Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > રક્ષાબંધનમાં હળવા અને ટ્રેડિશનલ લુક સાથે મસ્ત મૅચ થશે બાંધણી પ્રિન્ટની મેંદી

રક્ષાબંધનમાં હળવા અને ટ્રેડિશનલ લુક સાથે મસ્ત મૅચ થશે બાંધણી પ્રિન્ટની મેંદી

Published : 27 August, 2026 05:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અત્યાર સુધી ફૅબ્રિકમાં દેખાતી બાંધણી પ્રિન્ટ હવે મેંદીની ડિઝાઇન બની ગઈ છે, યુવતીઓમાં લોકપ્રિય પણ થઈ રહી છે

રક્ષાબંધનમાં હળવા અને ટ્રેડિશનલ લુક સાથે મસ્ત મૅચ થશે બાંધણી પ્રિન્ટની મેંદી

રક્ષાબંધનમાં હળવા અને ટ્રેડિશનલ લુક સાથે મસ્ત મૅચ થશે બાંધણી પ્રિન્ટની મેંદી


શ્રાવણ માસમાં તહેવારોની વણજાર હોવાથી યુવતીઓ પોતાના હાથ પર મેંદી મૂકવાનું ખાસ પસંદ કરે છે. રક્ષાબંધન આવો જ તહેવાર છે જેમાં હળવી મેંદી મૂકવાનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે. મેંદી-ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી પૅટર્ન અને ડિઝાઇન ટ્રેન્ડમાં આવતી રહેતી હોય છે ત્યારે હાલમાં એક અનોખો અને રૉયલ બાંધણી પ્રિન્ટ મેંદીનો ટ્રેન્ડ લોકપ્રિય બની રહ્યો છે. ગુજરાત અને રાજસ્થાનની ઓળખ ગણાતી પરંપરાગત બાંધણી પ્રિન્ટ હવે માત્ર કપડાં પૂરતી મર્યાદિત નથી રહી. મેંદી આર્ટિસ્ટોએ એને મેંદી કોન વડે હથેળી પર કંડારીને એક નવો જ ટ્રેન્ડ શરૂ કર્યો છે. ઝીણા-ઝીણા ચોરસ અને એની વચ્ચે મૂકેલાં નાજુક ટપકાં વડે બનતી આ ડિઝાઇન હાથ પર આબેહૂબ બાંધણી પ્રિન્ટ જેવો જ આકર્ષક લુક આપે છે. આ એવી ડિઝાઇન છે જે લાઇટ હોવા છતાં એલિગન્ટ લુક આપે છે.

શા માટે પૉપ્યુલર છે આ ડિઝાઇન?



પરંપરાગત અને મૉડર્નનું ફ્યુઝન :


યુવતીઓને આજે કંઈક અલગ અને યુનિક લુક જોઈએ છે. બાંધણી પ્રિન્ટ મેંદી ટ્રેડિશનલ હોવાની સાથે-સાથે ખૂબ જ મૉડર્ન અને મિનિમલિસ્ટિક લુક આપે છે.

સોબર અને આકર્ષક લુક :


ભારે અને બારીક ભરાવદાર મેંદી કરતાં આ ડિઝાઇન આંખોને ગમે એવી અને હાથ પર ખૂબ જ સોબર દેખાય છે.

ઝડપથી મુકાઈ જતી પૅટર્ન :

આજની વર્કિંગ વિમેન અને યંગ ગર્લ્સ પાસે કલાકો સુધી મેંદી મુકાવવા માટે બેસવાનો સમય નથી હોતો. બાંધણી પ્રિન્ટ પૅટર્ન ઝીણા ચોરસ અને ચોક્કસ જિયોમેટ્રિક બૉર્ડર પર આધારિત હોવાથી એ ઝડપથી મુકાઈ જાય છે અને એનો રંગ ખીલ્યા પછી ખૂબ સરસ લાગે છે.

કેવા પ્રકારની ડિઝાઇન્સ અત્યારે ટ્રેન્ડમાં છે?

ચેક્સ અને ડૉટ્સ પૅટર્ન :

હથેળીના વચ્ચેના ભાગમાં ઝીણા ચોરસ બનાવી દરેક ચોરસની અંદર કે ખૂણા પર નાનાં ટપકાં મૂકીને આબેહૂબ બાંધણી જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે.

મંડલા વિથ બાંધણી બૉક્સ :

હથેળીના કેન્દ્રમાં ગોળ મંડલા આર્ટ અને એની આસપાસ ચોરસ બાંધણી બૉક્સની ફ્રેમ બનાવીને ફ્યુઝન લુક આપવામાં આવે છે.

બાંધણી બૉર્ડર અને આંગળીઓ પર જાળી :

આખી હથેળી ભરવાને બદલે માત્ર કાંડા પર બાંધણી પૅટર્નની પહોળી બૉર્ડર અને આંગળીઓ પર ઝીણા ચોરસની ડિઝાઇન રાખવામાં આવે છે.

હાફ ઍન્ડ હાફ બાંધણી લુક :

હથેળીના અડધા ભાગમાં ટ્રેડિશનલ અરેબિક કે ફ્લોરલ મોટિફ્સ અને બાકીના અડધા ભાગમાં બાંધણી પ્રિન્ટનું કૉમ્બિનેશન ખૂબ ટ્રેન્ડમાં છે.

કેવા પ્રસંગે શોભે?

શ્રાવણી સોમવાર, મંગળાગૌરી, રાંદલ માનો ઉત્સવ કે જન્માષ્ટમી જેવા પવિત્ર તહેવારોમાં આ મેંદી એકદમ પર્ફેક્ટ ટ્રેડિશનલ વાઇબ્સ આપે છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવાર પર કુરતી કે ચણિયાચોળી સાથે આ ડિઝાઇન ખૂબ જ સુંદર લાગશે. નવરાત્રિમાં ચણિયાચોળી સાથે બાંધણી પ્રિન્ટ મેંદીનો લુક એથ્નિક અને ટ્રેન્ડી લાગશે.
જો તમે સિમ્પલ છતાં રૉયલ લુક ઇચ્છતા હો તો પૂજા, કથા કે સંબંધીઓના નાના પ્રસંગોમાં આ મેંદી મૂકી શકાય છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK