Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જૈન મહાત્માને અનોખી શ્રદ્ધાંજલિ

જૈન મહાત્માને અનોખી શ્રદ્ધાંજલિ

Published : 18 July, 2026 12:56 PM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપરમાં રોડ-અકસ્માતમાં કાળધર્મ પામેલા મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબની અધૂરી રહેલી ૩૨૫ ઉપવાસ તપની આરાધના કરીને આજે શ્રાવકો અને શ્રાવિકાઓ મુનિશ્રીના તપ, સંયમ અને સાધનામય જીવનને ભાવાંજલિ અર્પણ કરશે

કાળધર્મ પામેલા મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબ

કાળધર્મ પામેલા મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબ


ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર શનિવારે પાંચમી જુલાઈએ રોડ-અકસ્માતમાં કાળધર્મ પામેલા મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબની અધૂરી રહેલી ૩૨૫ ઉપવાસ તપની આરાધના કરીને આજે ઘાટકોપર-વેસ્ટના શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના નેજા હેઠળ શ્રાવકો અને શ્રાવિકાઓ મુનિ મહારાજસાહેબને અનોખી શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. 
આ બાબતની માહિતી આપતાં આચાર્ય પ્રેમસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શ્રી ભુવનભાનુસૂરી સમુદાયના જૈનાચાર્ય જયસુંદરસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબની અંતિમ સમયમાં ૧૬ મહિનાના ‘ગુણરત્નસંવત્સર તપ’ની આરાધના ચાલી રહી હતી. આ સુદીર્ઘ તપમાં પહેલા મહિને એકાંતરે ઉપવાસ, બીજા આખા મહિને બે ઉપવાસના પારણે બે ઉપવાસ, ત્રીજા આખા મહિને ત્રણ ઉપવાસના પારણે ત્રણ ઉપવાસ એમ ચોથા, પાંચમા એમ આગળ વધતાં ૧૬ ઉપવાસના પારણે ૧૬ ઉપવાસ કરવાના હોય છે. જોકે મુનિશ્રી આ આરાધનાની છઠ્ઠી બારીના પ્રારંભે પ્રથમ ૬ ઉપવાસના પચ્ચક્ખાણમાં જ રોડ-અકસ્માતમાં સમાધિપૂર્વક કાળધર્મ પામતાં તેમના ૩૨૫ ઉપવાસ પૂરા થઈ શક્યા નહોતા. તેમના ત્યાગ, સંયમ, તપસ્યા અને ધર્મપ્રચારના યોગદાનને આજે પણ શ્રદ્ધાભાવે યાદ કરવામાં આવે છે. આથી મુનિરાજશ્રીને અનોખી શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની અધૂરી રહેલી તપઆરાધનાની ભાવપૂર્ણ અનુમોદના કરવા માટે શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તરફથી શ્રાવકો અને શ્રાવિકાઓને આજે સામૂહિક ઉપવાસ કરવા માટે અપીલ કરવામાં આવી હતી.’

સંઘની અપીલને સમગ્ર ઘાટકોપરના જૈન સંઘોમાંથી જબરો પ્રતિસાદ મળ્યો હતો એમ જણાવતાં આચાર્યશ્રીએ કહ્યું હતું કે ‘ગઈ કાલથી કાળધર્મ પામેલા તપસ્વી મુનિરાજ શ્રી પ્રિયદર્શીવિજયજી મહારાજસાહેબના ગુણાનુવાદ અને તેમના સંયમમય જીવનની અનુમોદનાર્થે શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ દ્વારા ત્રિદિવસીય ગુણાનુવાદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંતર્ગત ગઈ કાલે બપોરે ચારિત્ર પદપૂજા ભણાવવામાં આવી હતી. આજે સંઘમાં સવારે ૯ વાગ્યે યોજાનારી ગુણાનુવાદ સભા સાથે સામૂહિક ઉપવાસનું આયોજન વિશેષ આકર્ષણ બનશે. મુનિશ્રી ૪૮૦ દિવસનું તપ કરી રહ્યા હતા જેમાં તેમને લગભગ ૪૧૦ ઉપવાસ કરવાના હતા, પરંતુ છઠ્ઠી બારીના પ્રારંભે જ તેઓ કાળધર્મ પામતાં તેમના ૩૨૫ ઉપવાસ બાકી રહી ગયા હતા જે આજે શ્રાવકો અને શ્રાવિકાઓ સમૂહમાં કરીને પૂરા કરી આપશે અને એના માધ્મયથી સંઘના ભાવિકો પૂજ્ય મુનિશ્રીને તેમના તપ, સંયમ અને સાધનામય જીવનને ભાવાંજલિ અર્પણ કરશે. આવતી કાલે સવારે નવ વાગ્યે શક્રસ્તવ અભિષેક યોજાશે.’


Whatsapp-channel Whatsapp-channel

18 July, 2026 12:56 PM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK