Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૪)

છાયા-પડછાયા: સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા (પ્રકરણ ૪)

Published : 01 February, 2026 12:41 PM | Modified : 01 February, 2026 12:45 PM | IST | Mumbai
Kajal Oza Vaidya | feedbackgmd@mid-day.com

અઝીઝ અને અચ્યુત જ્યારે બીજા રૂમમાં મસાજ માટેના બેડ પર સૂતા ત્યારે અઝીઝે દોસ્તાના અંદાજમાં અચ્યુતને કહ્યું, ‘તારે જે કરવું હોય એ કરી શકે છે... આપણે પૈસા ચૂકવ્યા છે.’ અચ્યુત કંઈ બોલ્યો નહીં. થાઇ છોકરીઓ મસાજ કરવા લાગી.

ઇલસ્ટ્રેશન

નવલકથા

ઇલસ્ટ્રેશન


બે રાત અને બે દિવસથી અચ્યુતે મટકુંય નહોતું માર્યું. તે રડતો-રડતો ક્યારે ઊંઘી ગયો એની તેને પોતાનેય ખબર ન પડી. તેની ઊંઘ અચાનક ઊડી ત્યારે ઇન્સ્પેક્ટર લોખંડે તેને બૂમો મારી રહ્યો હતો, ‘મિસ્ટર ગોહિલ... અચ્યુતભાઈ...’ તેણે ઊંઘરેટી આંખો ઉઘાડીને જોયું, ‘બહાર આવો, કંઈ બતાવવું છે.’ લોખંડેએ કહ્યું. તેનો અવાજ હવે નરમ થઈ ગયો હતો, ‘મોઢું ધોવું છે? મેં વડાપાંઉ મગાવ્યાં છે. ચા પીઓ અને વડાપાંઉ ખાઓ...’ અચ્યુતને નવાઈ લાગી. લોખંડેને હવે અઝીઝની વિગતો મળી હશે એ અચ્યુતને તરત જ સમજાઈ ગયું.

અચ્યુત લૉકઅપમાંથી બહાર નીકળ્યો. મોઢું ધોયું. લોખંડેએ તેના માટે બ્રશ અને ટૂથપેસ્ટ મગાવ્યાં હતાં. વાળ ઓળીને એક કપ ચા અને વડાપાંઉ ખાધા પછી અચ્યુતને લાગ્યું કે તેના જીવમાં જીવ આવ્યો છે. લોખંડે તેને કમ્પ્યુટર પાસે લઈ ગયો. સ્ક્રીન પર દેખાતા માણસને જોઈને અચ્યુત ઊછળ્યો, ‘યસ! આ જ માણસ છે.’ અચ્યુત એકદમ ઉશ્કેરાઈ ગયો, ‘સાલો હરામખોર...’ લોખંડેએ તેના ખભા પર હાથ મૂક્યો. અચ્યુત સહેજ શાંત થયો. તેણે કહ્યું, ‘આ જ છે, અઝીઝ! ખોર ફક્કાનથી આગળ ગાડીમાં લઈ ગયા હતા અમને. લગભગ દોઢ કલાકની ડ્રાઇવ હતી. હું એ પૅલેસ ઓળખી શકીશ...’



લોખંડે હસી પડ્યો, ‘અમારે ખોપોલી કે પનવેલ જવું હોયને તોય પેટ્રોલનો હિસાબ આપવો પડે છે. આ આઇટમને શોધવા શારજાહ કેવી રીતે જવાનું? ટિકિટ કોણ કાઢશે?’


‘હું આપીશ.’ અચ્યુતે કહ્યું.

‘એટલું સહેલું નથી, સાહેબ! અમારે પરમિશન લેવી પડે. બીજા દેશમાં તપાસ કરવી હોય તો બન્ને એમ્બેસી પાસે રજા લેવી પડે. ત્યાંની પોલીસ ઇન્વૉલ્વ થાય. ફૉરેન મિનિસ્ટ્રી પાસેથી NOC લેવું પડે.’


‘આ બધું કરતાં તો...’ અચ્યુતના અવાજમાં નિરાશા આવી.

‘રાઇટ! સહેજેય બે-ત્રણ મહિના થઈ જાય.’ લોખંડેએ કહ્યું, ‘ને તોય આ બધી પરમિશન મળે જ, આપણે જઈ જ શકીએ એવું જરૂરી નથી.’ લોખંડેએ હકીકત સમજાવતાં કહ્યું, ‘તમારી સામે FIR થયો છે. તમે પોલીસ લૉકઅપમાં છો. બધા પુરાવા તમારી વિરુદ્ધ છે. અમારે તમને મૅજિસ્ટ્રેટ સામે રજૂ કરવા પડશે. પછી અમને રિમાન્ડ મળશે. તમે આરોપી હો ત્યારે દેશ તો શું શહેર પણ ન છોડી શકાય. તમે જાઓ તો નોકરી જાય મારી... એટલું સહેલું નથી બધું.’

‘એટલે? આપણે કંઈ નહીં કરી શકીએ?’ અચ્યુત તદ્દન નિરાશ થઈ ગયો.

‘કોને ખબર!’ લોખંડેએ કહ્યું, ‘તમે કહો છો એવો માણસ છે તો ખરો. ‘ખોર ફક્કાન’ નામની જગ્યા પણ છે. એટલે મને તમારી વાત પર થોડો ભરોસો પડે છે.’ તે થોડી વાર વિચારતો રહ્યો, પછી તેણે કહ્યું, ‘પણ આવડા મોટા મહેલમાં CCTV હોય, ગાર્ડ્સ હોય, કેટલાય નોકર-ચાકર અને માણસો હોય, તેમની વચ્ચે અચાનક તમારાં વાઇફ ગાયબ થઈ ગયાં? બસ, આ વાત માન્યામાં આવે એવી નથી, ભાઉ!’

‘પણ એમ જ થયું છે.’ અચ્યુત ફરી અકળાયો.

‘આ તો તમે કહો છો. આ વાતનો કોઈ પુરાવો નથી.’ લોખંડે સહાનુભૂતિથી તેના ખભે હાથ મૂક્યો, ‘તમારાં સાસુએ મોટા માણસની છેક ઉપરથી વગ લગાડી છે.’ પછી ધીરેથી ઉમેર્યું, ‘તેમની દીકરી ગુમ છે, સમજો છોને?’ અચ્યુતે ડોકું ધૂણાવ્યું. તે સમજતો હતો. અક્ષરાનાં માતા-પિતાની જગ્યાએ કોઈ પણ હોય તો તેમણે આમ જ કર્યું હોત! તેના મનમાં અક્ષરાનાં માતા-પિતા માટે કોઈ ગુસ્સો નહોતો. બસ! અફસોસ હતો કે એ લોકો અચ્યુતની વાત સમજવા કે માનવા તૈયાર જ નહોતાં.

જોકે અચ્યુત તેમને પહેલેથી જ નહોતો ગમતો. અક્ષરાનાં માતા-પિતાને લાગતું હતું કે અચ્યુત તેમની દીકરી અક્ષરા કરતાં ઉંમરમાં ઘણો મોટો છે. અચ્યુતની મા પ્રેમલતા ગોહિલે અક્ષરાને એક ચૅરિટી-ફંક્શનમાં જોઈ હતી. પ્રેમલતા અને અચ્યુત એ કાર્યક્રમમાં મહેમાન હતાં. અક્ષરા કાર્યક્રમનું સંચાલન કરી રહી હતી. અચ્યુતની ૩૮ વર્ષની ઉંમરમાં તેણે પહેલી વાર કોઈ છોકરીમાં ઇન્ટરેસ્ટ બતાવ્યો એ જોઈને પ્રેમલતાએ બીજા જ દિવસે અક્ષરાની તપાસ કરાવી. તેનાં માતા-પિતાને મળવાની તજવીજ કરી ને અક્ષરાનું માગું નાખ્યું. બોરીવલીના ટૂ-BHKના ઘરમાં રહેતી અક્ષરા તો અચ્યુતની આઉડી ગાડી અને જુહુનો અપાર્ટમેન્ટ જોઈને લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી, પણ તેનાં માતા-પિતાએ જવાબ આપવામાં એક મહિનો લીધો. એ એક મહિના દરમિયાન અચ્યુત અને અક્ષરા બે-ચાર વખત મળ્યાં હશે! અક્ષરા ઇમ્પ્રેસ થઈ ગઈ હતી. અચ્યુતની વાતોથી, તેના ઘર અને ઑફિસથી... તેણે આપેલી ગિફ્ટ અને ડેટ માટે પસંદ કરેલી અલગ-અલગ રેસ્ટોરાંની ભવ્યતાથી! બોરીવલીમાં જન્મેલી-ઊછરેલી મિડલ ક્લાસ છોકરીએ આવી જ કોઈ જિંદગીનાં સપનાં જોયાં હતાં. અક્ષરાની ફેવરિટ ફિલ્મ ‘પ્રિટી વુમન’ની જેમ જ એક રાજકુમાર તેની જિંદગી બદલવા આવી પહોંચ્યો હતો. અક્ષરા કોઈ રીતે આ તક ગુમાવવા માગતી નહોતી. તેણે માતા-પિતાની સામે જીદ, દલીલ, તર્ક અને ધમપછાડા કરીને અંતે તેમને ‘હા’ પાડવા મજબૂર કર્યાં. લગ્ન સાદાઈથી, માત્ર ૨૫ માણસોની હાજરીમાં થયાં કારણ કે અક્ષરાનાં માતા-પિતાને ૩૮ વર્ષના વરરાજા સાથેનાં લગ્નમાં તેમનાં સગાંવહાલાંને બોલાવતાં શરમ આવતી હતી.

અક્ષરાના પિતા સંજય પ્રજાપતિ મુંબઈ મહાનગરપાલિકામાં હતા. બહુ મોટી પોસ્ટ પર નહોતા પણ માણસ સ્વભાવે નરમ, ઘરમાં દબાયેલો રહેતો. તેમની દીકરી ૧૪ વર્ષ મોટા માણસ સાથે પરણી રહી છે એ વિચાર જ તેમને અનુકૂળ નહોતો, પરંતુ અક્ષરાની આટલીબધી જીદ સામે તેમનું કંઈ ચાલ્યું નહીં. લગ્ન તો થયાં, પણ તેમનો રાજીપો નહોતો. તેમની પત્ની સુશીલા પ્રજાપતિ માથાભારે બાઈ હતી. પરિવારમાં, સોસાયટીમાં બધા તેનાથી દૂર રહેતા. સંજયભાઈએ તો ધીમે-ધીમે અચ્યુતને સ્વીકારી લીધો હતો પરંતુ સુશીલાએ નમતું જોખ્યું નહોતું.

હવે આજે જ્યારે અક્ષરા ગુમ હતી ત્યારે બન્નેએ માની લીધું હતું કે અચ્યુતે જ કંઈ કર્યું છે. અક્ષરાના પિતાએ પોતાની બધી લાગવગ અને ઓળખાણો કામે લગાડી દીધી હતી. તેમણે કમિશનર પાસે લોખંડેને સૂચના અપાવડાવી હતી કે જ્યાં સુધી અચ્યુત સાચું ન બોલે ત્યાં સુધી તેને લૉકઅપમાં જ રાખવો. શુક્રવારે સાંજે અરેસ્ટ થયેલો અચ્યુત આજે રવિવારે સાંજે એક વડાપાંઉ અને ચા પામ્યો હતો. બે રાત અને બે દિવસ લોખંડેએ સવાલો પૂછી-પૂછીને તેને પાગલ કરી નાખ્યો હતો. હવે જ્યારે અઝીઝની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ગૂગલ ઇમેજિસ જોઈ ત્યારે લોખંડે થોડો નરમ પડ્યો હતો!  

અચ્યુતે કહેલો માણસ, તેનું ગામ તો હતાં પણ મૉરિશ્યસની કોઈ તસવીર અચ્યુત પાસે મળી નહીં. અચ્યુતે વર્ણન કર્યું હતું એવી કોઈ બેગમ પણ તેના FB કે ઇન્સ્ટામાં દેખાઈ નહીં. મહેલમાં તેની બુરખા પહેરેલી સ્ત્રીઓ હતી ને બીજી તસવીરોમાં દેશી-વિદેશી સ્ત્રીઓ હતી, પણ અક્ષરા અને અચ્યુત સાથે ઓળખાણ થયાનો, પ્રવાસ કર્યાનો કોઈ પુરાવો અચ્યુત પાસે મળ્યો નહીં!

lll

‘આઇલ ઑક્સ સર્ફ્‍સ’ના પ્રવાસનો એ દિવસ કોઈ સપના જેવો હતો. લક્ઝરી યૉટ પર બાર્બેક્યુ અને આલા વિદેશી શરાબની તમામ બ્રૅન્ડ્સ મોજૂદ હતી. બે છોકરીઓ સર્વિસ કરવા માટે સતત હાજર હતી. અઝીઝના ચાર ગાર્ડ્‍સ ઑટોમૅટિક ગન સાથે યૉટ પર આવ્યા ત્યારે અચ્યુતને સહેજ નવાઈ લાગી, ‘ગાર્ડ્‍સ વગર હું ક્યાંય જઈ જ શકતો નથી. અમારા સુલતાનનો હુકમ પાળે છે એ લોકો.’ અઝીઝે કહ્યું, ‘મારા મહેમાનો પર અને મારા પર બન્ને પર નજર રાખે છે.’

અઝીઝનું વાક્ય પૂરું થાય એ પહેલાં એક હેડ જેવા લાગતા ગાર્ડે આવીને અચ્યુત અને અક્ષરાના મોબાઇલ માગ્યા, ‘સિક્યોરિટી રીઝન, સર!’ તેણે પૂરી નમ્રતાથી છતાં દૃઢતાથી કહ્યું.

અચ્યુતે સહેજ પ્રશ્નાર્થભરી નજરે અઝીઝ સામે જોયું.

‘પ્રોટોકૉલ છે.’ અઝીઝે સહજતાથી કહ્યું, ‘મારી સાથેના ફોટો અપલોડ કરીને કોઈ દુરુપયોગ ન કરી શકે. મોબાઇલથી મારું લોકેશન ખબર પડે ને મારા પર હુમલો થાય તો તેમણે સુલતાનને જવાબ આપવો પડે. અહીં બેદરકારીની સજા મોત છે. મારે માટે પણ અને તેમને માટે પણ...’ અઝીઝે સમજાવટપૂર્વક કહ્યું, ‘પ્લીઝ, તમારા ફોન તેમને આપી દો.’ અક્ષરા અને અચ્યુતે પોતપોતાના સેલફોન ગાર્ડને આપી દીધા. એ પછી ગાર્ડ્સ ઊંધા ફરીને એવી રીતે બેઠા જાણે અહીં હાજર જ ન હોય. તેમની હાજરીની નોંધ લીધા વગર અઝીઝ તેની બેગમને ચૂમતો હતો, પ્રેમ કરતો હતો. અચ્યુતને આ જોઈને થોડો સંકોચ થયો. તેની ભારતીય મિડલક્લાસ માનસિકતા થોડી વાર માટે તેને નડી, પણ પછી તેણે પણ એ દિવસનો પૂરેપૂરો આનંદ ઉઠાવવાનું નક્કી કરી લીધું. તેણે અક્ષરાની કમરમાં હાથ નાખીને તેને નજીક ખેંચી.

ચડતા સૂરજના તડકામાં અક્ષરાની ગુલાબી ત્વચા અદ્ભુત લાગતી હતી. તેના વાળ, તેનો સહેજ તપીને લાલ થયેલો ચહેરો ને શૉર્ટ્‍સમાંથી દેખાતા લાંબા ગોરા પગ અચ્યુત માટે સિક્સ્ટી mlના પેગ જેવું કામ કરી રહ્યા હતા. તેના સ્પગેટી ટૉપ અને શૉર્ટ્‍સની વચ્ચે દેખાતી પાતળી લચકદાર કમર પર અઝીઝની નજર વારે-વારે પહોંચી જતી હતી એ વાતની અચ્યુતે નોંધ લીધી, પણ મહઝબીનને જાણે પડી જ નહોતી! અત્યાર સુધી ચૂપ રહેલી અઝીઝની પત્ની બોલ્ડ અને તોફાની બની ગઈ હતી. તડકો માથે આવ્યો ત્યારે બધા સ્વિમિંગ માટે પાણીમાં પડ્યા. બોટ સાથે જોડાયેલું દોરડું પકડીને દરિયાની લહેરો સાથે આમતેમ ફંગોળાતાં સહુ હસતાં, મજાક-મસ્તી કરતાં રહ્યાં. મહઝબીને અચ્યુતના ખભે ચડીને ભૂસકા માર્યા. અઝીઝને કોઈ પ્રૉબ્લેમ નહોતો, એ જોઈને અચ્યુત પણ ધીમે-ધીમે ખૂલી ગયો.

ડાન્સ, ફિશિંગ, ડૉલ્ફિન-વૉચિંગ, સ્વિમિંગ... દિવસ ઢળવા લાગ્યો. પશ્ચિમમાં પીળા થઈ ગયેલા સૂરજનાં કિરણોથી દરિયાનાં પાણી જાણે સોનેરી બની ગયાં હોય એમ ઝળહળતાં હતાં. અઝીઝે સૌને કહ્યું, ‘હવે એક સરપ્રાઇઝ છે.’ થોડી વારમાં સ્પીડબોટમાં બે પુરુષ અને બે સ્ત્રીઓ યૉટ પર આવી પહોંચ્યાં. તેમને જોઈને અચ્યુત અને અક્ષરાને નવાઈ લાગી. અઝીઝે કહ્યું, ‘પુરુષ મૅસ્યુઅર (મસાજ કરનાર) લેડીઝ માટે છે અને આ બે છોકરીઓ આપણા માટે...’ અચ્યુત જરા અચકાઈ ગયો. તેના ચહેરા પરનો સંકોચ જોઈને અઝીઝે કહ્યું, ‘ધિસ ઇઝ લાઇફ, મૅન! એન્જૉય...’ પછી તેના ખભે ધબ્બો મારીને કહ્યું, ‘માત્ર પુરુષોને જ આનંદ કરવાનો હક છે? લેડીઝને પણ મજા કરવાનો હક મળવો જોઈએ. આપણા સિવાય કોઈ તેને અડે નહીં એ તો રૂઢિચુસ્તતા કહેવાય. એવું શું કામ? લેટ ધેમ હૅવ ફન...’ તેણે આંખ મારી. અચ્યુતને માટે આવી લાઇફસ્ટાઇલ, આવું જીવન શૉકિંગ હતું. ફિલ્મોમાં કે અંગ્રેજી નવલકથાઓમાં, ક્યારેક ગૉસિપ કૉલમ્સમાં તેણે આવુંબધું વાંચ્યું હતું, પરંતુ ખરેખર આવી જિંદગી હોઈ શકે એવું તો તેણે આજે જ જાણ્યું હતું! નછૂટકે, કમને અને પૂરા સંકોચ સાથે તેણે અક્ષરાને જવા દીધી. એટલો સધિયારો હતો કે મહઝબીન અને અક્ષરા એક જ રૂમમાં મસાજ કરાવવાનાં હતાં! કદાચ અક્ષરા પેલા પુરુષ સાથે એકલી હોત તો અચ્યુતે ન જ જવા દીધી હોત...

અઝીઝ અને અચ્યુત જ્યારે બીજા રૂમમાં મસાજ માટેના બેડ પર સૂતા ત્યારે અઝીઝે દોસ્તાના અંદાજમાં અચ્યુતને કહ્યું, ‘તારે જે કરવું હોય એ કરી શકે છે... આપણે પૈસા ચૂકવ્યા છે.’ અચ્યુત કંઈ બોલ્યો નહીં. થાઇ છોકરીઓ મસાજ કરવા લાગી. અઝીઝે છોકરીને કહ્યું, ‘તારાં કપડાં કાઢી નાખ.’ રબ્બરની ચાવી દીધેલી ડૉલની જેમ એ છોકરીએ પોતાનું શર્ટ અને પછી બ્રા ઉતારી નાખ્યાં. અચ્યુત ખૂબ સંકોચાઈ ગયો. એ છોકરી અર્ધનગ્ન અવસ્થામાં મસાજ કરી રહી હતી. તે જ્યારે ઝૂકતી ત્યારે તેનું શરીર અઝીઝના શરીર સાથે ઘસાતું કે પછી તે જાણી જોઈને એવું કરી રહી હતી! બીજી છોકરીએ કપડાં કાઢવાનો પ્રયાસ કર્યો, અચ્યુતે સ્પષ્ટ ‘ના’ પાડી દીધી.

જોકે અક્ષરા શું કરતી હશે એના વિચારે ચડી ગયેલા અચ્યુતનું ધ્યાન હવે મસાજમાં નહોતું. તે ઊભો થઈ ગયો, ‘હું કમ્ફર્ટેબલ નથી’ કહીને તે બહાર નીકળી ગયો.

અઝીઝે જરાય અચકાયા વગર કે અચ્યુતના અણગમાની નોંધ પણ લીધા વગર બીજી છોકરીને કહ્યું, ‘કમ ઑન! તું પણ જોડાઈ જા.’ એ છોકરી પણ ઢીંગલીની જેમ આવીને જોડાઈ ગઈ.

રૂમમાંથી બહાર નીકળીને ડેક પર આવેલો અચ્યુત ખુલ્લી હવામાં ઊંડા-ઊંડા શ્વાસ લેવા લાગ્યો. તેની માનસિકતા હચમચી ગઈ હતી. અક્ષરાના વિચારોએ તેના મગજમાં ઘમસાણ મચાવી દીધું હતું, પણ તેનો દરવાજો નૉક કરવાની તેની હિંમત નહોતી.

lll

જુહુ પોલીસ સ્ટેશનના કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાઈ રહેલા અઝીઝના ફોટોગ્રાફ્સ જોઈને તેનું મગજ ફાટ-ફાટ થવા લાગ્યું. અઝીઝના મહેલના, તેની બુરખા પહેરેલી ચાર બેગમ અને સાત-આઠ બાળકોના ફોટો સ્ક્રીન પર દેખાઈ રહ્યા હતા. પાર્ટી કરતા, ગૉલ્ફ રમતા, ઘોડેસવારી કરતા, કૂતરાઓ સાથે રમતા અઝીઝના ઢગલાબંધ ફોટો હતા... અચ્યુતે બધા ફોટો ધ્યાનથી જોયા, પણ એમાં મહઝબીનની એક પણ તસવીર નહોતી. તેનું મગજ ચક્કર ખાઈ ગયું.

અઝીઝે ગોઠવેલી કોઈ પર્ફેક્ટ રમત હતી આ! અચ્યુતના મગજમાં હવે ધીમે-ધીમે જિગસૉ ગોઠવાવા લાગી. યૉટ પર પહોંચીને તરત ફોન લઈ લેવા, એક પણ તસવીર કે કોઈ એવિડન્સ રહેવા ન દેવા... તેણે આપેલો ફોન-નંબર ફક્ત મૉરિશ્યસ પૂરતો જ ચાલ્યો. એ પછી જ્યારે-જ્યારે અઝીઝે ફોન પર વાત કરી ત્યારે જુદા-જુદા નંબરથી ફોન આવતા રહ્યા. આ મુદ્દા તરફ અત્યાર સુધી અચ્યુતનું ધ્યાન જ નહોતું! અઝીઝ ક્યારેક કહેતો, ‘મારા ગાર્ડનો ફોન છે’ તો ક્યારેક તેના ડ્રાઇવરના ફોન ઉપરથી ફોન આવતો.

‘મારી પાસે... મારી પાસે તેના બધા નંબર છે.’ અચ્યુતે કોઈ વિક્ષિપ્ત માણસની જેમ કહ્યું, ‘મારા ફોનમાં છે...’ લોખંડેએ ડ્રૉઅરમાં મૂકેલો ફોન કાઢીને અચ્યુતના હાથમાં આપ્યો. અચ્યુતે સ્ક્રીન પર આંગળીઓ ફેરવીને નંબર શોધી કાઢ્યો, ‘આ નંબર ઉપલબ્ધ નથી.’ અંગ્રેજીમાં સૂચના સંભળાઈ! બીજો, ત્રીજો, ચોથો... +971થી આવેલા બધા જ નંબર અચ્યુતે વારાફરતી ડાયલ કર્યા. જવાબ એક જ મળ્યો, ‘આ નંબર સેવામાં નથી.’ અચ્યુતે નિરાશ થઈને ફોન ટેબલ પર પછાડ્યો, ‘હું મૂરખ છું, ગધેડો, અક્કલ વગરનો... મને કંઈ ખબર જ ન પડી.’ અચ્યુત ટેબલ પર માથું મૂકીને રડી પડ્યો. તેને જોઈ રહેલા લોખંડેને પણ એક વાર અચ્યુતની દયા આવી ગઈ!

lll

મસાજરૂમમાંથી બહાર નીકળીને અચ્યુત ડેક પર ઊભો રહીને ડૂબતો સૂરજ જોઈ રહ્યો હતો. અંદર શું ચાલી રહ્યું હશે એ વિશે તેના મનમાં ચાલતી ભયાનક કલ્પનાઓથી તેને ગૂંગળામણ થવા લાગી... તેણે ઊંડા-ઊંડા શ્વાસ લઈને સ્વયંને નિયંત્રિત કરવાની કોશિશ કરી, પણ મન કોઈ રીતે શાંત થતું નહોતું. અચ્યુતનો ઉછેર ખૂબ સંસ્કારી હતો. પિતા મહેનતુ, પ્રામાણિક કર્મચારી, મા સોશ્યલ વર્કર હોવાને કારણે ઘરમાં સ્ત્રીને સન્માન આપવાની કેળવણી તેને બાળપણથી મળી હતી. અંદર તેણે જે જોયું એ પછી તે અહીં એક મિનિટ પણ રોકાવા તૈયાર નહોતો. ડેક પર ચક્કર મારતો તે અક્ષરાના બહાર આવવાની પ્રતીક્ષા કરતો રહ્યો.

અક્ષરા જ્યારે સ્પારૂમમાંથી બહાર આવી ત્યારે રિલૅક્સ્ડ અને સુંદર દેખાતી હતી. હમણાં જ નાહી હોવાને કારણે તેનો મેકઅપ ઊતરી ગયો હતો. ત્વચા સાફ અને તગતગતી હતી. વાળ હજી ભીના હતા... તેણે મહઝબીનનું સાવ ટૂંકુ ફ્રૉક પહેર્યું હતું. એક તો તે ઉંમરમાં નાની જ હતી ને ફ્રૉકમાં તો તે સાવ નાનકડી છોકરી જેવી લાગતી હતી. અઝીઝે કૉમ્પ્લીમેન્ટ આપ્યાં, ‘સાવ સ્કૂલગર્લ જેવી લાગે છે...’

અચ્યુતને પહેલી વાર પોતાની ઉંમરનો અહેસાસ થયો હોય એમ તેણે અકળાઈને કહ્યું, ‘તારાં કપડાં ક્યાં છે? આટલું ટૂંકુ ફ્રૉક કેમ પહેર્યું છે?’

‘ઓહ! કમ ઑન...’ અઝીઝે તેના ખભે ધબ્બો માર્યો, ‘તમે તો બહુ ઑર્થોડૉક્સ છો.’

‘અમારે ત્યાં એને સંસ્કાર કહે છે.’ અચ્યુતે જરા ચીડ સાથે કહી નાખ્યું, ‘હું મારી વાઇફને કંઈ કહું એમાં તમારે વચ્ચે ન બોલવું જોઈએ.’ અચ્યુતના મગજમાં ક્યારની ચડી ગયેલી ચીડ તેણે અંતે ઉતારી નાખી. અક્ષરાનું મોઢું ફરી ચડી ગયું. મહઝબીને ઇગ્નૉર કર્યું અને અઝીઝ ચૂપ થઈ ગયો. એ પછી પાછા ફરતાં બધાં જાણે એકબીજાથી દૂર હોય એમ વર્તતાં રહ્યાં.

રૂમમાં પાછા પહોંચીને અક્ષરાએ ઝઘડો માંડ્યો, ‘શું કરે છે તું? કારણ વગર આવું બિહેવિયર? એ લોકો કેટલાં ફ્રેન્ડ્લી હતાં. આપણે માટે ઓછાં-ઓછાં થઈ જતાં હતાં ને તું વાતે-વાતે વાંકું પાડ્યા કરે... સ્પૉઇલસ્પોર્ટ છે તું. મજા કરતોય નથી ને કોઈને કરવા દેતોય નથી...’

‘કેમ? પેલા મસાજવાળાએ બહુ મજા કરાવી તને?’ અચ્યુતે કારણ વગર ટોણો માર્યો. અક્ષરા ભડકી ગઈ. તેણે આ સવાલના જવાબમાં અચ્યુતના ચહેરા પર થપ્પડ મારી દીધી. તે પોતાનું બ્લૅન્કેટ ઉઠાવીને સોફા પર સૂઈ ગઈ. અચ્યુતે પણ તેને બોલાવવાનું કે મનાવવાનું છોડીને ઊંઘવાનો પ્રયત્ન કર્યો. બન્ને જણ આખી રાત જાગતાં રહ્યાં.

lll

હનીમૂનની એ રાત યાદ કરી રહેલો અચ્યુત પોલીસ-સ્ટેશનમાં પણ પસ્તાઈ રહ્યો હતો.

 

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 12:45 PM IST | Mumbai | Kajal Oza Vaidya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK