મારો આ પોશાક મૂળે તો હું દૂબળો ન દેખાઉં એને માટેનો હતો અને પછી એ મારો કાયમી સાથી બની ગયો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કવિ હની મહીવાલાનો શેર અત્યારે મને યાદ આવે છે...
માત્ર શરીરસૌષ્ઠવનો સાચો પડઘો છે હની
દૂબળો હાજર હોય તોય ક્યાંય નોંધાતો નથી
અર્થાત્, કવિ કહેવા એમ માગે છે કે હું માનસિક રીતે દુર્બળ નથી, માત્ર શરીરથી દૂબળો છું!
આ વાત મારી યુવાની સાથે એકદમ બંધબેસતી છે. આ જ સેલ્ફ-મોટિવેટેડ વિચારે મને જુવાનીમાં ટકાવી રાખ્યો હતો. એ સમયે અત્યારે છે એવાં જિમ શેરિયુંમાં ફૂટી નહોતાં નીકળ્યાં. કસરતની બાબતમાં સૌ આત્મનિર્ભર હતા. વૉકિંગના રવાડે ચડું ને છે એના કરતાં વધારે શરીર ઘટી જાય તો? આવી નાહક ચિંતાઓએ મને કેટલાય શિયાળા વે’લો જાગવા જ ન દીધો. મને સાઇકલની પાછળ બેસાડવાની ઘટનાને મિત્રો સિંગલ સવારી જ ગણતા. અપડાઉન વખતે ગિરદીમાં જગ્યા રોકવા મને કદાવર મિત્રો દ્વારા બસની બારીમાંથી ગરકાવવામાં આવતો. બેની સીટ પર મારી સાથે હંમેશાં ત્રણ-ત્રણ જણ જ મુસાફરી કરતા. દૂબળાપણાનું મહેણું ભાંગવા મેં કલાક્ષેત્રમાં ઝંપલાવેલું.
કારણ શરીરની એકમાત્ર જીભને જ પાતળા-જાડાથી મતલબ નહોતો. ભાઈબંધો જેટલા જોરથી જમતા એટલા જોરથી હું કાર્યક્રમ જમાવતા શીખ્યો. બાધવાનું જોર વીર-રસની કવિતાઓ ગોખવામાં વાળી દીધું. દૂબળા દેહની દાઝ આ રીતે કલા મારફત નીકળતી થઈ. ‘પાર્ટીમાં જાવું હોય તો ટૂંકાં કપડાં પહેરવાં પડે’ એવું જ બીજું એક મિથ હતું કે ‘કલાકાર બનવું હોય તો ઝભ્ભો પહેરવો પડે!’ ભારે હૈયે ભરજુવાનીમાં ટી-શર્ટ પહેરવાની ઉંમરે મેં ઝભ્ભો પહેરલો. (અલબત્ત, ટી-શર્ટ ઉપર જ હોં!) સનમાઇકાની લાંબી ખપાટને સફેદ ઝભ્ભો પહેરાવો તો કેવો લાગે? બસ, હું પણ એ સમયે અદ્દલ એવો જ લાગતો. પવન ફૂંકાય ત્યારે સામે ચાલતી વ્યક્તિ મારી પાંસળીઓ પણ ગણી શકે એવા પાતળા અને સસ્તા ઝભ્ભા ત્યારે હું પહેરતો. ઝભ્ભા પછીયે હું હાડપિંજર રયો એટલે એક મિત્રએ ખપાટ જેવા ઝભ્ભા પર બંડી પહેરવાની સલાહ આપી.
બસ, આવી રીતે મારા જીવનમાં બંડી અને ઝભ્ભો વળગ્યાં હતાં, જે વરસોથી હજી એમ ને એમ છે. જે-જે મિત્રો મારા દૂબળાપણાની મજાક ઉડાડતા હતા એ તમામ હવે મારા થોડા જાડા થયેલા નામ પર ગૌરવ લ્યે છે.
ગંજી ઉપર ટી-શર્ટ, ટી-શર્ટ ઉપર ઝભ્ભો, ઝભ્ભા ઉપર જ્યારે હું બંડી પહેરતો ત્યારે સામેવાળાને મેં કશુંક પહેર્યું છે એનો આભાસ આપી શકતો. દૂબળા માણસની લાગણીઓ દૂબળી નથી હોતી, પરંતુ એ સમયની કન્યાઓની જાડી બુદ્ધિમાં આ વાત ઊતરી નહોતી. દૂબળા હોવાનો સૌથી મહત્ત્વનો ફાયદો એ થયો કે કૉલેજમાં કોઈ કન્યાના પ્રપોઝનો સામનો ન કરવો પડ્યો. કોઈની નજર એ રીતે મારા પર પડી નહીં અને મારી નજરને કોઈએ ગણકારી નહીં. એટલે આમ જુઓ તો મારી ચારે બાજુથી રક્ષા મારા દૂબળા દેહે કરી છે. હું ફસક્યો નહીં એટલે ફોકસ રહ્યો.
વીસ વરસની ઉંમરે દાઢી એટલે રાખી’તી કે ગાલનાં ડાચાં દબાઈ જાય અને થોડો મોટો લાગું તો આયોજક પાસેથી અઢીસોને બદલે પૂરા પાંચસો રૂપિયા ચાર્જ વસૂલી શકાય! આ રીતે જુઓ તો મારા જીવનમાં દાઢી પત્ની કરતાં પણ વધુ પુરાણી છે. છેલ્લાં છવ્વીસ વર્ષથી સાથ આપનારી દાઢી ધીમે-ધીમે મારું આઇ-કાર્ડ કે આધાર કાર્ડ બની ગઈ. હા, એક વાત કહી દઉં. આ દાઢી છવ્વીસ વર્ષમાં પહેલી વાર હમણાં મારાં માતુશ્રીનું અવસાન થયું ત્યારે મેં ઉતારી, દાઢી પણ અને માથાના બધા વાળ પણ. એ સમયે મને મારા જ સ્નેહીજનોએ કહ્યું હતું કે તું ઉતારવા ન માગતો હો તો વાંધો નહીં. મેં ત્યારે મારા એ જ સ્નેહીજનોને સવાલ કર્યો હતો કે તમે તમારી માની વિદાયવેળાએ આ બધું ઊતરાવ્યું હતું કે નહીં? એ લોકો ચૂપ થઈ ગયા અને મેં મારી દાઢી અને માથાના વાળ મારી માને આપી દીધા. આપવા જ રહ્યા. જો હું મારો ધર્મ ચૂકું, હું મારી પરંપરા ચૂકું તો પછી કેવી રીતે લોકોની સામે બેસીને પરંપરાનો પક્ષ લઈ શકું?
હશે, થોડી ગંભીર વાત થઈ ગઈ. ફરી આવી જઈએ મારા ગરોળી જેવા દૂબળા શરીરની વાત પર. ઝભ્ભો તો મારી ચામડી સાથે એવો જડાઈ ગયો કે ક્યારેક ટ્રાવેલિંગમાં ટી-શર્ટ પહેરેલું હોય તો ચાહક કુતૂહલવશ પૂછે છે કે ‘લે, તમે ટી-શર્ટ પહેરો છો?’
‘અલ્યા ભઈ, તારા જનમ પહેલાંથી ટી-શર્ટ પહેરું છું, પણ પેલા વખાનો માર્યો ઝભ્ભાની અંદર પહેરતો હતો, હવે બહાર પહેરું છું. તું નીકળને ભઈ...!’
આવું હું ચાહકને મોઢામોઢ ન કહું પણ મનોમન બોલી જરૂર લઉં હોં!
કેટલાક ચાહકો કલાકારોને કોઈ જોવાલાયક સ્થળની જેમ ઘૂરતા નજરે ચડે છે. જાણે કેમ અમે મંગળ ગ્રહમાંથી સીધા ટપક્યા હોઈએ? અમરેલી બાયપાસની હોટેલ એની એ જ છે જ્યાં છવ્વીસ વરસ પહેલાં સૌ મિત્રો અડધી રાતે ગાંઠિયા ફાકવા જતા. મિત્રો પણ એ જ છે. મારી દાઢી, બંડી અને ઝભ્ભાએ ખાલી કલર બદલ્યો છે. લૉકડાઉનને લીધે ફાંદ થોડી નરેન્દ્ર મોદીના રાજમાં આગળ વધતા GDPની ઝડપે આગળ વધી છે. બાકી બધું એનું એ જ છે. હા, વેઇટરના અને શેઠના વિવેકમાં ફરક દેખાય છે! બાકી સનમાઇકાનું ખપાટ કહેનારા સાંઈરામભાઈ કહીને આદર આપે. કદાચ દાઢી વધવાથી નહીં પણ દાઢી ટકવાથી માર્કેટમાં નોંધ લેવાતી હશે અને કાં તો દાઢીધારીનું શાસન છે એટલે હશે.
ખબર નહીં...!


