સરકતી છાયા અને છેતરતા પડછાયા વચ્ચે અટવાયેલા એક પ્રેમીની રહસ્યમય કથા
પ્રતીકાત્મક તસવીર
અચ્યુત છ ફીટ બે ઇંચ ઊંચાઈ ધરાવતો વેલબિલ્ટ ફિટનેસ ફ્રીક હતો. ટાઢ, તાપ, તડકો કે વરસાદ હોય પણ અચ્યુત વર્કઆઉટ કૅન્સલ કરે એવું કદી બને જ નહીં. તેણે પોતાના ઘરમાં અદ્યતન જિમ બનાવ્યું હતું. સવારે સાડાછ વાગ્યે અચ્યુત તેના જિમમાં હોય જ! અક્ષરા લેઝી અને ઈઝી છોકરી હતી. તેનાથી કદી વહેલા ઉઠાતું નહીં. અચ્યુત સાડાઆઠે ઑફિસ જવા નીકળે પછી છેક દસ-સાડાદસે અક્ષરા જાગતી. રોજ સવારે અક્ષરા સાથે બ્રેકફાસ્ટ કરવાનું આકર્ષણ અચ્યુતને હંમેશાં રહેતું પણ અક્ષરાની બ્યુટી-સ્લીપ દસ વાગ્યા પહેલાં પૂરી થતી જ નહીં.
એ રાત્રે અચ્યુતને પાછા ફરતાં ૧૦ વાગી ગયા. જમતી વખતે અક્ષરાએ રીતસર ઝઘડો શરૂ કર્યો, ‘તું આખો દિવસ ઑફિસમાં વિતાવે છે. દુનિયાના બધા પુરુષો પૈસા કમાય છે, પણ કોઈ તારી જેમ વાઇફને ઇગ્નૉર નથી કરતું...’ અચ્યુત એક પણ અક્ષર બોલ્યા વિના જમતો રહ્યો, ‘હું તને કહી દઉં છું. જો હવે આ વર્ષે આપણે વેકેશન પર નહીં જઈએ તો હું તને ડિવૉર્સ આપી દઈશ.’ અચ્યુત કશું જ બોલ્યો નહીં. એ રાત્રે અક્ષરા તકિયો ઉપાડીને ગેસ્ટરૂમમાં ચાલી ગઈ. તે જાગી ત્યારે અચ્યુત ઑફિસ ચાલ્યો ગયો હતો.
ADVERTISEMENT
‘મિસ્ટર અચ્યુત ગોહિલ...’ જુહુ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટરે ટેબલ પર દંડો પછાડ્યો, ‘વેર ઇઝ યૉર વાઇફ?’ અચ્યુત તેની સામે જોઈ રહ્યો. અચ્યુતની આંખોમાં ઉજાગરો હતો. ભય અને ચિંતા હતાં. ઇન્સ્પેક્ટર જે સવાલ પૂછી રહ્યો હતો એ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ અચ્યુત પણ કરી રહ્યો હતો. ઇન્સ્પેક્ટરે ફરી પૂછ્યું, ‘બન્ને જણ સાથે ગયાં હતાંને? તમે એકલા પાછા આવ્યા... તમારાં વાઇફ મિસિસ અક્ષરા ગોહિલને ક્યાં મૂકી આવ્યા તમે?’
‘હું તમને કેવી રીતે સમજાવું?’ અચ્યુતના અવાજમાં ધ્રુજારી અને કંપ હતાં.
‘સમજાવવું તો પડશેને?’ ઇન્સ્પેક્ટરના ચહેરા પર ક્રૂર સ્મિત આવી ગયું, ‘FIR લખાવ્યો છે અક્ષરાનાં માતા-પિતાએ. દીકરી ગુમ થયાની ફરિયાદ કરી છે. જવાબ તો આપવો જ પડશે, ક્યાં મૂકી આવ્યા તેને?’
‘FIR તો મેં પણ લખાવ્યો છે.’ અચ્યુતે કહ્યું. ઇન્સ્પેક્ટર હસી પડ્યો. અચ્યુત સહેજ ઝંખવાઈ ગયો, ‘હું સાચું કહું છું. પેલા માણસે... કહ્યું કે...’
‘આ વાર્તા મેં પાંચ વાર સાંભળી. બૉલીવુડની ફિલ્મ કરતાં પણ હમ્બગ વાર્તા છે આ... એક સેકન્ડ માટે પણ માની શકાય એવી નથી.’ તેણે ફરી ટેબલ પર દંડો પછાડ્યો, ‘તમારા સ્ટેટસ અને અત્યાર સુધીના રેકૉર્ડને કારણે હજી સુધી હું ધીરજથી કામ કરું છું પણ હવે હુંય થાક્યો છું. બે દિવસથી તમે એક જ સ્ટોરી સંભળાવ્યા કરો છો. સાચું બોલો, બાકી હવે મારે તમને લૉકઅપમાં પૂરવા પડશે.’
‘પૂરવો હોય તો પૂરી દો.’ અચ્યુત ચિડાઈ ગયો, ‘મારું સત્ય આ જ છે. તમારે માનવું હોય તો માનો ને ન માનવું હોય તો કંઈ નહીં.’ કહીને તેણે ટેબલ પર માથું ઢાળી દીધું. બે રાત ને બે દિવસથી તે ઊંઘ્યો નહોતો. તેની આંખો લાલ હતી. સખત ભૂખ લાગી હતી. પોલીસ-સ્ટેશનમાં એક ગ્લાસ પાણીથી વધારે કંઈ મળ્યું નહોતું. તેનો મોબાઇલ તેની પાસેથી લઈ લેવામાં આવ્યો હતો. અકળાયેલો, ત્રાસી ગયેલો, કંટાળેલો અચ્યુત રડી પડ્યો, ‘હું તમને રિક્વેસ્ટ કરું છું...’ તેણે હાથ જોડ્યા, ‘મારી અક્ષરાને શોધી આપો, પ્લીઝ!’
‘નાટક બંધ કર.’ હવે ઇન્સ્પેક્ટરનું મગજ ગયું.
‘નાટક નથી કરતો, હું જે કહું છું એ સત્ય છે.’ અચ્યુત રડતો રહ્યો, પણ ઇન્સ્પેક્ટરે તેને લૉકઅપમાં નાખવાનો હુકમ આપી દીધો. અચ્યુતને ઢસડીને કૉન્સ્ટેબલ લૉકઅપમાં લઈ ગયો. તે બૂમો પાડતો રહ્યો, ‘હું સાચું કહું છું! તે મારી સાથે આવી હતી, પણ પાછા આવતાં... તે ખોવાઈ ગઈ.’ કૉન્સ્ટેબલે તેને લૉકઅપમાં નાખીને દરવાજો બંધ કરી દીધો.
‘ખોવાઈ ગઈ?’ ઇન્સ્પેક્ટર હસી પડ્યો, ‘પેન્સિલ છે? ઢીંગલી છે? બાઈ જેવી બાઈ ખોવાઈ ગઈ? માણસ જુઠ્ઠું બોલે પણ ગળે ઊતરે એવાં ગપ્પાં મારે. આખી કરીઅરમાં આવી સ્ટોરી પહેલી વાર સાંભળી.’ બેય કૉન્સ્ટેબલ પણ હસી પડ્યા.
અચ્યુત જાળી પકડીને બૂમો પાડતો રહ્યો, ‘તેને પૂરી દીધી હશે એ રાક્ષસે. તમે મને પકડી રાખશો તો અક્ષરા ક્યારેય નહીં મળે.’ લૉકઅપમાં બેઠેલો અચ્યુત રડતો રહ્યો. તેની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. તે જે કંઈ કહી રહ્યો હતો એ અક્ષરશઃ સત્ય હતું; પણ આ એવું સત્ય હતું જે કોઈને સમજાય એમ નહોતું, કોઈને ગળે ઊતરે એમ નહોતું.
આંખો બંધ કરીને મૂક રડી રહેલા અચ્યુતની નજર સામે અક્ષરાની તસવીરો, તેની આંખો, સ્મિત અને ઊડતા વાળ દેખાવા લાગ્યાં. અક્ષરા અને અચ્યુતનાં લગ્નને બે વર્ષ થવા આવ્યાં હતાં. નાની-મોટી દલીલો સિવાય ઝઘડા કે મનદુઃખ જેવું કંઈ, ક્યારેય થયું નહોતું. અચ્યુત અને અક્ષરા વચ્ચે ઉંમરનો દોઢ દાયકાનો તફાવત હતો એટલે અચ્યુત સામાન્ય રીતે અક્ષરાને બાળકની જેમ જ પૅમ્પર કરતો. આ ઉંમરે આવેલી યુવાન અને સુંદર પત્ની પામીને તે ધન્ય હતો ને માટે જ શક્ય હોય ત્યાં સુધી અક્ષરાને નારાજ ન જ કરતો! અક્ષરા પણ જાણતી હતી કે પોતે અચ્યુતની વીકનેસ-નબળી કડી હતી. સમય-સમયાંતરે પોતાનું ધાર્યું કરાવવા માટે તે પણ પોતાનું ટ્રમ્પ-કાર્ડ વાપરતાં અચકાતી નહીં...
અક્ષરા માટે અચ્યુતને પીગળાવવો એ રમતવાત હતી. આ વાતની અક્ષરાને તો બરાબર જાણ હતી જ, અને અચ્યુત પણ આ સ્વીકારતો.
લૉકઅપના સળિયા પકડીને ઊભેલો અચ્યુત હજી થોડા દિવસ પહેલાં જ બનેલી ઘટના યાદ કરી રહ્યો હતો.
તે લૉકઅપમાં નહીં, જાણે પોતાના બેડરૂમમાં હોય એમ તેને અક્ષરાના શરીરની સુગંધ અહીં, લૉકઅપમાં પણ અનુભવાઈ!
‘અક્ષ...’ ઘસઘસાટ ઊંઘતી અક્ષરાના ચહેરા પર આવી ગયેલી લટ ખસેડીને અચ્યુતે તેના ગાલ પર ચુંબન કર્યું. અક્ષરા સહેજ હલી, પણ તેની ઊંઘ ઊડી નહીં. અચ્યુતે તેના બન્ને હાથ અક્ષરાના શરીરની આસપાસ લપેટીને તેને ભીંસી દીધી.
‘અંમમમ...’ અક્ષરાએ ઉદ્ગાર કાઢ્યો, ‘શું છે?’
‘હું નીકળું છું.’ અચ્યુતે કહ્યું. અક્ષરાએ તેની લાંબી પાંપણોવાળી સુંદર આંખો ઉઘાડી. તેની રાખોડી કીકીમાં અચ્યુતનું પ્રતિબિંબ દેખાયું. અક્ષરા ઊંઘરેટી હતી. તેણે અચ્યુતના ગાલ પર હળવું ચુંબન કરીને ફરી આંખો મીંચી દીધી. અચ્યુતે કહ્યું, ‘સાત વાગ્યા છે. આઇ હૅવ અ લૉન્ગ ડે.’ અક્ષરા બંધ આંખે સાંભળી રહી હતી, ‘ચલને, ઊઠ! તો તારી સાથે બ્રેકફાસ્ટ કરીને નીકળું.’
‘હંમમ.’ અક્ષરાએ આંખો ઉઘાડ્યા વગર જ કહ્યું. તેના ગૂંચળાવાળા લાંબા અને ભરાવદાર વાળથી તેની પીઠ ઢંકાઈ ગઈ હતી. અચ્યુતે તેના વાળ હટાવ્યા, લીસી આરસપહાણ જેવી સફેદ બેદાગ પીઠ પર એક ઊડતા પતંગિયાનું ટૅટૂ અતિશય આકર્ષક લાગી રહ્યું હતું. અચ્યુતે એ ટૅટૂ પર પોતાના હોઠ ઘસ્યા, ‘અંમમમ!’ અક્ષરાએ ફરી ઉદ્ગાર કાઢ્યો! ઘડિયાળમાં સાત ને પચીસ થઈ હતી. હવે નાહવા ન જાય તો તે સાડાઆઠે નીકળી નહીં શકે! સમયનો પાબંદ, મહેનતુ અચ્યુત ગોહિલ રોજ શાર્પ સાડાનવ વાગ્યે ઑફિસમાં પ્રવેશ કરતો. તેને જોઈને લોકો ઘડિયાળ મેળવતા. મોડું કરવાનું તેને પોસાય તેમ નહોતું.
સાવ સ્ક્રૅચથી તેણે પોતાની જિંદગી શરૂ કરી હતી. તેના પિતા વિજયકુમાર ગોહિલ એક કંપનીમાં ક્લર્ક હતા. તેમણે જિંદગીના સાડાત્રણ દાયકા એક જ કંપનીને આપ્યા, પરંતુ હાર્ટ-અટૅક આવ્યો ત્યારે કંપનીમાં નવા આવેલા મૅનેજિંગ ડિરેક્ટરે તેમને છૂટા કરી દીધા. સાવ નજીવી પેન્શનમાં જિંદગી ઢસડી રહેલા વિજયકુમારના દીકરા અચ્યુત ગોહિલે તેમના ગ્રૅચ્યુઇટી ફન્ડમાંથી નાનકડું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે મુંબઈ સહિત ભારતનાં આઠ શહેરોમાં અને સિંગાપોર, થાઇલૅન્ડ, મલેશિયા અને બાલીમાં તેનાં ક્લાઉડ કિચન્સ હતાં. ‘મૉમ્સ મૅજિક’ નામની આ ક્લાઉડ કિચનની ચેઇન હવે ભારતનાં અગ્રગણ્ય સ્ટાર્ટઅપમાં એક ગણાતી હતી. ગૃહિણીઓને કામ આપવાની સાથે-સાથે જુદાં-જુદાં શહેરોમાં કામ કરતા યંગ કૉર્પોરેટ્સ અને એકલા રહેતા વૃદ્ધોને ઘર જેવું ભોજન પ્રોવાઇડ કરતું આ સ્ટાર્ટઅપ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું એક ઉદાહરણ બની ગયું હતું. સ્વયં પ્રાઇમ મિનિસ્ટરે ‘મન કી બાત’માં ‘મૉમ્સ મૅજિક’નો ઉલ્લેખ કરીને અચ્યુત ગોહિલનો દાખલો આપ્યો હતો. અચ્યુત ગોહિલ આજે ઇન્સ્પાયરિંગ સ્ટાર્ટઅપ ઓનર હતો. ‘ફૉર્બ્સ’, ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’ અને ‘ઇન્ડિયા ટુડે’માં અચ્યુત ગોહિલની તસવીરો છપાઈ ચૂકી હતી.
૩૮ વર્ષની નાની ઉંમરે જુહુમાં નાઇન્થ રોડ પર ડુપ્લેક્સ ફ્લૅટ, વૈભવી ગાડીઓ અને અદ્ભુત જીવનશૈલીથી આકર્ષાઈને અનેક છોકરીઓ અચ્યુત સાથે લગ્ન કરવા આતુર હતી, પરંતુ તે પોતાની મા પ્રેમલતા ગોહિલની પસંદગીથી અક્ષરા સાથે પરણ્યો હતો. ૩૮ વર્ષનો અચ્યુત ગોહિલ અને ૨૪ વર્ષની અક્ષરા એક આઇડિયલ કપલ હતાં એવું તેમના મિત્રો, તેમનો સ્ટાફ અને તેમના બિલ્ડિંગમાં વસતા સહુ માનતા.
અચ્યુત છ ફીટ બે ઇંચ ઊંચાઈ ધરાવતો વેલબિલ્ટ ફિટનેસ ફ્રીક હતો. ટાઢ, તાપ, તડકો કે વરસાદ હોય પણ અચ્યુત વર્કઆઉટ કૅન્સલ કરે એવું કદી બને જ નહીં. તેણે પોતાના ઘરમાં અદ્યતન જિમ બનાવ્યું હતું. સવારે સાડાછ વાગ્યે અચ્યુત તેના જિમમાં હોય જ! અક્ષરા લેઝી અને ઈઝી છોકરી હતી. તેનાથી કદી વહેલા ઉઠાતું નહીં. અચ્યુત સાડાઆઠે ઑફિસ જવા નીકળે પછી છેક દસ-સાડાદસે અક્ષરા જાગતી. રોજ સવારે અક્ષરા સાથે બ્રેકફાસ્ટ કરવાનું આકર્ષણ અચ્યુતને હંમેશાં રહેતું પણ અક્ષરાની
બ્યુટી-સ્લીપ દસ વાગ્યા પહેલાં પૂરી થતી જ નહીં.
લૉકઅપનું અંધારું, માથું ફાડી નાખે એવી ભયાનક વાસ અને અક્ષરાની ચિંતાથી બેચેન અચ્યુત આંટા મારી રહ્યો હતો.
તેને અક્ષરા સાથે વિતાવેલી દરેક પળ યાદ આવી રહી હતી. એ દિવસ... એ સવાર... અચ્યુતના મનમાં ફરી એક વાર એ સ્મૃતિ સળવળી!
અચ્યુત થોડી વાર અક્ષરા સામે જોઈ રહ્યો. આ ‘સ્લીપિંગ બ્યુટી’ને છોડીને જતાં અચ્યુતને અફસોસ થયો, પણ શું થાય! ડ્યુટી કૉલિંગ. તેણે માથું હલાવીને મનમાં ચાલી રહેવા વિચારોને ખંખેરી કાઢવાનો પ્રયાસ કર્યો. ઊંધી સૂતેલી અક્ષરાના ગાલ, તેની બંધ આંખો, પીઠ પર ફેલાયેલા વાળ, પતંગિયાનું ટૅટૂ... બધું કુલ મળીને એટલું આકર્ષક લાગતું હતું કે અચ્યુત પોતાની જાતને રોકી શક્યો નહીં. તેણે અક્ષરાના ગાલ પર ફરી એક ચુંબન કર્યું. અર્ધજાગ્રત અક્ષરાએ તેના ગોરા, કોમળ બાહુપાશમાં અચ્યુતને પકડી લીધો. અક્ષરાના શ્વાસ અચ્યુતના હોઠ પર, ગળા પર સ્પર્શી રહ્યા હતા. તે ધીરે-ધીરે અક્ષરાના વશમાં પીગળી રહ્યો હતો. છતાં તેણે કહ્યું, ‘નૉટ નાઓ, બેબી.’ પૂરા સંયમથી છૂટવાનો પ્રયાસ કર્યો. અક્ષરાની પકડ વધુ મજબૂત થઈ. તેણે અચ્યુતના હોઠ પર હોઠ મૂકી દીધા. અચ્યુતનું તંગ શરીર ઢીલું થઈ ગયું. અક્ષરાએ તેને પલંગમાં ખેંચ્યો, પોતે તેની ઉપર રેશમી ચાદરની જેમ પથરાઈ ગઈ. અચ્યુતે કાંડામાં બાંધેલી ઘડિયાળ જોઈ. તેનું મગજ અત્યારે ઑફિસમાં પોતે બોલાવેલી સેલ્સ સ્ટાફની મીટિંગમાં અટવાયું હતું, પરંતુ અક્ષરાનો મૂડ કંઈ જુદો જ લાગતો હતો!
‘વૉટ ઇઝ ધિસ અક્ષ?’ છૂટવાનો પ્રયત્ન કરી રહેલા અચ્યુતે જરા ચીડમાં કહ્યું.
‘ધિસ ઇઝ માય વે ઑફ ટેલિંગ યુ, ધૅટ આઇ લવ યુ...’ અક્ષરાએ તેની ચીડ કે અકળામણ ધ્યાનમાં લીધા વગર જ તેને વધુ નજીક ખેંચ્યો. અક્ષરાની આંગળીઓ અચ્યુતના ટ્રૅકની ઝિપ સુધી પહોંચી ગઈ. અચ્યુત સહેજ ધક્કો મારીને ઊભો થઈ ગયો. તેણે બાથરૂમમાં જઈને શાવર ચાલુ કર્યો. અચ્યુતના શરીર પર બૉડી-વૉશના ફીણ રેલાતા હતા ત્યાં જ તેના શરીર પર બે કોમળ હથેળીઓ ફરવા લાગી. તેણે પાછળ ફરીને જોયું. અક્ષરાના શરીર પર સૅટિનની નાઇટી ચીપકી ગઈ હતી. ગોરી ત્વચા પર અટકી ગયેલાં પાણીનાં ટીપાં બાથરૂમની લાઇટમાં મોતીની જેમ ચમકતાં હતાં. નાઇટીના ગળા પરની લેસ ભીંજાવાથી તંગ થઈ ગઈ હતી. અક્ષરાના ચહેરા, ગળા અને આખા શરીર પર થઈને શાવરનું પાણી સડસડાટ વહી રહ્યું હતું. અચ્યુતે તેને બે હાથમાં લપેટી લીધી. બાથરૂમની ફર્શ પર અક્ષરાનું શરીર, અચ્યુતના વેલબિલ્ટ શરીર નીચે ઢંકાઈ ગયું. અચ્યુતની લીસી, સપાટ પીઠ પર પડતાં પાણીનાં ટીપાં ફર્શ પર સરકતાં રહ્યાં. થોડીક ક્ષણો પછી જ્યારે અચ્યુત ઊભો થયો ત્યારે અક્ષરાના ચહેરા પર વિજયનો અનોખો આનંદ હતો ને અચ્યુતને ફરી એક વાર મોડું થઈ ગયાનો અફસોસ.
અક્ષરા ઊભી થઈ, તેણે રૅક પરથી ટૉવેલ લીધો, ચહેરો લૂછ્યો. શરીર પર ચીપકેલી નાઇટી ઉતારી નાખી. ટૉવેલ લપેટીને તે વૉક-ઇન વૉર્ડરોબ તરફ ચાલી ગઈ.
અચ્યુતે ઘડિયાળ જોઈ, ‘અરે!’ પ્રેમની રમતમાં એક કલાક વીતી ગયો હતો. તેણે બહાર નીકળીને પોતાનો ફોન જોયો. સેલ્સ ટીમના હેડ તરફથી પાંચ મિસ્ડ કૉલ હતા. અચ્યુતને સહેજ ગુસ્સો આવ્યો, ‘પોતે તો કામ કરતી નથીને, મને... ય રોજ મોડું કરાવે છે!’ તેણે અરીસામાં જોયું. ગળા પર અક્ષરાએ બનાવેલું લવ બાઇટ ચોખ્ખું દેખાતું હતું. અચ્યુત સહેજ અચકાયો. તેણે સ્કાર્ફ લઈને ગળામાં લપેટ્યો, ‘આ પ્રદર્શન જરાય નથી ગમતું મને.’ તેણે કહ્યું.
બાજુના અરીસામાં ઊભી રહી પોતાની જાતને જોઈ રહેલી અક્ષરાના ચહેરા પર સ્મિત હતું. જાણે પોતાની મિલકતની કોઈ વસ્તુ પર માલિકી-હક પ્રસ્થાપિત કર્યો હોય એવી નજરથી તેણે અચ્યુત સામે જોયું, ‘વૉટ ઇઝ યૉર પ્રૉબ્લેમ? લોકોને તો પોતાની પત્ની આવો વાઇલ્ડ પ્રેમ કરે છે એ સૌને દેખાડવું હોય છે... ને એક તું છે, જુનવાણી! અંકલ!’ અચ્યુતે અરીસામાં દેખાતા પોતાના બે-ચાર સફેદ વાળ તરફ જોયું. તેને આ વાત હંમેશાં ચુભતી. અક્ષરા પણ જાણતી હતી કે ઉંમરના તફાવતનો ટૉન્ટ હંમેશાં ધાર્યું નિશાન પાડી શકતો. ૧૪ વર્ષનો તફાવત શરૂઆતમાં નહોતો નડતો, પણ હવે નાની-નાની વાતોમાં આ તફાવત દેખાઈ આવતો. અક્ષરા પણ આ તફાવત યાદ કરાવવાની તક છોડતી નહીં! તે ફરી પાછી અચ્યુતને લપેટાઈ, ‘વન્સ મોર?’ તેની રાખોડી આંખોમાં આમંત્રણ હતું.
‘નો મોર.’ અચ્યુત તેને રીતસર હડસેલીને બહાર નીકળી ગયો. અક્ષરાને હસવું આવી ગયું. તે અરીસામાં પોતાની કાયાને જોતી રહી. બાથરૂમમાંથી નીકળેલી અક્ષરાના શૅમ્પૂ અને બૉડી-સ્પ્રેની સુગંધ આખા બેડરૂમમાં પ્રસરી ગઈ હતી. ભીના વાળ સાથે અક્ષરાએ અરીસામાં પોતાનો ચહેરો જોયો. અક્ષરા પોતે જ પોતાની સૌથી મોટી ફૅન હતી! અરીસામાં પોતાને કલાકો જોવી એ તેનું મનપસંદ કામ હતું. ને અક્ષરા હતી પણ બેહદ ખૂબસૂરત! વ્યવસ્થિત ચીતરી હોય એવી ભ્રમર, રાખોડી, ઊંડી આંખો, સુરેખ નાક, સપ્રમાણ હોઠ અને ચિબુક પર પડતો ઊંડો ખાડો. ગોરી, ગુલાબી કહી શકાય એવી ત્વચા અને ભરાવદાર ગૂંચળાવાળા વાળ. અક્ષરા પોતાના પર જ મુગ્ધ થઈ ગઈ. તેણે અરીસામાં જોઈને આંખ મારી, ‘યુ લુક સુપર, સ્વીટી!’ પોતાની જાતને જ કહ્યું. ઉતાવળમાં બહાર જઈ રહેલા અચ્યુતને તેણે સ્મિત સાથે પૂછ્યું, ‘જાનુ... બ્રેકફાસ્ટ?’ અચ્યુતે ઘડિયાળ જોઈ, મોડું થઈ ગયાના ફ્રસ્ટ્રેશનમાં ડોકું ધુણાવ્યું. તે ઉતાવળમાં બહાર નીકળી ગયો. અક્ષરા આરામથી તૈયાર થતી રહી. આ લગભગ દર અઠવાડિયે એકાદ વાર બનતી ઘટના હતી. અક્ષરાએ અચ્યુતના ગયા પછી બૂમ મારી, ‘મીના... મારી કૉફી!’ હવે અક્ષરાનું મૉર્નિંગ રૂટીન, સ્કિન-કૅર અને દિવસ શરૂ થતાં હતાં. પાર્લર, મૉલ, કિટી અને સોશ્યલાયઝિંગમાં તેનો દિવસ પૂરો થઈ જતો.
અચ્યુત ખૂબ મહત્ત્વાકાંક્ષી હતો. મિડલ ક્લાસમાંથી ઉપર આવ્યો હતો એટલે પૈસાની કિંમત અલગ હતી તેના માટે!
લગ્નની શરૂઆતના દિવસોમાં અક્ષરાના શોખ પૂરા કરવામાં, તેની પાછળ ખર્ચા કરવામાં અચ્યુતને મજા આવતી પણ
ધીમે-ધીમે અચ્યુતને આ બધાં ફાલતુ ખર્ચ અને લાઇફસ્ટાઇલ કઠવા લાગ્યાં હતાં.
અચ્યુત સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધી ઑફિસમાં રહેતો. લગ્ન પછી તરત જ વિદેશોમાં ઑફિસ શરૂ કરી હોવાને કારણે ખૂબ પ્રવાસ પણ રહેતો. અક્ષરા શરૂઆતમાં સાથે જતી, પણ અચ્યુત તો ઑફિસમાં જ રહેતો એટલે તેણે કંટાળીને સાથે જવાનું બંધ કર્યું હતું. અક્ષરાના ‘ટાઇમપાસ’ શૉપિંગ વિશે અચ્યુતના વાંધાવચકા પણ સાથે વિદેશ નહીં જવાનું કારણ જ હતા.
છેલ્લા ઘણા સમયથી બન્ને વચ્ચે અચ્યુતની વ્યસ્તતા અને અક્ષરાને સમય ન આપવા વિશે દલીલો થવા લાગી હતી.
આજે પણ અચ્યુતને નીકળતાં મોડું થઈ ગયું. તેણે આખો દિવસ અક્ષરાના ફોન ઉપાડ્યા નહીં, મેસેજના જવાબ આપ્યા નહીં. અક્ષરા માટે તો સવારનો રોમૅન્સ એક રમત જ હતી પણ અચ્યુત જેવા વર્કોહોલિક માટે મોડા પહોંચવાનું, ટીમને રાહ જોવડાવવાનું ગિલ્ટ તેને દિવસભર સતાવતું રહ્યું.
એ રાત્રે અચ્યુતને પાછા ફરતાં ૧૦ વાગી ગયા. જમતી વખતે અક્ષરાએ રીતસર ઝઘડો શરૂ કર્યો, ‘તું આખો દિવસ ઑફિસમાં વિતાવે છે. દુનિયાના બધા પુરુષો પૈસા કમાય છે, પણ કોઈ તારી જેમ વાઇફને ઇગ્નૉર નથી કરતું...’ અચ્યુત એક પણ અક્ષર બોલ્યા વિના જમતો રહ્યો, ‘હું તને કહી દઉં છું. જો હવે આ વર્ષે આપણે વેકેશન પર નહીં જઈએ તો હું તને ડિવૉર્સ આપી દઈશ.’ અચ્યુત કશું જ બોલ્યો નહીં. એ રાત્રે અક્ષરા તકિયો ઉપાડીને ગેસ્ટરૂમમાં ચાલી ગઈ. તે જાગી ત્યારે અચ્યુત ઑફિસ ચાલ્યો ગયો હતો.
અક્ષરા બૅગ ભરીને તેની મમ્મીને ત્યાં ચાલી ગઈ...
અચ્યુત ઘરે આવ્યો ત્યારે અંધારામાં ડૂબેલું ઘર ખાલી હતું. ટેબલ પર એક ચિઠ્ઠી હતી, ‘મને ડિવૉર્સ આપી દે. પૈસા કમાયા કર. પછી નોટોની થપ્પી પાથરીને એને જ વળગીને સૂઈ જજે.’
લૉકઅપમાં બેઠેલા અચ્યુતનું ગળું ભરાઈ આવ્યું. અક્ષરા સાવ ખોટી નહોતી. અત્યારે તેનું મન વીતેલા દિવસોના આનંદ અને અફસોસ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યું હતું.
(ક્રમશઃ)


