શું ક્યારેય કોઈના ઘરેથી ન લેવું એની ચર્ચા કર્યા પછી આજે વાત કરવાની છે એવી ચીજવસ્તુની જે માગીને લેવાથી વ્યક્તિ માટે લાભકારક પુરવાર થાય
કઈ વસ્તુ માગીને લીધી હોય તો લાભદાયી બને?
માગીને આમ તો કોઈની પાસેથી કશું ન લેવું જોઈએ, પણ જો સામે એવી વ્યક્તિ હોય તો તેની પાસેથી પ્રેમ અને આદર સાથે અમુક ચીજવસ્તુ માગીને સાથે રાખી શકાય. એવી ચીજવસ્તુ વ્યક્તિ માટે લાભદાયી પુરવાર થાય છે. આવી ચીજવસ્તુઓની યાદી બહુ મોટી નથી, પણ એમાં સૂચવવામાં આવેલી ચીજવસ્તુ બહુ મહત્ત્વની ચોક્કસ છે.
આશીર્વાદરૂપી સિક્કો
ADVERTISEMENT
જો કોઈ શુભ કાર્ય માટે બહાર જવાનું હોય તો ઘરના વડીલ કે તમારે માટે નસીબદાર હોય એવી વ્યક્તિ પાસેથી આશીર્વાદ લઈને એક સિક્કો લેવો જોઈએ. એ સિક્કો ગજવામાં રાખવાનું અત્યંત શુભ માનવામાં આવે છે. આ સિક્કો તેમની સફળતા, આશીર્વાદ અને ઊર્જા તમારી સાથે જોડે છે, જે કાર્યને નિર્વિઘ્ને પાર પાડે છે.
પહેલાંના સમયમાં જન્મદિવસે કે દિવાળી જેવા શુભ દિવસે વડીલોને પગે લાગ્યા પછી વડીલો આશીર્વાદમાં પૈસા આપતા, જે પ્રથા ખૂબ સારી હતી. આજે એ હવે લુપ્ત થતી જાય છે, પણ આ પ્રથા ફરી શરૂ કરવી જોઈએ અને શુકન તરીકે વડીલોએ એક સિક્કો ભેટ આપવો જોઈએ. આશીર્વાદમાં મળેલા સિક્કા સાચવવા એ પણ શુકનવંતું કામ છે.
સફળ વ્યક્તિની પેન
જો કોઈ વ્યક્તિ ખૂબ જ જ્ઞાની હોય, સફળ હોય અને પોતાના ક્ષેત્રમાં ખૂબ નામના ધરાવતી હોય તો એ વ્યક્તિની પેન માગીને વાપરવામાં ખચકાટ ન અનુભવવો. આ પેન તેમની બૌદ્ધિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારની પેનનો સંગ્રહ નથી કરવાનો પણ એનો નિયમિત વપરાશ કરવાનો છે. જો આવી કોઈ વ્યક્તિને તમે ઓળખતા હો, તમારે સારા સંબંધ હોય તો તે જે પેન વાપરતા હોય એ માગવી જોઈએ.
મહાન વૈજ્ઞાનિક એપીજે અબ્દુલ કલામ હંમેશાં સામાન્ય કહેવાય એવી પેન વાપરતા, કારણ કે તેમની સાથે ઘરોબો ધરાવતા કે કામ કરતા લોકો તેમની પાસેથી અચૂક પેન માગતા અને કલામસાહેબ તેમને ખુશી-ખુશી પેન આપી દેતા. માગેલી એ પેન ઓછામાં ઓછી એક વીક જે-તે વ્યક્તિએ વાપરેલી હોવી જોઈએ. જેટલો વધુ વપરાશ એટલી જ એમાં બૌદ્ધિક ઊર્જા વધારે.
કપલ પાસેથી સોપારી
શાસ્ત્રોમાં માન્યતા છે કે જેમનાં લગ્નનો યોગ ન બનતો હોય તે જો સુખી દામ્પત્ય જીવન ધરાવતા પરિણીત યુગલ પાસેથી માગીને પાન કે સોપારી ગ્રહણ કરે તો તેના જીવનમાં મંગળ કાર્યોના યોગ સર્જાવાનું શરૂ થાય છે.
માગવામાં આવેલાં આ પાન કે સોપારી એ જ વ્યક્તિએ ગ્રહણ કરવાની છે જે વ્યક્તિનાં લગ્નના યોગનું સર્જન કરવાનું છે. શાસ્ત્રોમાં આ પ્રકારના યોગ સર્જાયા હોય એવા અનેક પ્રસંગોનું વર્ણન છે.
સાત્ત્વિક વ્યક્તિનું અન્ન
સાત્ત્વિક અને આધ્યાત્મિકતા ધરાવતી વ્યક્તિના ઘરેથી આવેલું અન્ન પ્રસાદ માનીને જો ગ્રહણ કરવામાં આવે તો એનાથી વ્યક્તિગત નકારાત્મકતા દૂર થાય છે. ગુરુજી કે ધર્મગુરુ દ્વારા આપવામાં આવેલો પ્રસાદ પણ ખૂબ ફળદાયી પુરવાર થાય છે. પહેલાંના સમયમાં ગુરુજીના આશ્રમથી અનાજની મુઠ્ઠી લાવવામાં આવતી અને એ અનાજ ઘરના ધાન સાથે ભેળવવામાં આવતું જેથી ઘરમાં અન્નપૂર્ણાના આશીર્વાદ અકબંધ રહે.
અલબત્ત, આશ્રમથી એ મુઠ્ઠી ધાનના બદલામાં યથાશક્તિ દાન પણ કરવું અનિવાર્ય છે એ ભૂલવું નહીં.
સફળની સંપત્તિ
જો તમે પ્રૉપર્ટી ખરીદતા હો એ સમયે ખાસ યાદ રાખજો કે એ સંપત્તિ વેચનારી વ્યક્તિનો એ પ્રૉપર્ટી સાથે અનુભવ કેવો રહ્યો છે. જો એ પ્રૉપર્ટીએ તેને સફળતા અપાવી હોય કે પછી અત્યંત સફળ વ્યક્તિ જ એ પ્રૉપર્ટી વેચી રહી હોય તો વધુ કિંમતે પણ એ પ્રૉપર્ટી ખરીદવામાં ખચકાટ નહીં અનુભવવો.
ઘર-ફ્લૅટ કે ઑફિસ જેવી પ્રૉપર્ટી જો સફળ વ્યક્તિની હોય તો એ જગ્યાએ સકારાત્મક ઊર્જાનો વાસ રહેલો હોય છે, જે વ્યક્તિગત રીતે નવા આવનારા માલિક કે ભાડૂતને પણ ખૂબ લાભદાયી બની શકે છે.


