Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આવડત તમને સફળ બનાવી શકે છે

કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આવડત તમને સફળ બનાવી શકે છે

Published : 25 March, 2026 12:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એ સમજવું જોઈએ કે તમે જેને માટે ચિંતા કરો છો એ ખરેખર એટલીબધી ખરાબ પરિસ્થિતિ હોતી જ નથી

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


કૃતજ્ઞતા વિનમ્રતાની શ્રેષ્ઠ શરૂઆત છે. એવું કહેવાય છે કે જ્યારે તમે કપરા સંજોગોથી મૂંઝાયેલા હો ત્યારે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તમારી આવડત તમારી મુશ્કેલીઓ દૂર કરવામાં સહાયભૂત બની જતી હોય છે. જિંદગી કાયમ સરળ હોતી નથી. એમાં ઉતાર-ચડાવ આવતા જ રહે છે પણ જો તમારામાં કૃતજ્ઞભાવ હશે તો મુશ્કેલ સંજોગોનો સામનો કરીને સહેલાઈથી સફળતા મેળવી શકશો. જેઓ કાયમ બીજી વ્યક્તિએ પોતાના જીવનમાં કરેલી સહાયને ભૂલતા નથી તેઓ ખૂબ ઝડપથી સફળતા મેળવી શકે છે, કારણ કે તેઓ ખરાબ સંજોગોમાં પણ જે સારી ઘટનાઓ બની હોય છે એના પર ધ્યાન કેન્દ્રિત કરતા રહે છે.

ચિંતાગ્રસ્ત રહેવાની ટેવ મનને રચનાત્મક/હકારાત્મક વિચારો કરતાં અટકાવે છે. સૌપ્રથમ તમારે એ સમજવું જોઈએ કે તમે જેને માટે ચિંતા કરો છો એ ખરેખર એટલીબધી ખરાબ પરિસ્થિતિ હોતી જ નથી. તમારી મોટા ભાગની ચિંતાઓ હકીકત પર આધારિત નથી હોતી.



જીવન જીવવાની કળા પ્રત્યેની સમજણનો અભાવ અથવા તો અભિવ્યક્તિના અભાવને કારણે ચિંતા કરવાની ટેવનો ઉદ્ભવ થતો હોય છે. જો તમે જાતે આત્મનિરીક્ષણ કરશો અને તમારી આસપાસના લોકોનું બારીકાઈથી નિરીક્ષણ કરશો તો તમને સમજાઈ જશે કે મોટા ભાગના લોકો તદ્દન ક્ષુલ્લક બાબતો માટે ચિંતા સેવે છે.


ઉદાહરણ તરીકે જે વ્યક્તિ સ્વરૂપવાન હશે એ બીજી વ્યક્તિ પોતાનાથી વધુ સુંદર દેખાતી હોવાની ચિંતા કરશે. તે સતત પોતાના દેખાવને સુરક્ષિત રાખવા પ્રયત્નો કરતી રહેશે. ગરીબ માણસ પોતે પૈસાદાર ક્યારે થશે એની ચિંતામાં મગ્ન રહેતો હોય છે. ધનિક વ્યક્તિને વધુ ને વધુ ધન કે સત્તા મેળવવાની ચિંતા રહેતી હોય છે. આ કુટેવથી મુક્ત થવા માટે શું કરી શકાય?

તમે તમારા અંતરાત્માની દિવ્યતાની શરણાગતિ સ્વીકારીને પોતાની જાતને છોડાવી શકો. અને એ હકીકત પ્રત્યેની ઊંડી સમજ પ્રાપ્ત કરી શકો કે તમારા જીવનની પ્રત્યેક પરિસ્થિતિ ખાસ હેતુથી ઉત્પન્ન થઈ છે અને એ દરેક પરિસ્થિતિ સૂચક છે. જ્યારે તમે ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને તેનું શરણ સ્વીકારો છો ત્યારે તમે દરેક પરિસ્થિતિને અનુકૂળ થવા માંડો છો.


કોઈ વ્યક્તિ કદાચ તદ્દન નકારાત્મક પરિસ્થિતિમાં હોવાની જણાતી હોય, તે ગરીબ હોય અને છાપરામાંથી પાણી ટપકતું હોય તો પણ આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે સુખી હોય છે, કારણ તેણે એ વાત સ્વીકારી લીધી હોય છે. કોઈ વ્યક્તિને એક જ હાથ કે એક જ આંખ હોય છતાં તે આનંદથી ગીત ગાતી ફરતી હોય કેમ કે તેણે આ સ્થિતિને સ્વીકારી લીધી છે. બીજી તરફ એવા અનેક લોકો હોય છે જેમને બન્ને આંખો, હાથ, પગ, સુદૃઢ શરીર હોવા છતાં વિના કારણે દુખી રહેતા હોય છે.

આથી વિકાસ સાધવા માટે તમે જેવા છો અને જેવી તમારી પરિસ્થિતિ કે સંજોગો છે એનો (સાચા અર્થમાં) સ્વીકાર એ મુખ્ય પાયો બને છે. આ સ્વીકાર અથવા સમાધાન જ્યારે તમે એવી તત્ત્વજ્ઞાનપૂર્ણ સમજણ કેળવો કે તમારા આધ્યાત્મિક અભ્યુદય માટે બધી જ પરિસ્થિતિ અનુકૂળ છે ત્યારે વધુ સહજતાથી સાકાર બને છે.

ઈશ્વર સર્વવ્યાપક છે અને વિશ્વનું આયોજન દિવ્ય હાથો વડે થઈ રહ્યું છે, જ્યારે તમે એ દિવ્ય હાથમાં વિશ્વાસ કેળવો ત્યારે તમે ચિંતાથી મુક્ત એવા મનને વિકસાવી શકો છો.

 વિષાદ કરવા યોગ્ય ન હોય એનો વિષાદ ન કરવો. ચિંતાને દૂર કરવી અને સાચું જ્ઞાન આપવું એ તત્ત્વજ્ઞાનનો મુખ્ય વિષય છે. ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ આ શિખામણની શરૂઆત કરતાં કહે છે, ‘અશોચ્યાનન્વ શોચસ્ત્વમ્’ એટલે કે ‘હે અર્જુન, તું શોક ન કરવા લાયક વસ્તુ માટે શોક કરે છે.’ ત્યાર બાદ ઉપદેશના અંતમાં શ્રીકૃષ્ણ કહે છે, ‘મા શુચ:’ અથવા તો ‘શોક ન કર.’ જો તમે આની શરૂઆત અને અંતને એકસાથે મૂકો તો એ આ મુજબ વંચાશે, ‘તું શોક ન કરવા લાયક વસ્તુ માટે શોક કરે છે. માટે શોક ન કર.’

તમારી તમામ ચિંતાઓ તમારા અજ્ઞાન પર આધારિત હોય છે. જેમ-જેમ તમે ચિંતામુક્ત થઈ તમારી અંદર રહેલી દિવ્યતામાં વિશ્વાસ કરવાનું શીખો છો તેમ-તેમ તમે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધી શકો છો. દિવ્ય તાદાત્મ્ય/ઐક્ય રહસ્યમય હોય છે, દુન્યવી આસક્તિથી ભિન્ન હોય છે. જ્યારે તમે દુન્યવી ચીજોમાં આસક્ત થવાનું શરૂ કરો છો ત્યારે પ્રથમ સુખી થવાનો આભાસ થાય છે. પછી તમે વધુ ને વધુ વસ્તુઓ મેળવી લેવાની અપેક્ષા રાખતા થઈ જાઓ છો. પછી સમય જતાં આવી આસક્તિ વધુ દૃઢ થવાથી સુખ ક્ષીણ થઈ જાય છે.

બીજી તરફ ઈશ્વર સાથે આસક્તિ કેળવવાનું શરૂઆતમાં આનંદપ્રદ નહીં લાગે કારણ કે તમારે ઘણું અનુશાસન કેળવવું પડશે. પરંતુ એક વખત તમને અલ્પ માત્રામાં પણ અંતરાત્માની અંદર દિવ્ય સુખની અનુભૂતિ થશે એટલે દિવસે-દિવસે ઈશ્વર પ્રત્યેની આસક્તિમાં સ્વયંસ્ફુરણાથી વૃદ્ધિ થશે.

ઈશ્વર સાથેનું આ તાદાત્મ્ય ભક્તિયોગનું સાચું સ્વરૂપ છે.

પદાર્થો પ્રત્યેની આસક્તિ આભાસ પર આધારિત છે. એ સતત ક્ષીણ થતા રહેતા સુખ તરફ દોરી જાય છે અને સુખ ઓસરતું જાય છે, જ્યારે ઈશ્વર પ્રત્યેની આસક્તિ સતત આનંદપ્રેરક ક્રિયા છે.

 એક વાત સમજી લો કે જગત દૈવી આયોજન વડે બદ્ધ છે. જ્યારે કોઈ ચિંતાપ્રેરક વિચાર મનમાં પ્રવેશે ત્યારે તમારી આસપાસની દરેક વસ્તુ પર વિચાર કરો. કમળ ચિંતા વિના કઈ રીતે ખીલે છે? પક્ષીઓ કઈ રીતે ઊડીને તેમનો ખોરાક શોધી લે છે? કોણ દુનિયાનાં અસંખ્ય પ્રાણીઓની સંભાળ લે છે? તમે બાલ્યાવસ્થામાં હતા અને તમારું મગજ વિકસ્યું પણ નહોતું ત્યારે કોણે તમારી સંભાળ લીધી? શા માટે તમારી એ વખતે ભવિષ્યમાં કોઈ વખત ન લેવાઈ હોય એવી સંભાળ લેવાઈ હતી? શું એ જ દિવ્ય હાથ કે જેણે તમને પહેલાં પોષણ આપ્યું એ જ હાથ હજી આજે પણ પોષણ આપતા નથી?

ઈશ્વરના આ દિવ્ય આયોજન પ્રત્યે યોગ્ય પ્રતિભાવ આપશો તો તમે શાંતિ, સંવાદિતા અને ખુશાલી અનુભવતા થઈ જશો. અને જ્યારે તમારું મન શાંત હોય છે ત્યારે જ તમે યોગ્ય દિશામાં વિચારીને પ્રગતિ કરી શકો છો.

જો તમે ચિંતાના કે કષ્ટના આવા આભાસ વિશે સાચી સમજણ કેળવી હશે અને હકારાત્મક જીવનશૈલીમાં વિશ્વાસ રાખશો તો કોઈ પણ પરિસ્થિતિમાં એ દિવ્ય હાથ હેતપૂર્વક દોરવણી આપતો રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

25 March, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK