Niranjan, who was overwhelmed by his friend`s kindness, never tired of praising him. Very quickly, he became like the sixth member of the family.
ખાલી રસ્તા, ખાલી ચહેરા
સુગંધા રોજ જલદી કામ પતાવી રસોડામાં દોટ લગાવતી. અહીંનું એકાંત તેને પ્રિય હતું. બારી પાસે મોકળાશ અનુભવાતી. મન થતું કે રસોડાની બારીમાં થોડાંક ફૂલો વાવે, મીઠો લીમડો, તુલસી ને બારીને સુંદર બનાવે એવો ગુલાબનો એક છોડ હોય. પણ બેડરૂમ એટલો નાનો કે અમુક સામાન રસોડાની બારીમાં રાખવો પડતો. બેડરૂમની નાનકડી બારીમાં પણ તેને ગમતાં ફૂલો નહીં, જૂના ઘરેથી લાવેલો નિરંજનને અતિપ્રિય એવો મનીપ્લાન્ટ જ રહેતો જે આજકાલ કરમાઈ રહ્યાો હતો. એનાં ખાતરપાણીની જવાબદારીય નિરંજને સુગંધાને સોંપી દીધેલી.
નવો મનીપ્લાન્ટ ટેબલ પર મૂકતાં જ નિરંજને ખુશખબરી આપી, ‘મારી હૉસ્પિટલમાં મેં તારી નોકરી પાક્કી કરી છે.’
સુગંધા કશું સમજે એ પહેલાં જ નિરંજને નવા ઘરમાં મનીપ્લાન્ટ ક્યાં રાખવાનો છે એની જગ્યા શોધવા માંડી ને અંતે હૉલની બારીમાં જગ્યા કરી મનીપ્લાન્ટ ગોઠવી દીધો. નિરંજને કહ્યું પણ ખરું કે નવો મનીપ્લાન્ટ પેલા જૂના મનીપ્લાન્ટ કરતાં ઘણો મોટો છે.
હિંમત કરીને સુગંધાએ નાના ઘરમાંથી થોડા મોટા ઘરમાં સ્થળાંતર કરેલું. જૂનું ઘર એટલું સાંકડું હતું કે ત્રણ જણને માંડ સમાવે, તોય એમાં છ જીવોનો પરિવાર ઠસોઠસ ભરાયેલો: તેના સિવાય તેના બે જોડિયા દીકરા, એક દીકરી, પતિ નિરંજન અને વૃદ્ધ મા. અખિલેશે એ ઘર સુગંધાને રહેવા માટે આપેલું ત્યારે કહેલું, ‘આ ઘર મારી પત્નીના નામનું છે એટલે મારે ભાડું લેવું પડે, બાકી તમારી પાસેથી ભાડું થોડું લેવાય?’
નિરંજન મિત્રની દિલદારી પર પોરસાઈ ગયેલો એટલે તેનાં વખાણ કરતાં થાકતો નહીં. બહુ ઝડપથી તે ઘરના છઠ્ઠા સભ્ય જેવો બની ગયેલો. પહેલાં માત્ર નિરંજનનો મિત્ર હતો, પછી બાળકોનો અંકલ, માનો માનીતો દીકરો અને આગળ જતાં સુગંધાનો... બધું જ! મિત્ર, માર્ગદર્શક, બૉસ — જે કહો તે. તે જે વાતો નિરંજનને ન કહી શકતી એ બધું જ અખિલેશને કહી શકતી. નિરંજન સુગંધા માટે જે કરી ન શકે એ બધું જ અખિલેશ કરતો. સુગંધા મૂંગી-મૂંગી અખિલેશના ઉપકારનો ભાર ઝીલ્યા કરતી. મનમાં નિરંજન માટે ઘૃણા જન્મે, પ્રશ્નો ઊઠે, પ્રતિકારાત્મક સંવાદ ઊભા થાય; પણ અંતે બધું જ મનમાં ધરબી રહે. બીજો દિવસ એનો એ જ ઊગતો ને આમ કરતાં કેટલાં વર્ષો વીત્યાં એનો કોઈ તાળો જ ન રહ્યો. જ્યારે લાગ્યું કે હવે તાળો મેળવવો પડશે ત્યારે હિંમત કરી સુગંધાએ સૌપ્રથમ ઘર બદલ્યું - ધણીથી ઝઘડીને ને માની ગાળો સાંભળીને અને પોતે થોડી વધુ કમર કસવાના ઇરાદા સાથે!
નવી જગ્યા અને નવા મકાનમાં રહેવાસ થશે તો થોડીક શાંતિ થશે એવું સુગંધાએ ધારેલું, પણ અહીં પાસો ઊંધો જ ફેંકાયો. અહીં આવતાં જ તેની મમ્મીનો પગ લપસ્યો ને તે ખાટલાવશ થઈ, સાથે શ્વાસની તકલીફ પણ શરૂ થઈ. ઘર બદલવા મૂકેલી રજાઓ થોડી વધુ લંબાવવી પડી. નવું ઘર મોટું હતું, એક રૂમ વધારે હોવાને નાતે ભાડામાંય બે-એક હજારનો વધારો. ક્યાંક બીજે આવું ઘર હોત તો કદાચ વધુ જ ભાડું હોત, પણ આ ઇમારતની નજીક ડેડ એન્ડ હોવાથી મજબૂરી સિવાય અહીં કોઈ વસવા તૈયાર ન થતું. અહીં આવવા માટેના કેડી જેવા એકાદ રસ્તા પછી આખું મૅન્ગ્રોવ્ઝનું જંગલ શરૂ થતું. નજીકમાં મૅન્ગ્રોવ્ઝ ઊગવાને લીધે અહીંના વાતાવરણમાં એક વિચિત્ર પ્રકારની વાસે કબજો લીધેલો. ટૂંકમાં ઘર એવી જગ્યાએ હતું જ્યાં ભાડૂત તો ઠીક, ભાડૂતના મહેમાનોને પણ બે ઘડી આવવું ભારે પડતું.
આજકાલ સુગંધાના સાસરિયા પક્ષેથી ફોન પર કોઈ પૂછતું તો નિરંજન પોતાની આદત મુજબ વાજબી કારણો આપતો, ‘એ બિલ્ડિંગ સાવ જ ખખડધજ. રિનોવેશનમાં જવાનું છે. હવે મોટું ઘર જોઈએ. પ્રાઇવસી.’ નિરંજનને સામેના લોકોને વાતો ગળે ઊતરે એમ વાત કરવામાં રસ પડતો એટલે બોલ્યે જ જતો. રોજ એકસરખી અને પુનરાવર્તિત થતી આવી વાતોને સુગંધા ધીરજથી સાંભળતી ને અંતે ‘અહીં સારું લાગે છે’ જેવા સુખદ સારાંશને કાને ધરી હાશકારો અનુભવતી. આજકાલ તેને એમાંય પ્રશ્ન થતો, ‘શું ખરેખર સારું લાગે છે મને? આ ‘સારું લાગવું’ પાછળ તો આખી જિંદગી ખર્ચાઈ જાય અને છતાંય ક્યાંય સારું જ નથી લાગતું જાણે!’ મા અને નિરંજન સાથે નિરર્થક વાતો કરી માથું ફોડવા કરતાં સુગંધાને મનનો સંવાદ વધુ રુચતો. તેની જાત તેની સાથે મજાક કરતી, ‘સુખની શોધમાં હવે ડેડ એન્ડ નજીક!’
માની તબિયત દિવસે-દિવસે વધુ બગડતી જતી હતી, હોટેલમાં કેટલી રજાઓ પાડવી પડશે એનો અંદાજ નહોતો. સુગંધાને ઘડીક લાગતું કે માની બીમારીને લીધે જ ભલે પણ નોકરીથી થોડોક છુટકારો તો મળ્યો, બાળકો સાથે સમય વિતાવવાનું સુખ કેવું ઝંખેલું તેણે! જૂના ઘરે ઘણી વાર થતું કે આસપાસની ગૃહિણીઓની જેમ ઘરમાં બેસી ફક્ત રસોઈ-પાણી કરી ઘરેલુ નારી જેમ જિંદગી જીવે, બાળકો ઉછેરે અને સાંજ પડ્યે પતિના આવવાની રાહ જુએ; કીર્તિની જેમ જન્મદિવસ-ઍનિવર્સરીની ભેટો મેળવે; પ્રીતિની જેમ બાળકોનો લાડથી ઉછેર કરે ને અનીતાની જેમ ગળાના નીચેના ભાગે મીઠું શરમાવે એવી લવ બાઇટ્સ મેળવે. જોકે આમાંનું કશું હાથ ન લાગે. ઘરમાં હાજર મા પણ સાસુ જેવી હતી જે સમય આવ્યે રંગ દેખાડતી. રવિવારે બાળકો સાથે દરિયાકાંઠે દોટ લગાવવાની ઇચ્છા ઘરના કામકાજ કરવામાં પલટાઈ જતી. ક્યારેક હોટેલના કોઈ સહકર્મચારીઓ ફરવાનો પ્લાન ઘડે ત્યારે તે હસતાં-હસતાં ના પાડી દેતી. પછી મનના સંવાદ પર ઢાંકણું મારતી, ‘આવા ખર્ચા કરું તો રિસેપ્શનિષ્ટની નોકરીમાં મહિનાને અંતે બે હજાર માંડ બચે એય.. ’
નિરંજન પોતાના માટે નોકરી શોધી લાવ્યો છે એ વાત પર ખુશ થવું કે નારાજ એ સુગંધા હજી સુધી નક્કી નહોતી કરી શકી. જોકે આ નવું નહોતું. પાછલી નોકરી પણ અખિલેશને કહી તેણે જ અપાવેલી, બાકી પોતાને તો ક્યાં નોકરી કરવી જ હતી? આ તો નિરંજન તર્ક આપતો, ‘તું સારું અંગ્રેજી બોલે છે ને દેખાવડી છે. તારે પોતાની ટૅલન્ટ વેસ્ટ ન કરાય.’ અંતે નિરંજનની ભલામણથી અખિલેશે પોતાના ડિપાર્ટમેન્ટમાં રિસેપ્શનિસ્ટની નોકરી અપાવેલી. આજકાલ નવરી પડ્યે સુગંધા બારીની બહાર આવેલા ખાલી રસ્તાને તાક્યા કરતી. રસોડાની બારીમાંથી કે હૉલ-બેડરૂમની બારીમાંથી જુઓ તો એક જ રસ્તો સામે દેખાતો. બંજર - સૂમસામ, ડેડ એન્ડ જેવો! હકીકતમાં તો ડેડ એન્ડ નહોતો એ, ત્યાંથી અવરજવર થઈ શકે એમ હતી પણ મૅન્ગ્રોવ્ઝની ચીકણી જમીનથી બચી લોકો આ નહીં ને એની બાજુમાંથી શરૂ થતી સાંકડી કેડીમાંથી જ ચાલવાનું પસંદ કરતા. સુગંધાના ઘરે પણ ત્યાંથી જ આવી શકાતું.
હજી ગઈ કાલ સુધી મહિનાને અંતે કેવી સ્થિતિ સર્જાશે એનો ભય સુગંધાના ચહેરા પર ચિંતાની રેખાઓ ખેંચતો હતો. સ્કૂલ ફીઝ, રિતુના ડાયપર-પાઉડરના ખર્ચા, વધેલું ભાડું ને સાથે માની દવા વિશે વિચારતાં સુગંધાની આંખો ઉજ્જડ રસ્તા પર જડાઈ જતી. રસોડામાં એકલી હોય ત્યારે બોલી પડતી, ‘અહીં તો ક્યાં કોઈ આવે?’ પછી ભાનમાં આવી હોય એમ ચૂપ થઈ જતી. ક્યારેક ખાટલાવશ મા સુગંધાની વાતો સાંભળતી હોય એમ હૉલમાંથી સુગંધાના નામની પોકાર લગાવી તેની વિચારમાળા તોડતી. પછી હૉલમાં હાજર થઈ તેને ખરેખર શું જોઈએ છે એની ચીવટ કર્યા બાદ તે માની સામે તીખી નજરે મૂક પ્રશ્ન કરતી, ‘આવું જ જોઈતું હતુંને?’ માને પણ જાણે પ્રશ્ન સંભળાયો હોય એમ તે શ્વાસની ધમણ ચાલુ કરતી. પમ્પ દીધા પછીય તેને આમ શ્વાસ લેતાં જોઈ સુગંધાને આ નર્યું નાટક જ લાગતું. માની તબિયતને લીધે ક્યાંય પણ જઈ ન શકાતું. ‘જવાનું પણ ક્યાં? બધું તો છૂટી ગયું.’ તે વિચારને ઘડીભર ત્યાં જ અટકાવતી. ફરી ક્યારેક રોટલી કરતાં કે ક્યારેક ઘરનાં બીજાં કોઈ કામોને સથવારે અંદરની પ્રશ્નમાળા ફરી જાગતી, ‘બધામાં શું? જૂનું ઘર -જ્યાં જગ્યા સાથે ભાડું પણ ઓછું હતું. બાળકોને ઉપરછલ્લી નજરે જોનાર સાજીનરવી મા, સ્વમાનથી જીવી શકાય એવી નોકરી અને ખાસ તો અખિલેશનો મનગમતો સાથ.’ સવાલો આગળ વધતા. ‘મનગમતો?’ ને ફરી વિચારોનું બૂમરૅન્ગ દૂર ફંગોળાઈને જોજનો અંતર કાપતું. ‘મજબૂરીમાં જ ભલે, પણ તેનો સાથ ગમતો એમાં ના ન પડાય.’ ક્યારેક મા સામે નિસાસો નાખતાં તે મનમાં બબડતી, ‘કાશ પપ્પા જીવતા હોત તો આપણને બધાને સંભાળી લેત.. કાંઈ નહીં તો મને એમ તો કહેત કે સ્ત્રીનું મન તો ગઢ જેવું હોવું જોઈએ, એને દરેક પુરુષ પાર ન કરી શકવો જોઈએ. હું કહેત કે મને મોડેથી સમજાયું પપ્પા કે એ ગઢ પાર કરનાર અખિલેશ છે, નિરંજન નહીં.’ વળી એ અવાજ કહેતો, ‘અખિલેશ આટલો વહાલો છે પણ નોકરીમાંથી તેણે જ કઢાવી ખબર છેને?’ સુગંધા એનો જવાબ ન આપી શકતી. ‘શું કામ કઢાવી હશે? તેની પત્નીને ખબર પડી હશે? એ સિવાય તો બીજું શું હોય? કે પછી મેં ઘર બદલ્યું એ ગમ્યું નહીં હોય?’ અંદરનો અવાજ મશ્કરી કરતો, ‘જોયું, તને સાચું કારણ કહેવું પણ જરૂરી ન લાગ્યું તેને!’
સુગંધા રોજ જલદી કામ પતાવી રસોડામાં દોટ લગાવતી. અહીંનું એકાંત તેને પ્રિય હતું. બારી પાસે મોકળાશ અનુભવાતી. મન થતું કે રસોડાની બારીમાં થોડાંક ફૂલો વાવે, મીઠો લીમડો, તુલસી ને બારીને સુંદર બનાવે એવો ગુલાબનો એક છોડ હોય. પણ બેડરૂમ એટલો નાનો કે અમુક સામાન રસોડાની બારીમાં રાખવો પડતો. બેડરૂમની નાનકડી બારીમાં પણ તેને ગમતાં ફૂલો નહીં, જૂના ઘરેથી લાવેલો નિરંજનને અતિપ્રિય એવો મનીપ્લાન્ટ જ રહેતો જે આજકાલ કરમાઈ રહ્યો હતો. એનાં ખાતરપાણીની જવાબદારીય નિરંજને સુગંધાને સોંપી દીધેલી.
સાંજે નિરંજન બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે સુગંધાએ નોંધ્યું કે નિરંજન આજે કંઈક વધુ જ ખુશ જણાતો હતો. નવી નોકરી વિશે તેના મનમાં અનેક સવાલો હતા, પણ નિરંજનની લાંબી બોરિંગ વાતોના ત્રાસને કલ્પી તે યોગ્ય સમયની રાહ જોવા લાગી. તેને ઘણી વાર લાગતું કે નિરંજન અખિલેશ વિશે બધું જ જાણતો હોવો જોઈએ. આખરે તેણે પણ હોટેલમાં અખિલેશ સાથે નવ વર્ષ નોકરી કરેલી છે, તેને જાણતો નહીં હોય? વળી થતું કે જાણતો હોય તો પોતાની પત્નીને ત્યાં કામ કરવા કેમ મોકલે? જોકે સુગંધાને એનું પણ આશ્ચર્ય હતું કે આટલા દિવસોમાં નિરંજને અખિલેશને એક વાર પણ યાદ નહોતો કર્યો. ક્યારેક આવું જ અચરજ તેને અખિલેશ માટે પણ થતું. છોકરાઓને શાળાએ મૂકી, રિતુને સુવડાવી, માને શાંત કરી, બેડરૂમમાં સૂતેલા નિરંજનની શાંતિનો ભંગ ન થાય એટલે બેડરૂમનો દરવાજો બંધ કરી રસોડામાં આવી તે બારી બહારના ખાલી રસ્તાને જોતાં તે પોતાની જાતને પૂછતી, ‘હું યાદ પણ નહીં આવતી હોઉં? શું એટલો બરડ સંબંધ હતો આપણો? સગવડિયો હતો, પણ અનુભવ તો સાચો હતોને?’
અંતે એ સાંજે સૌની હાજરીમાં નિરંજને અધૂરી વાતની ઘડ ઉકેલી, ‘આપણી વાત જ અધૂરી રહી ગઈ. હું તો ભૂલી જ ગયેલો, તારે ત્યાં નાઇટ ડ્યુયુટી કરવી પડશે! પગાર હોટેલથી ડબલ!’ સુગંધા કશું પૂછે એ પહેલાં નિરંજને વાત આગળ વધારી, ‘ડૉ. વિવેકસર સાથે મારે સારું બને છે, તારે તેમના માટે જ કામ કરવાનું છે.’ થોડી વાર પહેલાં સતત ખાંસતી માની ઉધરસ શાંત પડી. નિરંજન હજી પણ બોલી રહ્યો હતો, ‘હું ઘરે રહી બાળકોને જોઈ લઈશ. એટલે જ મેં એ નોકરી છોડી દીધી છે. તું ચિંતા...’ બન્ને બાળકોના પ્રશ્ન ભરેલા ચહેરાઓ પર સાંજનું પ્રતિબિંબ છવાઈ રહ્યું હતું, રિતુ મમ્મીનાં કપડાં ખેંચતી રમી રહી હતી ને આ બધાથી નજર ફેરવી સુગંધા નવા મનીપલાન્ટને તાકતી રહી.


