૪૦૦ જેટલા આંદોલનકારીઓ સાથે ઍક્ટર ઇમરાન ખાન, વિધાનસભ્ય વરુણ સરદેસાઈ તથા તુષાર ગાંધી અને તેમની પુત્રી કસ્તુરી ગાંધીની પણ અટકાયત
નાના ચોક પર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત હતો અને આંદોલનકારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. તસવીર : સૈયદ સમીર અબેદી
જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી માટે ચાલી રહેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના આંદોલનના સપોર્ટમાં મુંબઈના ગ્રાન્ટ રોડમાં આવેલા ઑગસ્ટ ક્રાન્તિ મેદાનમાં ગઈ કાલે બપોરે ૩.૩૦ વાગ્યે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) દ્વારા આંદોલનની હાકલ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો એને સપોર્ટ કરવા ત્યાં પહોંચ્યા હતા. જોકે એ બધા આંદોલનકારીઓને ગ્રાન્ટ રોડના નાના ચોકમાં જ અટકાવી દેવામાં આવતા હતા. નાના ચોકમાં મળતા બધા રોડ ટ્રાફિક માટે બંધ કરી દેવાયા હતા અને મોટા પ્રમાણમાં પોલીસ ખડકી દેવાઈ હતી. પોલીસે આંદોલનને સપોર્ટ આપવા પહોંચેલા ૪૦૦ જેટલા આંદોલનકારીઓને તાબામાં લીધા હતા અને કેટલીક સેલિબ્રિટીઝને પણ તાબામાં લીધી હતી. એમાં ફિલ્મ-ઍક્ટર ઇમરાન ખાન અને ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની દીકરી કસ્તુરી ગાંધીનો પણ સમાવેશ થતો હતો. એ જ પ્રમાણે શિવસેના (UBT)ના વરુણ સરદેસાઈને પણ તાબામાં લેવામાં આવ્યા હતા.
જોકે એ પહેલાં જ પોલીસને જાણ થઈ કે મોટા પાયે આંદોલન થવાની શક્યતા છે એટલે ઍક્ટિવિસ્ટ ફિરોઝ મીઠીબોરવાલા અને તુષાર ગાંધીને પોલીસે તાબામાં લીધા હતા. તુષાર ગાંધીને બાંદરામાંથી તાબામાં લેવાયા હતા, પણ તેમને ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં લઈ જવાયા હતા. એ વિશે જાણ થતાં શિવસેના (UBT)ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરે અને નેતા સંજય રાઉત ડી. એન. નગર પોલીસ-સ્ટેશન પહોંચી ગયા હતા અને ધરણાં કરી તુષાર ગાંધીને છોડી દેવાની માગણી કરી હતી. મોડી રાત્રે તુષાર ગાંધીને છોડી દેવાયા હતા.
ઇમરાન ખાનને પત્રકારોએ સવાલ કર્યા ત્યારે તેણે કહ્યું હતું કે ‘મારી કોઈ ડિમાન્ડ નથી. મારી એવી કોઈ ઔકાત નથી કે હું ડિમાન્ડ કરું. હું કોઈ ઑર્ગેનાઇઝેશનને પણ રિપ્રેઝન્ટ નથી કરતો. હું એક નાગરિક તરીકે અહીં આવ્યો છું. હું જાણવા માગું છું કે કેમ લોકોના અવાજને દબાવી દેવામાં આવે છે.’
પોલીસ-વૅનમાં ઇમરાન ખાનને લઈ જવાતો હતો ત્યારે તેનો વિડિયો લેવાયો હતો. એમાં તે એવું કહે છે કે જ્યારે આઝાદીની લડાઈ ચાલુ હતી ત્યારે શું અંગ્રેજો પાસે પરવાનગી માગવામાં આવી હતી?
આમિર ખાનની ભત્રીજી ઝૈન પણ હવે જેન-ઝી સાથે પ્રોટેસ્ટમાં ઍક્ટિવ
આમિર ખાનના ભાણિયા ઇમરાન ખાન સાથે તેની ગર્લફ્રેન્ડ લેખા વૉશિંગ્ટન અને આમિર ખાનની ભત્રીજી અને ઍક્ટ્રેસ ઝૈન મારી ખાનને પણ મુંબઈ પોલીસે ડીટેન કરી હતી. જોકે ઝૈને ત્યાર બાદ પોલીસ-કસ્ટડીમાંથી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું તે Ok છે અને કસ્ટડીમાં પોલીસને જ લેક્ચર આપી રહી છે. તેણે સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘મારી ચિંતા ન કરતા. હું અહીં પોલીસને જ લેક્ચર આપી રહી છું કે અમને તમે પકડ્યા છે એ ખરું, પણ તમને ખબર જ હશે કે જલિયાવાલા બાગમાં શું થયું હતું? નાઝી જર્મની કેવા હતા? ડ્યુટી દેશ માટે કરવી જોઈએ, નહીં કે કોઈ વ્યક્તિ માટે.’ તેણે બીજી પોસ્ટમાં લખ્યું હતું કે પોલીસે તેને તાબામાં લઈને વધુ મોટી પ્રસિદ્ધિ આપી દીધી. ઝૈનને જ્યારે વૅનમાં લઈ જવાતી હતા ત્યારે તેણે અંદરથી પણ નારાબાજી કરી હતી. ઝૈન આમિરના કઝિન ફિલ્મમેકર મન્સૂર ખાનની દીકરી છે.
