Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સ્કૂલો હોળીના બીજા જ દિવસે એક્ઝામ લેવાનું ટાળી ન શકે?

સ્કૂલો હોળીના બીજા જ દિવસે એક્ઝામ લેવાનું ટાળી ન શકે?

Published : 26 February, 2026 11:43 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

આજે બાળકો, તેમના પેરન્ટ્સ અને જાણીતા શિક્ષણવિદો સાથે માંડીએ આ વાતની ચર્ચા.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


આ વર્ષે હોળી ૧૦-૧૨ દિવસ વહેલી આવી ગઈ છે, જેને કારણે બાળકોની ફાઇનલ એક્ઝામ ચાલી રહી છે અને એની વચ્ચે હોળી આવવાની છે. દરેક સ્કૂલ બે પેપર વચ્ચે ગૅપ રાખતી જ હોય છે, પણ હોળી પછીના બીજા જ દિવસે લગભગ દરેક સ્કૂલે એમનું પેપર રાખ્યું છે. ઘણી સ્કૂલો તો એવી છે જેણે ચાહીને અઘરું પેપર રાખ્યું છે, જે દર્શાવે છે કે સ્કૂલોને તહેવારની પડી નથી. હોળી જેવો તહેવાર, જે બાળકો માટે આટલો ખાસ હોય છે, એમાં ૧-૨ દિવસનો ગૅપ રાખીને પેપર સેટ કરી શકાયું હોત; પણ એવું કેમ કરવામાં આવ્યું નથી? આજે બાળકો, તેમના પેરન્ટ્સ અને જાણીતા શિક્ષણવિદો સાથે માંડીએ આ વાતની ચર્ચા.

હોળીનો તહેવાર આ વર્ષે ૧૦-૧૨ દિવસ વહેલો આવી રહ્યો છે. ગયા વર્ષે હોળી ૧૪ માર્ચના હતી. મોટા ભાગની સ્કૂલોમાં પરીક્ષાઓ પતી ગઈ હતી એટલે છોકરાઓ ખૂબ સારી રીતે હોળી રમી શક્યા હતા. આ વખતે એવું ન થયું. બીજી તારીખે પ્રગટાવવાવાળી હોળી છે અને ત્રીજી તારીખે ધુળેટી. હજી પણ ઘણા લોકો માને છે કે ત્રીજી તારીખે હોળી પ્રગટશે અને ચોથીએ હોળી રમવાની છે. જોકે સ્કૂલોમાં રજા અને ઑફિશ્યલ જાહેર થયેલી રજા તો ત્રીજી તારીખની જ છે. એટલે કે ત્રણ તારીખે ધુળેટી રમવાની રજા આપવામાં આવી છે. ધુળેટી આમ તો બધાનો માનીતો તહેવાર છે, પણ સૌથી વધુ મજા બાળકોને આવે છે. હોળીની સૌથી મનગમતી યાદો દરેક વ્યક્તિ માટે બાળપણની જ હોય છે. મોટા થઈને પણ લોકો હોળી તો રમે છે પણ નાના હતા ત્યારે જેવી હોળી રમતા હતા એવી મજા મોટા થઈને આવતી નથી. પણ મોટા ભાગના છોકરાઓ આ વખતે હોળીની મજા માણી નહીં શકે. એનું કારણ છે કે હોળીના નેક્સ્ટ દિવસે એટલે કે ચોથી તારીખે એક્ઝામ છે. ઘણાં અભાગિયાં બાળકો તો એવાં છે જેમને હોળીના પછીના દિવસે મૅથ્સ, બાયોલૉજી કે સોશ્યલ સાયન્સ જેવાં અઘરાં પેપર્સ છે. આ એવા વિષયો છે જેમાં બાળકનું માથું પુસ્તકમાંથી ઊંચું ન થતું હોય. જો થતું પણ હોય તો મગજમાં એક્ઝામનો ભાર સતત રહેતો હોય એવું બને. એવામાં તે હોળી કઈ રીતે રમે? હોળી જેવા મહત્ત્વપૂર્ણ તહેવારની આજુબાજુ એક્ઝામ ગોઠવતી સ્કૂલો અને બોર્ડ્સ કેમ આટલી સામાન્ય બાબત સમજવા તૈયાર નથી કે એક દિવસ પેપર આગળ-પાછળ કરી શકાત. આમ પણ બે એક્ઝામ વચ્ચે અમુક દિવસનો ગૅપ તો આપવામાં આવે જ છે. તો જે એક્ઝામ ચોથી તારીખે લેવાના હતા એ પાંચમી કે છઠ્ઠી તારીખે લઈ શકાય. જો આટલી નાની બાબત તેમણે ધ્યાનમાં રાખી હોત તો બાળકો મન ભરીને ધુળેટી રમી શક્યાં હોત કારણ કે ધુળેટી રમ્યા પછી તેમની પાસે એક દિવસ તૈયારીનો બચત, પરંતુ સ્કૂલોને આ બાબતની પડી નથી એ દેખાય છે. આ બાબતે પેરન્ટ્સ અને બાળકોના શું પ્રતિભાવ છે એ જાણીએ. સમજવાની કોશિશ કરીએ કે બોર્ડ અને સ્કૂલોનું વિઝન શું હોય છે.



બે દિવસ મોડી એક્ઝામ ચાલે, પણ જો બાળકો હોળી નહીં રમે તો કઈ રીતે ચાલે?


કાંદિવલીમાં રહેતો ૧૪ વર્ષનો અનય ગાંધી નવમા ધોરણમાં છે અને ICSE બોર્ડમાં ભણે છે. તેની સ્કૂલમાં બીજી તારીખે એક્ઝામ છે અને ચોથી તારીખે બાયોલૉજી જેવું પેપર છે. અનયે બાયોલૉજી લીધું નથી પણ તેને પાંચમી તારીખે મૅથ્સનું પેપર છે. એ વિશે વાત કરતાં અનય કહે છે, ‘મને હોળી રમવાનો અઢળક શોખ છે. હોળી એક એવો તહેવાર છે જે ઊજવવાનું હું ક્યારેય ન છોડું, પરંતુ આ વર્ષે છોડવું જ પડશે કારણ કે મૅથ્સ જેવા પેપરમાં હું રિસ્ક ન લઈ શકું.’

એ વિશે વાત કરતાં તેનાં મમ્મી શ્વેતા ગાંધી કહે છે, ‘અનયને મૅથ્સમાં થોડી બીક લાગે છે. મેં તેને કહ્યું કે થોડી વાર રમી લેજે, પણ તેણે કહ્યું કે હું હોળી રમવા જઈશ તો બધું ભૂલી જઈશ, મારે નથી રમવું આ વખતે. હું વિચારી નથી શકતી કે અનય હોળી ન રમે. મને એવું છે કે બાળકોથી જ તહેવાર તહેવાર લાગે, એ લોકો તહેવાર નહીં ઊજવે તો કોણ ઊજવશે? એમાં પણ હોળી જેવો તહેવાર બાળકોને ન મળે એ ખરેખર દુઃખદ કહેવાય. એવું ન થઈ શકે કે હોળી પછી તરત અઘરું પેપર હોય અને એ લોકો એને બાજુ પર મૂકીને રમી લે. એવું બાળકો નાનાં હતાં ત્યારે કરતાં, પણ મોટા ધોરણમાં આવ્યા પછી એવું થતું નથી. સ્કૂલ અને બોર્ડે થોડું ધ્યાનમાં રાખવું જોઈતું હતું. બે દિવસ મોડી એક્ઝામ રાખો તો ચાલશે પણ જો બાળકો હોળી નહીં રમે તો કઈ રીતે ચાલે?’


સ્કૂલ્સ હોય કે બોર્ડ, તહેવારો વિશે તેઓ વિચાર કરતાં નથી

અંધેરીમાં રહેતી ૧૪ વર્ષની હિયા દામણીવાળા નવમા ધોરણમાં ભણે છે. તેને હોળીના બીજા દિવસે હિન્દીનું પેપર છે એટલે વધુ ચિંતા નથી. આ બાબતે હિયા કહે છે, ‘મને આદત છે. અમારી સ્કૂલમાં નવરાત્રિ હોય ત્યારે પણ એક્ઝામ હોય છે. તહેવારો અને એક્ઝામ દર વર્ષે ભેગાં થતાં જ હોય છે ત્યારે હું પહેલેથી તૈયારી કરવામાં માનું છું. મને તહેવારો સ્કિપ કરવા ગમતા નથી એટલે હોળી તો હું રમીશ.’

હિયાનાં મમ્મી પોતે શિક્ષિકા છે. સ્કૂલ અને બોર્ડ કઈ રીતે એક્ઝામના નિર્ણયો લે છે એ બાબતે વાત કરતાં સમીક્ષા દામણીવાળા કહે છે, ‘સ્કૂલો કે બોર્ડ માટે એક્ઝામને એક નિશ્ચિત સમયમાં પૂરી કરવી એ મુખ્ય ટાર્ગેટ હોય છે. તહેવાર આવે અને બાળકો એ ઊજવી શકે એ બાબતોને તેઓ કોઈ મહત્ત્વ નથી આપતા હોતા, પણ મેં મારા બાળકને એ રીતે તૈયાર કર્યું છે. એક્ઝામ દરમિયાન તહેવાર આવે એટલું જ નહીં, કંઈ પણ થઈ શકે. છેલ્લી ઘડીએ તૈયારી બાકી રાખવાની રીત ખોટી છે. જો તમે એ જ દિવસે બીમાર પડી ગયા તો કઈ રીતે પેપર આપશો? એટલે પરીક્ષાની તૈયારી પહેલેથી કરવી જરૂરી છે. સ્કૂલો પણ એ જ ઇચ્છે છે અને બોર્ડ પણ. બાળકો મોટાં થઈને કામ કરશે તો ત્યારે પણ તેમણે આ જ બધું સહન કરવાનું છે. તો અત્યારથી જ બે બાબતો પર ફોકસ કરવાનું તેમને આવડશે એવી હકારાત્મકતા સાથે આગળ વધી શકાય.’ 

બાળકો સંસ્કૃતિથી વિમુખ થતાં જાય જો તહેવારો ન ઊજવે તો

અંધેરીમાં રહેતો ૧૩ વર્ષનો દિવિત મહેતા આઠમા ધોરણમાં CBSE બોર્ડમાં છે જેને હોળી પછીના જ દિવસે સોશ્યલ સ્ટડીઝનું પેપર છે. એનો કોર્સ ખૂબ લાંબો છે. આગલા ચાર દિવસ રજા તો છે પણ હોળીના દિવસે રમીને થાકી જવાય, માંદા પણ પડી શકાય, આ ડરમાં કેવી રીતે બાળકને હોળી રમવા દેવાય? પરંતુ અમુક બાળકોનો હોળીપ્રેમ એક્ઝામના ડરથી ઘણો વધુ હોય છે. દિવિત એમાંનો એક છે. તે કહે છે, ‘મારે રવિવારે એક ફંક્શનમાં જવાનું છે પણ હું નહીં જાઉં કારણ કે પેપરની તૈયારી કરી લઈશ. જો હું ફંક્શનમાં ગયો તો નક્કી હોળી નહીં રમી શકાય. મારે હોળી રમવી છે એટલે કોઈ પણ રીતે હું તૈયારી કરી જ લઈશ.’

દિવિત વિશે વાત કરતાં તેનાં મમ્મી ભૈરવી મહેતા કહે છે, ‘હું માનું છું કે બાળકોએ તહેવાર તો ઊજવવા જ જોઈએ. એ પણ એક પ્રકારનું લર્નિંગ છે. બાળકો સંસ્કૃતિથી વિમુખ થતાં જાય જો તહેવારો ન ઊજવે તો. દિવિતને ચાર માર્ક્સ સોશ્યલ સ્ટડીઝમાં ઓછા આવશે તો ચાલશે પણ તે હોળી નહીં રમે તો મને નહીં ચાલે. સ્કૂલો બાળકોના સર્વાંગી વિકાસ વિશે નથી વિચારી રહી પણ માતા-પિતા તરીકે આપણે તો વિચારી જ શકીએ. ૧-૨ દિવસનું ઍડ્જસ્ટમેન્ટ સ્કૂલે કર્યું હોત તો સારું હતું પણ જ્યારે એ થયું નથી ત્યારે માતા-પિતાએ પોતાનું સ્ટૅન્ડ સ્ટ્રૉન્ગ કરવું જરૂરી છે. બાળકો તહેવારો મનાવે એ જરૂરી છે એટલે મારો દીકરો તો રમશે જ.’ 

બાળકના સર્વાંગી વિકાસમાં તહેવારોની ઉજવણી અતિ મહત્ત્વની છે : કવિતા સંઘવી, કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનનાં ડિરેક્ટર એજ્યુકેશન

તહેવારો બાળકમાં સંસ્કાર રેડે છે. એ બાળકને આપણી સંસ્કૃતિ સાથે જોડે છે. દરેક પરિવારની પોતપોતાની રીત હોય છે તહેવારો ઊજવવાની. આ બધી રીતભાતો આગલી પેઢીમાં ઊતરે એ જરૂરી છે. તહેવારો પહેલાં જેવા નથી ઊજવાતા, કારણ કે એની ઉજવણી માટે જે સ્પેસ જોઈએ એ આપણે ક્રીએટ નથી કરી રહ્યા. બાળકના સર્વાંગી વિકાસમાં તહેવારોની ઉજવણી અતિ મહત્ત્વની છે. ભણી-ભણીને અને એકઝામ્સ દઈ-દઈને જ બાળકનો વિકાસ થાય છે એ વાત ભૂલભરેલી છે.

આ વર્ષે જો એક્ઝામની તારીખો વચ્ચે હોળી આવી તો ૧-૨ દિવસનું ઍડ્જસ્ટમેન્ટ સ્કૂલોએ કરવું જોઈતું હતું. એ કરવું અઘરું નહોતું. હોળી પછીના જ દિવસે અઘરાં પેપર રાખવાં એ બિલકુલ યોગ્ય વાત ન કહી શકાય. એનો અર્થ જ એ કે તમે ઇચ્છતા નથી કે બાળક તહેવાર ઊજવે. હું માનું છું કે ભારતમાં તહેવારો ઘણા છે અને એ દરમિયાન બિલકુલ જ એક્ઝામ ન આવે એ ગોઠવવું પણ અઘરું છે, પણ જ્યાં કોઈ ગોઠવણ શક્ય હોય તો સ્કૂલના પ્રિન્સિપાલે એટલું તો વિચારવું જ જોઈએને. અહીં બોર્ડ એક્ઝામની વાત નથી. બોર્ડ એક્ઝામ તો નિશ્ચિત તારીખોમાં જ લેવી પડે. ૧૦-૧૨મા ધોરણમાં બાળક બે વર્ષ એક તહેવાર નહીં ઊજવે તો પણ ચાલે, પરંતુ બીજાં ધોરણોમાં ભણતાં બાળકો એક્ઝામ ખાતર હોળી ન ઊજવે એ બરાબર નથી.

જો ખરેખર બાળકોનું હિત આપણે ઇચ્છતા હોઈએ તો તેમને તહેવારોથી વંચિત ન રાખવાં જોઈએ : સ્વાતિ પોપટ વત્સ, પોદાર એજ્યુકેશન નેટવર્કનાં પ્રેસિડન્ટ

એક સ્કૂલનું કામ છે એના વિદ્યાર્થીઓને સારા નાગરિક બનાવવાનું. આજે જે સ્કૂલમાં ભણતર અપાઈ રહ્યું છે એ તેમને ફક્ત પુસ્તકિયા કીડા બનાવે અને એક્ઝામના પ્રેશર હેઠળ જીવનની મજા માણવાથી વંચિત રાખે તો એ સ્કૂલના ભણતરનો ફાયદો નથી. જો તમે ભારતની સ્કૂલમાં ભણો છો તો તમે એક સાચા ભારતીય બનીને બહાર આવો એ અપેક્ષા છે પણ જો તમને એમ શીખવાડવામાં આવે કે પરીક્ષા વધુ મહત્ત્વની છે અને તમારો તહેવાર ગૌણ છે તો એ પ્રકારની શિક્ષા યોગ્ય ન ગણી શકાય.

લૉજિક તો એ કહે છે કે હોળી જ શું કામ, દરેક તહેવારનું પોતાનું મહત્ત્વ હોય છે. અત્યારે રમજાન પણ ચાલે છે. તેમનાં બાળકો તો ઉપવાસ કરી રહ્યાં છે ત્યારે તેઓ કઈ રીતે પેપર આપે? પણ અહીં પ્રૅક્ટિકલ પ્રૉબ્લેમ એ છે કે એક મહિનાનો તહેવાર ઍડ્જસ્ટ કરવો અઘરો છે પણ એક કે બે દિવસ એક્ઝામ આગળ-પાછળ કરવી પડે તો એ શક્ય છે. ઊલટું એ તો કરી જ શકાત પણ તોય ઘણી સ્કૂલોએ કર્યું નથી, જે ખરેખર અફસોસની વાત છે. આ સ્કૂલો બાળકો માટે ઊંડાણપૂર્વક વિચારતી નથી એ સ્પષ્ટ છે. જો ખરેખર બાળકોનું હિત આપણે ઇચ્છતા હોઈએ તો તેમને તહેવારોથી વંચિત ન રાખવાં જોઈએ. 

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2026 11:43 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK