Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૨)

બચુભાઈ બમ્બાટ Reloaded : ઍક્શન XL (પ્રકરણ ૨)

Published : 24 November, 2026 08:50 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

હવા સાથે વાતો કરતી બચુભાઈની કાર મલબાર હિલ તરફ દોડી રહી હતી. હજુ હમણાં જ સીસીટીવી ફુટેજમાં જોયેલું દૃશ્ય બચુભાઈના મગજમાં ફિલ્મની રીલની જેમ વારંવાર રિવાઇન્ડ થતું હતું. બંદૂક નહીં, ધમકી નહીં, કોઈ ઝપાઝપી નહીં...

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


હવા સાથે વાતો કરતી બચુભાઈની કાર મલબાર હિલ તરફ દોડી રહી હતી. હજુ હમણાં જ સીસીટીવી ફુટેજમાં જોયેલું દૃશ્ય બચુભાઈના મગજમાં ફિલ્મની રીલની જેમ વારંવાર રિવાઇન્ડ થતું હતું. બંદૂક નહીં, ધમકી નહીં, કોઈ ઝપાઝપી નહીં... અને છતાં મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર સામે ચાલીને ટેરરિસ્ટની ગાડીમાં બેસી ગયા! આખરે એવું તો શું બન્યું કે સદાનંદ સાવંત જેવા અનુભવી અને કડક પદાધિકારીએ પોતાની ઝેડ-પ્લસ સિક્યૉરિટીને મૂકીને સામે ચાલીને યમરાજના મુખમાં એન્ટ્રી કરી?
મલબાર હિલના બંગલાના મેઇન ગેટથી થોડે દૂર બચુભાઈએ ગાડી ઊભી રાખી. બંગલાની બહાર સંપૂર્ણ શાંતિ હતી. કોઈ પોલીસકાફલો નહીં, કોઈ મીડિયાના વૅન નહીં. કમિશનર વિશ્વનાથ રાવે આ વાત લીક ન થાય એનું પૂરતું ધ્યાન રાખ્યું હતું. સાવંતના બંગલાની બહાર કાયમી સિક્યૉરિટી ગાર્ડ્સ જ ડ્યુટી પર હતા.
ગાડીમાંથી બહાર નીકળીને બચુભાઈએ આસપાસ નજર ફેરવી અને ત્યાં જ સામેની ફુટપાથ પરથી મેલા-ઘેલા શર્ટમાં માથે મફલર બાંધેલો માણસ ચાલતો-ચાલતો તેમની તરફ આવ્યો. 
‘બચુભાઈ, હુકમ કરો...’ ગનીએ નજીક આવીને કહ્યું, ‘પદ્મશ્રીનું તો ઠીક છે, પણ અત્યારે મારો ધંધો ખોટી કરીને આવ્યો છું, બોલો શું કરવાનું છે?’
‘ગની, તારે ઍક્ટિંગ કરવાની છે.’ બંગલાના ગેટ તરફ ઇશારો કરતાં બચુભાઈએ કહ્યું, ‘હું અંદર બંગલામાં જઉં છું. તું બહાર ઊભો રહીને બંગલાના નોકરો અને ડ્રાઇવરો સાથે ગપ્પાં માર. અને જાણવાની કોશિશ કર કે કાલ રાતથી સવાર સુધીમાં બંગલામાં કોણ આવ્યું અને અંદરથી કોણ બહાર ગયું.’
‘સમજી ગયો, બૉસ...’ ગનીએ મફલર સરખું કરતાં બચુભાઈ સામે જોયું, ‘ઉંમર હતી ત્યારે ઍક્ટિંગનો ચાન્સ મળ્યો નહીં તો હવે એના પર હાથ સાફ કરી લઉં...’
ગની ગેટ તરફ આગળ વધ્યો અને બચુભાઈએ મોબાઇલ હાથમાં લીધો.
lll
‘સોમચંદ, મિનિસ્ટરના બંગલામાં જઉં છું, એન્ટ્રી મળી જાય એવું...’
‘થઈ ગયું, મને હતું કે તમારે એક વાર ત્યાં જવું પડશે એટલે મેં ઑલરેડી સિક્યૉરિટી ઇન્ચાર્જને કહી દીધું છે અને તમારો આજનો ફોટો મોકલી કન્ફર્મેશન પણ લઈ લીધું છે.’
lll
બચુભાઈ ગેટ પર પહોંચ્યા કે તરત સિક્યૉરિટી ઇન્ચાર્જ ઊભો થઈ ગયો અને તેણે બચુભાઈને ચૂપચાપ અંદર જવા દીધા. 
બંગલાની અંદરનો માહોલ બહારની શાંતિ કરતાં સાવ ઊલટો હતો. ડ્રૉઇંગ રૂમમાં હોમ મિનિસ્ટર સદાનંદ સાવંતની પત્ની સુનંદા સાવંત સોફા પર બેસીને સતત રડતાં હતાં. તેમની બાજુમાં સર્વન્ટ પાણીનો ગ્લાસ લઈને ઊભો હતો.
બચુભાઈએ ગળું ખંખેર્યું. 
‘નમસ્તે... હું કમિશનર રાવ સાહેબ તરફથી આવ્યો છું.’
સુનંદાબહેને લાલ થઈ ગયેલી આંખો ઊંચી કરીને બચુભાઈ સામે જોયું. 
‘તમે... તમે... મારા પતિ ક્યાં છે? એ લોકો તેમને ક્યાં લઈ ગયા?’
‘તમે શાંત થઈ જાઓ. સાહેબને કંઈ નહીં થાય,’ બચુભાઈએ રૂમમાં ચારેબાજુ નજર ફેરવી, ‘મારે તેમનો બેડરૂમ અને સ્ટડીરૂમ જોવો છે.’
સુનંદાબહેને ધ્રૂજતા હાથે ઉપરના માળ તરફ ઇશારો કર્યો. બચુભાઈ ઉપર ગયા. 
બેડરૂમ અત્યંત વૈભવી અને વ્યવસ્થિત હતો. બચુભાઈએ કબાટ, ટેબલ અને બાલ્કની તપાસી, પણ કશું અજુગતું ન લાગ્યું. પછી તે બાજુમાં આવેલા સ્ટડીરૂમમાં ગયા.
સ્ટડીરૂમમાં દાખલ થતાં જ બચુભાઈના નાકમાં વિચિત્ર ગંધ અથડાઈ. તેમણે ટિપાઈ તરફ જોયું. ટિપાઈ પર કાચની ઍશ-ટ્રે હતી અને એમાં એ જ વિદેશી બ્રૅન્ડની સિગારેટનું ઠૂંઠું હતું જે બ્રૅન્ડની અર્ધપીધેલી સિગારેટ તેમણે મિનિસ્ટરની કારમાં જોઈ હતી.
‘ઓહો... તો એ મહેમાન કાલે રાત્રે અહીં બંગલામાં પણ આવ્યા હતા.’ 
મનોમન બબડતા બચુભાઈએ ટેબલ પર પડેલા કાગળો ઉથલાવ્યા, અને ત્યાં તેમની નજર ટેબલની નીચે પડેલા કચરાપેટીના ડબ્બા પર પડી. ડબ્બામાં ફાડેલા કવરના ટુકડા હતા. બચુભાઈએ એ ટુકડા બહાર કાઢ્યા અને ટેબલ પર ગોઠવ્યા.
અને એ ટુકડા જોતાં જ બચુભાઈને આજના દિવસનો પહેલો મોટો ટ્‍વિસ્ટ મળ્યો.
એ કવરમાં કોઈ ધમકી નહોતી, પણ ફ્લાઇટનો બોર્ડિંગ પાસ અને સાથે એક ફોટોગ્રાફ હતો. ફોટોમાં સદાનંદ સાવંતની બાવીસ-ત્રેવીસ વર્ષની એકની એક દીકરી અનન્યા ખુરસી સાથે બંધાયેલી હાલતમાં બેઠી હતી, અનન્યાના કપાળ પર કાળાં મોજાં પહેરેલા હાથે રિવૉલ્વર તાકી હતી. બચુભાઈએ ફોટો ઉલટાવ્યો અને તેમની આંખોમાં લોહી પ્રસરી ગયું.
‘જો દીકરીને જીવતી જોવી હોય તો સવારે પાંચ વાગ્યે મરીન ડ્રાઇવ પર એકલા આવજો. પોલીસને જાણ કરી તો દીકરીની લાશ પણ નહીં મળે...’
બચુભાઈને દીકરી પાયલનો ચહેરો યાદ આવી ગયો. બાપ બચુભાઈ સમજી ગયા કે સદાનંદ સાવંત સામે ચાલીને ટેરરિસ્ટોની ગાડીમાં કેમ બેસી ગયા હતા! ટેરરિસ્ટોએ પહેલાં અનન્યાનું અપહરણ કર્યું અને પછી દીકરીનો જીવ બચાવવા મિનિસ્ટરને બ્લૅકમેઇલ કરીને પોતાની જાળમાં ફસાવ્યા.
‘આ બહુ મોટી ગેમ છે...’ 
ફાટેલો ફોટો ખિસ્સામાં મૂકી બચુભાઈ ઝડપભેર નીચે આવ્યા. નીચે ડ્રૉઇંગ રૂમમાં સુનંદાબહેન હજુ પણ રડતાં હતાં. 
‘મૅડમ, તમારી દીકરી અનન્યા લંડન ભણે છેને?’
‘તમને કેમ ખબર...’ સુનંદાબહેનની આંખોમાં આંસુ સાથે અચરજ પણ પથરાયું, ‘આ વાત પ્રોટોકૉલ મુજબ તો કોઈને ખબર નથી...’
‘બહેન, જવાબ આપોને... એ અત્યારે લંડન જ છે કે પછી...’
‘હા, લંડનમાં છે... રાત્રે જ મારી તેની સાથે વાત થઈ, તે તો બિલકુલ ઠીક છે.’
‘તમારી વાત અનન્યા સાથે નહીં પણ AI વૉઇસ ક્લોનિંગ સાથે થઈ, ટેરરિસ્ટોએ તમને મૂર્ખ બનાવ્યાં.’ બચુભાઈના અવાજમાં કડપ હતી, ‘અનન્યા મુંબઈમાં છે અને એ અત્યારે કિડનૅપર્સના કબજામાં છે. તેને બચાવવા જ સાવંતસાહેબ સામે ચાલીને કિડનૅપર્સ પાસે ગયા છે.’
સુનંદાબહેન આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં પણ બચુભાઈ પાસે વધારે સમય નહોતો, તે બંગલાની બહાર નીકળ્યા. ગેટની બહાર ગની તેમની રાહ જોઈને ઊભો હતો.
lll
‘બચુભાઈ, ગજબની ઍક્ટિંગ કરીને અજબની ખબર લાવ્યો છું...’ ગનીએ કહ્યું, ‘સાહેબના ડ્રાઇવરે કહ્યું કે રાત્રે બાર વાગ્યે સેક્રેટરી રાઘવ કુલકર્ણી કોઈ અજાણ્યાને લઈને બંગલામાં આવ્યા હતા. એ માણસ લગભગ અડધો કલાક સાહેબની સાથે રહ્યો...’
‘મીન્સ, રાઘવ એ માણસને પહેલેથી ઓળખે છે...’ બચુભાઈની આંખો ચમકી, ‘ગની, ગાડીમાં બેસ. હવે આપણે આર્થર રોડ જવાનું છે...’
‘જેલ?’ ગની ગભરાયો, ‘બચુભાઈ ત્યાં હું નથી આવતો...’
‘ગનીડા, હજુયે પહેલાં જેવો જ રહ્યો... દરેક સ્ટન્ટ વખતે પહેલાં રડવાનું...’ બચુભાઈએ ગાડી સ્ટાર્ટ કરી, ‘ટેરરિસ્ટોએ મિનિસ્ટરના બદલામાં તેમના માસ્ટરમાઇન્ડ ઝફરની માગણી કરી છે. જોઈએ તો ખરા આ ઝફર છે કોણ?!’
lll
આર્થર રોડ જેલની ઊંચી, કાળી દીવાલો બહારથી જેટલી ભયાનક દેખાતી હતી, અંદરથી એટલી જ એ રહસ્યમય લાગતી હતી.
બચુભાઈએ રસ્તામાં જ ડિટેક્ટિવ સોમચંદ શાહને ફોન કરીને જેલ સુપરિન્ટેન્ડેન્ટને સૂચના અપાવી દીધી હતી કે હોમ મિનિસ્ટ્રીના સ્પેશ્યલ ઑડિટ ઑફિસર તપાસ કરવા આવશે, તેમને હાઈ-સિક્યૉરિટી સેલમાં લઈ જવા અને કોઈને પણ એ વાતની ખબર ન પડવી જોઈએ.
ગાડીમાં રાખેલી બૅગમાંથી સફારી સૂટ પહેરી બચુભાઈએ આંખો પર ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં ચડાવ્યાં અને હાથમાં એક ફાઇલ લઈ લીધી. પંચાવન વર્ષનો ભૂતપૂર્વ સ્ટન્ટમેન બચુભાઈ હવે ડિટ્ટો ગવર્નમેન્ટ ઑફિસર જેવો લાગતો હતો.
lll
જેલ સુપરિન્ટેન્ડેન્ટ જયંત પવાર બચુભાઈને કૅબિનમાં લઈ ગયા. 
‘બોલો સર, મિનિસ્ટ્રીમાંથી અચાનક આ રીતે...’ પવારના ચહેરા પર બેચેની અને ગભરાટ સ્પષ્ટ દેખાતો હતો, ‘કંઈ થયું?’
‘હા, પણ વાત આપણી વચ્ચે રહેવી જોઈએ.’ સરકારી રોફ સાથે બચુભાઈએ કહ્યું, ‘હાઈ-સિક્યૉરિટી વૉર્ડ નંબર ૪માં જે ટેરરિસ્ટ ઝફર છે તેને અત્યારે જ મળવું છે.’
ઝફરનું નામ સાંભળતાં સુપરિન્ટેન્ડેન્ટ પવારનો ચહેરો સફેદ પૂણી જેવો થઈ ગયો.
‘ઝ... ઝફર?’ પવાર થોથવાયા, ‘સર, એ... એ પૉસિબલ નથી.’
‘કેમ? તમને ઉપરથી ફોન નથી આવી ગયો?’ 
‘ફોન તો આવી ગયો સર... પણ...’ પવારે ઊભા થઈને કૅબિનનો દરવાજો અંદરથી બંધ કર્યો, ‘સર, ઝફર બે દિવસ પહેલાં જેલમાં હાર્ટ-અટૅકથી મરી ગયો...’
બચુભાઈ ખુરસી પરથી ઊભા થઈ ગયા. 
‘શું બકવાસ કરો છો પવાર, ઝફર મરી ગયો? તો પછી આ વાત મિનિસ્ટ્રીને ખબર કેમ નથી?’
‘સર, ભૂલ થઈ ગઈ...’ હાથ જોડીને પવાર કરગરવા લાગ્યા, ‘ઝફર ઇન્ટરનૅપપશનલ ટેરરિસ્ટ હતો. જો તેના જેલમાં મોતના સમાચાર બહાર આવે તો અમારા પર કસ્ટોડિયલ ડેથની તપાસ બેસે અને મારું પ્રમોશન અટકી જાય. મેં મારા સિનિયરની ઍડ્વાઇઝથી તેનો ડેથ રિપોર્ટ બે દિવસ રોકી રાખ્યો અને બૉડી જેલની હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મુકાવી છે, જેથી પછી તેનું ડેથ જાહેર કરીને કેસ રફેદફે...’
બચુભાઈનું મગજ ચકરાવે ચડી ગયું.
‘હે ભગવાન, આ શું ચાલે છે?’ 
જો ઝફર બે દિવસ પહેલાં જ મરી ગયો અને આ વાત જેલ સુપરિન્ટેન્ડેન્ટ પવાર અને જેલના બે ડૉક્ટરોને જ ખબર છે તો પછી બ્લૅક શૅડોના ટેરરિસ્ટ પાસેથી હોમ મિનિસ્ટરને છોડાવવા હવે ઝફર ક્યાંથી લાવવાનો?
‘પવાર, મારે અત્યારે જ વૉર્ડ નંબર ૪માં જવું છે, આવો...’ 
બચુભાઈએ ઑર્ડર કર્યો અને પવાર તેને લઈને જેલના સૌથી સિક્યૉર્ડ અને ઝીરો સનલાઇટ વિનાના વૉર્ડ નંબર ૪ તરફ ગયા. લોખંડના ત્રણ ભારે દરવાજા પાર કર્યા પછી એક અલગ સેલ પાસે પવાર ઊભા રહ્યા.
‘સર, ઝફર આ સેલમાં હતો. તેના ડેથની કોઈ કેદીને પણ ખબર નથી.’
બચુભાઈએ સેલના સળિયાની અંદર નજર નાખી. ખૂણામાં પડેલી પથારી પાસે એક ડાયરી અને થોડા કાગળો પડ્યા હતા. 
તાળું ખોલાવી બચુભાઈ સેલમાં દાખલ થયા અને ઝફરની પથારી પાસેથી એ કાગળો ઉપાડ્યા. એ કાગળો પર ઉર્દૂ અને અંગ્રેજીમાં કેટલાક અજીબ કોડ્સ અને નકશા દોર્યા હતા. 
‘ઝફરના સેલમાં બીજું કોણ 
આવતું-જતું...’
‘કોઈ નહીં સર...’ પવારે તરત ચોખવટ કરી, ‘હા, વીક પહેલાં એક નવો કેદી આવ્યો હતો. તે હૅકર અને સાઇબર એક્સપર્ટ હતો. તે ચોવીસ કલાક પૂરતો અહીં રહ્યો, પણ પછી તેને બીજી જેલમાં ટ્રાન્સફર કરી દેવાયો.’
બચુભાઈએ ઝફરની પથારીનું ઓશીકું ઉઠાવ્યું. ઓશીકાની નીચે એક નાનકડું મેટલનું સિમકાર્ડ જેવું ચિપ-કાર્ડ ચોંટાડેલું હતું. બચુભાઈએ એ ચિપ-કાર્ડ ઉખેડીને જોયું તો એના પર સેન્ટ્રલ ગવર્નમેન્ટની ડિફેન્સ મિનિસ્ટ્રીનો લોગો હતો.
બચુભાઈની આંખોમાં ચમક આવી ગઈ. આખું પિક્ચર હવે તેના મગજમાં ક્લીઅર થઈ ગયું હતું.
‘ઝફરના જીવવા કે મરેલા હોવાથી કોઈ ફરક નથી પડતો...’ બચુભાઈએ ચિપ ખિસ્સામાં મૂકી, ‘પવાર, કાલે સાંજે પાંચ વાગ્યે ઝફર જેલની બહાર જરૂર આવશે...’
‘કેવી રીતે સર? તે તો...’ 
‘જશે, ઝફર બહાર જશે...’ બચુભાઈએ પવારની સામે જોયું, ‘બસ, તારે એક જ કામ કરવાનું છે, મારા એક મિત્રને જેલમાં અંદર આવવા દેવાનો છે...’ 
lll
‘સોમચંદ, ઝફર પાસે ભારતની સૌથી ઘાતક અને નવી એવી બ્રહ્માસ્ત્ર મિસાઇલના કોડ્સવાળી માઇક્રો-ચિપ હતી, જે તેણે પકડાતાં પહેલાં ગળીને પેટમાં સંતાડી હશે અને જેલમાં આવ્યા પછી કુદરતી હાજતમાં બહાર આવી એટલે અહીં ઓશીકા નીચે સંતાડી હશે... ટેરરિસ્ટોને ખબર જ નથી કે ઝફરમાં નહીં, ઝફર પાસે રહેલી આ ચિપમાં ઇન્ટરેસ્ટ છે...’ પવારની ચેમ્બરમાં બેસીને વાત કરતાં બચુભાઈએ આજુબાજુમાં જોઈ લીધું, ‘ટેરરિસ્ટોને કહીશું કે ઝફર મરી ગયો છે તો લાશ માગશે... કારણ છે આ ચિપ...’
‘બચુભાઈ, યુ આર ધ બેસ્ટ જજ... નક્કી કરો, કરવું શું છે?’
‘એ લોકોની ડિમાન્ડ મુજબ આપણે ઝફર તેમને સોંપીએ છીએ.’ બચુભાઈએ કહ્યું, ‘કાલે ઝફર બનીને ટેરરિસ્ટની સામે બચુભાઈ બમ્બાટ જશે...’
lll
જેલની બહાર નીકળતાં બચુભાઈના ખિસ્સામાં રહેલો મિનિસ્ટરનો સૅટેલાઇટ ફોન ફરી એક વાર રણકી ઉઠ્યો. આ વખતે સામે છેડેથી ટેરરિસ્ટોનો અસલી લીડર ડીલ ફાઇનલ કરવા અને બચુભાઈ પોતાની જિંદગીનો સૌથી જોખમી સ્ટન્ટ રમવા માટે રેડી હતા!

(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 08:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK