‘સગા કોઈના નહીં દેવીબા. મિતેશબાબુ ભીમગઢના જંગલમાં વૃક્ષોની કપાતનું રિપોર્ટિંગ કરવા આવ્યા છે.’
ઇલસ્ટ્રેશન
તર્જનીએ અનિકેત તરફ ભ્રમર ઊંચકી અને - આની ચોથી મિનિટે તેણે શામિયાણામાં દેખા દીધી, ‘હાય અનિકેતબાબુ! હલો તર્જની! રાજમાતા, પ્રણામ.’
‘આ મિતેશબાબુ છે, અમારા પરિચિત. ભીમગઢ આવ્યા છે એ જાણી આજના ડિનર માટે મેં જ તેમને નિમંત્ર્યા છે.’
ADVERTISEMENT
‘આપના મહેમાનનું સ્વાગત છે.’ કહી દેવીબાએ જુવાનને પૂછી લીધું, ‘ભીમગઢમાં કોના સગા, ભાઈ?’
‘સગા કોઈના નહીં દેવીબા. મિતેશબાબુ ભીમગઢના જંગલમાં વૃક્ષોની કપાતનું રિપોર્ટિંગ કરવા આવ્યા છે.’
‘રિપોર્ટિંગ!’ ભરતસિંહે અચરજ દાખવતાં રાજમાતાએ પરિચય પૂરો કર્યો, ‘મિતેશબાબુ પોતાની ન્યુઝ-ચૅનલ ચલાવે છે – યુટ્યુબ પર.’
થોડા ઊંચા અવાજે બોલાયેલા શબ્દોથી રેવા સાથે થોડે દૂર ઊભેલા અનિરુદ્ધના કાન ચમક્યા. આગંતુક પર નજર પડતાં જરાતરા રાહત થઈ : આ તો કોઈ બીજો છે, તુલસીશ્યામમાં મારો ઇન્ટરવ્યુ કરવા દોડી આવેલો તે નથી!
મને મૂંઝવણ એ છે કે ગઈ મધરાતે પોતે રંભાની ખોલીમાં ગયો ત્યારે તર્જની કે અનિકેત દેખાયાં નહીં, કદાચ તર્જની સંદેશો સમજી જ નહીં.
ત્યાં...
‘અરે! આ...નંદ! તું!’
મિતેશે તેની તરફ ધસી જઈ, ખભા પકડી હચમચાવ્યો, ‘તું આનંદ છેને! તુલસીશ્યામનો આનંદ? જેણે દીપડાને ભગાવેલો - તારો ઇન્ટરવ્યુ હજુય મારી ચૅનલ પર છે!’
હેં! સભામાં ગણગણાટ પ્રસરી ગયો.
ચમકતાં દેવીબાએ રાજમાતાને નિહાળ્યાં. રાજમાતાએ પાંપણ ઝુકાવી ઇશારો કરી દીધો : ધીરજ રાખો, થોડી વારમાં સચ્ચાઈ ખૂલી જવાની!
‘તું અહીં શું કરે છે? અને તારા પિતાજી? તે ક્યાં છે?’
ભરતસિંહના કાળજે છરકો થયો, ‘એય રિપોર્ટર! આ શું અનાપશનાપ બકે છે? અનિરુદ્ધ અનાથ છે - હતો. એકાએક તેનો બાપ ક્યાંથી ફૂટી નીકળે, હેં?’
‘એ તો અનિરુદ્ધને જ પૂછો.’ રાજમાતા આગળ આવ્યાં, ‘પોતાને અનાથ બતાવવા પાછળ તેની શું મકસદ કે મજબૂરી છે એ તો તે જ કહી શકે!’
આ થઈ શું રહ્યું છે! અનિરુદ્ધ કિંકર્તવ્યમૂઢ બન્યો.
‘જવાબ આપો, અનિરુદ્ધ!’ રેવાએ તેને ઢંઢોળ્યો, ‘આ પત્રકારની વાતોમાં મને ભેદ લાગે છે.’
‘આ પત્રકાર પોતે જ ભેદી છે.’
આ કોણ, રંભા બોલે છે? જૂઠને પડકારતી હોય એમ કેવી ધસી આવી! મહારાજ, દેવીબા અને રેવા થોડાં ડઘાયાં. કેતુ, તર્જની અને રાજમાતાની નજરો મળી ને છૂટી પડી.
‘મતલબ?’ રેવાએ પૂછતાં રંભાએ જીભ કચરી, ‘અરે, આ તે પત્રકાર છે જ નહીં જેણે અનિરુદ્ધનો ઇન્ટરવ્યુ કરેલો.’
‘ઓહ!’ તર્જનીએ ચપટી વગાડી, ‘મતલબ, અનિરુદ્ધનો ઇન્ટરવ્યુ થયેલો એ સાચું, તો-તો તેના પિતા છે એ પણ સાચું. ક્યાં છે તે વ્યક્તિ?’
અનિરુદ્ધ હજુય મૂંગો હતો. તર્જની રંભા તરફ ફરી, ‘તું બોલ, રંભા, તું ઘણું જાણતી લાગે છે.’
‘હું... હું...’ તર્જનીનાં આગળ વધતાં કદમ સાથે પાછળ હટતી રંભા થોથવાઈ, ‘હું મામૂલી દાસી...’
‘દાસી કે બે ગઢની ભાવિ મહારાણી?’
તર્જનીના વ્યંગથી રંભાનું કાળજું ચિરાયું : મારો હૈયાભાવ તર્જનીને તો પરખાય જ કેમ!
‘બોલ, રંભા, અનિરુદ્ધના પિતાને ક્યાં રખાયા છે?’
‘મને નથી ખબ...’ ‘ખબર’નો છેલ્લો ‘ર’ બોલાય એ પહેલાં તર્જનીનો હાથ ઊઠ્યો. એટલા જોરથી થાપટ વીંઝી કે ઘડીભર તો રંભાના ચિત્તમાં સૂનકાર છવાઈ ગયો.
‘ચાલ, તારી ખબર હું લઉં છું...’ રંભાને સ્વસ્થ થવાનો મોકો આપ્યા વિના તર્જનીએ આંચકો આપી તેને જમીનસરસી કરી, હાથનું કાંડું પકડી ઘસડી, ‘અને ખબરદાર જો કોઈ આના બચાવમાં આગળ આવ્યું...!’
તર્જનીની ધમકીની ધારી અસર થઈ. પકડ છોડાવવા મથતી રંભાની આંખોમાં પાણી ઊભરાયાં. બધાંની નજર કેવી પોતાને તાકી રહી છે!
અને એ છતાં સભામાં એક પુરુષ સાવ ચૂપ બેઠો છે?
રંભાની નજર પરખાતી હોય એમ તર્જનીએ તપેલા લોઢા પર હથોડો વીંઝ્યો, ‘આજે અહીં કોઈ તારા પડખે ઊભું નહીં રહે... જેનું તેં પડખું સેવ્યું હોય તે પણ નહીં!’
તર્જનીના શબ્દો મર્મસ્થાને વાગ્યા.
‘બસ!’ રંભા ચીખી, ‘મારું આટલું અપમાન અને તમે જોઈ રહ્યા છો?’ રંભાએ સભામાં મોજૂદ પુરુષ તરફ આગઝરતી નજર ફેંકી, ‘બબ્બે ગઢની થનારી મહારાણીની આ જ ઓકાત છે? કે પછી તમે મને બિસ્તર ગરમ કરનારી બજારુ બાઈ જ સમજી?’
રણમલભાઈએ આમતેમ જોયું.
‘આમ નજર ન ફેરવો, રણમલ, તમને જ કહું છું!’
દિવાકર અચરજ અને આઘાતથી ઘડીક પિતાને, ઘડીક રંભાને તાકી રહ્યો.
‘આ... આ બધું શું... થઈ રહ્યું છે? કોઈ નકલી રિપોર્ટર બનીને આવે છે... કોઈ દાસી ગમે તેવો લવારો કરે છે...’ રણમલભાઈ ઊભા થયા, ‘અચ્છી ખાતિરદારી છે, હાઇનેસ. હવે રજા આપો.’
‘એટલે મને ફસાવી તારે ભાગી જવું છે? મહારાજ, રોકો આને. સજ્જનગઢના પૅલેસના ભૂગર્ભ રૂમમાં અનિરુદ્ધના પાલક પિતા છ મહિનાથી કેદ છે... એટલું જ નહીં, આણે લલિતસિંહની પણ હત્યા કરાવી છે...’
હેં!
‘યુ... યુ!’ રણમલે ગજવામાંથી ગન કાઢી નિશાન તાક્યું, પણ ઘોડો દબાવે એ પહેલાં કેતુએ તરાપ મારતાં ગન વછૂટી પડી. ઇટ્સ ઑલ ઓવર!
‘પિતાજી!’
lll
અનિરુદ્ધ એભલસિંહને ભેટી પડ્યો.
‘માંડીને વાત કર તર્જની.’ દેવીબાની અધીરાઈ ઊછળી. વીત્યા થોડા કલાકોમાં કેટલું બધું બની ગયું!
‘પહેલાં મને કહેવા દો, દાદીમા... પૂરમાં મારા બચાવની ગાથા.’
અનિરુદ્ધ કહેતો ગયો. સાંભળનારા સ્તબ્ધ હતા. પત્રકારના ઇન્ટરવ્યુના વળાંકે પહોંચી અનિરુદ્ધે વાતને ધક્કો માર્યો, ‘એ વિડિયો રંભાએ જોયો અને એક સાંજે તે અમારા ઘરે આવી ચડી.’
અનિરુદ્ધ સમક્ષ દૃશ્ય ઊપસ્યું.
lll
‘આ સ્ત્રી શું કહે છે પિતાજી? હું તમારો દીકરો નથી? કોઈ રાજાનો વંશજ છું?’
આખરે આનંદ સમક્ષ સત્ય ઊઘડ્યું. વરસાદની એ રાતે પિતા ખૂંચવી ન ગયા હોત તો હું પણ પૂલમાં ખાબક્યો હોત એ વિચારે કમકમી જવાયું.
‘શક્ય એ પણ છે દીકરા કે હું આડો ન આવ્યો હોત તો તેમણે તૂટતાં પહેલાં પુલ ઓળંગી લીધો હોત...’ એભલસિંહમાં ધરબાયેલો પસ્તાવો જ્વાલામુખીની જેમ ફાટ્યો હતો. આનંદ ઉર્ફે અનિરુદ્ધને એ સ્પર્શ્યો : તમે, માએ મને પંડના દીકરાની જેમ ઉછેર્યો, લાડ લડાવ્યાં, સંસ્કારનું સિંચન કર્યું... મારી જનનીએ પણ આના બદલામાં સો ખૂન માફ કર્યાં હોત!
‘નો રોનાધોના.’ રંભાએ પોતાની હાજરી જતાવી. તેણે એક કૉલ કરતાં બીજી મિનિટે બે હટ્ટાકટ્ટા આદમી દરવાજે આવી ઊભા. તેમની પાસે હથિયાર હતાં.
lll
અનિરુદ્ધે કડી સાંધી, ‘રંભાએ પિતાને કેદમાં રાખ્યા ને મને ઘેરૈયાઓ સાથે ભેળવી વેજલગઢમાં એન્ટ્રી અપાવવાનો તખ્તો ઘડ્યો. અલબત્ત, તે પણ કોઈનું મહોરું હતી. મુખ્ય માણસ મારા માટે તો પડદા પાછળ જ રહ્યો...’
અનિરુદ્ધે ઉમેર્યું, ‘રંભા મારા પડછાયા જેવી કેમ રહેતી એ હવે સમજાયું હશે. ત્યાં રાજમાતાનું આગમન થયું, તર્જની-કેતુ જાસૂસ છે એવું અનાયાસ જાણ્યું ને મેં તર્જનીને મધરાતે રંભાની ખોલી પર તેડાવી...’
બધાની નજર તર્જની પર અટકી.
‘હું સમયસર પહોંચી ગયેલી, બારીએ કાન માંડ્યા અને...’
તર્જની સમક્ષ દૃશ્ય ઊપસ્યું:
lll
‘રંભા, આજકાલ કરતાં છ મહિના થયા... મારા બાપુને ક્યાં સુધી કેદમાં રાખીશ? રાજનો અસલી વારસ હું જ છું એ પુરવાર પણ થયું, હવે આગળ કરવું શું છે તારે?’
‘સમય આવ્યે તને જાણ થઈ જશે. ત્યાં સુધી અમારા ઇશારે રમતો રહે.’
‘પણ બાપુ છે ક્યાં એ તો કહે... કોના કહેવાથી તું ખેલ ખેલી રહી છે?’
‘શીશ. મોડી રાત થઈ, કુંવર, આ સમયે તમને મારી રૂમમાં જોઈ દાદીમાને હાર્ટઅટૅક આવી જશે, ને તમારી રેવા કૂવો પૂરશે! માટે સિધાવો!’
lll
તર્જનીએ કથન સાંધ્યું : ‘આ આખો વાર્તાલાપ મેં સાંભળ્યો, અનિરુદ્ધની ભૂમિકા હવે સ્પષ્ટ હતી. જોકે તેના નીકળ્યા પછી હું તરત નહોતી નીકળી... અને એ ધીરજ ફળી. અનિરુદ્ધના ગયાની દસેક મિનિટ પછી રંભાએ કોઈને ફોન જોડ્યો...’
lll
‘ઘણી ખમ્મા મારા રાજાને! તમે તો ત્યાં મારા વિના પણ જલસા કરતા હશો... ઉફ્ફ, આમ શબ્દોથી ઉશ્કેરો નહીં! એના કરતાં આપણી યોજનાનું વિચારો.... જાણું છું, મહારાજ-દાદીમાનો વિશ્વાસ જીતવા હું અહીં દાસી તરીકે ગોઠવાઈ હતી, મહારાજ-દાદીમાના દેહાંત બાદ ગાદીનું શું થાય એ બધું જાણી રાખી આગળની બાજી ગોઠવવાની હતી... પણ એ પહેલાં દીપડાવાળો વિડિયો મારી નજરે ચડ્યો, એમાં આનંદ નામના જુવાનના ગાલે ચર્કટનું લાખું જોતાં ચમકવાનું થયું.... તે કુંવર જ નીકળ્યો. તેને જ આપણું પ્યાદું બનાવી મહેલમાં પ્લેસ કરવાનો તમારો આઇડિયા અફલાતૂન હતો.... ખેર, અત્યારે કુંવર આવ્યો હતો. બહુ અધીરો બન્યો છે. આપણે હવે દેર ન કરવી જોઈએ. તેના બાપુને પણ ક્યાં સુધી સજ્જનગઢના ભોંયરામાં તમારે જાળવી રાખવા! તમે વકીલ પાસે કાગળિયાં કરાવી લો, કુંવર ભરતસિંહની સહી લઈ લે એટલે વેજલગઢની રિયાસત પણ આપણી! પછી રાજા-રાજમાતા અને કુંવરને લાત મારી ખદેડતાં વાર કેટલી! આ જ મકસદે તો ભરતસિંહના દીકરાના વિજોગને મિલનના જોગમાં ફેરવ્યો... રાજ મળ્યા પછી આ દાસીને બે ગઢની મહારાણી બનાવવાનું ભુલાય નહીં, તમારા દરેક ભેદની હું ભાગીદાર છું એ યાદ રહે!...’
lll
તર્જની કહેતી રહી, ‘રંભાની ટેલિફોનિક વાતમાં સજ્જનગઢના પૅલેસના ભોંયરાનો ઉલ્લેખ થયો. એભલસિંહને છોડાવવાનું કામ ચિતરંજન-ચેતાલીને સોંપ્યું. રણમલ સજ્જનગઢથી અહીં આવવા નીકળ્યા પછી ઇન્કમ-ટૅક્સની રેઇડનો દેખાવ સર્જી બન્નેએ કમાલ કરી. તલાશીમાં ચિતરંજન એભલસિંહ સુધી પહોંચી શક્યો. આ બાજુ નકલી પત્રકારને લાવી, બે ગઢની મહારાણી બનવા માગતી રંભાનું સ્વમાન છંછેડી તેને જ બાજી ખોલવા મજબૂર કરી.’
‘અને લલિત?’ ભરતસિંહે પૂછ્યું.
‘લલિતસિંહમાં મણિનું લોહી હતું, હાઇનેસ. તેને રૂપિયાપૈસાનો મોહ ક્યારેય નહોતો. મા પ્રત્યે કોઈ ફરિયાદ પણ નહીં. હા, ખબર કરવા છતાં માતાના અંતિમ સંસ્કારમાં મનોહરસિંહ મહારાજ તરીકે પણ સામેલ ન થયા એનું દુઃખ વ્યક્ત કરવા પૂરતો તે માતાના દેહાંતના બીજા મહિને મનોહરસિંહને મળવા આવેલો. ત્યારે જ કહી ગયેલો કે હવે મારે અહીં રોકાવા જેવું કશું રહ્યું નથી, બધું વેચી હું કોઈક અજાણ્યા પ્રદેશમાં જતો રહીશ... અંત સમયે મહારાજે તેની ભલામણ જ કરી હશે.’
તર્જની કહેતી ગઈ, ‘રણમલના બયાન મુજબ, અહીંની ટ્રૅજેડીના ખબર જાણી લલિતે પૅલેસના સરનામે શોકપત્ર લખેલો... અને એ જ તેના મોતનું કારણ બન્યો! કેમ કે સજ્જનગઢ અણધાર્યું નધણિયાતું બનતાં રણમલની વફાદારીની બુનિયાદ પીગળી ચૂકી હતી. ભરતસિંહને સજ્જનગઢ આવવામાં રસ નહોતો, પણ રખેને લલિત આવી ચડ્યો તો! એટલે ભાડૂતી આદમી મોકલી રણમલે તેને પતાવી દીધો.
આ બાજુ માતાના નિધન પછી પિતાને રંગરેલી મનાવતા જોયા પછી જુવાનીમાં ડગ મૂકતા દીકરા દિવાકરને પણ શાની શરમ રહે? રણમલ, અલબત્ત, પોતાની ઐયાશી પ્રગટ ન બને એની સાવધાની રાખતા. દાસી રંભા પથારીમાં અપાર સુખ આપતી એમ તેની હોશિયારી, વાક્ચાતુર્યે ધીરે-ધીરે તેને રણમલની રહસ્યમંત્રી જેવી બનાવી દીધી... કપટી આદમીની સત્તાભૂખ પણ વિસ્તરી : સજ્જનગઢ માટે તમે એક ખૂન કરાવ્યું, તો બે ખૂન કરાવી વેજલગઢને કેમ નથી જીતતા!
બસ, રણમલની આકાંક્ષામાં ભડકો થયો, રંભા વેજલગઢમાં દાસી બની ગોઠવાઈ... પછી દીપડાવાળો વિડિયો, કુંવરનું આગમન...’
તર્જનીના સમાપને દેવીબા ઊભાં થયાં, અનિરુદ્ધના માથે હાથ ફેરવ્યો, ‘મારા લાલનું ખરું આગમન તો હવે થયું!’
lll
કથાના ઉપસંહારમાં એટલું કે રણમલ-રંભાને ઘટતી સજા થઈ. ઐયાશ દિવાકરને પણ સજ્જનગઢમાંથી છૂટો કરાતાં તે બાપ-રંભાને કોસે છે, પણ એ તો જેવી જેની કરણી!
એભલસિંહને અનિરુદ્ધ આજે પણ ભરતસિંહ જેટલું જ માન આપે છે. દાદીમાને પૌત્ર અદકેરો વહાલો છે, અને રેવા સાથેનાં લગ્ન પછી અનિરુદ્ધના જીવનમાં સુખ જ સુખ રહ્યું.
‘આ બધું તમારા પ્રતાપે શક્ય બન્યું.’ રાજમાતા કેતુ-તર્જનીનાં ઓવારણાં લઈ પૂછી લે છે : હવે કંકોત્રી ક્યારે આપો છો?
અને બસ, કેતુ-તર્જની આછું શરમાઈ લે છે!
(સમાપ્ત)
