અજિત પવારનું પ્લેન-ક્રૅશમાં મૃત્યુ થયું એ પછી એ પ્લેનની કંપની VSR વેન્ચર્સના માલિકને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છાવરતા હોવાનો આરોપ: વી. કે. સિંહ સાથે મફલરવાળા દેવેન્દ્ર ફડણવીસનો ફોટો દેખાડ્યો
મફલરમૅનનું રહસ્ય ઊભું કર્યા બાદ ગઈ કાલે પત્રકાર પરિષદમાં તે મફલરમૅન બીજું કોઈ નહીં પણ દેવેન્દ્ર ફડણવીસ જ હોવાનો આરોપ લગાવતા રોહિત પવાર.
અજિત પવારના પ્લેન-અકસ્માતમાં જે કંપનીનું વિમાન હતું એ VSR વેન્ચર્સ કંપનીના માલિકને બચાવવાના પ્રયાસ મહારાષ્ટ્રના એક નેતા કરી રહ્યા હોવાનો આરોપ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા અને વિધાનસભ્ય રોહિત પવારે કર્યો હતો અને તે નેતાને મફલરમૅન ગણાવીને રહસ્ય ઊભું કર્યું હતું. ગઈ કાલે એક બાજુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પુણેમાં અજિત પવારના પૂતળાનું અનાવરણ કરી રહ્યા હતા ત્યારે બીજી બાજુ રોહિત પવારે મુંબઈના વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં પ્રેસ કૉન્ફરન્સ લઈ અજિતદાદાનું મૃત્યુ જે પ્લેનમાં થયું હતું એ VSR કંપનીના માલિક વી.કે. સિંહને ‘મફલરમૅન’ દેવેન્દ્ર ફડણવીસ જ બચાવતા હોવાનો આરોપ કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસ વી.કે. સિંહના જયપુરમાં આયોજિત કરાયેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે દેવેન્દ્ર ફડણવીસે મફલર પહેર્યું હતું એ ફોટો બતાવીને દેવેન્દ્ર ફડણવીસ જ કંપનીના માલિકને બચાવી રહ્યા હોવાનો આરોપ રોહિત પવારે કર્યો હતો. જો આમાં કોઈ ભૂલ હોય તો સરકારે તપાસ કરાવવી એવો પડકાર પણ તેમણે ફેંક્યો હતો.
ADVERTISEMENT
આ સરકારે વી.કે. સિંહ અને તેમની કંપનીને બચાવવાનો ભલે પ્રયાસ કર્યો હોય પણ અમારી સરકાર આવશે તો તેમને છોડીશું નહીં, અજિત પવારનો આ ભત્રીજો કોઈને પણ છોડશે નહીં એવો હુંકાર કરતાં તેમણે કહ્યું હતું કે ‘વી.કે. સિંહ અને VSR કંપનીને બચાવનારા દેવેન્દ્ર ફડણવીસ જ છે એવું અમારું પાકું માનવું છે. તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન છે, તેમની પાસે સત્તા છે, ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) છે, વડા પ્રધાન પણ તેમનું સાંભળે છે તો પછી અત્યાર સુધી તપાસ કેમ થતીનથી? એનું કારણ એ છે કે આપણા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વી.કે. સિંહની નજીકની વ્યક્તિ છે એવું અમારું પાકું માનવું છે.’
જો અમે અમારા કાકાને જ ન્યાય ન અપાવી શકીએ તો સામાન્ય જનતાને કેવી રીતે ન્યાય અપાવી શકીશું એવો સવાલ મનમાં થાય છે એમ જણાવતાં રોહિત પવારે કહ્યું હતું કે ‘જો હું અજિતદાદાને ન્યાય અપાવવા કેટલીક બાબતો સામે લાવું તો આવતી કાલે મારા રાજકારણ પર જોખમ આવી શકે એમ છે. જોકે મારા પર એનું કોઈ પરિણામ નહીં થાય. હું જેમનું નામ લઈ રહ્યો છું તેમણે (દેવેન્દ્ર ફડણવીસે) અજિતદાદની હત્યાનું કાવતરું રચ્યું એમ હું નથી કહી રહ્યો, પણ જે કંપનીના પ્લેનમાં તેમનો અકસ્માત થયો એ કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની મને પાકી શંકા છે.’
DGCAને તમામ પુરાવા આપવા છતાં કાર્યવાહી નથી થતીઃ રોહિત પવાર
રોહિત પવારે કહ્યું હતું કે ‘અજિત પવારના પ્લેન-ઍક્સિડન્ટની તપાસમાં સરકારી સ્તરે કોઈ પ્રયાસ નથી થઈ રહ્યા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને પણ એમાં કેસ દાખલ કરવા જેવું લાગતું નથી. એથી અજિતદાદાનો પક્ષ પણ જો સત્તામાં રહીને કાંઈ કરી શકતો ન હોય તો એ લાનત છે. અજિતદાદાના પ્લેન-ઍક્સિડન્ટ સંદર્ભે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)ને અનેક પુરાવા આપ્યા છતાં એના પર કોઈ કાર્યવાહી કરાઈ નથી એને કમનસીબી જ ગણવી જોઈએ.’
સુનીલ તટકરે અને પ્રફુલ પટેલનો ફોન આવતાં પ્લાન બદલાયો : રોહિત પવાર
અજિતદાદાના પ્લેનનો એ અકસ્માત હતો કે ષડ્યંત્ર એ જાણવાનો અમે કુટુંબીજનો તરીકે પ્રયાસ કરી રહ્યા છીએ, આજ સુધી અનેક લોકોએ અજિતદાદાના એ અકસ્માત બાબતે અમને માહિતી આપી છે, એના આધારે જ હું પાંચ પ્રેઝન્ટેશન આપી શક્યો એમ જણાવતાં આ છઠ્ઠી પ્રેસ કૉન્ફરન્સમાં રોહિત પવારે કહ્યું હતું કે ‘અજિતદાદાનો પ્લાન છેલ્લી ઘડીએ બદલાયો. એમાં પણ પ્લેનનો સમય પણ બદલવામાં આવ્યો. દાદા કારથી બાય રોડ બારામતી જવાના હતા. એ વખતે સુનીલ તટકરે અને પ્રફુલ પટેલનો તેમને ફોન આવ્યો અને મળવા આવીએ છીએ એમ કહ્યું. એ પછી અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે દાદા તમારી સહી જોઈએ છે એમ કહી તેમને રોક્યા. એથી એ પછી દાદાએ કારને બદલે બાય પ્લેન બારામતી આવવા નીકળવું પડ્યું. દાદાના પક્ષના બે નેતાઓને કારણે જ તેમણે કારનો પ્રવાસ રદ કરી પ્લેનમાં પ્રવાસ કરવો પડ્યો. દાદાના અકસ્માત પછી તેમના પક્ષના જ કેટલાક વિધાનસભ્યોએ કેસની તપાસ CBI કરે એવી માગણી કરી હતી પણ એ હજી માન્ય કરાઈ નથી.’
VSRના સંબંધ ડ્રગ-ડીલર સાથે : રોહિત પવાર
રોહિત પવારે આક્ષેપ કર્યો હતો કે ‘અજિતદાદાના ગયા પછી બે જ દિવસમાં VSR કંપનીના માલિકના છોકરા રોહિત સિંહે અમેરિકામાં ૧૮ કરોડનું ઘર લીધું છે. તેણે જેની પાસેથી ઘર વેચાતું લીધું એ ડ્રગ-ટ્રાફિકિંગનું કામ કરે છે. એ ઉપરાંત રોહિત સિંહનો બિઝનેસ-પાર્ટનર પણ ડ્રગ-ડીલર છે. તે લોકો એક જ ખેપમાં ૨૦૦૦ કરોડની તસ્કરી કરે છે. એથી VSR કંપનીના બધા જ વ્યવહારો શંકાસ્પદ છે. તેમની પાસે અઢળક રૂપિયા હોવાથી જ તેમની વિરુદ્ધમાં અવાજ ઉપાડવાની સત્તાધારીઓ હિંમત નથી કરતા. ૮૬૮ કરોડ રૂપિયા તેણે કલકત્તાની કંપનીના માધ્યમથી વાઇટ કર્યા પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ તેના પર કોઈ પણ સવાલ કરી નથી શકતા, આ કમનસીબી છે.’
અજિત પવારનો કાર્યક્રમ બગડે એ માટે વિવાદ સર્જ્યો : નવનાથ બન
અજિત પવારની અર્ધપ્રતિમાના અનાવરણના કાર્યક્રમનું મહત્ત્વ ઓછું થાય એ માટે એ જ દિવસે પ્રસિદ્ધિભૂખ્યા રોહિત પવારે વિવાદ ઊભો કર્યો છે એવો પલટવાર ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રવક્તા નવનાથ બને કર્યો છે. નવનાથ બને વધુમાં કહ્યું હતું કે ‘VSR કંપનીના માલિક રોહિત સિંહ અને તેમની કંપની ૨૦૧૩થી રાજકીય પક્ષોને અને એના નેતાઓને પ્લેનની સર્વિસ પૂરી પાડી રહી છે. એથી ફક્ત દેવેન્દ્ર ફડણવીસે જ નહીં, અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓએ VSR કંપનીના પ્લેનમાં સફર કરી છે. કેટલાય નેતાઓએ પાઇલટ સાથે ફોટો પડાવ્યા હશે, એવામાં ફક્ત ફોટોને આધારે આરોપ કરવા એ હલકી કક્ષાનું રાજકારણ કહેવાય.’
