Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > માઝગાવના આ ગાર્ડનની નીચે છુપાયો છે ૧૪૨ વર્ષ જૂનો ઇતિહાસ

માઝગાવના આ ગાર્ડનની નીચે છુપાયો છે ૧૪૨ વર્ષ જૂનો ઇતિહાસ

Published : 18 July, 2026 06:48 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ભંડારવાડા ટેકરી પર આવેલું જોસેફ બાપ્ટિસ્ટા ગાર્ડન બહારથી સામાન્ય જાહેર બગીચો લાગે છે, પરંતુ એની નીચે બ્રિટિશકાળમાં બનેલું વિશાળ ભૂગર્ભ જળાશય આજે પણ કાર્યરત છે અને પૂર્વ મુંબઈના પાણીપુરવઠામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે

ગાર્ડનમાં વિઝિટ કરવાનો સમય : સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ચારથી ૯ વાગ્યા સુધી.

ગાર્ડનમાં વિઝિટ કરવાનો સમય : સવારે પાંચથી ૧૧ વાગ્યા સુધી અને સાંજે ચારથી ૯ વાગ્યા સુધી.


હિના પટેલ
feedbackgmd@mid-day.com
મુંબઈમાં કેટલીક જગ્યાઓ એવી છે જે બહારથી સામાન્ય દેખાય છે, પરંતુ એમની અંદર ઇતિહાસનાં અનેક રહસ્યો છુપાયેલાં હોય છે. માઝગાવની ભંડારવાડા ટેકરી પર આવેલું જોસેફ બાપ્ટિસ્ટા ગાર્ડન પણ આવી જ એક ઐતિહાસિક જગ્યા છે. બાળકોનાં રમવાનાં સ્થળ અને હરિયાળી તથા વિશ્વપ્રસિદ્ધ સ્મારકોનાં મિની મૉડલ્સ માટે જાણીતું આ ગાર્ડન માત્ર મનોરંજનનું સ્થળ નથી, એની નીચે બ્રિટિશકાળમાં બનેલું ૧૪૨ વર્ષ જૂનું ભૂગર્ભ જળાશય આજે પણ મુંબઈના લાખો લોકો સુધી પાણી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ગાર્ડનનો ઇતિહાસ માઝગાવ ફોર્ટથી લઈને મુંબઈના પાણી-વ્યવસ્થાપન અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલો છે.
ગાર્ડનનો ઇતિહાસ
આ ગાર્ડનનું નિર્માણ ૧૮૮૦થી ૧૮૮૪ દરમ્યાન કરવામાં આવ્યું હતું, પણ એના તાર સત્તરમી સદી સાથે જોડાયેલા છે. માઝગાવ ફોર્ટ સત્તરમી સદી એટલે કે લગભગ ૧૬૮૦માં બ્રિટિશરો દ્વારા બાંધવામાં આવ્યો હતો. આ કિલ્લો માઝગાવની ભંડારવાડા ટેકરી પર બાંધવામાં આવ્યો હતો. મુંબઈમાં વેપાર કરતા બ્રિટિશરોને સીદીઓ અને મરાઠાઓ‌નાં સંભવિત આક્રમણોથી બચાવવા અને દરિયાઈ માર્ગે આવતા દુશ્મનો પર ચાંપતી નજર રાખવા માટે વૉચ ટાવર તરીકે આ કિલ્લો બાંધવામાં આવ્યો હતો. જોકે ૧૬૮૯માં મુસ્લિમ સીદી સેનાપતિ યાકુત ખાન દ્વારા આ કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો. એના સ્થાને હાલમાં BMC સંચાલિત જોસેફ બાપ્ટિસ્ટા ગાર્ડન આવેલું છે. 
આ ગાર્ડનના નિર્માણ પાછળ પણ રસપ્રદ માહિતી છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મુંબઈ શહેરમાં પીવાના પાણીની ભારે તંગી ઊભી થઈ. આ સમસ્યાના ઉકેલ માટે તત્કાલીન સિવિક પ્રશાસને ભંડારવાડા ટેકરીને પાણીના સંગ્રહ માટે પસંદ કરી. જમીનથી લગભગ ૩૨ મીટર ઊંચાઈ પર આવેલી આ ટેકરી રિઝર્વોયર બનાવવા માટે યોગ્ય માનવામાં આવી, કારણ કે ઊંચાઈ અને વિશાળ સપાટી બન્ને પાણીના સંગ્રહ અને વિતરણ માટે મહત્ત્વપૂર્ણ હતાં. આ કારણે ભંડારવાડા હિલની પસંદગી કરવામાં આવી. મુંબઈના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર જૉન હ્યુ ગ્રાન્ટ (જેમનો કાર્યકાળ ૧૮૭૭-૧૮૮૧ હતો)ના નિર્દેશન હેઠળ ૧૮૮૦થી ૧૮૮૪ દરમ્યાન અહીં એક વિશાળ ભૂગર્ભ જળાશય બનાવવામાં આવ્યું. આ જળાશયની પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ૨૦ મિલ્યન ઇમ્પીરિયલ ગૅલન એટલે કે અંદાજે ૯૦.૯ મિલ્યન લીટર છે. આ જળાશયની બરાબર ઉપર ૧.૫ એકર વિસ્તારમાં એક સુંદર જાહેર બગીચો બનાવવામાં આવ્યો, જેનું નામ કમિશનરના નામ પરથી જૉન હ્યુ ગ્રાન્ટ પાર્ક રાખવામાં આવ્યું હતું. આજે પણ ભંડારવાડા હિલની નીચે આવેલું આ ઐતિહાસિક ભૂગર્ભ જળાશય મુંબઈની પાણી વિતરણ-વ્યવસ્થાનો મહત્ત્વનો ભાગ છે. આ જળાશય મુંબઈના E વૉર્ડમાં પાણી પૂરું પાડે છે. એમાં માઝગાવ, ભાયખલા, આગ્રીપાડા, નાગપાડા, ડૉક્યાર્ડ રોડ, રે રોડ જેવા વિસ્તારોનો સમાવેશ છે. 
કોણ હતા જોસેફ બાપ્ટિસ્ટા?
માઝગાવના આ ગાર્ડનને પ્રખ્યાત સ્વતંત્રતાસેનાની અને રાષ્ટ્રવાદી નેતા જોસેફ બાપ્ટિસ્ટાના માનમાં નામ આપવામાં આવ્યું છે. જોસેફ બાપ્ટિસ્ટાનો જન્મ ૧૮૬૪ની ૧૭ માર્ચે માઝગાવના માથરપાકાડી વિસ્તારમાં થયો હતો. તેઓ આ જ વિસ્તારના વતની હોવાથી ૧૯૪૭માં ભારત આઝાદ થયા બાદ બ્રિટિશ નામ બદલીને આ સ્થાનિક હીરોના નામે ગાર્ડનનું નામ રાખવામાં આવ્યું. તેઓ વ્યવસાયે બૅરિસ્ટર અને સિવિલ એન્જિનિયર હતા અને લોકમાન્ય બાળ ગંગાધર ટિળકના ખૂબ જ નજીકના સાથીદાર હતા. ટિળકનો પ્રખ્યાત નારો ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ ઘડવામાં જોસેફ બાપ્ટિસ્ટાનો મોટો ફાળો હતો. તેઓ હોમરૂલ લીગના સ્થાપક સભ્યોમાંના એક હતા. હોમરૂલ લીગ એ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ રહીને જ ભારત માટે સ્વરાજ મેળવવાના હેતુથી શરૂ કરાયેલું એક રાષ્ટ્રીય આંદોલન હતું. તેઓ મુંબઈના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સક્રિય હતા અને બાદમાં ૧૯૨૫માં બૉમ્બેના મેયર પણ બન્યા હતા. બૉમ્બેના મજૂરો અને સામાન્ય લોકોના હક માટે લડતા હોવાથી લોકો તેમને આદરપૂર્વક કાકા તરીકે ઓળખતા હતા.
મિની વન્ડર્સ ઑફ વર્લ્ડ
આ ગાર્ડનમાં બાળકો માટેનો પ્લે-એરિયા, ઓપન જિમ, વૉકિંગ ટ્રૅક, બેસવા માટેની સરસ વ્યવસ્થા છે. બગીચાને પ્રવાસીઓ માટે વધુ આકર્ષક બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા અહીં વિશ્વપ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારકોનાં મિની મૉડલ્સ સ્થાપિત કરવામાં આવ્યાં છે. એમાં મોગલ સમ્રાટ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહલની યાદમાં આગરામાં બંધાવેલો તાજમહલ સામેલ છે. સાથે જ અહીં ફ્રાન્સના પૅરિસ શહેરની વૈશ્વિક ઓળખ સમાન આઇફલ ટાવરની રેપ્લિકા પણ જોવા મળે છે. આ ઉપરાંત ન્યુ યૉર્ક હાર્બરમાં આવેલી અને અમેરિકાની સ્વતંત્રતાની શતાબ્દીની ઉજવણી નિમિત્તે ફ્રાન્સ તરફથી ભેટસ્વરૂપે અપાયેલી સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીની પ્રતિકૃતિ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઇટલીના પીસા શહેરમાં આવેલા પ્રસિદ્ધ લીનિંગ ટાવર ઑફ પીસાનું મિની મૉડલ પણ મૂકવામાં આવ્યું છે. આ સાથે બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં કોર્કોવાડો પર્વત પર આવેલી આર્ટ ડેકો શૈલીની ભવ્ય પ્રતિમા ક્રાઇસ્ટ ધ રિડીમરની અદ્ભુત પ્રતિકૃતિ પણ અહીં જોવા મળે છે. ઉપરાંત ઇટલીના રોમ શહેરમાં આવેલું અને પ્રાચીન રોમન સામ્રાજ્યના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરતું વિશાળ ઍમ્ફી થિયેટર રોમન કૉલસિયમનું મિની મૉડલ પણ અહીં છે. અહીં મેક્સિકોના પ્રખ્યાત ચિચેન ઇત્ઝાના પિરામિડની પ્રતિકૃતિનો પણ સમાવેશ થાય છે. વિશ્વભરનાં આ પ્રખ્યાત ઐતિહાસિક સ્મારકોનાં મિની મૉડલ્સ ખાસ કરીને બાળકોમાં ઇતિહાસ અને સ્થાપત્ય પ્રત્યે કુતૂહલ જગાવે છે. સાથે જ ગાર્ડનમાં આવતા પ્રવાસીઓ માટે આ સ્થળ સેલ્ફી અને ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ લોકપ્રિય આકર્ષણ બની ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 06:48 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK