Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૫)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૩૫)

Published : 06 September, 2026 03:48 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


અક્ષરાની આંખોમાં હળવી ભીનાશ તરવરતી હતી. તે ગાડીની બહાર ઊભી હતી. દરવાજાના કાચમાંથી ઝૂકીને તે જિમી તરફ જોઈ રહી હતી, ‘વાંક તારો નથી, વાંક મારો છે. તું જુઠ્ઠું બોલતો હતો એ જાણવા છતાં હું એ જૂઠમાં તણાતી ગઈ. આમ તો જે દિવસથી સચ્ચાઈને છોડી એ દિવસથી ફક્ત જૂઠમાં જ જીવી રહી છું. દરેક ક્લાયન્ટ સાથે બદલાતા જૂઠના ચહેરા જોઈને એક તરફથી હસવું આવે અને બીજી તરફથી મને મારી જ દયા આવે એવી સ્થિતિ છે...’ અક્ષરા કડવાશ વગર કહી રહી હતી. ‘હું એસ્કોર્ટ છું એ સત્ય નકારી નહીં શકાય જય મહેન્દ્ર! બીજું સત્ય એ છે કે યુ આર મૅરિડ ટુ આયેશા ઍન્ડ યુ હૅવ ટુ લીવ ધિસ ધ મૅરેજ! એટલે તારે મને એસ્કોર્ટ બનાવીને જ મુંબઈ લઈ જવી પડશે...’ અક્ષરાએ સ્મિત સાથે કહ્યું, ‘શરીર વેચતી સ્ત્રી સાથે તમે એટલો જ સમય વિતાવી શકો જેટલી તમારા ખિસ્સામાં તાકાત હોય...’ જિમી થોડો આહત, થોડો અપમાનિત થઈને સાંભળતો રહ્યો. તેને સમજાઈ ગયું કે આ છેલ્લી ક્ષણો હતી. અક્ષરાએ છૂટી રહેલી ક્ષણને મુઠ્ઠીમાંથી સરકી રહેલી રેતને પકડવા જેવા નિષ્ફળ પ્રયાસ સાથે કહ્યું, ‘કેટલાક લોકો જીવનમાં સાથે ચાલવા નથી મળતા. બસ, એ વળાંક સુધી પહોંચાડીને છૂટા પડે છે જ્યાંથી આગળનો રસ્તો એક જ વ્યક્તિ ચાલી શકે એટલો સાંકડો હોય છે. અહીંથી આગળના રસ્તે મારે એકલીએ જ ચાલવાનું છે.’ અક્ષરાએ કહ્યું, ‘આસ્તા લા વિસ્તા’ તે હસી, ‘આ પ્રેસ્તો...’ એ પછી સાવ સહજતાથી અક્ષરા રસ્તાની ધારે-ધારે ચાલતી આગળ નીકળી.
જિમી થોડી ક્ષણો ત્યાં જ ઊભા રહીને પોતાનાં ઝળઝળિયાં પાછળ ઓઝલ થતી અક્ષરાને જોઈ રહ્યો. જિમીએ આંખો લૂછી નાખી. પછી ગાડી લઈને નીકળી ગયો.
અક્ષરા ધીમા પગલે રસ્તાના કિનારે ચાલતી રહી. ઊંચાં ઑલિવનાં વૃક્ષો હવામાં ફરફરતાં હતાં. બપોર શરૂ નહોતી થઈ, પણ ઇટલીની સવારનો કૂણો તડકો વૃક્ષોનાં તાજાં ઊગેલાં પાંદડાં પર તગતગતો હતો. વસંતની સુગંધ હવામાં મલમલના દુપટ્ટાની જેમ ઊડતી, અક્ષરાના ચહેરા પર લપેટાતી જતી હતી. અક્ષરાએ પોતાનો ફોન કાઢ્યો. ફરી એક વાર પોતાની ફોન-ડાયરીમાં રેકૉર્ડ કરવા માંડ્યું, ‘એક વિચિત્ર નિયતિની કેદી બની ગઈ છું હું... જ્યારે-જ્યારે એમ લાગ્યું કે પ્રવાસ પૂરો થયો, બરાબર ત્યારે જ નિયતિએ એક નવા પ્રવાસમાં ધકેલી! આજે જિંદગીમાં બીજી વાર એક પુરુષને એટલા માટે છોડ્યો કારણ કે તે ખૂબ સારો માણસ હતો! જે છોડવું જોઈએ એ નથી છોડી શકતી ને જ્યાં અટકી જવું જોઈએ ત્યાંથી ભાગતી રહી હું! આજે સમજાયું છે કે એક સારા માણસને છોડી દેવાથી દરેક વખતે મારી ભીતર એક ઉઝરડો પડે છે. અચ્યુતને એક નહીં બે વાર છોડ્યો... બલ્કે તરછોડ્યો! તેને સમજાય કે નહીં, પરંતુ જેટલી પીડા તેને આપી એનાથી ૧૦૦ ગણી પીડા મેં સહી છે. આજે મને જિમીની આંખોમાં અચ્યુત દેખાયો. છેતરાયેલો, પીડાયેલો અને અપમાનિત અચ્યુત! તે મને લેવા આવ્યો હતો... પણ હું કેવી રીતે જાઉં તેની સાથે? મને ભય છે કે તે ભૂલી નહીં શકે એ વિશ્વાસઘાતને... આજે તો તે મને પોતાની સાથે લઈ જશે કારણ કે તેને પોતાના ઈગો, સ્વમાન અને પૌરુષને સાબિત કરવું છે. તેની અક્ષરા તો ઑક્શનમાં વેચાઈ ગઈ. હવે જે પાછી ફરશે તે પત્ની નહીં એસ્કોર્ટ જ હશે. મારા શરીર પર લાગેલા અન્ય પુરુષોના સ્પર્શના ડાઘ અચ્યુતને જ્યારે-જ્યારે દેખાશે ત્યારે મને પાછી લઈ આવવાનો તેને અફસોસ થશે! જિંદગીભર તેની આંખોમાં મારી બેવફાઈનો અફસોસ જોઈને રોજ થોડું-થોડું મરવાને બદલે એક જ વાર તેની નફરતને જીવી લીધી મેં! હવે અચ્યુતની સ્મૃતિમાં, તેના અસ્તિત્વમાંથી મરી જવા માગું છું.’ આ કહેતાં-કહેતાં અક્ષરાથી હસ્યા વગર ન રહેવાયું. તે ફોનની સ્ક્રીન પર કહેતી રહી, ‘જિમીએ કહ્યું કે હું તારો ભૂતકાળ ભૂલવા માગું છું. કેવી રીતે સમજાવું તેને કે ભૂતકાળ ઘરની જેમ બદલી નથી શકાતો. જૂનું ઘર છોડી દેવાથી સરનામું બદલાય, સ્મૃતિ તો આપણી સાથે જ જ્યાં જઈએ ત્યાં આવે. હવે એસ્કોર્ટ હોવું એ મારા શરીર પર નહીં મન પર બની ગયેલું ટૅટૂ છે, ભૂંસી નહીં શકાય. આજે, અત્યારે સમજાય છે કે અચ્યુત માટે પ્રેમ હતો મને. તે પણ દિલ ફાડીને ચાહતો હતો મને! તેણે સલામતી, સન્માન, સગવડ, સ્નેહ... બધું જ આપ્યું. સામે મેં તેને સજા આપી. સારા માણસ હોવાની સજા. અચ્યુતને છોડ્યા પછી કેટલાય દિવસે પહેલી વાર જિમીની છાતી પર માથું મૂકીને ઘસઘસાટ ઊંઘી હું! બસ, ત્યાંથી જ ડરી ગઈ. મારા ધંધામાં પથારી હોય, ઊંઘ નહીં; સ્પર્શ હોય, હૂંફ નહીં! અચ્યુતને છોડ્યા પછી વસ્ત્રો ઉતારતાં ભય નથી લાગ્યો મને; પણ જિમીની સામે મારા દંભનાં, જૂઠનાં કપડાં ઊતરી જવાનો ભય લાગ્યો. એક સારા માણસ સામે ઓગળી જઈશ, નિઃશસ્ત્ર થઈને મારી નબળાઈ તેની સામે ખુલ્લી પાડી બેસીશ એ ડરથી ડરીને ભાગી છું... 
રોજ અજાણ્યા પુરુષની પસંદ બનવું એ હવે મારું ભાગ્ય છે, મને મારી પસંદનો એક પુરુષ રાખવાનો અધિકાર નથી રહ્યો. જેણે મારી કિંમત નહીં મૂલ્ય આંક્યું તેને જ છોડી દેવો પડ્યો... કારણ કે હવે હું મૂલ્યને લાયક જ નથી રહી. પ્રાઇસ-ટૅગ લાગી ગયો છે મારા અસ્તિત્વ પર. દર વખતે જેને લાયક નહોતી એવા પુરુષો મળ્યા મને... પહેલાં અચ્યુત! પછી જિમી! ફરી એક વાર મારી લાયકાતથી વધુ મળ્યું, પણ સ્વીકારી ન શકી! કેટલીક ભૂલોની સજા જિંદગીભર મળ્યા કરે છે. એસ્કોર્ટ બનવાની સૌથી મોટી પીડા શરીર વેચવાની મજબૂરી નથી. એથી મોટી પીડા એ છે કે થોડા સમય પછી પોતાનું જ શરીર ‘પોતાનું’ નથી લાગતું. અરીસામાં દેખાતું પ્રતિબિંબ સુંદર લાગે છે, પણ ચહેરો જાણીતો નથી લાગતો. મારા શરીરને ધોઈ-ધોઈને થાકી છું... પાણીથી, સાબુથી, આંસુથી! કેટલીક રાતોના ડાઘ ચામડી પરથી ભૂંસાતા નથી ને એ ડાઘ સાથે અચ્યુત હોય કે જિમી, મને સ્વીકારીને દયા ખાય, પસ્તાય એ નહીં સ્વીકારી શકું!
એક પતિ, એક ઘર, સુરક્ષિત જીવન અને સન્માન! આ બધી જાણે પાછલા જનમની વાતો લાગે છે... સ્ત્રીઓ આવું સુખ મેળવવા માટે તરફડતી હોય છે ને મેં એ બધાને તરછોડ્યું; એક નહીં, બબ્બે વાર. 
રામ મળ્યો હતો, પણ હું રાવણથી આકર્ષાઈ! ઘર છોડ્યું, કારણ કે એ પીંજરું લાગતું હતું. હવે પીંજરામાં છું ત્યારે સમજાય છે કે મારી પાસે મારા શરીરની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા પણ નથી રહી. મારી રાત કોની સાથે, કોની પથારીમાં વીતશે એ નક્કી કરવાની સ્વતંત્રતા પણ ગુમાવી બેઠી હું... દુર્ભાગ્ય એ નથી હોતું કે વ્યક્તિને સાચો પ્રેમ ન મળે. મોટું દુર્ભાગ્ય એ છે કે વ્યક્તિને સાચો પ્રેમ મળે છતાં એને ઓળખ્યા પછી પણ એ પ્રેમ છોડીને ભાગી જવું પડે. નિયતિ મારી કિસ્મતમાં પ્રેમ મેળવવાની શક્યતાઓ લખે છે, પણ હું જાતે જ લખી નાખું છું કે એ પ્રેમ ટકશે નહીં. 
જિમીની આંખોમાં મેં વિશ્વાસઘાતની પીડા જોઈ ત્યારે ક્યાંક ભીતર 
મેશોચિસ્ટ-સ્વપીડનનો આનંદ મળ્યો હોય એવું લાગ્યું. હું મને જ સજા કરતી રહીશ હવે! જ્યારે-જ્યારે સ્થિર થવાની ક્ષણ આવશે ત્યારે એને હડસેલીને અસ્થિરતા, અસુરક્ષા, અપમાન અને અંધકારમાં ધકેલાઈ જઈને હું મારી જાતને સજા કરીશ. જિમી માનશે કે હું નિષ્ઠુર છું, ક્રૂર છું, નફ્ફટ અને બેશરમ છું; સારું છે! તેણે એમ જ માનવું જોઈએ. તે મને એક ધંધાવાળી તરીકે કડવાશથી યાદ કરશે તો જ સરળતાથી ભૂલી શકશે. મારે તેની જિંદગીની મીઠાશ બનીને જીવનભર તેને ડંખવું નથી. આઇ પ્રૉમિસ, ફરી ક્યારેય નહીં મળું તેને! આજે એક ક્લાયન્ટ ગુમાવીને પૈસા ઓછા નથી થયા; હું ઓછી થઈ છું, મારામાંથી. કોઈ મળે એમ છતાં તેમણે એકલા થવાનું જ પસંદ કરવું પડે, એ કેટલીક બદનસીબ વ્યક્તિઓની નિયતિનો ફેંસલો હોય છે...’ આ કહેતાં-કહેતાં તે રડી પડી! તેણે રેકૉર્ડિંગ બંધ કર્યું.
અક્ષરાને સામે એક નાનકડી કૅફે દેખાઈ. ‘એરિયા ડી સર્વિઝિઓ’ લખેલા બોર્ડની બાજુમાં એક નીચા ઘાટના મકાનમાં હોમ કૅફે હતી. અક્ષરા ધીમા પગલે ચાલતી કૅફે સુધી પહોંચી. તેણે પોતાના પર્સમાં જોયું. થોડાક યુરો હતા, ક્રેડિટ કાર્ડ પણ હતું. કૅફેમાં દાખલ થઈને તેણે ‘કૅફે શાકેરાતો’ (એસ્પ્રેસ્સોને બરફ સાથે શેક કરીને ચિલ્ડ સર્વ કરે. ખાસ કરીને ગરમીમાં બહુ શિક (ફૅશનેબલ) લાગે) અને ક્રોસોં ઑર્ડર કર્યાં. નિરાંતે બેસીને તે પોતાની આસપાસના લોકોને જોતી રહી. આછા તડકામાં પી-કૅપ પહેરીને બેઠેલા એક વૃદ્ધ પુસ્તક વાંચી રહ્યા હતા. એક મધ્યમ ઉંમરનું યુગલ ઝડપથી કૉફી પી રહ્યું હતું. તેમને આગળ ડ્રાઇવ કરવાનું હતું, કદાચ!  એક યુવાન છોકરો ગિટાર અને બૅકપૅક સાથે બાંકડા પર બેસીને કાગળમાં કંઈ લખી રહ્યો હતો... તેને કોઈ ઉતાવળ નહોતી. અક્ષરા રસ્તા તરફ જોઈ રહી હતી. ત્યાં જ તેણે રુમીની લાલ મર્સિડીઝને ‘એરિયા ડી સર્વિઝિઓ’ તરફ વળતી જોઈ. તે ઊભી થઈને બેઠા ઘાટની કૅફેના મકાનમાં ક્યાંક અંદર સંતાઈ જવાનું વિચારતી હતી ત્યાં જ તેણે જોયું કે મર્સિડીઝનો પીછો કરતી, કાળા કાચ ધરાવતી, કાળી હમર ગાડી ધમધમાટ સ્પીડમાં ‘એરિયા ડી સર્વિઝિઓ’ તરફ આવી. કન્વર્ટેબલ મર્સિડીઝ પોતાનું પાર્કિંગ શોધે ત્યાં તો હમરની સ્પીડ ઘટવાને બદલે વધી. રુમી પોતાની ગાડીને સંભાળી શકે એટલો સમય તેને મળ્યો જ નહીં. હમર ગાડીનાં રાક્ષસી પૈડાં અને મજબૂત બૉડી રુમીની નાજુક મર્સિડીઝ સાથે ભટકાયાં. મર્સિડીઝ ઊછળી...
lll
ગુલનોરા માત્ર પૅન્ટી પહેરીને ઊંધી સૂતી હતી. ઝીણી આંખોવાળી બે થાઈ છોકરીઓ મસાજ કરી રહી હતી. ગુલનોરાના વાળમાં પૅક લગાડેલો હતો અને હમણાં જ ફેશ્યલ કર્યું હોવાને કારણે તેની ગોરી-ગુલાબી ઉઝબેકિસ્તાની ત્વચા ઝગમગી રહી હતી. ગુલનોરા આંખ મીંચીને મસાજ કરાવતી વખતે તેના મનમાં અહીંથી નીકળવાના પ્લાનને છેલ્લો ઓપ આપી રહી હતી. મસાજ પૂરો થયો એટલે ગુલનોરા ઊભી થઈને પોતાનો ગાઉન પહેરવા લાગી. અઝીઝને ત્યાંથી ભાગતી વખતે તેણે પહેરી રાખેલાં હીરાનાં કડાં અને ગળાનું બહુમૂલ્ય પેન્ડન્ટ તેણે પેલી છોકરીઓને બતાવ્યાં, ‘મી આઉટ... યુ હેલ્પ.’ અંગ્રેજી બિલકુલ નહીં સમજતી આ બે થાઈ છોકરીઓને આ ૪ શબ્દો બરાબર સમજાયા. તેમના ચહેરા પર આતંક છવાઈ ગયો. બન્ને જણે એકસામટું ડોકું ધુણાવવા માંડ્યું, ‘નો! નો! ધે કિલ...’ એમાંની એકે કહ્યું.
શબ્દો વગર આ છોકરીઓને કઈ રીતે સમજાવવી એ ગુલનોરાને સમજાતું નહોતું, પરંતુ હીરાનાં કડાં અને પેન્ડન્ટ જોઈને તે છોકરીઓની બદલાયેલી આંખો ગુલનોરાને સમજાઈ ગઈ હતી. તેણે એક-એક કડું બન્ને છોકરીઓના હાથમાં આપ્યું, ‘કીપ.’ ગુલનોરાએ કહ્યું. કડું હાથમાં પકડીને છોકરીઓ વિચારતી રહી. પછી થોડીક ક્ષણો અસમંજસમાં વીતી. એમાંની એક છોકરીએ કહ્યું, ‘યુ સીક, ઍમ્બ્યુલન્સ... રન...’ ગુલનોરાની આંખો ચમકી ઊઠી. તેણે ‘હા’માં ડોકું ધુણાવ્યું, અંગૂઠો ઊંચો કરીને થમ્સઅપનું નિશાન બતાવ્યું. એમાંની એક છોકરીએ પોતાના ફોનથી કોઈકને ફોન કર્યો. તે થાઈ ભાષામાં કોઈની સાથે વાત કરતી રહી. તેના અવાજ અને હાવભાવ પરથી લાગતું હતું કે તેણે ગુલનોરાની માંદગી વિશે સામેના છેડે વાત સાંભળી રહેલી વ્યક્તિને કશુંક કહ્યું હતું. ગુલનોરા નાહીને કપડાં પહેરે ત્યાં સુધીમાં ઍમ્બ્યુલન્સ આવી પહોંચી. ઍમ્બ્યુલન્સના સ્ટ્રેચરમાં બે થાઈ છોકરીઓમાંની એકને સુવડાવવામાં આવી. ઍમ્બ્યુલન્સની સાથે જ માસ્ક પહેરેલી બે છોકરીઓ મસાજ ગર્લ્સના યુનિફૉર્મમાં ગુલનોરાના અપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ગઈ... તે બે છોકરીઓમાંની એક ગુલનોરા હતી.
lll
‘ક્યાં છો તમે?’ રાઘવ લોખંડે ઉશ્કેરાઈને લગભગ બૂમો પાડી રહ્યો હતો, ‘હું બે દિવસથી ફોન કરું છું. અઝીઝ પકડાઈ ગયો છે. અબ્દુલ અને મકબૂલ પણ પકડાયા છે. અઝીઝ વિરુદ્ધ બધા પુરાવા આપીને બન્ને ભાઈઓ તાજના સાક્ષી બનવા તૈયાર થયા છે. મારે અચ્યુતની સાક્ષીની જરૂર છે. તમે ફોન જ નથી ઉપાડતા!’ 
‘અમે હૉસ્પિટલમાં હતા. અમારા પર હુમલો થયો છે.’ મિહિરે શાંત અવાજે લોખંડેને કહ્યું.
‘બધા બરાબર છોને?’ લોખંડેનો ગુસ્સો ઊતરી ગયો, ‘અક્ષરા મળી?’
‘બે વાર.’ મિહિરે કહ્યું, ‘બન્ને વખત ફરી ખોવાઈ ગઈ.’
‘હેં!!’ લોખંડેને મિહિરની વાત સમજાઈ નહીં, ‘શું કહે છે?’
‘અમે અક્ષરાના ઘર સુધી પહોંચી ગયા હતા, પણ તેણે અચ્યુતને ઓળખવાની ના પાડી દીધી.’ મિહિરના અવાજમાં ભારોભાર નિરાશા હતી.
‘સાલી હરામખોર, બૈરાંની જાત...’ લોખંડેએ પોતાનો ગુસ્સો ઉતાર્યો, ‘મજનૂનું મગજ ઠેકાણે આવ્યું કે હજીયે લૈલાના નામનો જાપ જપે છે?’ 
‘તે હજી બેહોશ છે.’ મિહિરનું ગળું ભરાઈ આવ્યું, ‘અમને ઍક્સિડન્ટ થયો ત્યારે અક્ષરા ત્યાં જ હતી.’ તેણે ઊંડો શ્વાસ લીધો, ‘સદ્ભાગ્ય કહું કે દુર્ભાગ્ય? પણ તે અમારી સાથે હૉસ્પિટલ સુધી આવી. તેના ક્રેડિટ કાર્ડથી પૈસા ભર્યા. અમારી ટ્રીટમેન્ટ બરાબર થાય, અમે સલામત અને સ્વસ્થ છીએ કે નહીં એ બધું બરાબર ચકાસીને પછી નીકળી ગઈ.’
‘કેમ?’ લોખંડેને હજી કંઈ સમજાતું નહોતું.
‘તે જતાં-જતાં મને મળી.’ થોડીક ક્ષણો માટે બન્ને તરફ મૌન છવાયું, ‘તેણે મને કહ્યું કે હું નથી જાણતી તમે કોણ છો! પણ અચ્યુતને સમજાવીને, સંભાળીને પાછો લઈ જજો. તેને કહેજો કે તેની અક્ષરા મરી ગઈ...’ આ કહેતાં-કહેતાં મિહિરનું ગળું ભરાઈ આવ્યું, ‘તેણે પોતાના દુર્ભાગ્યને સ્વીકારી લીધું છે. તે પાછી નહીં આવે...’
‘એટલે...’ લોખંડે સહેજ અચકાયો, પણ તેણે પૂછી જ નાખ્યું, ‘અઝીઝે તેને વેચી દીધી?’
‘હા.’ મિહિરે કહ્યું, ‘આવી તો કેટલીયે છોકરીઓ હશે.’ ફરી થોડીક ક્ષણો માટે બન્ને મૌન થઈ ગયા, ‘એકાદ અક્ષરા પાછી ફરે કે નહીં, પણ તમે મોટું કામ કર્યું છે. અઝીઝ, મકબૂલ અને અબ્દુલ પાસેથી તમને તેમના બૉસની, નેટવર્કની વિગતો મળશે. આપણે આ બધું રોકી શકીશું.’
લોખંડે જોરથી હસી પડ્યો, ‘ખરેખર?’ તેણે પૂછ્યું. ખૂબ હતાશ અને થાકેલા અવાજે તેણે કહ્યું, ‘આ કોઈ દિવસ નહીં અટકે. સેંકડો અઝીઝ અને લાખો મકબૂલથી બનેલી આ સિન્ડિકેટ છે. કેટલીયે અક્ષરાઓ આમાં ફસાય છે, અનિસાઓ મરી જાય છે... મારા જેવા કેટલાય ઑફિસરો પોતાની નોકરીનાં વર્ષો વેડફી નાખે છે, પરંતુ આ માનવશરીરનો વ્યાપાર રોકી શકાયો નથી.’ 
મિહિરને લાગ્યું કે લોખંડેની આંખો ભીની થઈ ગઈ હશે. તેનો અવાજ ગળગળો થઈ ગયો, ‘છતાં... તમે અચ્યુતને લઈને પાછા આવો. આપણે તેના પર લાગેલા આરોપ તો ખતમ કરીએ. એક સારા અને નિર્દોષ માણસને છોડાવીએ. બાકી આપણા હાથમાં કશું નથી.’ 
‘અમે ૩ દિવસ પછી નીકળીશું.’ મિહિરે કહ્યું, ‘અક્ષરાએ જે વર્તન કર્યું એ પછી અચ્યુત સાવ તૂટી ગયો છે...’
‘તે બીજું શું કરે?’ લોખંડેએ થોડી સહાનુભૂતિ અને થોડી કડવાશ સાથે કહ્યું, ‘અક્ષરાએ પોતે જ પોતાના પાછા ફરવાના દરવાજા જતી વખતે જ બંધ કર્યા હતા. નદીના પેલા છેડે ઊભા રહીને આ તરફ તેના વિરહમાં તરફડતા અચ્યુતને યાદ કરવા સિવાય તે કંઈ કરી શકે એમ નથી. એ કિનારેથી આ કિનારે આવવાનો કોઈ પુલ આ સમાજ બનવા જ નહીં દે. એક વાર વેચાયેલી, વપરાયેલી, ચૂંથાયેલી સ્ત્રીને કોઈ પુરુષ સ્વીકારી શકે, સમાજ નહીં!’
‘ટુ હેલ વિથ સમાજ...’ મિહિરથી કહેતાં તો કહેવાઈ ગયું, પછી તેને અક્ષરાની આંખો યાદ આવી. એ રાખોડી, ભૂખરી આંખોમાં અથાગ પીડા હતી. બેહોશ અચ્યુતના કપાળ અને વાળમાં હાથ ફેરવી રહેલી અક્ષરાએ ભીની આંખે કહ્યું હતું, ‘હવે તેના ઘરની ચાવી હાથમાં લેવાનો અધિકાર નથી રહ્યો મારી પાસે. તે મને માફ કરી દે એવું પણ નથી ઇચ્છતી. માફી માગીને હું મારી સજા હળવી કરવા નથી માગતી. બસ, એક વાત કહેજો તેને કે હું બેવફા હતી, પણ તેના પ્રેમની બેઇજ્જતી કરવા નહોતી માગતી. હું ફક્ત બહુ મોડેથી સમજી કે જેને છોડીને સુખ શોધવા નીકળી હતી, મારું સુખ તો તેની જ પાસે મૂકીને નીકળી હતી. હવે તે સાજો થઈ જાય એટલે તેને લઈને નીકળી જજો. તેને કહેજો કે તેને આ વખતે છોડ્યો નથી, મુક્ત કર્યો છે. ફરક માત્ર એટલો છે કે પહેલી વાર તેને છોડતી વખતે મને લાગ્યું હતું કે હું મારી જિંદગી પસંદ કરી રહી છું, આજે ખબર છે કે હું મારી જિંદગી અહીં જ મૂકીને જઈ રહી છું.’
અચ્યુત હવે જોખમની બહાર હતો. પ્રમાણમાં તેની સ્થિતિ સ્થિર હતી. ગઈ કાલ રાતથી તેણે બે વખત આંખો ખોલી હતી. બન્ને વખત ફક્ત અક્ષરાને શોધવા માટે બહાવરી આંખે ચારે તરફ જોઈને અચ્યુતે પૂછ્યું હતું, ‘અક્ષરા? અક્ષરા ક્યાં છે...’ 
(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2026 03:48 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK