Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જોગ-વિજોગ: માય લાઇફ ઇઝ બ્યુટિફુલ

જોગ-વિજોગ: માય લાઇફ ઇઝ બ્યુટિફુલ

Published : 17 November, 2026 03:05 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

‘હવે સમજાયું અનિકેતકુમારને તારા હાથની જ કૉફી કેમ પસંદ છે... એમાં હૈયાની સાથે તારા હોઠોનો ભાવ પણ ભળ્યો હોય છે!’

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘અનિકેત.’

તર્જનીએ કૉફી બનાવી, ઘૂંટ ગળી ટેસ્ટની ખાતરી કરી કેતુને મગ આપ્યો. તર્જનીના હોઠોનો સ્પર્શ થયો હતો એ જ જગ્યાએથી કેતુએ મગ મોઢે માંડ્યો.



‘હવે સમજાયું અનિકેતકુમારને તારા હાથની જ કૉફી કેમ પસંદ છે... એમાં હૈયાની સાથે તારા હોઠોનો ભાવ પણ ભળ્યો હોય છે!’


ભાભીની મીઠી મશ્કરી પડઘાતાં તર્જની રતુંબડી થઈ. 

મુંબઈનો સૌથી બાહોશ, જુવાન ખાનગી ગુનાશોધક અનિકેત દવે અને તેની મુખ્ય મદદનીશ તર્જની દવે એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાનું જાણનારા જાણતા, પછી એ બન્ને ભલેને જાહેરમાં એની અજાણવટ રાખી બેઠાં હોય!


ખરેખર તો સામસામાં ઘરમાં ઊછરેલાં કેતુ-તર્જની બાળપણથી એકમેકનાં હેવાયાં. કેતુ તર્જનીથી બે વરસ મોટો, અને તર્જનીના મોટા ભાઈથી બે વરસ નાનો. એકબીજાના ઘરમાં તેમની દોડાદોડી, ધમાચકડી ચાલુ જ હોય. કોઈને નહીં ગાંઠતી તર્જની કેતુથી માની જાય ને તર્જની કહે તો કેતુ નહીં ભાવતું ભીંડાનું શાક પણ હોંશે હોંશે ખાઈ લે! શેરીરમતમાં તર્જની કેતુની જ ટીમમાં હોય એ ધારો થઈ ગયેલો. મહોલ્લા વચ્ચેની ક્રિકેટમૅચ જોવા તર્જની આવી હોય તો કેતુને એવું શૂર ચડે કે તેની બાઉન્ડરીઝ સામી ટીમના ગાભા કાઢી નાખે!

બાળપણની નિર્દોષ મૈત્રી યૌવનના પહેલા પગથિયે આવી એ પળ બેમાંથી કોઈ નહીં ભૂલ્યું હોય...

રાબેતા મુજબ તર્જનીને છેડી અનિકેત ટેરેસ પર ભાગ્યો. અગાશીની પાળે હાથ ટેકવી હાંફ ખાળતો ઊભો રહ્યો કે પાછળ પાયલનો ઝંકાર સંભળાતાં ઊલટો ફર્યો એવો જ સ્થિર થઈ ગયો.

આથમતા સૂરજનાં કેસરિયાં કિરણોમાં તર્જનીનો ગોરો વાન દમકી રહ્યો હતો. કેતુને બહુ ગમતા તેના જાંબુડિયા ડ્રેસનો દુપટ્ટો સરકી ગયો હતો, અને કેતુની નજર ક્યાં અટકી છે એ સમજાતાં તર્જનીએ સંધ્યાની લાલી ઓઢી લીધી. કેતુ નજીક આવતો ગયો એમ હૈયું જોર-જોરથી ધડકવા લાગ્યું. સાવ લગોલગ આવેલા કેતુએ તેનો દુપટ્ટો યથાસ્થાને ગોઠવ્યો અને પછી ચાર ડગલાં પાછળ જઈ અદબ વાળી ઊભો રહ્યો.

એ પળ... એ ક્ષણ... અને એ તારામૈત્રકમાં સાત ભવના કોલ લેવાઈ-દેવાઈ ગયા હોય તો પણ કેતુ-તર્જનીએ કોઈને કહ્યું નથી!

જોકે ઘરનાથી એમ સાવ છૂપું ઓછું હોય!

કંઈ એ વિના લંડનમાં જાસૂસીની ટ્રેઇનિંગ લઈ પરત થયેલા કેતુએ મુંબઈમાં ‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’નો પાયો નાખ્યો ત્યારે તર્જનીને તેની મદદનીશ તરીકે જોડાવાની પરવાનગી મળી હોય! તર્જનીની ભાભી કેતુને ઠાવકાઈથી કુમાર સંબોધી લાલચોળ કરી મૂકતી! એજન્સી ખોલ્યાનાં આ બે વરસમાં તેમનું નામ એવું જામ્યું કે ઇન્ટરપોલ સુધ્ધાંએ તેમની મદદ માગ્યાના કિસ્સા બન્યા છે, ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજીએ જાહેરમાં બિરદાવી હતી. પોતાની સફળતાની સઘળી ક્રેડિટ કેતુ-તર્જની તેમના નવલોહિયા સ્ટાફને આપે, ચિતરંજન-ચેતાલી તેમનાં મુખ્ય સહાયક. જોકે સ્ટાફમાં પણ કેતુ-તર્જનીમાં કોણ કોનું બૉસ એની રસપ્રદ ચર્ચા થતી રહેતી ખરી!

પચીસનો થયેલો કેતુ પૂર્ણ પુરુષની પ્રતિકૃતિ જેવો હતો, તો તર્જની સાક્ષાત્ સૌંદર્યમૂર્તિ. કેતુ રણમેદાનમાં ગજકેસરી જેવો શોભી ઊઠે તો નમણી એવી તર્જનીના વીફરેલી વાઘણ જેવા તેવર અપરાધીને ઘૂંટણિયાં ટેકવવા મજબૂર કરી દેતા.

‘ઓમ ડિટેક્ટિવ એજન્સી’માં કામનું ભારણ ઘટતું નથી, અને એજન્સીની વ્યસ્તતા વચ્ચે કૉફી-બ્રેકમાં બે હૈયાંની નિકટતા ઘૂંટાતી. 

‘તને શું લાગે છે તર્જની...’

કેતુના સાદે તે ઝબકી.

‘આજકાલ હું જરા એક્સ્ટ્રા હૅન્ડસમ નથી દેખાતો?’

તર્જનીએ હોઠ કરડ્યો. આવું કંઈક કહી કેતુ તોફાની બની જતો ત્યારે સંયમ રાખવો કઠિન થઈ પડતો. એમ તો ક્યારેક તર્જની પણ કેતુને હંફાવી દેતી ખરી!

અત્યારે જોકે કેતુ હરકતમાં આવે એ પહેલાં તર્જની બોલી ઊઠી, ‘કેતુ, રાજમાતાનો ફોન હતો.’

હિંમતગઢનાં રાજમાતા મીનળદેવીના ઉલ્લેખે અનિકેત ઝગમગી ઊઠ્યો.

જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી માટે રાજનગરનાં ઠકરાણાની ભલામણે રાજમાતાએ કેતુ-તર્જનીને તપાસનું કામ સોંપ્યું ત્યારથી બંધાયેલો સંબંધ આજે તો આત્મીય બની ચૂક્યો છે. કેતુ-તર્જની રાજમાતાને પંડનાં સંતાન જેવાં જ વહાલાં છે તો જાસૂસજોડી માટે મીનળદેવી ઘરનાં વડીલતુલ્ય છે.

મીનળદેવી હિંમતગઢનું સૌથી આદરપાત્ર નામ છે. અકાળે આવેલું વૈધવ્ય, બે કુંવરોનો ઉછેર, ઉપરાંત સ્ટેટની જવાબદારી - રાજમાતા દરેક મોરચે યશસ્વી રહ્યાં. સિદ્ધાંતપ્રિય માતાનો સંસ્કારવારસો બન્ને પુત્રોએ – સમીરસિંહે અને અર્જુનસિંહે - સુપેરે જાળવ્યો. રાજમાતાને વહુઓ પણ એવી જ ગુણિયલ મળી. રાજપરિવારનાં સામાજિક સૂત્રો વહુઓને સોંપી રાજમાતા પૌત્ર-પૌત્રીઓને રમાડવાની નિવૃત્તિ માણે છે. લોકકલ્યાણનાં કાર્યોમાં વધુ વ્યસ્ત રહેતાં રાજમાતા પંચાવનની વયે પણ એવાં જ મૂર્તિમંત લાગે છે.
કેતુ-તર્જનીને હિંમતગઢ આવવાનું તેમનું કાયમનું નિમંત્રણ હોય છે. ખરેખર તો પૅલેસ કૉમ્પ્લેક્સમાં હરકોઈ કેતુ-તર્જનીનું હેવાયું છે.

‘દિવાળીની રજામાં હિંમતગઢ પધારવા તેમણે ખાસ આગ્રહ કર્યો છે.’

આમ પણ ઘણા વખતથી બ્રેક નથી લીધો... લેટ્સ મેક પ્લાન!

કેતુ-તર્જનીએ નક્કી તો કર્યું, પણ આ વખતના વેકેશનમાં શું થવાનું હતું એની કોને ખબર હતી?

lll

કોઈ ગોતી દો મારો રામ...

રાજમહેલના સંગીતકક્ષમાં ગુંજતા મધુર સૂરે તેનાં ડગ આપોઆપ થંભી ગયાં. કક્ષની અધખૂલી બારીની ફાટમાંથી નજર નાખવાની લાલચ રોકી શકાઈ નહીં. કક્ષની મધ્યમાં નટરાજની વિશાળ મૂર્તિ હતી, એની સામે લાલ જાજમ પર તાનપૂરો લઈ લતાજીનું ગીત ગાતી તે કોઈ સિનેતારિકા કરતાં રાજકુમારી જેવી વધુ લાગી.

રાજાજીના લાડમાં ઊછરેલી કન્યા રાજકુમારી જેવી જ લાગેને!

અનિરુદ્ધના હોઠ સહેજ મલક્યા.

ડીએનએ ટેસ્ટ પરથી પોતે વેજલગઢનો ખોવાયેલો રાજકુમાર હોવાનું સાબિત થયું એટલે રાજમહેલમાં સત્તાવાર કુંવર તરીકે રહેવાનું બન્યું ત્યારે ક્યાં જાણ હતી કે જિંદગીનો આ વળાંક કુંવારા હૈયે પ્રીતની હેલી પણ વહાવશે!

અનિરુદ્ધ સંભારી રહ્યો :

ધુળેટીમાં મહારાજે ગાલનાં નિશાન પરથી મને તેમના અંશ તરીકે વધાવ્યો, અને ડીએનએ ટેસ્ટનું પરિણામ આવ્યું એ વચ્ચેના પંદરેક દિવસ પોતાને મહેલથી દૂર બેઠા ઘાટના બંગલામાં રખાયેલો. મહારાજ સવાર-સાંજ આવતા. દિવસમાં એક વાર રાજમાતા આવતાં. મહારાજે તો પહેલી નજરમાં જ મને દીકરો સ્વીકારી લીધો હતો, જ્યારે રાજમાતાની એક આંખમાં પૌત્રને પોંખવાનો તલસાટ દેખાતો ને બીજીમાં ધોકો ન ખાવાની સજાગતા રહેતી. તે ઘણું કંઈ પૂછતાં : અત્યાર સુધી ક્યાં રહ્યો, કોની સાથે રહ્યો, તને કોણે ઉછેર્યો, તારાં પાલક માતાપિતા ક્યાં છે... ઘણી વાર તો એકના એક સવાલ શબ્દો બદલીને પૂછતાં, મારા જવાબોનું વિશ્લેષણ પણ કરતાં : તું કહે છે કે તું આનંદના નામે ખાનાબદોશની જેમ મોટો થયો, ન માની હૂંફ તને મળી, ન પિતાનું વહાલ કે ન ભાઈભાંડુડાંનાં હેત. એકલવ્યની જેમ તું ભણ્યોગણ્યો... મહિનાએક અગાઉ તું ઘેરૈયાઓની ટોળીના સરદારને કોઈ મેળામાં મળ્યો ને વેજલગઢ તો પહેલી જ વાર આવ્યો...’ એકશ્વાસે બોલતાં રાજમાતા પોરો લેતાં ને પછી તેમની નજર એક્સ-રેની જેમ ભીતર ફંફોસતી : પણ ભાઈ, તારા સંસ્કાર-વિવેક જોતાં માનો સ્પર્શ તને મળ્યો ન હોય એ મનાતું નથી. તારો કોઈ મિત્ર પણ નથી? તારા અત્યાર સુધીના જીવનની તપાસ કરી શકાય એવી કોઈ કડી તારા જવાબમાંથી જડતી નથી.

‘એટલે તમને મારા પર વહેમ છે? ચહેરાની એકસરખી નિશાની વિશે જાણી રાજકુમાર બની જવાનો દાવ રમવા આવ્યો છું - એવું માનો છો તમે, દેવીબા? માફ કરજો, મહેલનો વારસ હોવાનો દાવો મેં કર્યો નથી. આ તો નિશાન જોઈ મહારાજે મને સરપ્રાઇઝ આપી...’

આ મુદ્દે રાજમાતા ચૂપ થઈ જતાં. તેમને કહેવાયું નહોતું કે મારા અહીં આવવાના મૂળમાં તો યુટ્યુબની પ્રાદેશિક ન્યુઝ-ચૅનલનો રિપોર્ટ કારણભૂત છે! ખરેખર તો મારા જીવનનો સૌથી મોટો ભેદ ઉઘાડવામાં નિમિત્ત બન્યો એ
ન્યુઝ-વિડિયો!

હળવો નિઃશ્વાસ નાખી અનિરુદ્ધે કડી સાંધી :

‘તુલસીશ્યામમાં જુવાને જાન પર ખેલી છ વરસના બાળકને દીપડાનો શિકાર થતાં બચાવ્યું!’

આઠેક માસ પહેલાં લોક્લ વર્તમાનપત્રમાં નાનકડા બૉક્સમાં છપાયેલા સમાચારે યુટ્યુબ પર પોતાની ન્યુઝ-ચૅનલ ચલાવતા પત્રકારને રસ પડ્યો. ગામ આવી તેણે ઘરે દસ્તક પાડી : દીપડા સાથે લડનારા તમે જને? મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે!

તુલસીશ્યામમાં દીપડાનો આતંક છૂપો નથી. વસ્તીમાં આવી ઢોરઢાંખરાં પર હુમલો કરે એમ ક્યારેક માણસનું લોહી ચાખી જાય પછી એને આદમખોર બનતાં વાર નથી લાગતી. એ સાંજે પોતે સીમમાંથી પાછો ફરતો હતો ત્યારે ખેતરમાં રખડતા છએક વરસના બાળક પર તરાપ મારતો દીપડો દેખાતાં પોતે હાકોટાભેર દોટ મૂકી. લાઠીના બેચાર ફટકા એવા કરારા પાડ્યા કે દીપડો નાઠો. દરમ્યાન દોડી આવેલા ખેતમજૂરોમાંથી કોઈએ જંગલખાતામાં જાણ કરતાં વાત છાપે ચડી ને હવે આ ઇન્ટરવ્યુ! 

‘અમને દીપડાની નવાઈ નથી. ખંધા જાનવર સાથે પનારો પાડવાનો ગુણ અમને ગળથૂથીમાં મળ્યો છે...’

પાંચ-સાત મિનિટના એ વિડિયોમાં દીપડાની ઘટના પર જ ફોકસ રહ્યું
હતું. એ ચૅનલના સબસ્ક્રાઇબર્સ
પાંચસો-હજારથી વધુ નહોતા. અને તોય કોઈના ધ્યાનમાં ગાલ પરનું લાખું ચડ્યું અને મારા અહીં આવવાનો જોગ સર્જાઈ ગયો! એ ગાથા કોઈને કહેવાની નહોતી, છતાં રાજમાતાની ચોકસાઈ ગમતી. ડીએનએ મૅચ થતાં મહારાજ નાનકડું સરઘસ કાઢી વાજતેગાજતે મને મહેલમાં લઈ ગયા...

અનિરુદ્ધે સંભાર્યું :

‘પધારો!’ પૅલેસ કૉમ્પ્લેક્સની સ્કૂલની કન્યાઓએ આરતીગાન ગાયું, દેવીબાએ ઓવારણાં લીધાં. કક્ષમાં થાળે પડ્યાના ચોવીસ કલાકમાં એક સૂરત તડકાછાંયડાની જેમ આંખમિચૌલી ખેલતી રહી અને એક નામ વારે-વારે કાને અફળાતું રહ્યું. મહેલના રસોડે તેલ ભરવાનું હોય, રાજમાતાની આંખની તપાસ માટે ડૉક્ટર તેડાવવાનો હોય, હાઈનેસનાં જાગીરનાં કામકાજની ફાઇલ શોધવાની હોય તો સૌના મોં પર એક જ નામ આવે : રેવાબાને પૂછો!

શરૂ-શરૂમાં તો લાગ્યું કે રેવાબા પાંત્રીસ-ચાલીસની પૅલેસની કૅરટેકર જેવી ઘડાયેલી મહિલા હશે...

આવામાં બીજી બપોરે કક્ષના દરવાજે ટકોરા પડ્યા ને તેણે દેખા દીધી : ‘કુંવરસાહેબ, તમે વસ્ત્રો-આભૂષણોની ખરીદી માટે જાતે બજાર જવાનું પસંદ કરશો કે વેપારી-દરજીને અહીં તેડાવી લઉં?’

આમ તો આજે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર જ મહારાજે આ વિશે કહ્યું હતું, પણ...

‘જવું તો બજાર જ છે, પણ તમે તકલીફ શું કામ લો છો? મહારાજે કહ્યું છે, રેવાબા આવશે...’

અને તે સંભળાય એવું હસી, ‘લો, હું જ તો છું રેવાબા!’ 

હેં!

માંડ વીસ-એકવીસની વય, ગોરો વાન, નકશીદાર મુખ, કેડથીયે લાંબા કોરા વાળ, એમાં ગૂંથેલું રાતું ગુલાબ, લીલાં-પીળાં ચણિયા-ચોળી ને ઓઢણીમાં લહેરાતું જોબન! મહેલના કર્તાહર્તાને જેમ વારે-વારે આંખે પડતી-છુપાતી કન્યા તે જ રેવાબા!

ત્યારે જાણ્યું કે તે સદ્ગત રાજજોશીની પૌત્રી છે. માતા-પિતાના દેહાંત બાદ  હિઝ હાઇનેસ ભરતસિંહ અને દેવયાનીબાની ઓથમાં ઊછરેલી રેવા તેમની લાડલી હતી.

‘તમે અહીં!’

મીઠા રણકાએ અનિરુદ્ધને ભૂતકાળમાંથી ઝબકાવી દીધો. ઓહ, પોતે અહીંથી પસાર થતાં રેવાનું સુરીલું ગાન સાંભળવા રોકાયો, એમાં ગતખંડમાં ખોવાયો ને અત્યારે કક્ષ બંધ કરતી તે બારી આગળ મને ભાળી અચંબિત બની છે!

‘તમે બહુ સરસ ગાઓ છો, રેવા.’

સંકોચભેર કહી હૈયાભાવ છુપાવતો હોય એમ નજર વાળી સરકી ગયો.

તેને જતો જોઈ રેવાના ચહેરા પર મધુર મુસ્કાન ફરી વળી, અને એ જોઈ દૂર ઊભી રંભાએ હોઠ વંકાવ્યા. 

lll

‘સાલ મુબારક!’

વિક્રમ સંવતના નવવર્ષની બપોરે કેતુ-તર્જની હિંમતગઢ પહોંચતાં પૅલેસ કૉમ્પ્લેક્સમાં સ્વાગતનો કિલ્લોલ પ્રસરી ગયો.

સમીરસિંહ-અર્જુનસિંહે કેતુને પકડ્યો, લાવણ્યા-ઉર્વશીએ તર્જનીને લાગમાં લીધી. તેમની મીઠી મશ્કરીમાં કક્ષમાંથી આવતાં રાજમાતાએ ઉમેરો કર્યો, ‘છોકરાઓ, બોણીનું કવર આપું કે પછી નવા વરસમાં કંકોત્રી લઈને આવો એવા આશીર્વાદ?’

લો, હવે બોલો! બન્ને યુગલ કેતુ-તર્જનીને ટાંપી રહ્યાં. કેતુએ આંખોથી કહ્યું - હવે તું જ જવાબ આપ રાજમાતાને!

‘વડીલોના તો આશીર્વાદ જ જોઈએને!’

છૂઈમૂઈ થતી તર્જનીએ કહ્યું ને કેતુ એવો તો મહોરી ઊઠ્યો!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2026 03:05 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK