Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમ સામે ૭૦ રનમાં પાંચ વિકેટ ગુમાવવા છતાં ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૨૪૩ રન કર્યા

ભારતીય ટીમ સામે ૭૦ રનમાં પાંચ વિકેટ ગુમાવવા છતાં ન્યુ ઝીલૅન્ડે પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે ૨૪૩ રન કર્યા

Published : 20 November, 2026 09:07 AM | Modified : 20 November, 2026 09:41 AM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છઠ્ઠી વિકેટ માટે ૧૭૩ રનની અણનમ ભાગીદારી કરીને હેન્રી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ તારણહાર બન્યા : જસપ્રીત બુમરાહે ૩ વિકેટ ઝડપી, આકાશ દીપ અને અંશુલ કમ્બોજને ૧-૧ વિકેટ મળી.

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શરૂઆતમાં જ તરખાટ મચાવતાં ન્યુ ઝીલૅન્ડની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, ડાબોડી બૅટર હેન્રી નિકોલ્સે પાંચમી વખત વેલિંગ્ટનમાં ટેસ્ટ-સદી ફટકારી, કિવી બૅટર ગ્લેન​ ફિલિપ્સ ૯૪ રને રમતમાં છે

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે શરૂઆતમાં જ તરખાટ મચાવતાં ન્યુ ઝીલૅન્ડની ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, ડાબોડી બૅટર હેન્રી નિકોલ્સે પાંચમી વખત વેલિંગ્ટનમાં ટેસ્ટ-સદી ફટકારી, કિવી બૅટર ગ્લેન​ ફિલિપ્સ ૯૪ રને રમતમાં છે


ન્યુ ઝીલૅન્ડ સામેની બે ટેસ્ટ-મૅચની સિરીઝમાં ભારતીય ટીમે રસપ્રદ શરૂઆત કરી હતી. વેલિંગ્ટનમાં આયોજિત પહેલી ટેસ્ટ-મૅચના પહેલા દિવસે યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે ૮૨ ઓવરમાં
૨૪૩-૫નો સ્કોર કર્યો હતો. કિવી ટીમે એક સમયે ૨૮.૨ ઓવરમાં ૭૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ગ્લેન ફિલિપ્સ અને શતકવીર હેન્રી નિકોલ્સની છઠ્ઠી વિકેટ માટેની ૧૭૩ રનની અણનમ ભાગીદારીને કારણે કિવી ટીમની લાજ બચી હતી.

ઓપનર્સ ડેવોન કૉન્વે ૧૩ બૉલમાં ૪ રન અને કૅપ્ટન ટૉમ લૅધમ બે બૉલમાં ઝીરો પર તંબુભેગા થયા હતા. રચિન રવીન્દ્ર ૫૦ બૉલમાં ૧૫ રન, ડૅરિલ મિચલ ૮ બૉલમાં ૧ રન અને ટૉમ બ્લન્ડેલ બાવીસ બૉલમાં પાંચ રનનું જ યોગદાન આપી શક્યા હતા.



ત્રીજા ક્રમના બૅટર હેન્રી નિકોલ્સે ૨૨૧ બૉલમાં ૧૪ ફોરની મદદથી ૧૧૩ રનની અણનમ ઇનિંગ્સ રમી હતી. સાતમા ક્રમે બૅટિંગ કરવા આવેલો ગ્લેન ફિલિપ્સ ૧૩ ફોરના સહારે ૧૮૨ બૉલમાં ૯૪ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો. બન્ને પ્લેયર્સ છઠ્ઠી વિકેટ માટે ૩૨૨ બૉલમાં ૧૭૩ રનની ભાગીદારી કરીને અંત સુધી ટકી રહ્યા હતા.


ભારતીય બોલિંગ-યુનિટમાં જસપ્રીત બુમરાહે ૧૭ ઓવરમાં બાવન રન આપીને ૩ વિકેટ લીધી હતી. અંશુલ કમ્બોજ અને આકાશ દીપે ૧-૧ વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ના અને વૉશિંગ્ટન સુંદર પ્રથમ દિવસે વિકેટલેસ રહ્યા હતા.

પહેલા દિવસના પ્રથમ સેશનમાં ન્યુ ઝીલૅન્ડે ૬૦ રન કરીને ૪ વિકેટ ગુમાવી હતી. બીજા સેશનમાં ૮૦ રન જોવા મળ્યા અને માત્ર ૧ વિકેટ પડી હતી. ત્રીજા સેશનમાં કિવી ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ૧૦૩ રન કર્યા હતા.


વેલિંગ્ટનમાં સતત ૧૯ મૅચથી ટૉસ જીતનાર ટીમ ફીલ્ડિંગ પસંદ કરી રહી છે

ભારતીય કૅપ્ટન શુભમન ગિલે ગઈ કાલે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. વેલિંગ્ટનના બેસિન રિઝર્વના મેદાન પર છેલ્લી ૧૯ ટેસ્ટ-મૅચથી ટીમો ટૉસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ જ પસંદ કરી રહી છે. છેલ્લે ૨૦૧૧માં અહીં ન્યુ ઝીલૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ડૅનિયલ વેટોરીએ પાકિસ્તાન સામેની ટેસ્ટ-મૅચમાં ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.

756 : એક કૅલેન્ડર યરમાં ભારત સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન કરનાર કિવી બૅટર બન્યો ગ્લેન ફિલિપ્સ. ડૅરિલ મિચલે પણ આ વર્ષે ૭૫૪ રન કર્યા છે.

પહેલી જ ટેસ્ટ-મૅચમાં સિરાજ-જાડેજાને ન રમાડવા બદલ ટીમ-મૅનેજમેન્ટની થઈ રહી છે ભારે ટીકા

વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ-મૅચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને અનુભવી સ્પિનર રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. બૅટિંગ સ્પેશ્યલિસ્ટ તરીકે કે.એલ. રાહુલ, યશસ્વી જાયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ, રિષભ પંત અને ધ્રુવ જુરેલ સામેલ હતા. ચાર ફાસ્ટ બોલર્સમાં આકાશ દીપ, અંશુલ કમ્બોજ, જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્થાન મળ્યું હતું. સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદર પણ પહેલી ટેસ્ટ-મૅચમાં સામેલ છે.

બૅટ અને બૉલ બન્નેથી મૅચમાં શાનદાર યોગદાન આપવામાં માહેર મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાની ગેરહાજરીથી ભારતના ક્રિકેટ નિષ્ણાતો આશ્ચર્યચકિત થયા છે. સુનીલ ગાવસકર, રવિચન્દ્રન અશ્વિન, દિનેશ કાર્તિક અને રવિ શાસ્ત્રીએ ટીમ-મૅનેજમેન્ટના આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા ભારત માટે છેલ્લી ૭ ટેસ્ટ-મૅચ ખૂબ જ મહત્ત્વની બનશે.

ટીમ-મૅનેજમેન્ટ તરફથી બૅટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું કે ‘મૅનેજમેન્ટને લાગ્યું કે આ શ્રેષ્ઠ સંભવિત પ્લેઇંગ ઇલેવન છે અને આ જ ટીમ મેદાનમાં ઊતરી છે. તમારે મૅચના સમગ્ર ચારથી પાંચ દિવસના સમયગાળાને ધ્યાનમાં રાખીને ટીમ પસંદ કરવી પડે છે. અમને આ પિચ પર આવું જ ટીમ-કૉમ્બિનેશન યોગ્ય લાગ્યું.’

Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 09:41 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK