Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મમ્મી, તને ખબર ન હોય એવું તે કેમ બને?

મમ્મી, તને ખબર ન હોય એવું તે કેમ બને?

Published : 11 October, 2026 05:01 PM | IST | Mumbai
Raam Mori | feedbackgmd@mid-day.com

‘હું તો કહું છું કે કોઈ સારા મનોરોગી ડૉક્ટર પાસે લઈ જાઓ તો તે કાંઈક આના મગજમાં જે કચરો ભરાયો છે એ સાફ કરી દેશે.’

ઇલસ્ટ્રેશન

નવલિકા

ઇલસ્ટ્રેશન


હેલો મમ્મી, કેમ છો? આઇ નો કે તારા આ દિવસો કેટલા કપરા પસાર થઈ રહ્યા હશે. કંઈકેટલીયે ગૂંચવણો તારા મનમાં અટવાયા કરતી હશે. તું સરખું જમતી પણ નહીં હોય. આખી-આખી રાત ખુલ્લી આંખે છતને તાકતી તું સૂતી રહેતી હોઈશ. ઘરમાં તને મારા અવાજના ભણકારા સંભળાતા હશે. તું કોઈક બીજાને બોલાવતી હોઈશ ત્યારે મારું નામ ભૂલથી વારંવાર તારા મોઢે આવી જતું હશે. આમ તો મારો બધો સામાન સંકેલી લેવામાં આવ્યો છે. એમ છતાં ક્યાંક મારું કોઈ શર્ટ, પૅન્ટ, સૉક્સ કે રૂમાલ તારા હાથમાં આવી જતાં હશે અને તું ધ્રુસકે-ધ્રુસકે રોઈ પડતી હોઈશ. મમ્મી, મને ખબર છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું.

આ જગતમાં હું સૌથી વધુ કોઈને પ્રેમ કરતો હોઉં તો એ તું છે મમ્મી. તને ખબર છે મમ્મી, મને બહુ જ હિંમત એકઠી કરવી પડી છે. દુનિયામાં તમે બધાને સમજાવી શકો પણ પોતાના જ મનને સમજાવવું સૌથી વધુ મુશ્કેલ છે. આખરે મેં નક્કી કરી નાખ્યું કે મારે બે મનથી નથી જીવવું. મમ્મી, મને થાક લાગતો હતો - પોતાને સંતાડવાનો થાક, જાત-સ્વભાવને ઢાંકવાનો હાંફ. આખરે એ દિવસે મારી અંદરની ગૂંગળામણ એટલી હદે અકળાઈ ઊઠી કે મેં સોશ્યલ મીડિયા પર લખી નાખ્યું કે ‘યસ, આઇ ઍમ ગે!’ મમ્મી, તું માનીશ નહીં પણ એ લખ્યા પછી મને બહુ સારું લાગ્યું. વર્ષોનાં વર્ષો સુધી પકડી રાખેલા મારા ગળાને જાણે કે કોઈએ અચાનક છોડી દીધું. કોઈક મોટા તોતિંગ પાંજરાનો દરવાજો ખૂલ્યો હોય એટલું રિલૅક્સ ફીલ થતું હતું. અસંખ્ય સાંકળોથી બંધાયેલી મારી જાતનાં બધાં તાળાં એકસાથે ખૂલી ગયાં એટલી નિરાંત લાગી. ગૅલરીમાં જઈને મેં પપ્પાની સિગારેટ સળગાવી. શર્ટ કાઢી નાખ્યું. મોબાઇલમાં લતાજીનું ગીત ‘લગ જા ગલે કે ફિર યે હસી રાત હો ન હો...’ સંભળાતું હતું. હાથ પહોળા કરીને હું ઊંડા શ્વાસ લઈ રહ્યો હતો. એ સાંજ મારા જીવનની સૌથી સુંદર સાંજ હતી. મારા ઘરની બાલ્કનીમાં ઊગેલી કે હવે આથમી જતી છેલ્લી સાંજ હતી. રાતનાં અંધારાં એ દિવસે બહુ જલદી ઊતરી આવેલાં. પપ્પાને સગાંસંબંધીઓના ફોન આવવા માંડ્યા. મેં લખેલી પોસ્ટના સ્ક્રીન-શૉટ ફરતા થઈ ગયા. એ રાતે પપ્પાએ મને બહુ માર્યો. હું રડતો રહ્યો. તું પણ વચ્ચે આવી હતી. મને માર ખાતો બચાવવા તેં તારાથી થાય એટલા પ્રયત્નો કર્યા અને એમાં તને પણ માર પડ્યો. એ પછી તું ખૂણામાં રડતી રહી અને મારા શરીર પર પપ્પાના બેલ્ટ ઝીંકાતા રહ્યા. મને ખબર નહોતી પડતી કે મને માર કઈ વાતને લઈને પડી રહ્યો છે? મેં મારી જાતને ઓળખી એ મારો ગુનો બની ગયો? એ રાત્રે પપ્પાના બેલ્ટનો અવાજ અને મારી ચીસો આખી સોસાયટી માટે કંઈકેટલાય દિવસનું મનોરંજન બની ગયેલાં. તને ખબર છે મમ્મી, પપ્પાના માર કરતાં મને સગાંવહાલાં અને પાડોશીઓની સુફિયાણી મફતની સલાહ વધારે વાગતી હતી.



‘હું તો કહું છું કે કોઈ સારા મનોરોગી ડૉક્ટર પાસે લઈ જાઓ તો તે કાંઈક આના મગજમાં જે કચરો ભરાયો છે એ સાફ કરી દેશે.’


‘મને તો એવું લાગે છે કે આની કરન્ટથી સારવાર કરવી જોઈએ... એક-બે સરસ કરન્ટ નિયમિત મળે તો બધું થોડા દિવસમાં ઠેકાણે પડી જશે.’

‘અરે, મારું માનો તો હનુમાનજીની માનતા માનો. ૨૧ શનિવાર નકોરડા ઉપવાસ કરવાના અને દીકરાને મૂર્તિને ચડેલું તેલ-સિંદૂર થોડા દિવસ દૂધમાં નાખીને પીવડાવી દો.’


‘કોઈક સારા સર્જ્યનને બતાવી દો... એક-બે ઑપરેશન કરી દેશે તો બધું ઠેકાણે પડી જશે.’

મમ્મી, હું બીમાર નથી કે નથી મને કોઈ રોગ થયો. પોતાની સેક્સ્યુઅલિટીને લઈને કોઈ માણસ કન્ફર્મ હોય તો એ વાત ઍબ્નૉર્મલ કઈ રીતે ગણી શકાય? લોકો માટે હું ઍબ્નૉર્મલ કેમ કે નૉર્મલ હોવાની તેમની પોતાની વ્યાખ્યા છે. તો મારી પાસે પણ નૉર્મલ હોવાની મારી પોતાની વ્યાખ્યા છે. કોઈ જાતને ઓળખી શકતી હોય, પોતાના ગણા-અણગમાને સ્પષ્ટ રીતે સમજી શકતી હોય તો તે વ્યક્તિ મારા માટે નૉર્મલ છે. હવે આ વાતને હું મારાં તોલમાપ બનાવું તો-તો આખું જગત મને ઍબ્નૉર્મલ લાગવાનું. ખેર, ફાઇનલી મને જે વાતનો અંદેશો હતો એ જ થયું. પપ્પાએ ઘરમાંથી કાઢી મૂક્યો. સામાનના નામે ખભે એક નાનકડી બૅગ હતી અને છાતીમાં બહુબધી ફરિયાદો. જ્યારે તમારા પોતાના લોકો માટે તમે શરમ બની જાઓ, તમારા પોતાના લોકોની આંખમાં તમે તમારા માટે માન ન જોઈ શકો ત્યારે માણસ જીવતેજીવ મરી જાય છે, જીવતી લાશ બની જાય છે. લોકોની આંખમાં મારા માટે દયા કરતાં અચરજ વધારે હતું. હું કોઈક અલગ જ પ્રાણી હોઉં એ રીતે મારી સાથે વર્તન કરતા હતા. હું ક્યાં જઈશ? કોને ત્યાં રહીશ? કોની સાથે રહીશ? મારી પાસે મારા ખુદના એક પણ પ્રશ્નનો જવાબ નહોતો. મને જીવને એવી સ્થિતિમાં લાવી મૂક્યો હતો જ્યાં હું આગળ જઈશ કે પાછળ એવો કોઈ આઇડિયા મનમાં નહોતો આવતો.

તમે જ્યારે એકલા પડી જાઓ ત્યારે તમને તમારા વ્યક્તિત્વનું સત્ય સમજાય. તમે શું છો અને તમારે શું જોઈએ અને તમારે હવે કેવી રીતે વર્તવું જોઈએ એ બધી બાબતો એક પછી એક સમજાઈ જાય. મારી સામે જીવન ઉઘાડું પડી ગયું. સંબંધો અટ્ટહાસ્ય કરતા હતા અને એ પછી પોતાના માટે જીવવાની મારી ભૂખ ઊઘડી. હું મુંબઈ આવી ગયો. અહીં કાંદિવલીમાં એક ભાડાના ફ્લૅટમાં રહું છું. રાત્રે કૉલ સેન્ટરમાં નોકરી કરું છું. સવારે કૉલેજ કરવા જાઉં છું. ભૂખ લાગે ત્યારે મારા ખપપૂરતી રસોઈ બનાવું છું. જાતે કપડાં ધોઉં છું. એકલો પડું ત્યારે બારી પાસે બેસીને મોબાઇલની ફોટોગૅલરીમાં જૂના-જૂના આપણા લોકોના ફોટો કાઢીને જોયા કરું છું. મને ખબર પણ નથી હોતી અને મારી આંખમાંથી ચોધાર આંસુ પડે છે. રોટલી કરતાં-કરતાં આંગળી દાઝી જાય તો પણ મારાથી ‘ઓ મમ્મી!’ બોલાઈ જાય છે અને પછી રડી પડાય છે. એ આંસુ આંગળી દાઝ્યા કરતાં મન દાઝ્યાનાં વધારે હોય છે. મમ્મી, મને તમારા ખોળામાં માથું મૂકીને રડવું છે બહુબધું. અહીં મુંબઈમાં મને બહુ એકલું-એકલું લાગે છે. તું સાડી પહેરે છે એવી સાડી પહેરેલી કોઈ સ્ત્રીને જોઉં તો મારું ગળું ભરાઈ આવે છે. કોઈ છોકરાને તેની મમ્મીની સાડીનો પાલવ પકડીને ચાલતો જોઉં તો મારી આંખો ભરાઈ આવે. તારી હથેળીનો ખરબચડો પણ માયાળુ એવો એ સ્પર્શ બહુ યાદ કરું છું. તું અત્યારે આ વાંચતી વખતે પણ રડી રહી છે એ હું જાણું છું, પણ એક સ્પષ્ટતા કરી દઉં છું. હું તને સતત યાદ કરું છું પણ મનથી નબળો નથી પડ્યો બિલકુલ. સમય અને સંબંધોની ઠોકર માણસને ક્યારેક એટલો મજબૂત બનાવી દે છે કે પછી આવનારી દરેક તકલીફ તેને પડકાર જ લાગે, અડચણ નહીં. અત્યારે હું અહીં મુંબઈમાં મારો રસ્તો અને મારી જિંદગી શોધી રહ્યો છું. મને એક વાતની તસલ્લી છે કે અત્યારે મારી સાથે બીજું કોઈ હોય કે ન હોય, હું તો છું જ. હવે મને કોઈની પરવા નથી, મને કોઈનો ડર નથી. ‘લોકો શું વિચારશે’ કે ‘લોકો શું કહેશે’ એ વાત તો ક્યારનીયે પાછળ છોડીને હું આગળ વધી ગયો છું. હવે હું મારા લાંબા વાળની લટોને પિન્ક રંગે રંગાવી શકું છું; ફ્લાવર પ્રિન્ટનાં લાલ, ગુલાબી અને બ્લુ કપડાં પહેરું છું. મોટે-મોટેથી હસી શકું છું. અહીં મને રોકવાવાળું કે ટોકવાવાળું કોઈ નથી. મારા રંગો અને મારી ખુશી હું નક્કી કરું છું. આપણા સૌની એક બહુ કૉમન તકલીફ છે - આપણે સુખ માટે બીજા પર આધાર રાખીએ છીએ, આપણો મૂડ અને આપણું સ્મિત બીજાના મૂડ અને સ્મિત પર આધાર રાખે છે. આ પરાવલંબન એટલી હદ સુધી ઢસડાય છે કે આપણે આપણા સુખ માટે બીજા બધાનાં સર્ટિફિકેટ્સ ઉઘરાવતા રહીએ છીએ અને સરવાળે ભૂલી જઈએ છીએ કે આ બધામાં આપણું સુખ ક્યાં? મને બસ મારા સુખનું સરનામું મળી ગયું છે.

વેલ, એક છેલ્લી વાત મારે તને કરવી છે મમ્મી. થોડી કડવી છે પણ તારે સાંભળવી પડશે. મારી એક ફરિયાદ તને છે. મમ્મી, મેં જ્યારે એમ જાહેર કર્યું કે હું ગે છું ત્યારે બધાનાં શૉકિંગ રીઍક્શન મેં ઍક્સ્પેક્ટ કરેલાં, પણ મને એવું તો બિલકુલ નહોતું કે તું પણ આ વાતથી સરપ્રાઇઝ થઈશ. મને સપનામાં પણ એવો અંદાજ નહોતો કે તને એ વાતનો આઘાત કે નવાઈ લાગશે કે તારા છોકરાની સેક્સ્યુઅલિટી બીજાબધા છોકરાઓ કરતાં અલગ છે. કેમ? તને થતું હશે કે હું કેમ આવું કહી રહ્યો છું? તો મમ્મી, જવાબ તને ખબર જ છે. અત્યારે તારા ચહેરા પર પકડાઈ ગયાની ક્ષણ અહીં બેઠાં-બેઠાં પણ હું વાંચી શકું છું. હા મમ્મી, હું ગે છું એ વાતની તને જાણ હોય જ નહીં એ વાત મારા ગળે ક્યારેય નહીં ઊતરે. તું ગમે એટલી સારી ઍક્ટિંગ કરીને એવો દેખાડો કરે કે તને પણ અંદાજ નહોતો જ કે મારો દીકરો નૉર્મલ નથી. મમ્મી, તેં તો મને જન્મ દીધો છે. તારા હાથે તે મને ઉછેર્યો છે, તારું દૂધ પાયું છે. મારા જીવનની એક-એક મોમેન્ટની તું સાક્ષી રહી છે. પાપા પગલીથી લઈને અત્યાર સુધીનો બધો સમય તારી છાતીમાં અકબંધ છે. મારો સવાલ તને એટલો જ છે કે શું નાનપણથી તું એ વાત નોટિસ નહોતી કરતી કે મારી રંગોની પસંદગી, મારું ચાલવું, મારું મારામાં અને અરીસામાં વ્યસ્ત રહેવું, શરમાઈ-શરમાઈને વાત કરવી કે વાળ લાંબા રાખવા આ બધી બાબતોમાં અજાણતાં એક છોકરી છલકાતી હતી! એવું તો કેવી રીતે બને મમ્મી કે તું જાણતી જ ન હોય કે તારા દીકરાની પસંદગી અન્ય છોકરાઓ કરતાં બહુ જ અલગ છે. મમ્મી, તેં સતત આંખ આડા કાન રાખ્યા છે, તું આખી વાતથી અજાણ છે એવું તે જિંદગીભર દેખાડ્યા કર્યું. કોના માટે મમ્મી, કોના માટે? આંખ બંધ કરી દેવાથી જગતમાં બધે અંધારું થઈ જવાનું એવી ભ્રમણામાં તું રાચતી રહી કાયમ? તેં જે આ અજાણતાં હોવાનું નાટક કર્યુંને મમ્મી એનું મને બહુ દુ:ખ થયું છે. મેં જ્યારે સોશ્યલ મીડિયા પર લખી નાખ્યું અને પપ્પા મને બેલ્ટથી મારતા હતા ત્યારે તારી આંખોમાં આ આખી વાતથી અજાણ્યા હોવાના મેં જે ભાવ જોયા એના સોળ મને પપ્પાના બેલ્ટ કરતાં વધારે ઊપસી આવ્યા છે. મને એ તારો ધક્કો આખી જિંદગી યાદ રહેશે મમ્મી. મેં તારી પાસેથી આ અપેક્ષા નહોતી રાખી. અત્યારે પણ મને સૌથી વધુ એ વાત પર જ રડવું આવે છે કે મારી મમ્મી હંમેશાં જાણીજોઈને અજાણ રહી.

મને હંમેશાં એક એવા દિવસની રાહ હતી જ્યારે તું તારો હાથ મારા હાથ પર મૂકી દે, મારા વાળ પર હાથ ફેરવતી હોય, મારા કપાળ પર બચીઓ ભરીને મને તારી છાતીએ વળગાડી દે અને પછી કહેતી હોય કે ‘પીયૂષ બેટા, આમાં તારો કોઈ વાંક નથી. આ કુદરતે નક્કી કરેલું છે, માણસના હાથની વાત નથી. બેટા, આ કોઈ રોગ નથી કે નથી કોઈ ખોડખાંપણ. આ માણસનો એક સ્વભાવ છે જેવો મારામાં હોય છે, જેવો તારા પપ્પામાં હોય છે. આપણા ગમા-અણગમા પર કાયદા થોડા હોઈ શકે બેટા. તું જરાય ચિંતા ન કરતો. કોઈ તને કંઈ પણ કહે, હું તારી સાથે છું. તારી મમ્મી તારી સાથે છે અને હંમેશાં રહેશે જ. મને લોકો શું કહેશે એની ચિંતા પહેલાં પણ નહોતી અને આગળ પણ નથી. મને લોકો નહીં મારો દીકરો મૅટર કરે છે. તું હવે બિલકુલ રડીશ નહીં. હું અહીં જ છું તારી પાસે. મારા ખોળામાં માથું મૂકીને શાંતિથી સૂઈ જા.’ આ સપનું છે જે મને રોજ આવે છે મમ્મી. પાછલા પહોરનું અંધારું મારી ગૅલરીમાંથી ઉલેચાતું રહે છે; પણ હેં મમ્મી, મારા જીવનમાં રેલાઈ ગયેલું અંધારું ક્યારે ઉલેચાશે?

- તારો દીકરો (કદાચ હજી પણ તું માનતી હોય તો)  પીયૂષ

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2026 05:01 PM IST | Mumbai | Raam Mori

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK