Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઓ. પી. નૈયર અને આશા ભોસલેની સહયાત્રા પૂર્ણવિરામ સાથે નહીં, અર્ધવિરામ સાથે પૂરી થઈ

ઓ. પી. નૈયર અને આશા ભોસલેની સહયાત્રા પૂર્ણવિરામ સાથે નહીં, અર્ધવિરામ સાથે પૂરી થઈ

Published : 28 June, 2026 09:22 PM | IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

શરૂઆતમાં આશા ભોસલે અને થોડાં વર્ષો બાદ મોહમ્મદ રફીની ગેરહાજરીને કારણે ઓ. પી. નૈયરના સંગીતનો જાદુ ઓસરી ગયો. જોકે એ માટે અનેક કારણો હતાં. ૮૦ના દાયકામાં સંગીતનો નવો પ્રવાહ આવ્યો. દર્શકોનાં રસ અને રુચિ બદલાયાં.

ઓ. પી. નૈયર અને આશા ભોસલે

વો જબ યાદ આએ

ઓ. પી. નૈયર અને આશા ભોસલે


મેં તજી તારી તમન્ના એનો અંજામ છે

કે હવે સાચે લાગે છે કે તારું કામ છે



 - મરીઝ


આ પંક્તિઓ યાદ આવી, કારણ કે ઓ. પી. નૈયરના જીવનમાંથી આશા ભોસલેની વિદાય બાદ અચાનક તેમને રેકૉર્ડિંગ સ્ટુડિયો મળવામાં મુશ્કેલી નડવા લાગી. એટલું જ નહીં, મ્યુઝિશ્યન અને કોરસ સિંગર્સ મળવા માટે પણ તેમના સહાયકોએ ખૂબ મહેનત કરવી પડતી. અચાનક એવો માહોલ પેદા થઈ ગયો કે જાણે ઇન્ડસ્ટ્રીએ ઓ. પી. નૈયરનો બહિષ્કાર ન કર્યો હોય? સૌને ખબર હતી કે આની પાછળ કોણ જવાબદાર છે, પરંતુ કોઈ એ વિશે ખૂલીને બોલવા તૈયાર નહોતું. ‘પાણીમાં રહીને મગર સાથે કોણ વેર બાંધે’ એ ન્યાયે બધા ચૂપ હતા. સંગીતપ્રેમીઓને આ બાબતે ફોડ પાડીને કહેવાનું ન હોય એટલે એ બાબતની વધુ ચર્ચા નહીં કરીએ.

કબૂલ કે આશા ભોસલેની વિદાય પછી ઓ. પી. નૈયરના સંગીતની રોનક ઝંખવાઈ ગઈ હતી. આમ પણ ફિલ્મસંગીતમાં ૧૫-૨૦ વર્ષ બાદ કલાકારોનો એક ફાલ વિદાય લઈને નવી પ્રતિભાઓ આવતી હોય છે. આ વાત કેવળ સંગીત નહીં, કલાના દરેક ક્ષેત્રમાં બનતી આવી છે. આશા ભોસલેની વિદાય બાદ ૧૯૭૩ પછી ઓ. પી. નૈયરને મોટા બૅનરની કોઈ ફિલ્મો જ ન મળી. જે મળી એ હતી ‘ખૂન કા બદલા ખૂન’ (૧૯૭૮), ‘બિન માં કે બચ્ચે’ (૧૯૭૮), ‘હીરા મોતી’ (૧૯૭૯), ‘મંગની’ (૧૯૯૨), ‘નિશ્ચય’(૧૯૯૨), ‘ઝિદ્દ’ (૧૯૯૩) અને થોડી અનરિલીઝ્ડ ફિલ્મો જેમાં વાણી જયરામ, ઉત્તરા કેળકર, પુષ્પા પગધરે, દિલરાજ કૌર, એસ. જાનકી, કવિતા કૃષ્ણમૂર્તિ, રંજના જોગળેકર અને અનુરાધા પૌડવાલે સ્વર આપ્યો.


શરૂઆતમાં આશા ભોસલે અને થોડાં વર્ષો બાદ મોહમ્મદ રફીની ગેરહાજરીને કારણે ઓ. પી. નૈયરના સંગીતનો જાદુ ઓસરી ગયો. જોકે એ માટે અનેક કારણો હતાં. ૮૦ના દાયકામાં સંગીતનો નવો પ્રવાહ આવ્યો. દર્શકોનાં રસ અને રુચિ બદલાયાં. આ ઉપરાંત બીજાં અનેક કારણોસર કેવળ ઓ. પી. નૈયર જ નહીં, તેમના સમકાલીન સિદ્ધહસ્ત સંગીતકારો પણ વીસરાવા માંડ્યા હતા.

 વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ઓ. પી. નૈયર અને આશા ભોસલે પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં. આશા ભોસલેએ થોડાં વર્ષો બાદ આર. ડી. બર્મનનો હાથ પકડીને નવી જિંદગી શરૂ કરી. ઓ. પી. નૈયર પરિવાર પાસે ગયા. જોકે બે વ્યક્તિ છૂટી તો પડે છે, પણ સાથે ગાળેલી ક્ષણોની લીલીછમ સ્મૃતિઓ ટૂંટિયું વાળીને પિંડમાં સચવાઈ રહે છે. ભેખડ નીચેનો પાણીનો ઝરો ભલે ઉનાળામાં સુકાઈ ગયો હોય, પરંતુ ત્યાં પાણીની ભીનાશ રહી ગઈ હોય છે. પોતાના ભૂતકાળ વિશે કદી વાત ન કરનાર આશા ભોસલે ૧૯૯૯માં ઓ. પી. નૈયર ગૌરવ ગ્રંથ માટે વિશ્વાસ નેરુરકરને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહે છે...

નૈયરસાબ એક સારા ગાયક હતા. તે હાર્મોનિયમ સાથે ગાય ત્યારે ખબર પડે કે કે. એલ. સાયગલની ગાયકીથી તેઓ ખૂબ પ્રભાવિત હતા. તેમને ઉર્દૂ ભાષાનું સારું જ્ઞાન હતું એટલે ઉચ્ચારો માટે ખૂબ ચોકસાઈ રાખે. ગીતમાં ‘જબ જબ’ શબ્દો હોય તો મોટા ભાગે અમે એક જ રીતે ગાતા, પણ તે કહેતા કે બન્ને ‘જબ જબ’ અલગ રીતે ગવાવું જોઈએ.

એક ગીત હતું ‘ઝરા સી બાત કા હુઝૂરને ફસાના કર દિયા’. નૈયરસાબ ‘ઝરા... સી બાત’ (રા પછી થોડું લંબાવીને) ગાવાનું કહેતા. સી. રામચંદ્રને આ ગમતું નહીં. તે કહેતા કે શબ્દોને આ રીતે લંબાવીને ગાવું એ બરાબર નથી, પણ તેમની સ્ટાઇલ અલગ હતી. નૈયરસાબ પાસેથી મને ઘણું શીખવા મળ્યું. ગીતમાં મારે થોડું અલગ રીતે ગાવું હોય, ક્યાંક આલાપ લેવો હોય કે નાની હરકત કરવી હોય તો છૂટ આપતા.

તેમની ધૂનોની એક ચોક્કસ ઓળખ હતી. સાંભળતાં જ તમે કહી શકો કે આ ઓ. પી. નૈયરની ધૂન છે. ખૂબ જ ઓછા સમયમાં ધૂન બનાવે. એ કુદરતી બક્ષિસ હતી અને એ પણ એવી વ્યક્તિને જેણે સંગીતની કોઈ તાલીમ ન લીધી હોય. રેકૉર્ડિંગમાં ફટાફટ કામ કરે. બહુ રિહર્સલ ન કરાવે. ઘણી વાર તો પહેલા ટેકમાં જ ગીત ઓ. કે. કરે. કોઈ મ્યુઝિશ્યન સારું વગાડે તો ખુશ થઈને ૧૦૦ રૂપિયા આપે.

૧૯૫૭નો એક કિસ્સો યાદ આવે છે. કયું ગીત હતું એ ભૂલી ગઈ છું, પણ વારંવાર રિહર્સલ કર્યા બાદ વાત બનતી નહોતી. ખાસ કરીને મને સંતોષ નહોતો થતો. હું ઉદાસ હતી. મને થયું કે કદાચ હવે મને કામ નહીં આપે; પણ તેમણે હિંમત આપતાં કહ્યું કે તું કમાલની ગાયિકા છે, તારા જેવી કોઈની ગાયકી નથી, વર્ષો સુધી તારી ગાયકીને આંચ નહીં આવે. તેમના શબ્દોએ મને પ્રોત્સાહન આપ્યું. મારો આત્મવિશ્વાસ વધ્યો. મુશ્કેલ સમયમાં તેમણે હંમેશાં મને પ્રેરણા આપી છે.

મારી ૫૦ વર્ષની કારકિર્દીમાં મેં ઘણાં સંગીતકારો સાથે કામ કર્યું છે, પરંતુ તેમના સંગીતમાં જે તાજગી હતી એ ભાગ્યે જ કોઈનામાં જોઈ છે. તેમના સંગીતે ફિલ્મસંગીતમાં નવી ક્રાન્તિ પેદા કરી જેનું અનુકરણ પાછળથી ઘણાએ કર્યું.

આશા ભોસલેનો ઇન્ટરવ્યુ એક વાતની સાબિતી આપે છે કે સમય જૂના જખમની પીડા ભુલાવી દે છે. એટલું જ નહીં, એ ઘાને પંપાળવાની અને મીઠી સ્મૃતિઓને મમળાવવાની એક અનેરી લિજ્જત આપે છે. બન્ને પક્ષે કડવાશ લગભગ ભુલાઈ જવા આવી હતી. એવામાં એક ઘટના બની.

 આશા ભોસલે અને ઓ. પી. નૈયર બન્ને સાથે અત્યંત નિકટતા ધરાવતી એક વ્યક્તિ (જેની સાથે થોડાં વર્ષો પહેલાં મારી મુલાકાત થઈ અને અમે સારા મિત્રો છીએ)એ મારી સાથે એક એવો કિસ્સો શૅર કર્યો જે રોચક છે. ૨૦૦૦ની સાલમાં તેમણે બન્નેને કહ્યું કે ગઈ ગુજરી ભૂલીને તમારે એકમેકને કંઈ નહીં તો કેવળ એક વાર માટે તો મળવું જોઈએ. શરૂઆતની આનાકાની બાદ બન્ને રાજી થયાં. ક્યાં મળવું એ મોટો પ્રશ્ન હતો. જાહેરમાં બન્નેને સાથે જોઈને પ્રેસ અને મીડિયામાં મોટો હોબાળો મચી જાય એટલે બન્નેના કૉમન મિત્ર એવા એક જાણીતા ફોટોગ્રાફરના ઘરે મુલાકાત નક્કી થઈ. કેવળ નજીકના લોકો સિવાય દુનિયાથી વાત ખાનગી રાખવાની હતી એટલે આમ કરવું જરૂરી હતું.

પરંતુ વિધિને એ મંજૂર નહોતું. અંતિમ ઘડીએ કંઈક એવું બન્યું કે એ મુલાકાત શક્ય ન બની. એવું શું થયું? કેમ થયું? એની જાહેરમાં ચર્ચા કરવી નથી એટલે એ ઘટસ્ફોટ કરવો યોગ્ય નથી લાગતો. એટલું કહેવું પર્યાપ્ત છે કે અમુક સંબંધો પૂર્ણવિરામ સાથે નહીં, અર્ધવિરામ સાથે જ પૂરા થતા હોય છે.

૨૦૦૬માં પુણેમાં આશા ભોસલેનો એક સન્માન સમારંભ હતો જેના થોડા દિવસ બાદ ઓ. પી. નૈયરનો સન્માન સમારંભ થવાનો હતો. એ નિમિત્તે આશા ભોસલેને પત્રકારોએ જે સવાલો કર્યા એમાં એક સવાલ ઓ. પી. નૈયર વિશે હતો. આશાજીની કમેન્ટ શું હતી એની ચર્ચા કરવી નથી. પત્રકારો અને ટીવી-ચૅનલોએ તેમની વાતોનું પોતાની રીતે અર્થઘટન કરીને પ્રસારણ કર્યું. એટલું જ નહીં, પત્રકારોએ ઓ. પી. નૈયરનો પણ ઇન્ટરવ્યુ લીધો. તેમની વાતનો સૂર હતો કે આશા ભોસલેની કારકિર્દી ઘડવામાં મારો મુખ્ય ફાળો હતો; એટલું જ નહીં, લતા મંગેશકર સર્વશ્રેષ્ઠ ગાયિકા છે, આજે પણ હું કોઈ પણ ગાયિકાને આશા ભોસલે બનાવી શકું છું. આ દરેક વાત તેમણે આ પહેલાં પણ કહી હતી. (‘સંકેત’ના કાર્યક્રમમાં શૈલજા સુબ્રમણ્યમની ગાયકીથી પ્રભાવિત થઈ તેમણે કહ્યું હતું, ‘તૂને આશા કી યાદ દિલા દી’. પુણેના કાર્યક્રમમાં તે જ મુખ્ય ગાયિકા હતી.)

વાત વધી ગઈ. ઓ. પી. નૈયરના કાર્યક્રમનો ખૂબ વિરોધ થયો. આયોજકોએ પરિસ્થિતિ સમજીને એ દિવસનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો. અમુક સંગીતપ્રેમીઓએ એ પ્રયત્ન કર્યો કે બન્ને કલાકારો જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સ કરીને આ વિવાદને શમાવે, પણ એ શક્ય નહોતું. ઓ. પી. નૈયરના કાર્યક્રમનું શીર્ષક હતું, ‘યે રાત ફિર આ ગઈ.’ વિરોધીઓએ પોસ્ટરો લગાવ્યાં, ‘યે રાત કભી નહીં આએગી.’ નસીબજોગે સૌને સમજાયું કે આ વિવાદ વ્યર્થ છે. થોડા દિવસ બાદ સફળતાપૂર્વક એ કાર્યક્રમનું આયોજન થયું.

તો આ હતી આશા ભોસલે અને ઓ. પી. નૈયરનાં અંજળપાણીની દાસ્તાન. દરેક વ્યક્તિ આ સંસારની યાત્રામાં એકલી આવે છે અને એકલી જાય છે. અમુક નસીબદારોને પ્રવાસમાં થોડા સમય માટે મનગમતો સથવારો મળે છે અને પરિણામસ્વરૂપ સહપ્રવાસીઓને જલસા થઈ જાય છે. હરીન્દ્ર દવેની પંક્તિઓ યાદ આવે છે...

ચહેરા મઝાના કેટલા રસ્તા ઉપર મળ્યા

સાચું કહું બધા રસ્તા ઉપર મળ્યા

મારો પ્રવાસ મારી રીતે ના થઈ શક્યો

કૈં કેટલાય કાફલા રસ્તા ઉપર મળ્યા

બે-ચાર દિલની વાત કદી ના થઈ શકી

કૈં કેટલાય કાફલા રસ્તા ઉપર મળ્યા

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2026 09:22 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK