Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૫)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૧૫)

Published : 19 April, 2026 03:41 PM | Modified : 19 April, 2026 03:42 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

સ્ટાફે નીચા નમીને આભાર વ્યક્ત કર્યો. આમ જોવા જઈએ તો આવી ઘટના મહેલમાં પહેલી વાર બની હતી. છોકરીઓ આવતી, વેચાતી, ગુમ થઈ જતી એ વાતની સ્ટાફને ખબર જ હતી;

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


લેક કોમોની વચ્ચોવચ એક નાનકડા દ્વીપ પર આવેલું શહેર બેલાજીઓ. ચારે તરફ ભૂરું પાણી, ચારે તરફ બરફથી ઢંકાયેલાં આલ્પ્સનાં શિખરો અને નાનકડા ગામનાં રંગબેરંગી ઘરો એકદમ આકર્ષક દેખાતાં હતાં. પથ્થર જડેલી નાની-નાની ગલીઓ અને દરેક બાલ્કનીમાંથી દેખાતાં રંગબેરંગી ફૂલોને કારણે આખું શહેર ખૂબ જ સુંદર દેખાતું હતું. બપોર થઈ ગઈ હતી છતાં ઠંડી હવા મનને શાંત કરી રહી હતી. નાનાં-નાનાં કૅફે, ફૅમિલી દ્વારા ચલાવવામાં આવતી રેસ્ટોરાં અને એની સાથે જોડાયેલી ફુટપાથ પર મૂકેલાં ટેબલ-ખુરસી પર લોકો આરામથી કૉફી અને વાઇનની મજા લઈ રહ્યા હતા. અહીં જાણે કોઈને ક્યાંય પહોંચવાની ઉતાવળ નહોતી. સૌ નિરાંતે પોતાના જીવનને માણી રહ્યા હોય એવું કંઈક વાતાવરણ જોઈને અક્ષરાના મનમાં ચાલી રહેલા ઢગલાબંધ વિચારો થોડી વાર માટે શાંત થઈ ગયા. તેનો ચહેરો જોઈને ફેબિયોએ કહ્યું, ‘મેં કહ્યું હતું તને, ખૂબ ગમશે તને આ શહેર. મુંબઈની ભાગદોડમાંથી એક નિરાંતની, ખુશનુમા, શાંત જિંદગીની ટેવ પડી જશે. પછી ક્યાંય નહીં ગમે.’

તેના ચહેરા પર પેલું શરારતી, મારકણું સ્મિત ધસી આવ્યું.



ગાડી એક નાનકડા ઘર પાસે
ઊભી રહી.


ઘરના બગીચાનો ગેટ ખોલતાં ફેબિયોએ કહ્યું, ‘તારા માટે રહેવાની વ્યવસ્થા થઈ ચૂકી છે.’ ફેબિયોએ જવાબ આપ્યો, ‘બૉસ બધી જ છોકરીઓને બેસ્ટ ટ્રીટમેન્ટ આપે છે. આફ્ટરઑલ તમે ખુશ રહેશો તો જ ગેસ્ટને ખુશ કરી શકશો.’ આટલું સાંભળતાં જ અક્ષરાને કમકમાં આવી ગયાં. પોતાની સાથે શું થવાનું છે એના સવાલો ફરી એક વાર તેના મગજમાં ઘૂમરાવા લાગ્યા.

ઘર સાચે જ સુંદર હતું. નીચે ડ્રૉઇંગરૂમ, કિચન, બે બેડરૂમ, ઉપરના એક બેડરૂમમાં સુંદર બાલ્કની હતી. બાલ્કનીમાં રંગબેરંગી ફૂલો અને સરસમજાના પ્લાન્ટ્સ સજાવવામાં આવ્યા હતા. ઘરની પાછળનો દરવાજો લેકના કિનારે ખૂલતો હતો. ત્યાં નાનકડું ડેક બનાવવામાં આવ્યું હતું. ડેક પરથી સીધા કાયાક (હળવી હોડી)માં બેસીને જઈ શકાય એવી વ્યવસ્થા હતી. આવી બીજી હળવી હોડીઓ આસપાસનાં ઘરોનાં ડેક પર બાંધેલી હતી. એક ભૂરા રંગની કાયાક અહીં પણ બાંધેલી જોઈને અક્ષરાએ પૂછ્યું, ‘અહીં મારે એકલા જ રહેવાનું છે?’


‘હા!’ ફેબિયોએ હસીને જવાબ આપ્યો, ‘આ તારું ઘર છે. અહીં તારી રજા સિવાય કોઈ નહીં આવે. ગેસ્ટ આવે ત્યારે તારે હોટેલમાં જવાનું. તે કહે ત્યાં સુધી રહેવાનું, ક્યારેક બહાર જવાનું. અઠવાડિયામાં બે રજા મળશે. ક્લાયન્ટના પેમેન્ટમાંથી ત્રીસ ટકા તને મળશે. એ સિવાય તારો બધો ખર્ચો બૉસ ઉપાડશે. તારી બ્યુટી-ટ્રીટમેન્ટ, કપડાં, શૂઝ અને ઍક્સેસેરીઝનું મન્થ્લી બજેટ મળશે જે વાપરવું જ પડશે. શૉપિંગ કરીને દર મહિને તમારે ક્લાયન્ટ સામે બેસ્ટ દેખાવું પડે. ફૂડ માટે ગ્રોસરીની કૂપન મળી જશે. જાતે સુપરમાર્કેટ જવાનું. ગાડી ચલાવતાં શીખી જઈશ એટલે લોકલ લાઇસન્સ અને ગાડી પણ બૉસ આપશે.’

અક્ષરા સાંભળતી રહી. કોઈ કૉર્પોરેટ કંપનીની જેમ આ એક વ્યવસ્થિત, ઑર્ગેનાઇઝ્ડ બિઝનેસ હતો. ટર્મ્સ, કન્ડિશન્સ અને પર્ક્સ સાથે. ફેબિયો કહેતો રહ્યો, ‘થોડા દિવસમાં તારી રેસિડન્સ પરમિટ આવી જશે. EU બ્લુ કાર્ડ મળી જશે પછી તું યુરોપના બધા દેશોમાં ફરી શકીશ.’

‘ને તમે મને ફરવા જવા દેશો?’ અક્ષરાના અવાજમાં રહેલી કડવાશ ફેબિયોને સમજાઈ.

‘ઑફકોર્સ!’ તેના ચહેરા પર પેલું સ્મિત અકબંધ હતું. એવું લાગતું હતું કે આ સ્મિત જાણે ફેબિયોના ચહેરાનો, તેના અસ્તિત્વનો ભાગ છે. એ એક જુઠ્ઠું બનાવટી સ્મિત હતું એ વાત અક્ષરાને હવે સમજાઈ. આ સ્મિત અક્ષરાને અકળાવવા લાગ્યું હતું, ‘માત્ર બેલાજીઓમાં જ તારા ક્લાયન્ટ્સ હોય? યુરોપના દેશોમાંથી તને ઇન્વાઇટ આવે તો તારે ટ્રાવેલ કરવું પડશે. ક્યારેક કોઈ ક્લાયન્ટ તને લાંબા સમય માટે પોતાની સાથે લઈ જવા માગે તો પણ તારે EU કાર્ડ તો જોઈશે જ.’

‘લાંબા સમય માટે એટલે?’ અક્ષરા ખરેખર ડરવા લાગી હતી.

‘બધું હમણાં જ જાણી લેવું છે?’ ફેબિયોએ પેલા શરારતી, જુઠ્ઠા સ્મિત સાથે વાત પૂરી કરી.

‘ફોન મળશે મને?’ અક્ષરાએ પૂછ્યું. ફોન મળી જાય તો અહીંથી નીકળવાનો કોઈક રસ્તો શોધી શકાય, તેના મનમાં વિચાર આવ્યો.

‘ચોક્કસ મળશે.’ ફેબિયોએ કહ્યું, ‘પણ એ ફોન પર ટ્રૅકર હશે. તું જ્યાં જઈશ, જેની સાથે વાત કરીશ એ બધી જ ખબર બૉસના માણસો પાસે પહોંચતી રહેશે.’ કહેતાં-કહેતાં ફેબિયોનો ચહેરો બદલાઈ ગયો, ‘ચાલાકી કરવાની કોશિશ નહીં કરતી. ઈમાનદારીના બદલામાં બૉસ મબલક ઇનામો આપે છે, પણ બેઈમાનીના બદલામાં માત્ર મોત...’ અક્ષરાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું, ‘તને કદાચ એવું લાગતું હશે કે તારી પાસે પાસપોર્ટ છે, શેંગન વીઝા છે... તું ભાગીને યુરોપના કોઈ પણ દેશમાં સંતાઈ શકીશ. એવો વિચાર પણ ન કરતી. બૉસ તને પાતાળમાંથી પણ શોધી કાઢશે.’

‘આ બૉસ કોણ છે?’ અક્ષરાથી પૂછ્યા વગર રહેવાયું નહીં.

ફેબિયોના ચહેરા પર ફરી એ જ બનાવટી મારકણું, શરારતી સ્મિત આવી ગયું, ‘હમણાં જ આવી છે. રેસ્ટ કર. ફ્રેશ થા. ફ્રિજમાં ગ્રોસરી છે. યુ કૅન કુક ઑર ઑર્ડર.’ તે બહાર જવા લાગ્યો. પછી એકાદ ક્ષણ રોકાયો, પાછો ફર્યો, ‘અહીં વેજિટેરિયન અને નૉન-વેજિટેરિયન વચ્ચે ઝાઝો ફરક નથી. ઇટાલિયન લોકો ઈંડાં, ફિશને વેજિટેરિયનમાં જ ગણે છે એટલે ઑર્ડર આપતાં પહેલાં ચોકસાઈ કરજે.’ તેણે જરા સ્નેહપૂર્વક કહ્યું, ‘તું કહે તો હું ઑર્ડર કરી દઉં?’

અક્ષરાને ભૂખ લાગી હતી. તેણે ડોકું ધુણાવી દીધું. ફેબિયોએ ઇટાલિયનમાં વાત કરીને ભોજનનો ઑર્ડર આપ્યો. પછી કહ્યું, ‘જેટલું જલદી ઇટાલિયન શીખી લઈશ એટલી જલદી અહીંના વાતાવરણમાં ગોઠવાઈ શકીશ. ફ્રેન્ચ અને ઇટાલિયન લોકો અંગ્રેજી જાણતા હોય તો પણ અંગ્રેજી બોલવાનું ટાળે છે... અંગ્રેજી બોલતા માણસો પણ તેમને બહુ પસંદ નથી. તેમની સાથે ભાંગ્યું-તૂટ્યું ઇટાલિયન પણ બોલીશ તો જલદી દોસ્તી થવા લાગશે.’ કહીને ફેબિયો નજીક આવ્યો. તેણે અક્ષરાના બન્ને ગાલ પર હાથ મૂકીને તેના હોઠ પર ચુંબન કર્યું, ‘આદિઓ.’ કહીને અંગ્રેજીમાં ઉમેર્યું, ‘ગુડ બાય, કદાચ ફરી નહીં મળીએ.’

ફેબિયો નીકળી ગયો. પાછળ બંધ થયેલા દરવાજા સામે તાકતી અક્ષરા એકલી-અટૂલી ઊભી હતી.

શું વિચાર્યું હતું અને શું થઈ ગયું જિંદગીમાં! એક દીકરી, એક પત્નીમાંથી એક સૉફિસ્ટિકેટેડ વેશ્યા બની ગઈ... કોઈ રીતે અચ્યુત સુધી પહોંચી શકાય તો તે બચાવે મને? તેના મનમાં સવાલ થયો, પણ પછી તેના જ મને જવાબ આપ્યો, ‘શું કામ બચાવે? મેં તેને છેતર્યો, દગો કર્યો, ફસાવ્યો તેને...’ અક્ષરાની આંખોમાં આંસુ ધસી આવ્યાં, ‘કાશ! હું મારી માની વાતમાં આવીને અઝીઝ સાથે આગળ ન વધી હોત... તેની લાલચે મને બરબાદ કરી...’ પણ, હવે મોડું થઈ ગયું હતું.

પાર્ટી હૉલ, મર્દાના નિવાસ અને જનાના નિવાસની પૂરેપૂરી તપાસ થઈ ચૂકી. સૌને અક્ષરા અને અચ્યુતના ફોટો બતાવવામાં આવ્યા. સૌને પૂછવામાં આવ્યું કે તે લોકો અહીં આવ્યાં હતાં કે નહીં. તમામ મહિલા અને પુરુષ ગાર્ડ્સ, હાઉસકીપિંગના માણસો, કિચન અને સર્વિંગના સ્ટાફે આ બન્ને જણને ઓળખ્યાં. એ લોકો આવ્યાં હતાં, સાથે જ હતાં, મૅડમ રોકાઈ ગયાં અને સાહેબ ચાલી ગયા; મૅડમ પણ પછીથી ચાલી ગયાં જેવા ગોખેલાં, પઢાવેલાં સ્ટેટમેન્ટ્સ સાંભળીને શુજા અને તેના માણસો અકળાતા રહ્યા. જનાના વિભાગમાં જઈને મહિલા પોલીસોએ તપાસ કરી. બિચારી બેગમોને તો કંઈ ખબર જ નહોતી! મહેમાનોના ખંડમાં એક-એક દરવાજો ખોલીને તપાસવામાં આવ્યો. પત્તાંની કૅટની ૪ રાણીઓ અને ૪ રાજાઓનાં ચિત્રો લગાડેલા આઠેય દરવાજા ખૂલ્યા ત્યારે અંદર કોઈ હોટેલના હાઉસકીપિંગ સ્ટાફે તૈયાર કરેલી રૂમ જેવી સ્વચ્છતા અને સ્તબ્ધતા હતી. શુજા જ્યારે તપાસ કરી રહ્યો હતો ત્યારે તેમની સાથે અઝીઝના માણસો પણ હતા. શુજાને લાગ્યું કે એમાંની એક મહિલા ગાર્ડ સતત કશુંક કહેવાનો પ્રયાસ કરે છે, પરંતુ બાકીના માણસોની હાજરીને કારણે તે કશું બોલી શકતી નથી. શુજાએ તેના માણસો અને અઝીઝના માણસોના ટોળાથી પાછળ રહી જવાનો ડોળ કર્યો. તે મહિલા ગાર્ડ જાણે સમજી ગઈ હોય એમ તે પણ પોતાનાં શૂઝની લેસ બાંધવા અટકી. શુજાએ તેની સામે જોયું. તેની આંખોમાં કોઈ રહસ્ય હતું. શુજાએ ધીમેથી પોતાનું કાર્ડ નાખ્યું, ‘મને ફોન કરજે.’ કહીને તે ફરી પાછો પોતાના ઑફિસર્સ સાથે જોડાઈ ગયો. CCTV મૉનિટર પર શુજાની પ્રવૃત્તિ જોઈ રહેલા અઝીઝના ચહેરા પર સ્મિત આવ્યું. હવે તે મહિલા ગાર્ડ શું કરે છે એ જોવાની ઉત્સુકતા અઝીઝને હતી. મહિલા ગાર્ડે આસપાસ જોઈને સાવધાનીપૂર્વક એ કાર્ડ ઉપાડ્યું, જોયું! સહેજ આગળ જઈને તેણે એ કાર્ડ CCTV કૅમેરામાં દેખાય એવી રીતે ડસ્ટબિનમાં નાખી દીધું. અઝીઝે તેની બાજુમાં બેઠેલા તેના માણસને કહ્યું, ‘જોયું? આ અઝીઝનો ખૌફ છે. મારો કોઈ મુલાઝિમ મારી વિરુદ્ધ જવાની હિંમત કરે જ નહીં. રહમત શુજા માને છે કે તે મારા માણસોને ખરીદી શકશે... અહમક છે. બેવકૂફ!’

આ તે જ મહિલા ગાર્ડ હતી જેણે અક્ષરાને મુજરા હૉલથી ફેબિયોની રૂમમાં પહોંચાડી હતી. તેનું નામ નજમા. છેલ્લાં ૩ વર્ષથી તે અઝીઝના બેગમ મહેલમાં મહિલા ગાર્ડની નોકરી કરતી હતી. દર વર્ષે ભરાતી આ બજારમાં અક્ષરાની પહેલાં પણ તે અનેક સ્ત્રીઓની ભયાનક પરિસ્થિતિની સાક્ષી રહી હતી. તેણે અઝીઝને ફોન પર વાત કરતો સાંભળ્યો હતો એટલે તેને ખબર હતી કે અક્ષરાના શૌહર પર કેસ થયો છે, અક્ષરાના ભાગી જવાને કારણે તેનો શૌહર મુશ્કેલીમાં છે. નજમાને અત્યારે અક્ષરાની નહીં પણ અચ્યુતની દયા આવી હતી. તે સમજી શકતી હતી કે રહમત શુજા જે કંઈ કરી રહ્યો હતો એ એક બેગુનાહને બચાવવાનો પ્રયાસ હતો. નજમાએ કાર્ડ ડસ્ટબિનમાં ફેંકતાં પહેલાં રહમત શુજાનો નંબર મનોમન નોંધી લીધો. તેણે નક્કી કર્યું કે તે જાનના જોખમે પણ બેગુનાહની મદદ કરશે. અલ્લાહમાં ઊંડો વિશ્વાસ ધરાવતી નજમાને ખાતરી હતી કે તેના આ કામનો સવાબ અલ્લાહ તેને જરૂર આપશે.

શુજાએ લગભગ ત્રણ-સાડાત્રણ કલાક દરેક મહેલમાં તપાસ કરી, પરંતુ અક્ષરા તો શું બીજી કોઈ છોકરીનો કે બહારના કોઈ મહેમાનનો અણસાર સુધ્ધાં ન મળ્યો. નિરાશ થઈને બહાર નીકળતી વખતે શુજાએ ધીમેથી અઝીઝને કહ્યું, ‘હું પાછો આવીશ.’

‘ઝહે નસીબ!’ અઝીઝે સલામ કરીને કહ્યું, ‘તમે વારંવાર તશરીફ લાવો એ મારા માટે ખુશનસીબી છે.’

શુજા સમસમીને ગાડીમાં બેસી ગયો.

તેના ગયા પછી અઝીઝે બહાર ઊભેલા આખા સ્ટાફ સામે જોયું. અઝીઝનો સ્ટાફ ડરી ગયો હતો. ખાસ કરીને નજમાની આંખોમાં ખૌફ સ્પષ્ટ દેખાતો હતો. લગભગ તેની સામે જ જોઈને અઝીઝે કહ્યું, ‘તમને સૌને તમારી વફાદારી માટે ઇનામ મળશે.’

સ્ટાફે નીચા નમીને આભાર વ્યક્ત કર્યો. આમ જોવા જઈએ તો આવી ઘટના મહેલમાં પહેલી વાર બની હતી. છોકરીઓ આવતી, વેચાતી, ગુમ થઈ જતી એ વાતની સ્ટાફને ખબર જ હતી; પરંતુ આવી રીતે કોઈ છોકરીની તપાસ કરવા માટે પોલીસ અને સુલતાનના માણસો આવી પહોંચ્યા હોય એવું પહેલી વાર બન્યું હતું, ‘જેમ વફાદારી માટે ઇનામ મળશે એમ દગા માટે સજા પણ મળશે એટલું સમજી લેજો.’ અઝીઝે ચેતવણી આપી દીધી. તે ત્યાંથી ચાલવા લાગ્યો. તેનો મૅનેજર તેની
પાછળ-પાછળ ચાલતો હતો ત્યારે સ્ટાફને મૅનેજ કરતા HRના માણસને અઝીઝે કહ્યું, ‘આમાંથી કોઈ પણ ખબરી બનવાની ભૂલ કરશે તો તેના પરિવારને તેની કબર નહીં મળે... સમજાવી દેજો બધાને!’

મૅનેજર અવાક થઈને ત્યાં જ ઊભો રહ્યો. અઝીઝ ત્યાંથી નીકળી ગયો.

મોટા ભાગનો સ્ટાફ એસ્ટેટમાં જ પાછળ બનાવેલાં સ્ટાફ-ક્વૉર્ટર્સમાં રહેતો હતો. ફક્ત થોડાક જ લોકો લોકલ હતા જે સવારે ડ્યુટી પર આવતા અને સાંજે પોતાના ઘરે પાછા જતા. બહારથી આવતા-જતા સ્ટાફનું કડક ચેકિંગ થતું. નજમા મહેલની બહાર રહેતી હતી. તે જ્યારે મુખ્ય દરવાજા પર પોતાનું કાર્ડ પંચ કરવા ગઈ ત્યારે તેનું ચેકિંગ કરતી વખતે ફરી એક વાર બીજી મહિલા ગાર્ડે તેને કહ્યું, ‘શેખસાહેબ આપણા માલિક છે. નમકહરામી નહીં કરતી.’

નજમા ઉતાવળમાં ડોકું ધુણાવીને બહાર નીકળી ગઈ. તેના આખા શરીરે પરસેવો વળી ગયો હતો. કાર્ડ ફેંકતાં પહેલાં તેણે નંબર તો યાદ કરી લીધો હતો, પરંતુ શુજાને ફોન કરવો કે નહીં એ વિશે તેનું મન અવઢવમાં હતું. અઝીઝને જરાસરખી ગંધ આવે તો નમકહરામની કબર પણ ન મળે એમાં કોઈ શક નહોતો. છતાં એક બેગુનાહ સાથે થઈ રહેલો અન્યાય તેને ફરિયાદ કરવા, સચ્ચાઈનો પક્ષ લેવા માટે મજબૂર કરી રહ્યો હતો.

પોલીસને અક્ષરાના કૉલ રેકૉર્ડ્સ અને ક્રેડિટ કાર્ડના ખર્ચાની વિગતો મળી આવી એટલે પબ્લિક પ્રોસિક્યુટર પાસે એ વિગતો પહોંચાડવામાં આવી. આયરા ખાન મન્સુરી જે અત્યાર સુધી અચ્યુતને ગુનેગાર માનીને એકપક્ષી વિચાર કરી રહી હતી તેના માટે આ કૉલ રેકૉર્ડ્સ ચોંકાવનારા હતા. અક્ષરાના બેફામ ખર્ચા અને UAEના નંબર પર સતત થતી રહેલી વાતો પરથી એટલું તો સાબિત થઈ જ ચૂક્યું હતું કે અક્ષરા ‘ફસાઈ’ હોવાની શક્યતા નહીંવત્ છે.

આયરાએ ભોળી બનવાનો ડોળ કરી રહેલી સુશીલાને ધમકાવી, કેસ છોડવાની ધમકી આપી એટલે સુશીલા ડરી ગઈ. તેણે ફુસફુસાતા અવાજે, આંખો નીચી કરીને કબૂલ કર્યું, ‘મને ખબર છે કે તે શેખસાહેબ સાથે વાતો કરતી હતી.’ પણ તરત જ વાત વાળી લેતાં ઉમેર્યું, ‘તે ભાગી જવાની છે એ વાત મને ખબર નહોતી.’

‘તમે હજી જુઠ્ઠું બોલો છો.’ આયરાએ કહ્યું, ‘હવે કશું જ છૂપું નથી. આવતી તારીખમાં રાકેશ વિરમાણી પણ આ કૉલ રેકૉર્ડ્‌સ ખોલશે. તમારી દીકરીએ છેલ્લી વાત તમારી સાથે કરી છે.’

‘હાઆઆઆ! તે હું ક્યાં ના પાડું છું?’ બેવકૂફ સુશીલા હજી માનતી હતી કે તે આયરાને અને પોલીસને મૂરખ બનાવી શકશે. તેણે ભોળો ચહેરો બનાવતાં કહ્યું, ‘તેણે ત્યાં પહોંચીને મારી સાથે વાત કરી. મા-દીકરી વાત કરે એ કંઈ ગુનો છે? પહોંચી ગયાના, સુખ સમાચાર તો આપે કે નહીં?’

‘આપે!’ આયરાનો ચહેરો તમતમી ગયો હતો. ફક્ત નિર્દોષની મદદ કરવાનો તેનો નિયમ હતો અને અત્યારે તેને ચોખ્ખું દેખાતું હતું કે સુશીલા તેની સાથે બનાવટ કરી રહી છે. મેટ્રોપૉલિટન કોર્ટના ફોયરમાં સૌને સંભળાય એટલા મોટા અવાજમાં આયરાએ કહ્યું, ‘તમે કોને મૂરખ બનાવો છો તમને ખબર છે? તમારી દીકરીએ તમારી સાથે જ્યારે છેલ્લી વાત કરી ત્યારે અચ્યુત મુંબઈ આવવા માટે વિમાનમાં બેસી ગયો હતો. તેનું કૉલ લોકેશન ખોરફક્કાન બતાવે છે... આ જુઓ.’ તેણે હાથમાં પકડેલા CDRનાં પ્રિન્ટઆઉટ સુશીલા પર છુટ્ટાં ફેંક્યાં, ‘મતલબ એ થયો કે તમારી દીકરી ત્યાં રોકાઈ ગઈ છે એ વાતની તમને ખબર હતી.’

સુશીલા નીચી વળીને કાગળિયાં ઉપાડવા લાગી. તેનો ચહેરો ઝંખવાઈ ગયો હતો.

‘ના... ના... તમે કહો તેના સોગંદ. મને તો ખબર જ નથી. તેણે કહ્યું કે તે ઍરપોર્ટ પહોંચી ગઈ છે...’

‘સુશીલા પ્રજાપતિ, તમને બધી જ ખબર હતી. એમ છતાં તમે ઊંધી પોલીસ-ફરિયાદ કરી, અચ્યુત ગોહિલને ફસાવવાનો પ્રયત્ન કર્યો. કેમ કર્યું આ બધું?’ આયરાએ કોર્ટના ફોયરમાં જ સુશીલાની ઊલટતપાસ કરી નાખી.

‘મને... મને... ખબર નહોતી.’ સુશીલા થોથવાઈ ગઈ.

‘હું આ કેસ છોડું છું.’ આયરા ખાન મન્સુરીનો ગોરો ચહેરો લાલચોળ થઈ ગયો હતો, ‘હું રાકેશ વિરમાણીને બધી મદદ કરીશ. આઇ વિલ સી ટુ ઇટ કે આવતા હિયરિંગમાં અચ્યુત ગોહિલ નિર્દોષ છૂટી જાય અને ખોટી ફરિયાદ કરવા બદલ તમારી સામે કેસ થાય.’ કહીને આયરા ચાલવા લાગી.

‘મૅડમ... મૅડમ...’ કરતી સુશીલા તેની પાછળ દોડી, પણ આયરા સડસડાટ ચાલીને અંધેરી મેટ્રોપૉલિટન કોર્ટના બિલ્ડિંગનાં પગથિયાં ઊતરી ગઈ. સુશીલા ત્યાં જ ઊભી રહી. તેની પોલ ખૂલી ગઈ હતી.

તેણે તેની દીકરીને મહેલોમાં રાજ કરવા ભગાડી હતી, પણ સુશીલાને કલ્પના પણ નહોતી કે તેની દીકરી ઇટલીના એક નાનકડા શહેરમાં દેહવ્યવસાયની ગટરમાં ધકેલાઈ ગઈ હતી.

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 03:42 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK