જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ, ચંદ્ર, સૂર્ય અને બુધની સ્થિતિ ગુસ્સા અને આવેશને અસર કરી શકે છે. લેખમાં ગુસ્સો શાંત કરવા માટેના જ્યોતિષીય ઉપાયો પણ સમજાવવામાં આવ્યા છે.
પ્રતીકાત્મક તસવીર
આ તો બહુ ગુસ્સાવાળો માણસ છે, સાવ નાની વાતમાં તેની કમાન છટકી જાય છે, ક્ષુલ્લક વાતમાં તેણે આખું ઘર માથે લઈ લીધું. આ કે આ પ્રકારનાં વાક્યો અનેક વખત સાંભળવા મળે છે, પણ ક્યારેય એ વિશે વિચાર કરવામાં નથી આવતો કે આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે?
મનને શાંત રાખવાનું કામ જેમ ગ્રહ કરે છે એવી જ રીતે આળસ આપવાનું કામ પણ ગ્રહો કરે અને ક્રોધ આપવાનું કામ પણ ગ્રહ કરે. ગ્રહોની ખરાબ અવસ્થા, પરિસ્થિતિ કે સંયોજનને લીધે સાવ ક્ષુલ્લક કે નાની કહેવાય એવી વાતમાં પણ ઉશ્કેરાટ આવી જાય અને લાખો-કરોડોના સંબંધોનું મૂલ્ય કોડીનું થઈ જાય એવા શબ્દો મોઢામાંથી નીકળી જાય. આજે આપણે એ જ વાત કરવાની છે કે કયા ગ્રહોને લીધે આવી પરિસ્થિતિ ઊભી થાય અને એના નિરાકરણ માટે શું કરવું? ગુસ્સો આપતા ગ્રહોને શાંત કરવા માટેના રસ્તાઓ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા જ છે, જે અત્યંત સામાન્ય અને સહજ છે.
મંગળ, ક્રોધ અને આવેશનો કારક
ADVERTISEMENT
મૂળભૂત રીતે મંગળ અગ્નિ તત્ત્વનો ગ્રહ છે અને એટલે જ એ શૌર્યનું પ્રતિનિધિત્વ કરે છે. જન્મના ગ્રહોમાં જો મંગળ અશુભ યોગ ઊભો કરતો હોય કે પછી રાહુ કે કેતુ સાથે જોડાયેલો હોય ત્યારે એ વ્યક્તિમાં અધીરાઈ, ઉગ્રતા અને તીવ્ર ક્રોધ જન્માવે છે. મંગળની અસર વચ્ચે જ્યારે ગુસ્સો આવે છે ત્યારે વ્યક્તિને સામેની વ્યક્તિ સાવ ક્ષુલ્લક લાગવાની પણ શરૂ થઈ જાય તો સાથોસાથ સામેની વ્યક્તિના શબ્દો પણ અર્થહીન લાગવા માંડે. મંગળની સૌથી નકારાત્મક અસર એ છે કે એના દ્વારા આવેલા ગુસ્સા પછી ક્યારેય વ્યક્તિ પોતાની ભૂલનો સ્વીકાર નથી કરતી. મનમાં તે જાણતી હોય છે કે પોતે ભૂલ કરી છે, એમ છતાં સ્વીકારનો ભાવ રહેતો નથી.
આ પ્રકારના ગ્રહયોગ હોય એવા સમયે શિવની નિયમિત આરાધના કરવાથી, જળાભિષેક કરવાથી મંગળને રાહત મળે છે તો સાથોસાથ ઓમકારનો જાપ પણ મનને રાહત આપવાનું કામ કરે છે.
ચંદ્ર દ્વારા વિષ કે ગ્રહણયોગ
જન્મના ગ્રહોમાં ચંદ્ર અને શનિ સાથે હોય એવા સમયે વિષયોગ જન્મે છે અને ચંદ્ર તથા રાહુ સાથે હોય તો ગ્રહણદોષ જન્મે છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ નાની-નાની વાતમાં ભાવનાત્મક સંતુલન ગુમાવે છે અને આવેશમાં સંબંધો પર પૂર્ણવિરામ મૂકવાનું કૃત્ય કરી બેસે છે. આ બન્ને પ્રકારના યોગમાં ગુસ્સો કરનારાના પક્ષે વધારે સહન કરવાનું આવે છે, પણ વિષયોગ અને ગ્રહણદોષ એવા છે કે એ વ્યક્તિને સ્વીકારવાની ક્ષમતા નહીં આપે.
ચંદ્ર કે મંગળ પર રાહુની દૃષ્ટિ આવે ત્યારે વિચાર્યા વગર અતિશયોક્તિભર્યું વર્તન અને આક્રમક પ્રતિક્રિયા આવતાં રહેતાં હોય છે, કારણ કે રાહુ હંમેશાં ભ્રમણા અને અસલામતી આપવાનું કામ કરે અને ઇનસિક્યૉરિટી વચ્ચે વ્યક્તિ સામેવાળાને તુચ્છ દેખાડવા માટે પણ આક્રમક માત્રામાં ગુસ્સો કરી બેસે છે.
આ પ્રકારના યોગ ધરાવતી વ્યક્તિ માટે શિવારાધના અત્યંત સફળ ઉપાય છે તો સાથોસાથ આ યોગ ધરાવતી વ્યક્તિએ નિયમિત ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ. પાણી અને ચાંદી બન્ને ચંદ્રને શીતળ અને મજબૂત બનાવે છે. જો શક્ય હોય તો આ યોગ ધરાવતી વ્યક્તિએ હાથમાં ચાંદીનું કડું પહેરવું જોઈએ. પંજાબીઓના હાથમાં તમને સ્ટીલ પછી સૌથી વધારે જો કોઈ ધાતુનું કડું પહેરાયેલું જોવા મળશે તો એ ચાંદી છે, કારણ કે પંજાબી કમ્યુનિટીનો ગુસ્સો અત્યંત જલદ છે જેને શાંત કરવાનું કામ ચાંદી કરે છે.
સૂર્યનો અહંકાર અને વર્ચસ
સૂર્યપીડિત કે વધુપડતો પ્રભાવશાળી સૂર્ય હોય એવા સમયે સૂર્ય અહંકાર આપે છે, જેનાથી સામેવાળાની ભૂલ સહન કરવાની ક્ષમતા ઘટે છે તો સાથોસાથ સામેવાળાની નાની ભૂલને પણ મોટી માનવાની માનસિકતા કેળવવાનું કામ કરે છે. આ પ્રકારના પ્રભાવને કારણે તેને ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરી નાખવા જેવો ગુસ્સો આવી જાય છે અને વાતનું રૂપ બગડી જાય છે.
સૂર્યપીડિત લોકોએ રોજ સૂર્યોદય સમયે ગાયત્રી મંત્રના જાપ કરવા જોઈએ. જો ૧૦૮ વખત જાપ થઈ શકે તો ઉત્તમ. ગાયત્રી મંત્ર ન આવડતો હોય તો સૂર્યોદય સમયે સૂર્યને જળ ચડાવવાની પ્રક્રિયા પણ લાભદાયી પુરવાર થઈ શકે છે.
બુધ પણ નુકસાનકર્તા બને
વિવેકબુદ્ધિ આપવાનું કામ બુધ કરે છે. બુધ અસ્તનો હોય કે નબળો હોય ત્યારે સાચા-ખોટાનો તાલમેલ ચૂકી જવાય છે અને વાણી પર કાબૂ નથી રહેતો. એવા સમયે પણ વ્યક્તિ ગુસ્સો કરી બેસે છે અને ગુસ્સામાં એ પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે જેની કલ્પના પણ ન થઈ શકે. યાદ રાખજો, નાની-નાની વાતે અપશબ્દ બોલતી વ્યક્તિ હકીકતમાં તો અસ્તનો કે પછી નબળો બુધ ધારણ કરતો હોય છે.
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી બુધ સંયમિત રહે છે તો સાથોસાથ આ પ્રકારના યોગ ધરાવતી વ્યક્તિએ તીખું, તળેલું કે વાસી એટલે કે તામસિક ભોજન ટાળવું જોઈએ.
ગુસ્સો ટાળવાનો અકસીર ઇલાજ
જ્યારે પણ અતિશય ગુસ્સો આવે ત્યારે નિર્ણય લેતાં પહેલાં કે મોઢામાંથી શબ્દ ઉચ્ચારતાં પહેલાં એક ગ્લાસ ઠંડું પાણી એકદમ ધીમે-ધીમે પીવું અને પછી ૧૫ મિનિટનું મનોમન મૌનવ્રત ધારણ કરી લેવું. ચંદ્ર તરત શાંત થઈને સુખરૂપ પરિણામ આપશે.
-આચાર્ય દેવવ્રત
