Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જાણી લો મા-દીકરાની આ જોડીએ શરૂ કરેલા અનોખા સ્ટાર્ટઅપ વિશે

જાણી લો મા-દીકરાની આ જોડીએ શરૂ કરેલા અનોખા સ્ટાર્ટઅપ વિશે

Published : 19 June, 2026 01:01 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજથી ૧૫ વર્ષ પહેલાં જ્યારે ભાગ્યે જ કોઈ ડિપ્સ વિશે એટલે કે સાદી ભાષામાં કહીએ તો વિવિધ સૅલડ અને રૅપ્સમાં ઉપયોગમાં લેવાતા થોડાક ઘટ્ટ એવા સૉસ વિશે જાણતું હતું ત્યારે ફ્રેશ અને હેલ્ધી ડિપ્સ લોકો સુધી પહોંચાડવાના આશય સાથે શરૂઆત કરી હતી સ્ટાર્ટઅપની

નીતા ગોકાણી દીકરા દર્શન સાથે

પૅશનપંતી

નીતા ગોકાણી દીકરા દર્શન સાથે


પેડર રોડમાં રહેતાં નીતા ગોકાણીએ પુત્ર દર્શન સાથે મળીને ‘મિસિસ જી ઍન્ડ સન’ની શરૂઆત કરી હતી જે આજ સુધી સફળતા સાથે ચાલી રહી છે

પોતાના પરિવારને બધું જ હેલ્ધી ખાવાનું મળે એટલે દરેકેદરેક આઇટમ ઘરે બનાવવાનો આગ્રહ રાખતાં પેડર રોડ પર રહેતાં નીતા ગોકાણીનો આ આગ્રહ ક્યારે તેમના જીવનનું પૅશન બની ગયું એની ખબર જ ન પડી. આ એ સમયની વાત છે જ્યારે ડિપ્સ એટલે કે જાત-જાતના ઘટ્ટ સૉસ ખાવાનું ચલણ ગણ્યાંગાંઠ્યાં ઘરોમાં હતું. નવો ટ્રેન્ડ ડેવલપ થઈ રહ્યો હતો જે કોવિડ પછી તો સોળેય કળાએ ખીલ્યો હતો. જોકે ૨૦૧૨માં એટલે કે આજથી લગભગ ૧૪ વર્ષ પહેલાં નીતાબહેનના ઘરમાં વિવિધ પ્રકારનાં ડિપ્સ નિયમિત બનતાં. તેમના ફ્રેન્ડ્સ અને ફૅમિલીમાં પણ તેમનાં હેલ્ધી ડિપ્સ પૉપ્યુલર હતાં. એમાંથી જ કોઈએ તેમને સુઝાવ આપ્યો કે ‘નીતા, તને આમ વારંવાર અમારા માટે ડિપ્સ બનાવવાનું કહેવાનો સંકોચ થાય છે. એના કરતાં તું જાતે જ એને બનાવીને વેચવાનું શરૂ કરી દે.’ એક ફ્રેન્ડના આ સુઝાવની વાત દીકરાને કરી અને શરૂ થઈ એક અનોખી બ્રૅન્ડ.



મમ્મી અને દીકરાની જોડી


ડિપ્સ બનાવવાની હેલ્ધી રીત મને આવડતી હતી, પરંતુ એને માર્કેટમાં લૉન્ચ કરવું એ બાબત અલગ હતી એમ જણાવીને નીતાબહેન કહે છે, ‘તમે એક બ્રૅન્ડ તરીકે કોઈ વસ્તુને પરિચિતોમાં કે દુકાનોમાં વેચવાનું શરૂ કરો ત્યારે એમાં માત્ર એનું મેકિંગ નહીં પણ બીજી ઘણી બાબતો મહત્ત્વની હોય છે. મારી ફ્રેન્ડ્સ દ્વારા વારંવાર નીતા, તું હવે આને વેચવાનું શરૂ કર એવું કહેવાતું ત્યારે આ એક ડરને કારણે જ હું અટકી જતી. જોકે એક વાર ઘરે આવીને દીકરાને વાત કરી અને પૂછ્યું કે તું મારી સાથે પાર્ટનરશિપ કરીશ. તો તે ખુશ થઈ ગયો. એમાં મારી દીકરી અને હસબન્ડનો પણ સપોર્ટ મળશે એવી ખાતરી તેમણે આપી એટલે નક્કી કર્યું કે હવે આ કામ પ્રોફેશનલી કરવું છે. એમાં દીકરીએ જ બ્રૅન્ડનેમ આપ્યું ‘મિસિસ જી ઍન્ડ સન’. જે સમયે આજ જેવી સ્ટાર્ટઅપની ચર્ચા નહોતી થતી ત્યારે મેં મારા દીકરા સાથે મળીને આ નાનકડું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. એ સમયે એક જ ગોલ હતો કે ટેસ્ટ સાથે ફ્રેશ અને હેલ્ધી ક્વૉલિટીની વસ્તુઓ લોકોને ખવડાવીએ. એ સમયે ડિપ્સ ઓછાં મળતાં અને જે મળતાં એમાં ભારોભાર કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ હતાં. મેયોનીઝ આજે પણ મોટા ભાગે અનહેલ્ધી અને પ્રોસેસ્ડ જ હોય છે. ત્યારે તો સ્થિતિ આજ કરતાં પણ બદતર હતી.’

શરૂઆત માત્ર ૩ વરાઇટીથી


અલપીનો ડિપ, સૂવાની ભાજીનું ડિપ, રોસ્ટેડ ટમેટો ઍન્ડ હર્બ્સ એમ ૩ ફ્લેવરથી શરૂઆત કરી હતી. આજે કુલ ૩૩ ફ્લેવર છે. એકેય પ્રોડક્ટમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ નહીં નાખવાનાં. નીતાબહેનનો દીકરો અને આ સ્ટાર્ટઅપનો કો-ફાઉન્ડર દર્શન કહે છે, ‘અમારા ઘરમાં પહેલેથી જ થોડીક ફૅન્સી આઇટમો વધારે બનતી. મોટા ભાગના ફૅમિલી-મેમ્બર્સ ડૉક્ટર્સ છે એટલે તેમની પાસેથી ખબર પડતી કે બહાર મળતી આઇટમોમાં કેવાં-કેવાં કેમિકલ્સ હોય છે એટલે મમ્મી ઘરે બનાવતી. મને પણ કુકિંગનો શોખ હતો એટલે હું મમ્મીને હેલ્પ કરતો. આ જ કારણ હતું કે આ સ્ટાર્ટઅપમાં મમ્મીએ મારો સપોર્ટ માગ્યો. એ સમયે હું એન્ટરટેઇનમેન્ટ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હતો. જોકે મમ્મીનો ઉત્સાહ જોઈને નક્કી કર્યું કે ચાલોને, ટ્રાય કરવામાં શું જાય છે. બ્રૅન્ડનું ગ્રાફિક ડિઝાઇનિંગનું કામ મારી સિસ્ટરે જોઈ લીધું. પપ્પા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે એટલે તેમણે ફાઇનૅન્સ અને હિસાબ-કિતાબ સંભાળી લીધા. હું અને મમ્મી પ્રોડક્ટ મૅન્યુફૅક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન જોઈ રહ્યાં હતાં. પહેલાં માત્ર રિલેટિવ્સ માટે બનાવતા, પણ પછી વિવિધ સ્ટોર્સમાં અપ્રોચ કર્યો અને પ્રોડક્ટ્સ ડિસ્પ્લેમાં મૂકી તો ત્યાંથી પણ અમને જોરદાર રિસ્પૉન્સ મળ્યો.’

દર બે મહિને નવી ફ્લેવર ઇન્ટ્રોડ્યુસ કરતાં નીતાબહેન કહે છે, ‘ઍવરેજ ૩૦૦ રૂપિયાથી શરૂ થતા અઢીસો ગ્રામના ડિપમાં ચંકી અલપીનો ઍન્ડ ચીઝ, સ્વીટ ચિલી રોસ્ટેડ ટમેટોઝ વિથ હર્બ્સ, સૉર ક્રીમ ઍન્ડ અન્યન, મિક્સ્ડ હર્બ્સ ઍન્ડ શેડર, વસાબી, ટ્રિપલ ચિલી ચીઝ, પેરી પેરી મૅજિક, ફ્રેશન બેસિલ ઍન્ડ ગાર્લિક, હની મસ્ટર્ડ ચિલી અને ડિપ્સની સાથે હવે આરાલોટ વિનાનો સ્ટ્રૉબેરી, મૅન્ગો, રોસ્ટેડ આમન્ડ, ચિયા રોઝ, રાજભોગ જેવી ફ્લેવર્સનો શ્રીખંડ પણ રાખીએ છીએ. એ સિવાય ફ્રેશ પેસ્તો, હમસ, સાલ્સા, ઠેચા પણ ફ્રેશ બનાવેલા હોય છે.’

સૌથી મોટો પડકાર

મા-દીકરાની જોડીના સ્ટાર્ટઅપને આટલાં વર્ષો થઈ ગયાં પછી પણ એક નિયમ પકડી રાખ્યો છે અને એ છે કે ક્વૉલિટી સાથે નો કૉમ્પ્રોમાઇઝ. દર્શન કહે છે, ‘આ નિયમ એ જ અમારા માટે પડકાર છે, કારણ કે અમે ઍડ્વાન્સમાં કોઈ પ્રોડક્ટ બનાવીને પ્રિઝર્વ નથી કરતા. જો બનાવ્યા પછી લાંબો સમય પ્રિઝર્વ કરવું હોય તો એમાં પ્રિઝર્વેટિવ્સ નાખવાં પડે જે અમારે નથી જ કરવું. અમે એક મિશન સાથે આ કામ શરૂ કરેલું, પ્રૉફિટ કમાવા માટે નહીં. આ જ કારણ છે કે બહુ દૂર-દૂર સુધી અમે ડિલિવરી પણ નથી કરી શકતા, કારણ કે ટ્રાન્સપોર્ટેશનમાં વધુ સમય જાય તો વસ્તુ બગડી શકે છે. ડીપ ફ્રિજમાં પણ અમુક સમય પછી એનો સ્વાદ બગડી જતો હોય છે. ફ્રેશનેસ સાથે ક્વૉલિટી મેઇન્ટેઇન કરીને ડિમાન્ડ પૂરી કરવી એ જ અમારા માટે સૌથી મોટો પડકાર છે. અમારાં બધાં જ ડિપ્સ ગાયના દૂધથી બનેલા દહીંથી બનેલાં હોય છે. એક પણ પ્રોડક્ટમાં મેયો, પિઝર્વેટિવ્સ કે આર્ટિફિશ્યલ કલર્સ નથી હોતા. ઑર્ડર આવે પછી જ બનાવવાનું. ઍડ્વાન્સમાં એક વસ્તુ ન બનાવીએ. અત્યાર સુધી અમારું કામ કોઈ પણ જાતની જાહેરખબર વિના માત્ર માઉથ-પબ્લિસિટીથી આગળ વધ્યું છે અને લોકોને અમારી વાનગી ભાવે છે એ માટે મળતા ફીડબૅકથી પણ ખૂબ ખુશ છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2026 01:01 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK