂન, કમ સૂન... મેં જે કર્યું એનું ફળ મળ્યું છે મને...’

‘ને મને પણ...’ કહીને ફેબિયોએ ધીમેથી અક્ષરાને નજીક ખેંચી. વિરોધ કે ખચકાટ વગર તે ખેંચાઈ આવી. ફેબિયોએ તેની પાતળી કમરમાં પોતાના બન્ને હાથ લપેટ્યા. તેના હોઠ પર એક હળવું ચુંબન લીધું. અક્ષરાએ આંખો મીંચીને એ ચુંબન સહી લીધું. ફેબિયોના હાથ તેના શરીર પર ફરવા લાગ્યા. કમર પરથી પીઠ પર, પીઠ પરથી આગળ... શરીર પર સાપ સરકતો હોય એટલી ઘૃણાથી અક્ષરા આંખો મીંચીને એ સ્પર્શ સહેવાનો પ્રયાસ કરી રહી હતી. ફેબિયોની હથેળી અક્ષરાના તનબદનનાં માપ ચકાસી રહી હતી. ફેબિયોએ ધીમેથી કહ્યું, ‘વૉટ અ બૉડી. ઇટાલિયન માર્બલ જેવી ત્વચા છે તારી. માઇકલ ઍન્જેલો કે જિયાન લૉરેન્જો, ડોનાટેલ્લો કે ઍન્ટેનિયો કૅનોવાના કોઈ શિલ્પની જેમ અદ્ભુત તરાશેલું છે તારું શરીર... આંગળીઓ ધરાતી નથી ને ટેરવાં ધબકવા લાગે છે તારા શરીર પર હાથ ફેરવતાં.’

અક્ષરાએ તેના હાથ રોકવાનો કોઈ પ્રયાસ ન કર્યો. જોકે તેના મનમાં આ સ્પર્શનો તિરસ્કાર જે હદે વિસ્તર્યો હતો એનાથી તેને ઊલટી જેવી ફીલિંગ થતી હતી. તેને પોતાનું શરીર જ જાણે કોઈ કચરાનો ડબ્બો હોય એવી ગંદી અને અપમાનજનક લાગણી થતી હતી. ફેબિયોનો હાથ તેના શરીર પર સરકતો રહ્યો, પણ તેણે અક્ષરાનાં વસ્ત્રો ઉતારવાનો કે તેની સાથે શરીરસંબંધ બાંધવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં. તે ઉત્તેજિત હતો. તેના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા. તેણે ધીમેથી અક્ષરાના કાનમાં ફુસફુસાતા અવાજમાં કહ્યું, ‘મારું ચાલે તો અત્યારે જ મારી અંદર ધગધગતી આગ તારા આ રૂપથી ઠંડી કરી દઉં; પણ આ ધંધાનો એક નિયમ છે કે ગ્રાહકનો માલ ગ્રાહકનો કહેવાય, એમાં મોઢું નહીં મારવાનું...’

અક્ષરાએ તેની સામે જોયું. તેનામાં હતો એટલો હુન્નર વાપરીને તેણે ફેબિયોની આંખોમાં નશો ઊંડેલી દીધો, ‘હું તને ગમતી હોઉં તો તું તારા જ માટે રાખી લેને... તારી સેવા કરીશ, તને ખુશ રાખીશ...’ આ કહેતી વખતે અક્ષરાને પોતાની જાત પ્રત્યે જે તિરસ્કાર થતો હતો એ અસહ્ય હતો. છતાં તેણે સ્મિત ટકાવી રાખ્યું.

‘નૉટ પૉસિબલ.’ ફેબિયોનો ચહેરો સહેજ ઊતરી ગયો, ‘હું માલિક નથી, પર્ચેઝ-મૅનેજર છું. મારા માલિકે મને જોઈ-તપાસીને માલ ખરીદવા મોકલ્યો છે...’ અક્ષરા ચકિત થઈ ગઈ, ફેબિયો કહેતો રહ્યો, ‘અમારી ઉપર પણ ચેઇન છે. અઝીઝ અને મારા જેવા લોકો તો પ્યાદાં છે. અસલી ધંધો તો બીજા લોકો ચલાવે છે. ઇન્ટરનૅશનલ માર્કેટ છે. ડ્રગ્સ, હ્યુમન ટ્રાફિક અને હથિયાર એકબીજા સાથે જોડાયેલી સપ્લાય ચેઇન છે...’ કહીને ફેબિયો ચૂપ થઈ ગયો.

‘એશિયાથી સ્ત્રીઓ શા માટે ખરીદે છે? યુરોપિયન સ્ત્રીઓ વધુ ગોરી અને રૂપાળી હોય છે.’

‘જેને ત્યાં જે નથી એનું જ આકર્ષણ હોયને?’ ફેબિયોએ કહ્યું, ‘યુરોપની માર્કેટમાં બ્રાઉન સ્કિનની ઘેલછા છે. કાળા વાળ, કાળી આંખો ધરાવતી ઇન્ડિયન સ્ત્રીઓ માટે યુરોપના પુરુષો મોંમાગી રકમ આપે છે.’ કહીને તેણે ઉમેર્યું, ‘અમે હાઈ-એન્ડ સર્વિસિસ આપીએ છીએ.’

‘આપણે ક્યારે નીકળીશું?’ અક્ષરાએ પૂછ્યું.

‘સવારે. થોડી વાર આરામ કરી લે.’ કહીને ફેબિયો સાવ સહજતાથી સાથે આવેલી ઍડ્જોઇનિંગ રૂમ તરફ ચાલી ગયો. એકલી પડેલી અક્ષરા અહીંથી કેવી રીતે નીકળવું એ વિશે જાતભાતના મનસૂબા ઘડતી રહી.

સવારે અક્ષરા નીકળે એ પહેલાં એક મહિલા ગાર્ડ તેમની રૂમમાં આવી. અઝીઝે ભેટ આપેલી અક્ષરાની તમામ જ્વેલરીનું લિસ્ટ તેની પાસે હતું. અક્ષરાએ પૅક કરેલી બૅગ ખોલાવીને એમાંથી એક-એક જ્વેલરી લિસ્ટ મુજબ ચેક કરીને તેણે પાછી લઈ લીધી. આશ્ચર્યચકિત અક્ષરાએ તેને પૂછ્યું, ‘પણ આ તો ગિફ્ટ હતી...’

મહિલા ગાર્ડના ચહેરા પર વિચિત્ર સ્મિત આવી ગયું. તેણે અક્ષરા સામે એવી રીતે જોયું જાણે અક્ષરા તદ્દન બેવકૂફ હોય, ‘ગિફ્ટ નહીં, ચારો કહેવાય આને. પંખીને જાળમાં ફસાવવા માટે નાખવામાં આવતા ચારાની જેમ આવી ભેટો આપે છે શેખસાહેબ; પણ આ કંઈ તારી માલિકીની વસ્તુઓ નથી, અહીંથી જતાં પહેલાં અહીંનો માલ અહીં જ મૂકીને જવું પડે છે...’ અક્ષરા જ્યારે વસ્તુઓ પાછી આપી રહી હતી ત્યારે ફેબિયોના ચહેરા પર પણ એક અકળ સ્મિત હતું. તેના માટે આ નવું નહોતું. આ પહેલાં પણ તે જ્યારે-જ્યારે અહીંથી સ્ત્રીઓને ખરીદીને લઈ ગયો હતો ત્યારે અઝીઝે તેમની પાસેથી પાછી લીધેલી વસ્તુઓનો તે સાક્ષી હતો. અક્ષરા તદ્દન કંગાળ થઈ ગઈ. મહિલા ગાર્ડે ઉપકાર કરતી હોય એમ અક્ષરાને કહ્યું, ‘કપડાં તું રાખી શકે છે.’ અક્ષરાને તો અહીંથી કશુંય લીધા વગર નીકળવાની ઇચ્છા થઈ આવી હતી, પરંતુ ઇટલી પહોંચતાં સુધી અને પહોંચ્યા પછી ત્યાં શું સ્થિતિ હશે એની તેને કલ્પના નહોતી એટલે અઝીઝે કરાવેલી શૉપિંગનાં બધાં જ કપડાં તેણે બૅગમાં ભરી લીધાં. મોંઘાં ગાઉન્સ, અંતઃ વસ્ત્રો અને બે-ચાર પરફ્યુમ્સ મહિલા ગાર્ડે તેને લઈ જવાની છૂટ આપી તો ખરી; પણ અક્ષરાએ બૅગ ભરી ત્યાં સુધી મહિલા ગાર્ડ ચોકી કરતી તેની સામે જ ઊભી રહી. અક્ષરા નિરાશ થઈ ગઈ હતી. તેના મનમાં રાત્રે એવો વિચાર હતો કે અહીંથી નીકળ્યા પછી અઝીઝે આપેલી ભેટના મોંઘાદાટ દાગીના વેચીને તે પોતાના ભાગવા માટે ટિકિટની વ્યવસ્થા કરશે, પણ હવે તો તેની પાસે દસ દિરહામ પણ નહોતા! ખાલી હાથે અને ભગ્ન હૃદયે અક્ષરા જ્યારે ખોર ફક્કાનના એ મહેલના ગેટમાંથી બહાર નીકળી ત્યારે તે ગાડીમાંથી સતત પાછા વળીને જોઈ રહી હતી, કદાચ અઝીઝ દેખાઈ જાય! પરંતુ આખો ડ્રાઇવ-વે સૂનો હતો. ગેટ સુધી આવતા તમામ મહેલોનાં બારી-બારણાં બંધ હતાં. પહેરો દઈ રહેલા ગાર્ડ્‌સ સિવાય અક્ષરાને કોઈ દેખાયું નહીં.

અઝીઝના પ્રાઇવેટ જેટમાં બેસીને બન્ને જણ શારજાહ ઍરપોર્ટ પહોંચ્યાં. ગઈ કાલ અને આજના ફેબિયોમાં જાણે આસમાન-જમીનનો ફેર હતો. ફેબિયો અચાનક જ અક્ષરા સાથે એકદમ પ્રોફેશનલી વર્તવા લાગ્યો હતો. બન્ને જાણે સહકર્મચારી હોય એવું ફૉર્મલ વર્તન કરી રહેલા ફેબિયોને અક્ષરાએ સીધું પૂછી જ નાખ્યું, ‘કેમ આવી રીતે વર્તે છે? ગઈ કાલ સુધી તો...’

જવાબમાં ફેબિયો માત્ર હસ્યો. અક્ષરાના આશ્ચર્ય વચ્ચે ફેબિયોએ જ્યારે અક્ષરાનો પાસપોર્ટ ઇમિગ્રેશન માટેની કૅબિનમાં બેઠેલા આરબ ઑફિસર સામે મૂક્યો ત્યારે એના પર પાંચ વર્ષના શેન્ગન વીઝાની મહોર લાગેલી હતી. હજી ગઈ કાલે અક્ષરાને ઇટાલિયન પુરુષે ખરીદી અને આજે તેના વીઝા તૈયાર હતા એ જોઈને અક્ષરાને એટલું તો સમજાઈ જ ગયું કે આ નેટવર્ક કેટલું પાવરફુલ અને સ્ટ્રૉન્ગ હોઈ શકે!

‘પેગાસસ’ની ફ્લાઇટમાં બોર્ડ કરવા સુધી અક્ષરા મનોમન ઈશ્વરને પ્રાર્થના કરતી રહી કે કદાચ કોઈ સવાલ પૂછવામાં-ક્યાંક, કોઈને શંકા જાય અને તે ઑફિસર પોતાને બચાવી લે! પરંતુ અક્ષરાની બધી પ્રાર્થનાઓ નિષ્ફળ ગઈ. શારજાહથી ઇસ્તાંબુલ અને ત્યાંથી મિલાન સુધીના પ્રવાસ દરમ્યાન અક્ષરા મનોમન કેટલાય અંકોડા ભીડતી અને ઉકેલતી રહી. હવે જ્યાં પહોંચીશું ત્યાં કોણ હશે, કેવા માણસો હશે, પોતાની સાથે કેવો વ્યવહાર થશે ત્યાંથી શરૂ કરીને આ પરિસ્થિતિમાંથી રસ્તો કઈ રીતે કાઢવો એ વિશે સતત વિચારતાં ઇસ્તાંબુલના સ્ટૉપઓવર સહિત મિલાન સુધીના ૧૬ કલાક ક્યાં પૂરા થઈ ગયા એનો અક્ષરાને ખ્યાલ પણ ન રહ્યો. તેનો એકમાત્ર ઇરાદો ભાગી છૂટવાનો હતો, જેના વિશે તેણે કંઈકેટલાય પ્લાન બનાવ્યા અને વિખેરી નાખ્યા.

મિલાનના બરગામો ઍરપોર્ટ પર ઊતર્યાં ત્યારે અક્ષરા થાકી હતી. ફ્લાઇટમાં ઊંઘવાને બદલે તેણે સતત વિચારો કર્યા હતા એટલે સામાન આવે ત્યાં સુધીમાં તો તેનું શરીર જાણે ઢગલો થઈ ગયું. ઇમિગ્રેશનની લાઇનમાં ઊભેલી અક્ષરાને હજી એક આશા હતી કે ઑફિસરના પૂછેલા સવાલોના યોગ્ય જવાબ નહીં મળે તો શંકા જશે... પરંતુ ઑફિસરે વીઝા જોઈને તેને કોઈ સવાલ જ પૂછ્યો નહીં. નિરાશ અને કંટાળેલી અક્ષરા બહાર નીકળી ત્યારે મિલાન શહેરની સુંદરતા અને આધુનિક સ્ટ્રક્ચર સાથે ઐતિહાસિક મકાનોની જાળવણી જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. મિલાન એક ફૅશન-હબ છે. ઇટલીમાં રોમ પછીનું સૌથી પ્રભાવશાળી અને સુંદર શહેર. ઈસવીસન પૂર્વે ૪૦૦ની આસપાસ એની સ્થાપના થઈ. મધ્યયુગ અને રેનેસાંના સમય દરમ્યાન અહીં કલા અને વિજ્ઞાનનો વિકાસ થયો. ઇટલીના અનેક કલાકારો અહીં જન્મ્યા અને તેમણે અહીં કામ કર્યું છે. લિયોનાર્ડો દ વિન્ચીએ તેનું ચિત્ર ‘લાસ્ટ સપર’ અહીં જ બનાવ્યું હતું. પ્રાડા, ગુચી અને વર્સાચે જેવી બ્રૅન્ડ્સનું આ કેન્દ્ર છે. મિલાનના બરગામો અલ સિરિયો ઍરપોર્ટ પર ઊતર્યાં ત્યારે એક ગાડી પ્રતીક્ષા કરી રહી હતી. બન્ને જણ ગાડીમાં બેઠાં અને ગાડી બેલાજિયો શહેર તરફ નીકળી ગઈ.

લોકલ-નૅશનલ ચૅનલ્સ પર રાકેશ વિરમાણીનું સ્ટેટમેન્ટ વાઇરલ થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ સુશીલા પ્રજાપતિ મેટ્રોપૉલિટન કોર્ટના એક ખૂણામાં આયરા ખાન પર પોતાનો ગુસ્સો ઉતારી રહી હતી, ‘મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ લોકો પહોંચેલા અને ઉસ્તાદ છે. તમે મારી વાત સિરિયસ્લી ન લીધી. આ સાલો એક વાર બહાર નીકળ્યો એટલે હવે બધું તેની રીતે ગોઠવી લેશે. તેના જામીન થવા જ નહોતા જોઈતા.’

‘જુઓ મૅડમ, આપણી પાસે CCTV કૅમેરાના ફુટેજ સિવાય કોઈ પુરાવા નથી. તમારી દીકરી અચ્યુત ગોહિલ સાથે ગઈ પછી શું થયું એ વિશે તમને પણ ખબર નથી... જ્યાં સુધી આપણી પાસે કોઈ નક્કર પુરાવા નહીં હોય ત્યાં સુધી આપણે અચ્યુતને ગુનેગાર સાબિત નહીં જ કરી શકીએ.’

આ સાંભળીને સુશીલા વધુ ચિડાઈ, ‘પોલીસ તેની સાથે મળી ગઈ છે. એ લોકો પુરાવા નહીં આપે. તેની માની પહોંચ જબરદસ્ત છે. બધા સાથે મળીને તેને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે...’ કહીને સુશીલાએ છાશિયું કર્યું, ‘મને તો લાગે છે કે તમે પણ...’

‘માઇન્ડ યૉર લૅન્ગ્વેજ મૅડમ!’ આયરાનો ચહેરો બદલાઈ ગયો, ‘બાકી બધું સાંભળી લઈશ, પણ અપ્રામાણિકતાનો આક્ષેપ કરશો તો તમારો કેસ હમણાં જ છોડી દઈશ.’

‘એમ નહીં...’ સુશીલાને તેની ભૂલ સમજાઈ ગઈ. મુંબઈની બેસ્ટ પબ્લિક પ્રોસિક્યુટરને નારાજ કરવી તેને પોસાય એમ નહોતું, ‘પણ આપણે કંઈક પુરાવા ભેગા કરીએ ને...’ તેણે આયરાના હાથ પકડી લીધા, ‘તમે મારી મદદ કરો. શું જોઈએ છે, કહો મને!’

આયરા સહેજ ઠંડી પડી, ‘અક્ષરાના CDR એટલે કે કૉલ ડીટેલ રેકૉર્ડ્સ તો પોલીસે શોધ્યા જ હશે, પણ પુરાવારૂપે રજૂ કર્યા નહીં કેમ? એ મહત્ત્વનો સવાલ છે...’ સુશીલા તેની સામે જોઈ રહી. આયરાએ ફાઇલ ખોલી, ‘આ છે તમારી દીકરીના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ. મૉરિશ્યસથી આવ્યા પછી લગભગ રોજ તે UAEના નંબર પર વાત કરતી હતી...’ આયરા સહેજ અટકી, ‘કેટલીક વાર દિવસમાં બે વાર વાત થઈ છે. કેટલાક કૉલ્સ તો ૪૫ મિનિટ, કલાક અને ક્યારેક અડધી રાતના પણ કૉલ્સ છે...’

‘એટલે?’ સુશીલાની આંખો ઝીણી થઈ.

‘એટલે એમ મૅડમ કે બધું વિચારતાં મને પણ કેટલીક વાતો અસંગત અને ગળે ન ઊતરે એવી લાગે છે.’ આયરાએ ડર્યા વગર કહી નાખ્યું, ‘અપહરણ થયાનો, વેચી નાખ્યાનો કે ખૂન થયાનો આરોપ તો મૂકી શકાય; પણ તમારી દીકરી જાતે ગઈ હોય એવી શક્યતા નકારી શકાય એમ નથી.’

સુશીલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને મેટ્રોપૉલિટન કોર્ટનું બિલ્ડિંગ ગોળ ફરતું હોય એવી અનુભૂતિ થઈ.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

05 April, 2026 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK