રેન્ટ અ હસબન્ડ ફૉર ઍન અવર જેવી સર્વિસ યુરોપના એક ટચૂકડા દેશમાં ચાલી રહી છે. આ સર્વિસ મોટી ઉંમરે એકલી રહેતી મહિલાઓને ઘરકામમાં મદદ કરવા માટેની છે, જેના દ્વારા આ પત્નીઓ (ભાડાના કામ માટે જનારા પતિઓ પણ) પોતાના પરિવાર માટે આવકનો ઉદ્દેશ રાખે છે
પત્નીઓ આપી રહી છે પોતાના પતિને ભાડે: વાત પરદેશની છે, પણ સમજવા જેવી ખરી
ઉત્તર યુરોપમાં બાલ્ટિક સાગર પાસેનો નાનકડો દેશ લૅટ્વિયા આમ તો જાણીતો છે એના આર્ટ-આર્કિટેક્ચર, કલ્ચર, ગીચ જંગલ, લાંબો સમુદ્રકિનારો અને કડવાતૂર શરાબ માટે. જોકે પાછલાં થોડાં વર્ષોથી આ દેશની દુનિયાભરમાં બોલબાલા વધી છે એક વિચિત્ર કારણે. સાદી ભાષામાં વાત કરીએ તો આ દેશનું નામ છાપે ચડ્યું છે એક અજીબોગરીબ જાહેરાતને લીધે. આ જાહેરાત હતી પતિ ભાડે આપવાની સર્વિસની : ‘આવો, એક-બે કલાક માટે અમારા હસબન્ડને ભાડે લઈ જાઓ.’
બસ, જાહેરાત આટલી જ હતી, પણ એની અસર એવી થઈ કે પછી તો જોતજોતામાં આ જાહેરાત લૅટ્વિયામાં ટ્રેન્ડ બની ગઈ અને આજે ત્યાંના સમાજની એક સહજ અને સ્વીકૃત હકીકત થઈ ગઈ છે. યસ. આ જાહેરાત આપણને હાસ્યાસ્પદ લાગે, પણ લૅટ્વિયામાં આ વાતને કોઈ મજાક-મશ્કરીમાં નથી ગણી રહ્યું. ઊલટાનું ત્યાં તો આ જાહેરાત એક લોકપ્રિય સર્વિસ બની ગઈ છે.
હકીકતમાં વાત એવી છે કે સાવ ઓછી વસ્તી ધરાવતા લૅટ્વિયામાં સ્ત્રીઓ સામે પુરુષોનો સેક્સ-રેશિયો ઓછો થઈ ગયો છે. આને કારણે ઘણી સ્ત્રીઓને પુરુષની ‘જરૂર’ પડે ત્યારે તેમની પાસે કોઈ હોતું નથી. આવી સ્થિતિ અનેક સ્ત્રીઓની જોઈને કેટલીક ઑનલાઇન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ નવી જાહેરાતો શરૂ કરી જેનાં નામો હતાં, ‘હસબન્ડ ફૉર ઍન અવર’, ‘મૅન વિથ ગોલ્ડન હૅન્ડ્સ’ વગેરે. જોતજોતામાં આ સર્વિસ એટલીબધી લોકપ્રિય બની ગઈ કે અનેક પત્નીઓ પર્સનલી પણ મેદાનમાં ઊતરી પડી. તેમણે પણ પોતાના પતિની ‘સર્વિસ’ ઑફર કરવા માટે ઑનલાઇન મૂકી દીધી અને રૂપિયા (સૉરી, યુરોઝ) રળવાની રેસમાં જોડાઈ ગઈ.
પુરુષો પાસેથી કઈ-કઈ સર્વિસ લેવાય છે?
ADVERTISEMENT
વિચારોનું ચકડોળ કોઈ જુદી જ ગલીમાં પહોંચી જાય એ પહેલાં ખુલાસો કરી દઈએ. હસબન્ડના અવતારમાં આવેલા પુરુષની આ ખાસ સર્વિસ એટલે બીજું કંઈ ભળતું ન વિચારતા. આ સર્વિસ એટલે હાઉસહેલ્પ. ઘરકામમાં જ્યાં પુરુષની મદદની જરૂર હોય એ બધાં કામો. માળિયા પરથી સામાન કાઢી આપવો, પંખા સાફ કરી આપવા, સજ્જડ બંધ થઈ ગયેલા ડબ્બા ખોલી આપવા, બાલ્કનીનું તૂટી ગયેલું પાટિયું ફિટ કરી આપવું, લાઇટનો બળી ગયેલો વાયર બદલી આપવો, દરવાજાની કડી નવી નાખી આપવી કે કીડીઓ ઊભરાતી હોય એવા ખૂણાઓમાં પ્લાસ્ટર કરી દેવું જેવાં ઘરકામ. આ હસબન્ડ સર્વિસમાં કોઈ રોમૅન્ટિક સાથ, પ્રેમસંબંધ કે શારીરિક સહવાસની વાત નથી. આ ગામમાં સ્થિતિ એવી છે કે અચાનક પ્લમ્બિંગનું, ઇલેક્ટ્રિશ્યનનું કે સુથાર-લુહાર વગેરેનું નાનું-મોટું કામ નીકળી આવે તો એ કરવા ઘરમાં કોઈ પુરુષ જ નથી હોતો. યસ, એવા એકલા રહેતા લોકો કહો કે પરિવારો કહો કે સ્પષ્ટ ભાષામાં એવી મહિલાઓ માટે જ શરૂ થઈ છે આ ‘રેન્ટ હસબન્ડ ફૉર ઍન અવર’ સર્વિસ.
નોંધનીય વાત એ પણ છે કે લૅટ્વિયામાં વ્યસનો અને જોખમી જીવનશૈલીને કારણે આધેડ વયના અને મોટી ઉંમરના પુરુષોની સંખ્યા ઘણી ઓછી છે. ટૂંકમાં, પુરુષો ઘણું ઓછું જીવી રહ્યા છે. સરેરાશ ઉંમરમાં પણ લૅટ્વિયન સ્ત્રીઓ સામે પુરુષો ૧૦ વર્ષ વહેલા મૃત્યુ પામી રહ્યા છે. પરિણામે થયું છે એવું કે પુરુષ વગર રહેતી સ્ત્રીઓની સંખ્યા આમ પણ વધુ છે અને એમાંય ૪૫-૫૦થી મોટી ઉંમરની સ્ત્રીઓનું પ્રમાણ પુરુષોની સરખામણીમાં ઘણું વધારે છે જેને લીધે ઘરકામમાં (પુરુષોના ભાગની) મદદ કરનારાની જે સમયે જરૂર સૌથી વધુ પડે છે એ જ સમયે કોઈ હોતું નથી અને એને જ પરિણામે ઢળતી ઉંમરની સ્ત્રીઓ પાસેથી રળતી કમાણી કરી આપતા પતિઓની સર્વિસની જરૂર પડી છે.
ભારતીય સમાજમાં આ સંભવ છે?
બાય ધ વે, આ સર્વિસનો ભારતીય સમાજમાં વિચાર પણ થઈ શકે? મુશ્કેલ લાગે છે. અનિલ કપૂર, શ્રીદેવી અને ઉર્મિલા માતોન્ડકરની ફિલ્મ ‘જુદાઈ’ યાદ છે? એમાં સામાન્ય પરિવારની સ્ત્રી શ્રીદેવી પોતાના પતિ અનિલ કપૂરને અમુક કરોડ રૂપિયામાં સંપત્તિવાન ઉર્મિલાને ‘વેચી’ (વહેંચી) દે છે. આમ કરીને ઉર્મિલા અનિલ કપૂર પાસેથી પ્રેમ મેળવવાનો પ્રયાસ કરે છે અને શ્રીદેવી ભૌતિક સુખ. અલબત્ત, આ ફિલ્મી સ્ટોરી હતી. જોકે વાસ્તવિક જીવનમાં સમાજના સંજોગો અને લોકોની માનસિકતામાંથી કેવા-કેવા આઇડિયા બહાર આવતા હોય છે એનો અભ્યાસ કરવા જેવો ખરો. આમ તો દરેક સમાજમાં રેન્ટ પર ઘણુંબધું મળતું હોય છે, પરંતુ પતિને આ રીતે રેન્ટ પર આપવાનો આઇડિયા અજીબોગરીબ ચોક્કસ ગણાય. આમાં તે એકલી રહેતી સ્ત્રીઓનું હિત છે. પતિ-પત્ની પણ આ માર્ગે આવક કરીને પોતાના પરિવારનું હિત કરી શકે છે. ઑનલાઇન સર્વિસ કંપનીઓનું તો ઠીક છે, પરંતુ સ્ત્રીઓનું દિમાગ આ મામલે બે ડગલાં આગળ ચોક્કસ ગણાય.
નિષ્કર્ષ કે સંકેત શું છે?
આ ઘટનામાંથી નિષ્કર્ષ કહો કે સંકેત એ છે કે માણસના દિમાગમાં બિઝનેસ અથવા આવક રળવાના આઇડિયા ક્યાંય પણ અને કોઈનામાં પણ જન્મી શકે છે. ભારતીય સમાજ વેસ્ટર્ન કલ્ચરના પ્રસાર સાથે જે દિશામાં જઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખતાં ભારતમાં પર્સનલ કૅર ઇન્ડસ્ટ્રી મોટા પાયે વિકસવાની સંભાવના ધરાવે છે; પછી એ હોમકૅર, ચાઇલ્ડકૅર, સિનિયર સિટિઝન કૅર કે હેલ્થકૅર હોય. આ સર્વિસ-ઉદ્યોગ વિકસતો રહેશે ને એમાં સમયાંતરે અને સંજોગોને આધીન નવા આઇડિયા ઉમેરાતા જશે. થોડાં વર્ષો પહેલાં ઝોમાટો, સ્વિગી, ઝેપ્ટો, બ્લિન્કિટ, અર્બન કંપની વગેરેનાં નામ કે કામ આપણે સાંભળ્યાં સુધ્ધાં નહોતાં. આજે એ નેસેસિટી જેવાં બની ગયાં છે.
