Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ ૧)

કેસ ફાઇલઃ મઢ આઇલૅન્ડ- નઝર હટી, દુર્ઘટના ઘટી (પ્રકરણ ૧)

Published : 09 November, 2026 07:55 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને એને લીધે અચાનક ત્રાટકેલા સાયક્લોનિક પ્રેશરને કારણે મુંબઈના દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન અને એને લીધે અચાનક ત્રાટકેલા સાયક્લોનિક પ્રેશરને કારણે મુંબઈના દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આ તો હજુ શિયાળાની શરૂઆત હતી અને એ પછી પણ આકાશ જાણે ખાલી થવા માગતું હોય એમ વરસવા માંડ્યું હતું.

મઢ આઇલૅન્ડના છેવાડે, કાળમીંઢ ખડકો વચ્ચે ઊભેલી ૧૦૦ વર્ષ જૂની પોર્ટુગીઝ શૈલીની રૉકફર્ડ વિલા અત્યારે સુસવાટા મારતા પવન વચ્ચે થરથરતી હતી. દરિયાનાં કાળાં તોફાની મોજાં વીસ-વીસ ફુટ ઊછળીને વિલાની કમ્પાઉન્ડ-વૉલ સાથે પછડાતાં હતાં. તોફાની પવનને કારણે રસ્તાઓ પર નાળિયેરીનાં ઝાડ અને વીજળીના થાંભલા ઊખડી ગયાં હતાં અને વિલા તરફ આવતો કૉઝવે દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. મોબાઇલ સિગ્નલ જાણે કે સંતાકૂકડી રમતાં હોય એમ આવીને મિનિટો સુધી ગાયબ થઈ જતાં હતાં.



રૉકફર્ડ વિલાના વિશાળ લિવિંગ હોલમાં પાંચ યંગસ્ટર્સ ભેગા થયા હતા. રિયલ એસ્ટેટ બિઝનેસમૅન વિવાન મહેતાનાં મૅરેજ આવતા વીકમાં દેશના જાણીતા ઉદ્યોગપતિની દીકરી સાથે થવાનાં હતાં. આ તેની બૅચલર્સ પાર્ટી હતી, જેમાં એકદમ અંગત ફ્રેન્ડ્સને જ બોલાવવામાં આવ્યા હતા. વિવાનના હાથમાં સ્કૉચનો ગ્લાસ હતો, પણ તેના ચહેરા પર રહેલો ગભરાટ જોઈ શકાતો હતો. વિવાનની બાજુમાં રોહન બેઠો હતો. રોહન ઝવેરી, વિવાનનો નાનપણનો ફ્રેન્ડ અને કન્સ્ટ્રક્શન કંપનીનો પાર્ટનર. રોહન સતત હાથમાં પહેરેલા બ્રેસલેટને આંગળીથી ફેરવતો હતો.


સોફાના બીજા છેડે અનન્યા બેઠી હતી. અનન્યા શાહ, વિવાનની અૅક્સ-ગર્લફ્રેન્ડ અને મુંબઈની જાણીતી ઇન્ટીરિયર ડિઝાઇનર. બ્રેકઅપ પછી પણ અનન્યાએ વિવાન સાથેની દોસ્તી અકબંધ રાખી હતી. અલબત્ત, અત્યારે અનન્યાની આંખોમાં ક્યાંક જૂની કડવાશ છલકાતી દેખાતી હતી. અનન્યાની બાજુમાં બેઠેલી તનિષા હતી. તનિષા કાપડિયા, સોશ્યલ મીડિયાની જાણીતી ઇન્ફ્લુઅન્સર. તનિષા સતત ફોનમાં નેટવર્ક શોધતી હતી.

‘ઓહ ગૉડ, નેટવર્ક નથી, હું મારી સ્ટોરીઝ અપલોડ નથી કરી શકતી.’ તનિષા અકળાયેલી હતી, ‘વૉટ અ બોરિંગ નાઇટ...’


છેવાડે મૂકવામાં આવેલા ડાઇનિંગ ટેબલ પર કબીર બેઠો હતો. ક્રિપ્ટોકરન્સીમાં કરોડો હારી ચૂકેલા કબીર સંઘવીના શર્ટનાં ઉપરનાં બટન ખુલ્લાં હતાં અને તે ઑલરેડી વ્હિસ્કીની અડધી બૉટલ પેટમાં ઠાલવી ચૂક્યો હતો.

પાંચેય પોતપોતાના વિચારોમાં એવા ગૂંચવાયેલાં હતાં કે હૉલના બીજા છેડે સિંગલ સોફા પર બેઠેલી વ્યક્તિ તરફ કોઈનું ધ્યાન નહોતું.

lll

‘યાર, નેટવર્ક નથી, મ્યુઝિક પણ બંધ છે... આપણે બોર થઈ જવાનાં...’

તનિષાએ ફરિયાદ કરી કે તરત કબીરે તેની સામે જોયું.

‘એક કામ કરીએને...’ કબીરનો અવાજ લથડતો હતો, ‘આપણે કહીએ છીએને કે આપણી વચ્ચે કોઈ સીક્રેટ નથી, તો લેટ્સ ચેક ઇટ આઉટ, આપણે મોબાઇલ ગેમ રમીએ.’

‘મોબાઇલ ગેમ? આ કન્ડિશનમાં?’

દલીલ અનન્યાએ કરી હતી.

‘હા... મોબાઇલ ગેમ.’ કબીર ટેબલ પર ઝૂક્યો, ‘રૂલ સિમ્પલ છે. આપણે મોબાઇલ ટેબલની વચ્ચે મૂકી દેવાના અને જે કોઈ ઈ-મેઇલ કે મેસેજ ફ્લૅશ થાય એ મોટેથી વાંચવાનો, બધા સામે...’

‘નેટવર્ક જ નથી કબીર...’
વિવાને અણગમો પણ દેખાડી દીધો, ‘આ ચાઇલ્ડિશ ગેમ છે... આવું ટીનેજર્સ રમે.’

‘વિવાન, બસ આટલામાં હવા નીકળી ગઈ?’ રોહને વિવાનના ખભા પર હાથ મૂક્યો, ‘તારી લાઇફ તો ઓપન બુક છેને? ચાલ, મૂક ફોન. જોઈએ.’

સૌથી પહેલો ફોન વિવાને ટેબલ પર મૂક્યો અને થોડી જ સેકન્ડમાં બીજા ચાર મોબાઇલ ટેબલની વચ્ચે આવી ગયા. હવે રાહ જોવાની હતી મેસેજ કે ઈ-મેઇલની અને બહાર... બહાર પવનની પ્રચંડ થપાટો વિલાનાં બારી-બારણાં પર ઝાપટો મારતી હતી.

lll

ડિંગ ડોંગ...

પહેલો મેસેજ વિવાનના મોબાઇલમાં પૉપ-અપ થયો. મેસેજ કોઈ અનનોન નંબર પરથી હતો.

‘વાહ, બિગિનિંગ જ દુલ્હાથી...’ તનિષાએ કહ્યું, ‘વિવાન, વાંચ મોટેથી...’

સ્ક્રીન પર આંખ પડતાં વિવાનનો ચહેરો ધોળોધબ થઈ ગયો.

‘વૉટ હૅપન્ડ વિવાન, વાંચ...’

વિવાને જવાબ આપ્યો નહીં એટલે કબીરે ફોન ઝૂંટવી મેસેજ વાંચવાનું શરૂ કર્યું.

‘વિવાન, જો સવારે દસ વાગ્યા સુધીમાં બે કરોડ મારા ક્રિપ્ટો વૉલેટમાં ટ્રાન્સફર નહીં થાય તો યાદ રાખજે, તારી ફિયૉન્સેને તારાં કરતૂતોનાં ફોટોગ્રાફ્સ અને પેપર્સ પહોંચાડી દઈશ... લાસ્ટ વૉર્નિંગ.’

હૉલમાં બધા શૉક્ડ થઈ ગયાં અને વિવાન પરસેવે રેબઝેબ. તેણે કબીર પાસેથી ફોન આંચકી લીધો.

‘આ... આ સ્પૅમ મેસેજ છે.’

‘સ્પૅમ મેસેજમાં નામ ન હોય, વિવાન.’ અનન્યાએ વિવાનની સામે જોયું, ‘કોણ છે આ, શું કામ તને એ બ્લૅકમેઇલ કરે છે...’

‘ધૅટ્સ નન ઑફ યૉર બિઝનેસ...’ વિવાને દાંત કચકચાવ્યા, ‘તું તારું જો.’

દોસ્તીનો મુખવટો ઊતરવા માંડ્યો હતો અને ખૂણામાં બેઠેલા શખ્સના ચહેરા પર સ્માઇલ આવી ગયું હતું.

lll

ટિંગ ટિંગ...

થોડી વારમાં અનન્યાના ફોનની સ્ક્રીન પર મેસેજ નોટિફિકેશન આવ્યું અને બીજી જ સેકન્ડે રોહને અનન્યાનો ફોન હાથમાં લેવા ઝપટ મારી, પણ કબીરે તેનો હાથ પકડી લીધો.

‘નો રોહન, હવે બધા મેસેજ હું વાંચીશ.’

‘કેમ એવું?’ અનન્યાએ ફોન છીનવી લીધો, ‘મારો મેસેજ છે, હું વાંચીશ...’

અનન્યાએ મેસેજ જોયો અને તેના હોઠ સિવાઈ ગયા. અનન્યાનાં એક્સપ્રેશન્સ જોઈને રોહન તરત આગળ આવ્યો.

‘જરૂરી નથી અનન્યા કે મેસેજ વાંચવો. ફોન સ્વિચ ઑફ કરી દે.’

‘રોહન, તું કેમ આટલો ઉતાવળો થાય છે?’

વિવાનની આંખો રોહન પર હતી પણ તેના હાથ અનન્યાની દિશામાં હતા. તેણે ઝાટકા સાથે અનન્યાના હાથમાંથી ફોન આંચકી લીધો અને સ્ક્રીન પર આંખો માંડી. મેસેજ વાંચતાં જ વિવાનના પગ નીચેથી ધરતી સરકી ગઈ.

મેસેજ બૅન્કમાંથી આવ્યો હતો, જેમાં લખ્યું હતું: ‘ટ્રાન્ઝૅક્શન કન્ફર્મ્ડ: મહેતા અૅન્ડ ઝવેરી કન્સ્ટ્રક્શન લિમિટેડના ૧૨% શૅર્સનું લિક્વિડેશન સક્સેસફુલ. અમાઉન્ટ ૧૫ કરોડ રૂપિયા. અકાઉન્ટ હોલ્ડર્સ: રોહન ઝવેરી અને અનન્યા શાહ.’

વિવાને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ રોહન સામે જોયું અને પછી અૅક્સ-ગર્લફ્રેન્ડ અનન્યા સામે.

‘તમે... તમે મારી કંપનીના શૅર્સ મને જાણ કર્યા વિના વેચી નાખ્યા?’ વિવાનના અવાજમાં ભીનાશ આવી ગઈ હતી, ‘અનન્યા, આપણે તો રિલેશનશિપમાં હતાં, રોહન... તું મારો પાર્ટનર, મારો બેસ્ટ ફ્રેન્ડ...’

‘વિવાન, તું સમજતો નથી...’ રોહને બચાવ કર્યો, ‘માર્કેટ બહુ ખરાબ છે...’

‘શટ અપ...’ વિવાને ટેબલ પર ગ્લાસ પછાડ્યો, ‘યુ ઑલ આર રાસ્કલ્સ. મારા પૈસા પર જીવો છો અને મને જ બૅક-સ્ટૅબિંગ કરો છો...’

‘વિવાન, બસ...’ લથડતા પગે કબીર આગળ આવ્યો, ‘આ તો હજુ ગેમ શરૂ થઈ છે. હજુ તો તારાં સીક્રેટ્સ બહાર આવશે અને એ બહાર નહીં આવે તો તારાં સીક્રેટ્સ હું બહાર લાવીશ. મારા ફોનમાં જ છે.’

કબીરે ટેબલ પરથી પોતાનો ફોન હાથમાં લઈ સૌની સામે ધર્યો.

‘આ ફોનમાં એવાં રેકૉર્ડિંગ્સ છે કે કાલ
સવારે તું, રોહન અને અનન્યા ત્રણેય જેલમાં હો...’

તનિષા ચીસ પાડી ઊઠી,

‘કબીર, શટ અપ. તેં વધારે ડ્રિન્ક લઈ લીધું છે.’

‘વધારે ડ્રિન્ક લીધું છે પણ મને કિક નથી લાગી...’ કબીરે તનિષા સામે જોયું, ‘બાય ધ વે તનિષા, તારી ડર્ટી ક્લિપ્સ પણ આ મોબાઇલમાં જ છે... જોવી છે બધાને?’

વાતાવરણ એવું હિંસક બનવા માંડ્યું હતું કે કોઈ પણ કોઈના પર પણ ઘા કરી લે, પણ ઘા કુદરતે કર્યો અને સાયક્લોનની અત્યાર સુધીની સૌથી ભયાનક થપાટ આવી.

ધડામ...

પ્રચંડ અવાજ સાથે વિલાના પોર્ચ પાસેનું મહાકાય વડનું ઝાડ તૂટ્યું અને સીધું મેઇન પાવર કેબલ પર પડ્યું.

ધાડ...

આખી રૉકફર્ડ વિલામાં તણખા ઊડ્યા અને કાળોડિબાંગ અંધારપટ છવાઈ ગયો. ઇન્વર્ટર કે જનરેટર પણ આ ઝટકો સહન ન કરી શક્યાં.

રૂમમાં કોઈનો હાથ પણ ન દેખાય એટલું ઘેરું અંધારું પ્રસરી ગયું, લિવિંગ હૉલમાં અફરાતફરી મચી ગઈ.

‘કોઈ છે?’

‘અરે લાઇટ કરો!’

‘મારો હાથ છોડ!’

અંધારામાં કોઈના દોડવાનો, શર્ટ ખેંચાવાનો અને અચાનક ટેબલ પર રાખેલા કાચના ફ્લાવરવાઝનો ભૂકો થવાનો અવાજ આવ્યો.

ખણણણ...

એ અવાજ પછી પેઇનફુલ, દબાયેલી ચીસ સંભળાઈ.

‘અહહહ...!’

અને ક્ષણવારમાં બધું શાંત થઈ ગયું. હવે માત્ર પવનના સુસવાટા સંભળાતા હતા.

સાઇડમાં ખૂણા પર બેઠેલો માણસ હરકતમાં આવ્યો. ક્ષણ પણ બગાડ્યા વિના તે ઊભો થયો અને તેણે પોતાના કોટના ખિસ્સામાંથી પાવરફુલ LED પૉકેટ ટૉર્ચ કાઢીને બટન દબાવ્યું કે તરત જ સફેદ દૂધ જેવો આંખો આંજતો પ્રકાશ ટેબલ પર ફેંકાયો અને જે દૃશ્ય સામે આવ્યું એ જોઈને તનિષાની ચીસ નીકળી ગઈ.

ડાઇનિંગ ટેબલ પર, કાચના ટુકડાઓ અને ઢોળાયેલી સ્કૉચ વચ્ચે કબીર સંઘવી ઊંધા મોંએ ઢળી પડ્યો હતો. કબીરની પીઠમાં બરાબર હૃદયની આરપાર બાર ઇંચનું સ્ટીલનું લાંબું કિચન-નાઇફ છેક હાથા સુધી ઊતરી ગયું હતું. કબીરના સફેદ શર્ટ પર લાલ ઘટ્ટ લોહીનું મોટું કૂંડાળું રેલાઈ ગયું હતું. કબીરની આંખો અર્ધખુલ્લી હતી અને તેના મોંમાંથી લોહીની પાતળી ધાર વહેતી હતી.

‘મર્ડર... ખૂન થઈ ગયું...’

રોહને માથે હાથ મૂકી દીધો. અનન્યા દીવાલને અઢેલીને જમીન પર બેસી ગઈ. વિવાન પોતાના લોહીવાળા હાથ તરફ જોઈને પથ્થર બની ગયો.

આગંતુક ધીમા અને મક્કમ પગલે આગળ વધ્યો. તેણે લાશની ગરદનની નસ તપાસી. શરીર ગરમ હતું, પણ ધબકારા શાંત થઈ ગયા હતા. ખૂન માંડ ત્રીસ સેકન્ડ પહેલાં આ અંધારામાં જ થયું હતું. આગંતુકે ટૉર્ચનો પ્રકાશ ચારેય મિત્રોના ચહેરા પર એક પછી એક ફેંક્યો, ચારેયના શ્વાસ ધમણની જેમ ચાલતા હતા.

‘બહાર સાયક્લોન છે... દરિયાનું પાણી ચારેય બાજુએ છે, રસ્તાઓ બંધ છે. વિલામાં બહારથી કોઈ આવી શકે એમ નથી...’ આગંતુકે દૃઢતા સાથે કહ્યું, ‘સીધો અર્થ એક જ છે કે કબીર સંઘવીનું મર્ડર કરનારો... તમારા ચારમાંથી કોઈ એક છે...’

‘તમે... તમે... કોણ?’

મહામહેનતે તનિષાએ પૂછ્યું અને આગંતુકે તનિષા સામે જોયું.

‘ડિટેક્ટિવ સોમચંદ...’ સોમચંદે વણસળગાવેલી સિગારેટને હોઠના જમણા ખૂણેથી ડાબા ખૂણે ધીમે રહીને ફેરવી, ‘હું અહીં પહેલેથી હાજર હતો...’

lll

સોમચંદની વાત સાચી હતી. બે દિવસ પહેલાં વિવાનના પપ્પા જયંત મહેતાએ તેને પોતાની નરીમાન પૉઇન્ટની ઑફિસે બોલાવ્યો હતો.

‘સોમચંદ, વિવાન ક્યાંક ફસાયેલો છે.’ જયંત મહેતાનો અવાજ ધ્રૂજતો હતો, ‘અમારી કંપનીના અકાઉન્ટમાંથી તે કરોડો રૂપિયા ટ્રાન્સફર કરે છે. હું તેને પૂછું છું તો મને જવાબ નથી આપતો. મને ડાઉટ છે કે તેના જે ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ છે એમાંથી જ કોઈનું કારસ્તાન હશે. તમે વિવાન પર નજર રાખો. હું ઇચ્છું છું કે આ બધું જલદી બહાર આવે અને હું મારા સનને હેલ્પ કરી શકું...’

‘ઓકે સર...’ ડિટેક્ટિવ સોમચંદે ધીમેકથી કહ્યું, ‘મને વિવાનની આવતા એક વીકની બધી ડિટેઇલ્સ જોઈએ છે.’

‘વિવાન તેના ચાર ફ્રેન્ડ્સ સાથે મઢ આઇલૅન્ડ પર બૅચલર્સ પાર્ટી કરવા જવાનો છે, સોમવારે...’

 

(ક્રમશઃ)

 

Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 07:55 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK