Kanpur Plane Crash: આ સમગ્ર બનાવને લઈને જે પ્રારંભિક માહિતી સામે આવી છે તે અનુસાર આજે સવારે લગભગ ૧૧:૨૦ વાગ્યે કાનપુર કેન્ટ વિસ્તારમાંથી પ્લેને ઉડાન ભરી હતી.
પ્લેનનો કાટમાળ (ફાઇલ તસવીર)
ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી અત્યંત દર્દનાક સમાચાર (Kanpur Plane Crash) સામે આવી રહ્યા છે. નત્થાપુરવા ગામ પાસે ગંગા કિનારે એક પ્લેનક્રેશની ગોઝારી ઘટના બની છે. આજે સવારે ટ્રેનિંગ દરમિયાન ટેકનમ કંપનીનું ચાર સીટર ટ્વિન એન્જિન પ્લેન અચાનકથી ક્રેશ થઇ તૂટી પડ્યું છે. પ્લેનમાં સવાર ટ્રેનર પાઇલટ અને ટ્રેઇની પાઇલટ એમ બંનેએ ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો છે. આ કરુણાંતિકાને લઇને રાજ્યના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
બંને પાઇલટનાં મોત
ADVERTISEMENT
પ્લેન ક્રેશની આ અત્યંત હચમચાવતી દુર્ઘટના (Kanpur Plane Crash)માં જે બંને પાઇલટના નામ સામે આવ્યા છે તે પ્રમાણે સચિન ભાટિયા અને અભિષેક પુજારીનું મોત નીપજ્યું છે.
કંઇક આ રીતે પ્લેન થયું ક્રેશ
આ સમગ્ર બનાવ (Kanpur Plane Crash)ને લઈને જે પ્રારંભિક માહિતી સામે આવી છે તે અનુસાર આજે સવારે લગભગ ૧૧:૨૦ વાગ્યે કાનપુર કેન્ટ વિસ્તારમાંથી પ્લેને ઉડાન ભરી હતી. ટેકઑફના થોડા જ સમય બાદ જ્યારે પ્લેન હવામાં હતું તે સમયે જ પ્લેનમાં અચાનક જોરદાર ધમાકો થયો હતો અને તે સીધું ભોંયભેગું થયું હતું. જમીન પર પડતાં જ પ્લેનના લીરેલીરા નીકળી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોની ત્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. પોલીસ અધિકારીઓનો કાફલો પણ દુર્ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ આદરી હતી.
ગર્ગ એવિએશનમાં ૨૦૨૩થી સામેલ કરાયું હતું આ પ્લેનને
કાનપુરના પોલીસ કમિશનર રઘુબીર લાલે જણાવ્યું હતું કે ટ્રેઇની પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનારા પાઇલટ્સને બંનેને ઘટનાસ્થળે (Kanpur Plane Crash) જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ છે. આ વિમાનને ગર્ગ એવિએશનમાં ૨૦૨૩થી તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. તે કંપનીનું વિમાન હતું. આ ઘટનાની જાણ DGCAને કરવામાં આવી છે. ડીજીસીએની ટીમ તેના માર્ગ પર છે. તપાસ બાદ અકસ્માતનું કારણ જાણી શકાશે.
ઍક્સિડન્ટ (Kanpur Plane Crash)નો ભોગ બનેલ પ્લેનને બનાવનાર કંપનીએ દાવો કર્યો છે કે એરક્રાફ્ટ પાસે ૩,૦૦૦ કલાકની ફ્લાઇંગનું સર્ટિફિકેટ હતું અને તેના મેઇન્ટેનન્સમાં કોઈ ખામી નહોતી. અને ૨૦૨૩થી કંપની પાસે આ પ્લેન હતું. અત્યારે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લઇને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ મામલે એવિએશન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. આખરે પ્લેનમાં જ એવો કોઈ ટેક્નિકલ ફૉલ્ટ સર્જાયો હતો કે પછી ખરાબ હવામાનને કારણે પ્લેન સાથે આ દુર્ઘટના થઇ તે દિશામાં વહીવટીતંત્રે તપાસ તેજ કરી છે. હાલ તો તૂટી પડેલા પ્લેનના કાટમાળને હતવાઈને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી લેવામાં આવી છે.
