Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૬)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૨૬)

Published : 05 July, 2026 04:54 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

‘દોનો ઇટલી ગએ હૈં.’ અબ્દુલે ખંધું હસતાં કહ્યું, ‘અઝીઝ કી લગનેવાલી હૈ. વો પાગલ આશિક બીવી તક પહોંચ જાએગા...’

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


રાઘવ લોખંડે આશ્ચર્યચકિત થઈને સાંભળી રહ્યો હતો. સંજય પ્રજાપતિ પોલીસના રાઇટરને પોતાની ફરિયાદ લખાવી રહ્યો હતો, ‘મારી પત્નીએ મારી દીકરીની જિંદગી બગાડી. મારી પરિણીત દીકરીને ખોટા રવાડે ચડાવીને હ્યુમન ટ્રાફિકિંગના સકંજામાં ફસાવવાનું કામ તેની સગી માએ કર્યું છે...’ સંજય પ્રજાપતિની ફરિયાદ પૂરી થઈ અને રાઇટરે તેની સહી માટે કાગળ ધકેલ્યો ત્યારે સંજયે એક ક્ષણ પણ વિચાર્યા વગર સહી કરી દીધી. તેણે રાઘવ લોખંડે સામે જોયું, ‘હવે અરેસ્ટ કરશોને તેને?’

‘સાહેબ, એક વાર ફરી વિચારી લો. હજી અમે આને ચોપડે લીધી નથી, પણ એક વાર FIR થઈ જશે તો...’ રાઘવ અચકાતો હતો.



‘થઈ જવા દો. જેલની ચક્કી પીસશે તોય તેનાં પાપ ઓછાં નહીં થાય.’ સંજય પ્રજાપતિ કૃતનિશ્ચય હતો, ‘કોણ જાણે ક્યાં હશે મારી દીકરી!’ તેના દૃઢ ચહેરા પર બે આંખો ભીની થઈ ગઈ.


‘ભલે સાહેબ.’ રાઘવ લોખંડેએ ત્યાં ઊભેલા પોલીસ-કર્મચારીને કહ્યું, ‘ઘ્યા ત્યાંચી તકરાર (તેમની ફરિયાદ લઈ લો).’ સંજય પ્રજાપતિ એક ક્ષણ ઊભો રહ્યો, પછી ત્યાંથી ચાલી ગયો. એ જ સાંજે સુશીલા પ્રજાપતિની ધરપકડ થઈ. બીજા દિવસે ચૅનલો અને અખબારોના સમાચાર સુશીલા પ્રજાપતિનાં કારનામાંની કથા કહી રહ્યા હતા.

માર્કેટની એક દુકાનના ઓટલે બેઠેલો મકબૂલ પોતાના ફોન પર સમાચાર જોઈ રહ્યો હતો. તેની બાજુમાં બેઠેલો તેનો ભાઈ અબ્દુલ શેરડીનો રસ પી રહ્યો હતો. મકબૂલે કહ્યું, ‘ઇસને તો હંગામા કર દિયા. બીવી કો જેલ મેં ડાલ દિયા.’


મકબૂલ જરા સૉફેસ્ટિકેટેડ દેખાતો. સામાન્ય રીતે ફૉર્મલ શર્ટ અને ટ્રાઉઝર પહેરતો. અબ્દુલ રાઉડી હતો. બન્ને ભાઈઓ અને એક બહેન સનમ. મા-બાપ વગર ઊછર્યાં! મુંબઈની બદનામ બસ્તીમાં રખડીને મોટાં થયાં. મકબૂલે બન્ને ભાઈ-બહેનને પિતા બનીને ઉછેર્યાં હતાં. સનમનાં લગ્ન થઈ ગયાં. નાનો ભાઈ હોવાને કારણે બગડેલો અને તુંડમિજાજી પણ હતો. અબ્દુલ સામાન્ય રીતે તેના મોટા ભાઈ મકબૂલ સિવાય કોઈની વાત માનતો નહીં. ફૅશનેબલ સનગ્લાસિસ, બ્રૅન્ડેડ કપડાં, મોંઘાં પરફ્યુમ અને સસ્તી વેશ્યા એ અબ્દુલના શોખ કે નબળાઈ હતાં. આખો દિવસ મુંબઈની ગલીઓમાં રખડ્યા કરતો. રાત પડ્યે ફૉકલૅન્ડ રોડની કોઈ સેક્સવર્કરને ત્યાં પહોંચીને તે પોતાની આગ ઠંડી કરતો. મોડી રાત્રે તેમની રૂમ પર પહોંચતો ત્યારે સામાન્ય રીતે મકબૂલ ઊંઘી ગયો હોય... સ્ત્રીનો શોખીન અબ્દુલ શરાબને હાથ નહોતો લગાડતો, પાંચ વખતનો નમાજી મુસલમાન હતો; જ્યારે મકબૂલની સાંજ શરાબ વગર પડતી નહીં.

બન્ને ભાઈઓ સુશીલાના સમાચાર સાંભળીને ચોંક્યા હતા, ‘દુનિયાભર કી બીવીઓં કો જેલ મેં ડાલના ચાહિએ.’ અબ્દુલે રસના ગ્લાસને છેવાડે રહેલા મસાલાને આંગળીથી ચાટ્યો, ‘બીવી સાલી હોતી હી...’ તેણે ગાળ દીધી, ‘તૂ સાલા બચ ગયા. તેરી બીવી ટાઇમ પે મર ગઈ. મજે ભી લિએ ઓર જિમ્મેદારી ભી નહીં રહી...’

મકબૂલ ચિડાયો, ‘અભી મેરી બીવી કી બાત બાદ મેં કરેંગે, પહેલે ઇસકા કેસ નિપટાતે હૈં. સાલીને અરેસ્ટ કરી એનો અર્થ એ છે કે પોલીસ પાસે મજબૂત પુરાવા છે. અઝીઝભાઈ ફસ જાએંગે.’

‘અબ ઉસકો ફસના હી ચાહિએ.’ અબ્દુલે કહ્યું. અનિસાના મૃત્યુ પછી જે રીતે બન્ને ભાઈઓએ છ મહિના અન્ડરગ્રાઉન્ડ રહેવું પડ્યું હતું એનાથી અબ્દુલના મનમાં અઝીઝ માટે ગુસ્સો હતો. બન્ને ભાઈઓ એ વખતે અન્ડરગ્રાઉન્ડ થયા ત્યારે અઝીઝે તેમને છોડી દીધા, તેમની કોઈ મદદ કરી નહોતી. એ કારણે અબ્દુલને કોઈ પણ રીતે અઝીઝ પર વેર વાળવું હતું. પોતાની ઓકાત બરાબર સમજતો હતો એટલે અબ્દુલ સીધી રીતે અઝીઝને નુકસાન કરી શકે એમ નહોતો. આજે જ્યારે સુશીલા પ્રજાપતિનો કેસ ચગ્યો ત્યારે અબ્દુલને ઘણા સમયથી દબાવી રાખેલી અઝીઝ પર વેર વાળવાની પોતાની ઇચ્છા પૂરી થતી લાગી. તેણે મકબૂલને કહ્યું, ‘મૈં ભૂલા નહીં હૂં. અનિસાનું ગળું કાપવાનો હુકમ તો તેણે આપ્યો, પણ પછી જ્યારે પોલીસ આપણને કુત્તાની જેમ દોડાવતી હતી ત્યારે...’

‘છોડ યાર.’ અબ્દુલના પ્રમાણમાં મકબૂલ થોડો શાંત અને મૅચ્યોર હતો. તે સમજતો હતો કે અઝીઝની સાથે વેર બાંધવાનું શું પરિણામ આવી શકે. અબ્દુલ બેફિકર હતો. તેને પરિણામની પરવા નહોતી. મકબૂલે જરા નિરાશા સાથે કહ્યું, ‘આપણે તેનું કંઈ નહીં બગાડી શકીએ.’ મકબૂલને પણ અઝીઝ પર ગુસ્સો તો હતો, પરંતુ કારણ વગર સંબંધ બગાડીને ફરી સંતાતા ફરવું તેને મંજૂર નહોતું. તેણે ભાઈને સમજાવ્યો, ‘ઉસકો સબક સિખાને કે લિએ કુછ ઔર લોગ કામ પર લગે હૈં. વો લડકી કા શોહર ભી ભાગ ગયા હૈ ઓર સાથ મેં વો જર્નલિસ્ટ ભી મિસિંગ હૈ.’

‘દોનો ઇટલી ગએ હૈં.’ અબ્દુલે ખંધું હસતાં કહ્યું, ‘અઝીઝ કી લગનેવાલી હૈ. વો પાગલ આશિક બીવી તક પહોંચ જાએગા...’

‘તને કોણે કહ્યું?’ મકબૂલે પૂછ્યું.

‘આમ ખા, ગુટલી મત ગિન.’ અબ્દુલ હસવા લાગ્યો, ‘મૈં તેરી તરહ ભાઈ કા કુત્તા નહીં હૂં. મૈં અપના બૉસ હૂં.’ કહીને તેણે મકબૂલને ઉશ્કેર્યો, ‘આ જ તો ચાન્સ છે...’ અબ્દુલ પ્લાસ્ટિકનો ગ્લાસ ફેંકીને ઊભો થયો. તેણે આળસ મરડી, ‘હું તો પોલીસ-સ્ટેશન જાઉં છું. અઝીઝ વિરુદ્ધ બધા પુરાવા ઇન્સ્પેક્ટરને આપી દઈશ.’ તે હસ્યો, ‘એક કેસ થયોને?! હવે બધા કચ્ચા ચિઠ્ઠા ખૂલી જશે. હું આ પળની જ રાહ જોતો હતો.’ તે બેફિકરાઈથી ચાલવા લાગ્યો. મકબૂલ તેની પાછળ દોડ્યો. તેણે અબ્દુલનો હાથ પકડીને રોકવાની કોશિશ કરી, પણ અબ્દુલ તેનો હાથ ઝટકાવીને નીકળી ગયો. મકબૂલ માટે અઝીઝથી વધારે મહત્ત્વ તેના ભાઈનું હતું. તેને જરા પણ નુકસાન થાય એ નહીં સહન થાય એમ વિચારીને મકબૂલ પણ દોડીને અબ્દુલની સાથે ચાલવા લાગ્યો, ‘ક્યૂં? ક્યા હુઆ?’ અબ્દુલ હસ્યો, ‘વફાદારી ખતમ?’

‘તને એકલો તો નહીં છોડું.’ મકબૂલે કહ્યું. બન્ને ભાઈઓ હસતાં-હસતાં એકબીજાની સાથે ચાલવા લાગ્યા, ‘એક રીતે તો તું સાચું જ કહે છે. અઝીઝથી પીછો છૂટી જાય તો મુંબઈમાં આપણું જ રાજ છે.’ તેણે કહ્યું. અહીં મકબૂલ અને અબ્દુલ અઝીઝની ખુરસી ઉથલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને બીજી તરફ અઝીઝ પોતાના મગજમાં અચ્યુતને કેવી રીતે ખતમ કરવો જેમાં પોતાના પર છાંટો સુધ્ધાં ન ઊડે એની શતરંજ બિછાવીને બેઠો હતો.

ઇટલીના બેલાજિયોમાં જાંબુડી સાંજ ઢળી ગઈ. દિવસના બ્લુ, ચોખ્ખા આકાશમાં હવે લિયોનાર્દોની પીંછી ફરી હોય એવા રંગો વિખરાવા લાગ્યા હતા. પબ્ઝમાં-કૅફેમાં ભીડ જામવા લાગી હતી. રસ્તા પર યુવા ઇટાલિયન્સ અને ટૂરિસ્ટ યુગલોની સંખ્યા વધી હતી. મિહિર અને અચ્યુતને લઈને રુમી ફરી એક વાર સાંજે અક્ષરાની વિલા પર આવ્યો... ફરી એક વાર એ જ ડોરબેલ, ફરી એક વાર કોઈએ જવાબ ન આપ્યો. અચ્યુત ફરી એક વાર નાનકડા ઓટલા જેવા પૉર્ચમાં બેસી ગયો, ‘હવે હું અહીંથી નહીં જાઉં. તે મોડી રાત્રે ઘરે પાછી તો આવશેને?’ તેની આંખોમાં બાળક જેવી જીદ હતી.

રુમી અને મિહિરે એકબીજા સામે જોયું. બન્ને સમજતા હતા કે અચ્યુત સમય વેડફી રહ્યો છે, પણ તેને કડક રીતે સાચું કહેવાની બેમાંથી કોઈની હિંમત નહોતી. અચ્યુતને સમજાવીને ગાડીમાં બેસાડતાં લગભગ ૧૫-૨૦ મિનિટ લાગી. દરમ્યાન વિલાની ગેઇટેડ કમ્યુનિટીનો વૉચમૅન આવીને પૂછપરછ કરી ગયો. હવે અચ્યુતને સમજાયું કે ભારતની જેમ અહીં કોઈના ઘરની બહાર બેસીને પ્રતીક્ષા કરી શકાય નહીં. ગેઇટેડ કમ્યુનિટીના વૉચમૅનને અચ્યુતે બે-ચાર સવાલ પૂછ્યા ત્યારે તેણે કહ્યું, ‘હું તેમના વિશે કોઈ જવાબ ન આપી શકું. અમારા રેસિડન્ટની પ્રાઇવસી ખૂબ મહત્ત્વની છે. તે તમને મળવા માગે છે કે નહીં એ તો તે જ નક્કી કરી શકે.’

નિરાશ અચ્યુતને લઈને રુમી અને મિહિર હોમ-સ્ટે જેવી હોટેલ પર પહોંચ્યા ત્યારે રાતના ૮ વાગી ગયા હતા. બન્નેએ અચ્યુતને થોડું ખાઈ લેવાનો આગ્રહ કર્યો, પરંતુ અચ્યુત દુઃખી હૃદયે અને રડતી આંખે સીધો બેડમાં પડ્યો. મિહિર અને રુમીને ભૂખ લાગી હતી. તે બન્ને જણ હોમ-સ્ટેની બાજુમાં જ આવેલી એક નાનકડી કૅફેમાં ગયા. બેલાજિયોની શાંત, ઠંડી સાંજ હતી. વાદળો ઘેરાઈ આવ્યાં હતાં. વરસાદ ગોરંભાયો હતો. રુમીએ ઇટાલિયન વાઇન, ગરમ બ્રેડ, ઑલિવ ઑઇલ અને પીત્ઝા ઑર્ડર કર્યા. બન્ને જણ વાઇન સાથે બ્રેડ ખાઈ રહ્યા હતા ત્યારે રુમીથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ‘આ માણસ બરબાદ થઈ જશે.’

‘હવે બરબાદ થવામાં બાકી શું છે?’ મિહિર પણ અચ્યુતની સ્થિતિ જોઈને દુઃખી હતો, ‘જ્યાં સુધી આ બાઈ સાથે મુલાકાત નહીં થાય ત્યાં સુધી અચ્યુતને ચેન નહીં પડે ને જો આ બાઈ તેની સામે આવી જશે તો તે વધુ દુઃખી થશે!’

‘હું તેને મળ્યો ત્યારથી એક જ વાત વિચારું છું કે કોઈ આવો પાગલ પ્રેમ કરી શકે?’ પૂછતાં રુમીની આંખો સહેજ ભીની થઈ.

‘સાચું કહું?’ મિહિરની આંખોમાં એક પીડા ઉભરાઈ, ‘હવે કદાચ આ પ્રેમ નથી રહ્યો; અચ્યુતની જીદ, ઝનૂન બની ગયો છે. ઇગો છે તેનો!’ રુમી તેની સામે જોઈ રહ્યો, ‘જ્યાં સુધી અક્ષરા જીવે છે એ વાત સાબિત નહીં થાય ત્યાં સુધી અચ્યુતને ક્લીન-ચિટ નહીં મળે. તેણે પોતાની જાતને બચાવવા માટે પણ હવે અક્ષરાને શોધવી પડશે. એ તો લીગલ પ્રશ્ન છે; પણ અચ્યુત હવે પોલીસ સામે નહીં, પોતાની જાત સામે સાબિત કરવા મેદાને પડ્યો છે.’ અક્ષરા મળશે એ પછી જ અચ્યુત અહીંથી જશે એટલું તો હવે નક્કી છે. મિહિરની વાત સાંભળીને રુમી ચૂપ થઈ ગયો. પછી ક્યાંય સુધી બન્ને જણ ચૂપચાપ ખાતા રહ્યા. હવે સવાલ-જવાબ કરવા જેવું કે વાત કરવા જેવું તેમની વચ્ચે કશું રહ્યું નહોતું એવું બન્નેને લાગ્યું.

અચ્યુત, રુમી અને મિહિર બે વખત અક્ષરાની વિલા પર આવ્યા અને પાછા ગયા એ વાત સેરેનાની નજર બહાર નહોતી. અક્ષરાને સતત ટ્રૅક કરતી સેરેનાને અત્યારે નિરાંત હતી કે અક્ષરા તેની વિલામાં નહોતી, પરંતુ બે દિવસ પછી જ્યારે અક્ષરા પાછી ફરશે ત્યારે અચ્યુત તેને મળ્યા વગર નહીં રહે એ વાતથી સેરેના બેચેન હતી. અચ્યુત અને અક્ષરા એકબીજાની સામે ન આવે એ બહુ જ જરૂરી હતું, કારણ કે હવે અક્ષરા પસ્તાતી હતી. અચ્યુત જો તેની સામે આવી જાય તો અક્ષરા પાછી જવા માટે બધું સત્ય બકી નાખે એવી પૂરી શક્યતા હતી. સેરેના અત્યાર સુધી અચ્યુતને જરા હળવાશથી લેતી હતી, પરંતુ અચ્યુત છેક બેલાજિયો અને હવે તો અક્ષરાના ઘર સુધી પહોંચ્યો એ જોઈને સેરેનાની ઊંઘ ઊડી ગઈ હતી.

‘તે હરામખોર અહીં સુધી પહોંચી ગયો છે.’ અઝીઝને આ સમાચાર આપતી વખતે સેરેનાનો અવાજ સહેજ ધ્રૂજ્યો, ‘અચ્યુત પેલીના ઘર સુધી...’

‘મેં તને કહ્યું હતુંને કે તે અક્ષરાનો પીછો નહીં છોડે. આ પાગલ આશિકને ખતમ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી.’ અઝીઝે કહ્યું.

‘પણ, આ ફસાદની જડ તો અક્ષરા છે. બાઈને જ પતાવી દઈએ... કાયમની નિરાંત.’ સેરેનાને કોઈક કારણસર અક્ષરાનો ભય લાગવા માંડ્યો હતો. પતિને આવી રીતે છોડીને ભાગી આવેલી સ્ત્રીની પાછળ તેનો પતિ તેને શોધતો છેક ઇટલી સુધી આવી શકે! એ તેની કલ્પના બહાર હતું. તે અત્યાર સુધી ૩૦૦ કરતાં વધારે સ્ત્રીઓને મૅનેજ કરતી હતી, પણ આવો કોઈ કિસ્સો બન્યો નહોતો.

‘એલેનાને ખતમ કરવાથી વાત ખતમ નહીં થાય.’ અઝીઝે કહ્યું, ‘ઊલટાનો આ અહેમક ઝનૂને ભરાશે તો ધમપછાડા કરતો આપણા સુધી પહોંચી જશે.’ અઝીઝ સમજી શકતો હતો કે સેરેના ડરી ગઈ હતી. તે પોતે પણ અચ્યુતના ઝનૂનથી સહેજ ડરવા લાગ્યો હતો છતાં તેણે જરા ધીરજથી અને લાડથી સેરેનાને પટાવવાનો પ્રયાસ કર્યો, ‘અજાણ્યા દેશમાં, ટૂરિસ્ટ તરીકે આવેલા માણસની ગાડી અથડાય કે ઇટલી જેવા દેશમાં રૉબરી થાય, ફાયરિંગ થાય એ કંઈ બહુ આશ્ચર્યજનક વાત નથી.’ અઝીઝ સહેજ હસ્યો, ‘ફિનિશ ધ રોમિયો, ઍન્ડ ફિનિશ યૉર પ્રૉબ્લેમ્સ.’

‘પણ...’ સેરેના કશું બોલવા ગઈ. સેરેના આગળ કશું કહે એ પહેલાં અઝીઝે કહી નાખ્યું, ‘તું રહેવા દે... હું કરી લઈશ.’ તે ભીતરથી ધૂંધવાયેલો હતો. શુજા જે રીતે તેની પાછળ પડ્યો હતો એનાથી અઝીઝ અકળાયો હતો. નજમાનું મૃત્યુ, વિશ્વપ્પાની નબળાઈ, ગુલનોરાની બેવફાઈની સાથે-સાથે અઝીઝની સામે બીજા અનેક સવાલો હતા. અત્યારે અચ્યુતની ચર્ચા કરીને સમય બગાડવો તેને પોસાય એમ નહોતો. સેરેનાનો ફોન ડિસકનેક્ટ કરીને અઝીઝ થોડી વાર વિચારતો રહ્યો. પછી તેણે મકબૂલને ફોન લગાડ્યો, ‘શું સમાચાર છે?’

અબ્દુલની સાથે-સાથે પોલીસ-સ્ટેશને પહોંચેલા મકબૂલે હોઠ પર આંગળી મૂકીને અબ્દુલને ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તેણે અઝીઝને જવાબ આપ્યો, ‘જાણવા જેવા સમાચાર નથી.’ મકબૂલે કહ્યું, ‘મેં તમને પહેલાં જ કહ્યું હતું કે આ બાઈના ધણીને અહીં જ પતાવી નાખો, પણ તમે માન્યા નહીં.’ મકબૂલનો અવાજ જરા મોટો થઈ ગયો, ‘અહીં તે છોકરીની મા સામે તેના બાપે કેસ કર્યો છે.’ અબ્દુલ હસ્યો. મકબૂલે તેની સામે આંખો કાઢીને ફોન પર કહ્યું, ‘સુશીલા પોલીસ સામે ટકી નહીં શકે. જરા પ્રેશર આવશે તો તે કમીની બાઈ બધા પુરાવા આપી દેશે.’

‘શું બકે છે?’ અઝીઝને સમજાયું કે તેણે ફક્ત થ્રિલ માટે ઊભી કરેલી આખી બાજી સુશીલાની સાથે સાવધાની ન રાખવાને કારણે ગૂંચવાઈ ગઈ હતી. 

‘સાચું કહું છું. સુશીલાના ધણીએ પોતાની જ છોકરીને ખોટે રસ્તે ચડાવવાનો આરોપ મૂકીને તેની મા પર કેસ કેસ કર્યો છે.’ મકબૂલની વાત સાંભળી રહેલા અઝીઝના હૃદયના ધબકારા તેજ થવા લાગ્યા, ‘પહેલાં જે અચ્યુતની સામે લડતી હતી તે હવે અચ્યુત માટે લડવાની છે. આયરા ખાન મનસૂરી શેરની હૈ!’ મકબૂલ કહેતો રહ્યો, ‘બધાં પત્તાં પલટાઈ ગયાં છે બૉસ.’ અઝીઝ માટે આ બેચેન કરી નાખનારા સમાચાર હતા, ‘પોલીસને અમારા સુધી પહોંચતાં વાર નહીં લાગે. અનિસાનો કેસ પણ ખૂલશે. અમે ફરી એક વાર કુત્તાની જેમ દોડવા તૈયાર નથી બૉસ!’ તેણે હિંમત કરીને કહી નાખ્યું, ‘અમે ફસાયા તો પછી...’ બેચેન થઈ ગયેલા અઝીઝની મજા લઈ રહેલા મકબૂલે જરા વધારે હૂલ આપી.

‘તો હવે?’ અઝીઝે પૂછ્યું તો ખરું, પણ તેની જવાબ સાંભળવા સુધીની ધીરજ રહે એમ નહોતું.

‘હવે શું?’ મકબૂલ કહેતો રહ્યો, ‘માએ જ છોકરીને ભગાડી એવું સાબિત થઈ જશે. પેલો આશિક તો નિર્દોષ છૂટી જશે.’ હવે જો અઝીઝને ફસાવવો હોય તો પોતે ધીરે-ધીરે ગાળિયો પોતાના ગળામાંથી કાઢીને અઝીઝના ગળામાં નાખવો પડશે એ સમજી ગયેલો મકબૂલ પણ શતરંજ રમવા લાગ્યો હતો. આમ સૉફિસ્ટિકેટેડ દેખાતો મકબૂલ અંદરથી એક નંબરનો હરામી હતો. અઝીઝ ઝડપાય કે તેણે અન્ડરગ્રાઉન્ડ થવું પડે તો પોતે વઝીર બનીને ધંધાનાં મોટાં માથાં સુધી પહોંચી શકે એ સપનું જોઈ રહેલા મકબૂલે ધીમેથી પૂછ્યું, ‘તમે કહો તો લોખંડે જોડે પતાવત કરું... ને તે ડાયન સુશીલાને કોર્ટમાં લઈ જાય ત્યારે...’

‘તારું મગજ લગાવવાની જરૂર નથી.’ અઝીઝ અચાનક છેડાઈ પડ્યો. મકબૂલને નવાઈ લાગી. ખરાબમાં ખરાબ સંજોગોમાં મગજ નહીં ગુમાવતો અઝીઝ આવી રીતે ચિડાઈ ગયો એનો અર્થ એ હતો કે તેના પર ચારે તરફથી દબાણ વધી રહ્યું હતું. અઝીઝ ફસાયો હોય તો પોતે છટકવાની વ્યવસ્થા કરી લેવી પડે એ વાત સમજતાં મકબૂલને ઝાઝી વાર લાગી નહીં. અઝીઝે કહ્યું, ‘બધા પોતાનું દિમાગ લગાવે છે એટલે જ બધું ગૂંચવાયું છે.’ અઝીઝથી કહેવાઈ ગયું.

‘આપણે બધું સુલટાવી દઈએ. તમે હુકમ કરો.’ મકબૂલ ધીરે-ધીરે અઝીઝને ઉશ્કેરી રહ્યો હતો. સામે ઊભેલો અબ્દુલ આ આખી વાતચીતની મજા લઈ રહ્યો હતો. મકબૂલે પોતાના ભાઈ સામે ખંધું સ્મિત કર્યું. તેણે આગળ કહ્યું, ‘ભાઈ, સુશીલા આપણને બધાને લઈને ડૂબશે.’

અઝીઝ સાચે જ ડરી ગયો. ઇટલીમાં અચ્યુત ને મુંબઈમાં સુશીલા, શારજાહમાં શુજા ને હજી તો તેણે આ બધું રાયતું ફેલાયાના સમાચાર મળ્યા પછી ‘બૉસ’ને જવાબ આપવો પડશે એ વિચારે અઝીઝનું ગળું સુકાવા લાગ્યું. તેણે હોઠ પર જીભ ફેરવી, ‘કેટલાય સમયથી ઠંડી પડેલી તારી રિવૉલ્વર ગરમ કરવાનો સમય આવી ગયો છે.’ તેણે કહ્યું, ‘પતાવી દે તે સાલીને...’ ઊંડો શ્વાસ લઈને તેણે ઉમેર્યું, ‘અહીં હું પેલા રોમિયોને ઠેકાણે પાડું છું.’

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 04:54 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK