Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક સમયે હપ્તા ભરવાના પૈસા નહોતા અને ૬ વર્ષમાં યુટ્યુબે કરોડપતિ બનાવી દીધા

એક સમયે હપ્તા ભરવાના પૈસા નહોતા અને ૬ વર્ષમાં યુટ્યુબે કરોડપતિ બનાવી દીધા

Published : 12 April, 2026 02:34 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

યુટ્યુબ પર KL BRO Biju Rithvik નામની ચૅનલ કેરલાના બિજુએ શરૂ કરી ત્યારે તેને ખબર નહોતી કે માત્ર ૬ વર્ષમાં એ ચૅનલ દેશની સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી વ્યક્તિગત ક્રીએટર ચૅનલ બનશે અને તે રોજના ઍવરેજ લાખ રૂપિયા કમાતો થઈ જશે

KL BRO Biju Rithvik નામની યુટ્યુબ ચૅનલ ચલાવતો બિજુ તેની પત્ની કવિતા, કાત્યાયની અમ્મા અને દીકરા રિત્વિક સાથે.

KL BRO Biju Rithvik નામની યુટ્યુબ ચૅનલ ચલાવતો બિજુ તેની પત્ની કવિતા, કાત્યાયની અમ્મા અને દીકરા રિત્વિક સાથે.


કેરલાના કુન્નર જિલ્લાના મય્યિલ નામના ગામની એક ફૅમિલીએ એવું તો કામ કર્યું છે કે આજે જગતભરના સોશ્યલ મીડિયાનું ધ્યાન તેની તરફ ખેંચાયું છે તો સાથોસાથ યુટ્યુબ ગૂગલના સિનિયર્સ પણ બધું પડતું મૂકીને એ ફૅમિલીની ચૅનલને ઑબ્ઝર્વ કરતા થઈ ગયા છે. આપણે વાત કરીએ છીએ યુટ્યુબ ચૅનલ KL BRO Biju Rithvikની. આઠ કરોડ અને દસ લાખથી પણ વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી આ ચૅનલ ભારતની સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતી વ્યક્તિગત ક્રીએટર ચૅનલ બની ગઈ છે. આ જે સિદ્ધિ છે એ જરા પણ નાનીસૂની નથી. જે સોશ્યલ મીડિયાનો ભરપેટ ઉપયોગ કરે છે તેને બહુ સારી રીતે ખબર છે કે દર ત્રણથી છ મહિને સોશ્યલ મીડિયા પોતાનું ઍલ્ગરિધમ ચેન્જ કરે અને એ ચેન્જ થાય એટલે સોશ્યલ મીડિયા પર આ પ્રકારની ચૅનલ ધરાવતા લોકો ધંધે લાગી જાય અને તેણે નવેસરથી મહેનત કરવાની શરૂ કરવી પડે જેથી તે પોતાની આ રેસમાં ફરી એક વાર આગળ નીકળે. KL BRO Biju Rithvik ચૅનલે પણ આવી અનેક ચડતીપડતી જોઈ અને એ પછી પણ ડાર્ક હૉર્સની જેમ પોતાની રેસમાં આગળ જ રહી અને યુટ્યુબનું સૌથી ઉપરનું અને અત્યંત મહત્ત્વનું ગણાતું રુબી ક્રીએટર પ્લે બટન મેળવ્યું. તમારી જાણ ખાતર, ભારતીય કૉર્પોરેટ વર્લ્ડમાં આ બટન જો કોઈને મળ્યું હોય તો એ ટી-સિરીઝ છે અને વ્યક્તિગત રીતે જો આ બટન કોઈને મળ્યું હોય તો એ આ KL BRO Biju Rithvik ચૅનલ છે.

એક રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, અતિશય સાધારણ કહેવાય એવી શરૂઆત અને એ પછી પણ ઇન્ટનેટ સ્ટારડમ સુધી પહોંચેલી આ ચૅનલ કોની છે અને એ કેવા સંજોગોમાં શરૂ થઈ એ જાણવા જેવું છે જ પણ એની પહેલાં એ જાણવું જોઈએ કે આ ચૅનલ શરૂ કોણે કરી અને કેવા સંજોગોમાં થઈ.



કૅમેરા ઑન...


KL BRO Biju Rithvik ચૅનલ શરૂ કરી છે બિજુ જે. પથ્થરપૂરક્કલ નામના આડત્રીસ વર્ષના કેરલાના વતનીએ. બિજુ રિક્ષા-ડ્રાઇવર હતો અને એનાથી જ બિજુનું ઘર ચાલતું હતું પણ ૨૦૨૦-’૨૧માં લૉકડાઉન દરમ્યાન દેશ આખો ઘરમાં પુરાઈ ગયો અને બિજુનું કામ અટકી ગયું. શરૂઆતના દિવસો તો બિજુએ ટાઇમપાસ કરીને પસાર કર્યા પણ પછી બિજુના એક ભાઈબંધે સમય પસાર કરવાના હેતુથી યુટ્યુબ પર વિડિયો બનાવવાનું શરૂ કર્યું અને એને જોઈને બિજુએ પણ મજા ખાતર નાના-નાના વિડિયો બનાવવાનું શરૂ કર્યુ. વિધિની વક્રતા જુઓ, બિજુના ભાઈબંધે તો પંદર-વીસ વિડિયો બનાવીને ચૅનલ પડતી મૂકી દીધી પણ બિજુ લાગેલો રહ્યો અને તેણે પાંચથી છ વર્ષમાં અદ્ભુત ચમત્કાર કરી દેખાડ્યો અને દેશનો પહેલો રુબી પ્લે બટન-ઓનર બન્યો.

બિજુની ચૅનલનું જે નામ છે એ KL BRO Biju Rithvik પણ સમજવા જેવું છે. આ નામમાં વપરાયેલું KL એ હકીકતમાં કેરલાના વાહન રજિસ્ટ્રેશનનો કોડ છે. ઑટો-ડ્રાઇવર એવા બિજુએ પોતાની રિક્ષાને માન આપીને ચૅનલના નામમાં KL શબ્દ ઉમેર્યો તો ચૅનલમાં તેણે આ KL શબ્દ બિજુ સાથે પોતાનો ભાઈચારો છે એ દર્શાવવા માટે તેણે BRO Biju ઉમેર્યું અને આખા નામના છેડે Rithvik એટલે રિત્વિક નામ ઉમેર્યું. આ રિત્વિક બિજુનો દીકરો છે. બિજુ કહે છે, ‘એ સમયે તો અમે જે કરતા હતા એ મજા ખાતર જ કરતા હતા એટલે ચૅનલનું નામ આવું રાખીને ચૅનલ શરૂ કરી દીધી અને પછી એ જ નામ પૉપ્યુલર થઈ ગયું.’


આ ચૅનલ ફૅમિલી એન્ટરટેઇનર ટાઇપની ચૅનલ છે. રોજબરોજના વિડિયોઝ એમાં મૂકવામાં આવતા અને ધીમે-ધીમે ચૅનલ આગળ વધતી. જોકે આ ચૅનલ માટે ટર્નિંગ પૉઇન્ટ ત્યારે આવ્યો જ્યારે યુટ્યુબે પણ ઇન્સ્ટાગ્રામની જેમ YouTube Shortsના નામે શૉર્ટ વિડિયો શરૂ કર્યા. સાઠ સેકન્ડના વિડિયો તૈયાર કરવામાં તો બિજુને વધારે મજા આવી ગઈ અને તેણે લાંબા વિડિયો મૂકવાનું ઘટાડીને ફૅમિલીની નાની-નાની મજાક-મસ્તી, રસોઈ અને રોજિંદા જીવનની હળવી ક્ષણોને ૬૦ સેકન્ડના વિડિયોમાં મૂકવાનું શરૂ કર્યું અને એ વિડિયોએ ધમાલ મચાવી દીધી.

આ ધમાલ પાછળ પણ એક મહત્ત્વનું કારણ જવાબદાર હતું, જે હતું ભાષાનું.

અગાઉના વિડિયોઝમાં બિજુ કેરલાની લોકલ લૅન્ગ્વેજ એટલે કે મલયાલમનો ઉપયોગ કરતો હતો, જેને લીધે તેને ભાષાનું બંધન નડતું હતું, પણ શૉર્ટ વિડિયોના કારણે બિજુને એ ભાષાનું બંધન નડતું બંધ થયું અને તેણે વિડિયોમાં ભાષાને બદલે એટલે કે ડાયલૉગ્સને બદલે ઇમોશન્સને ઢાળવાનું શરૂ કરી દીધું. મ્યુઝિક, એક્સપ્રેશન્સ અને ઇમોશન્સે એવું તે મૅજિક કર્યું કે આ શૉર્ટ વિડિયો કેરલાની બહાર નીકળીને ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ફૉરેનમાં પણ જોવા અને ફૉર્વર્ડ કરવાનું શરૂ થયું અને બિજુની ચૅનલ KL BRO Biju Rithvik રાજાની કુંવરીની જેમ દિન દોગુના, રાત ચોગુના એવી તે આગળ વધી કે એણે સબસ્ક્રાઇબર્સની બાબતમાં યુટ્યુબના સૌથી મોટા ક્રીએટર્સ ગણાતા કૅરી મિનાતી, ટોટલ ગેમિંગ અને મિસ્ટર બીસ્ટ (હિન્દી ચૅનલ)ને પણ પાછળ છોડી દીધા અને થોડા સમય પહેલાં પાંચ કરોડ સબસ્ક્રાઇબર્સ થતાં યુટ્યુબનું રુબી પ્લે બટન પણ મેળવ્યું.


રોજબરોજના જીવનની મજાક-મસ્તીની રીલમાં બિજુ પત્ની કવિતા સાથે

ઇન્ફ્લુઍન્સર માટે ખાસ ટિપ

૧. સોશ્યલ મીડિયા સમયાંતરે ઍલ્ગોરિધમ ચેન્જ કરી તમને પાછળ મૂકી દેશે પણ એનાથી ડરવાને બદલે કન્ટેન્ટ અપલોડ કરવામાં નિયમિતતાને જાળવી રાખવાની. કન્ટેન્ટ પણ નક્કી કરેલા સમયે અપલોડ કરવી કારણ કે સોશ્યલ મીડિયાના વ્યુઅર્સ નિયમિતતાના આગ્રહી છે.
૨. યુટ્યુબ પર વ્યુ લાવવા અઘરા છે એટલે યુટ્યુબ શૉર્ટ્સ પર ફોકસ કરો. ઇન્સ્ટાગ્રામ માટે કન્ટેન્ટ બનાવતા હો તો એ જ કન્ટેન્ટ યુટ્યુબ પર અપલોડ કરવાનું ચૂકવું નહીં.
૩. વ્યુઅર્સને રફ એટલે કે એડિટ થયા વિનાની કન્ટેન્ટ જોવી સૌથી વધારે ગમે છે. એડિટ કન્ટેન્ટને એ લોકો પ્રોફેશનલ માનીને સાઇડલાઇન કરી શકે છે એટલે ઓછામાં ઓછી કે એડિટ કર્યા વિના જ કન્ટેન્ટ મૂકો.
૪. શક્ય હોય ત્યાં સુધી પ્રયાસ કરો કે તમારી કન્ટેન્ટ સાઠથી નેવું સેકન્ડની જ હોય. લોકોમાં હવે લાંબી કન્ટેન્ટ જોવાની ધીરજ નથી રહી.
પ. કૉમેડી કન્ટેન્ટ સૌથી વધારે જોવાય છે, પણ એ કૉમેડીમાં જો સોશ્યલ કે ફૅમિલી મેસેજ પણ સમાવવામાં આવે તો વ્યુઅર્સ કન્ટેન્ટ-ક્રીએટર્સને યાદ રાખે છે.

ફૅમિલી કાસ્ટિંગ

KL BRO Biju Rithvik ચૅનલમાં બિજુ શરૂઆતના સમયમાં દેખાતો પણ ધીમે-ધીમે તેણે પોતે સ્ક્રીન પર આવવાનું ઓછું કર્યું અને તે મોટા ભાગે કન્સેપ્ટ અને વિડિયો એડિટિંગ પર ધ્યાન આપવા માંડ્યો અને તેણે ફ્રન્ટ સીટ પર કવિતા એટલે કે પોતાની વાઇફ અને મોટા દીકરા રિત્વિકને આગળ કરી દીધાં. માનાં ઇમોશન્સ અને દીકરાનું નટખટપણું ચૅનલ પર વધારે દેખાવા માંડ્યું તો સાથોસાથ તેણે રિજિનાની સાથે પોતાની મમ્મી કાર્ત્યાયની અમ્માના વિડિયો તો ઘણી વાર દાદી-પૌત્રના વિડિયો મૂકવાનું પણ ચાલુ કર્યું. ભાષાનું બંધન નીકળી જવાના કારણે બિજુના વિડિયો બાંગલાદેશ, આરબ કન્ટ્રીઝ, પાકિસ્તાન જેવા દેશોમાં પણ ખૂબ પૉપ્યુલર થયા.

આ જ ચૅનલમાં હવે બિજુ પોતાના નાના દીકરા દક્ષિત (જેને વિડિયોમાં લિટલ રિત્વિક પણ કહે છે) પણ લાવે છે તો સાથોસાથ ઘરમાં પાળેલી કૅટને પણ તે દેખાડે છે. બિજુ કહે છે, ‘મેં શરૂઆત સાવ સામાન્ય કહેવાય એવા સ્માર્ટફોનથી કરી પણ પછી યુટ્યુબની ઇન્કમ શરૂ થતાં એ પૈસાથી મેં વધારે સારાં ઇક્વિપમેન્ટ્સ અને મોબાઇલ ખરીદ્યા. જોકે એ પછી પણ હું વિડિયોની સિમ્પ્લિસિટી મૂકતો નથી. મારું ઑબ્ઝર્વેશન છે કે લોકોને વધારે પડતું એડિટ થયેલું કે ખાસ ફિલ્મ બનાવતા હોય એ પ્રકારે શૂટ કરેલી કન્ટેન્ટ કરતાં રૉ-કન્ટેન્ટ વધારે જોવી ગમે છે એટલે હું એ બધામાં પડવાને બદલે મોટા ભાગે પ્રયાસ કરું છું કે ઓછામાં ઓછું એડિટિંગ હોય અને ઓછામાં ઓછા ડાયલૉગ્સ હોય. હા, એક્સપ્રેશન પ્રૉપર રીતે આવે એ માટે હું ટ્રાય કરું છું. મને લાગે છે કે એ કોઈ પણ વિડિયોનો આત્મા હોય છે.’

કહેવાનો ભાવાર્થ એ છે કે આ ચૅનલમાં કોઈ એક વ્યક્તિગત હીરો નથી, પણ આખો પરિવાર હીરો છે અને એટલે જ આ ચૅનલ લોકોએ પ્રેમથી વધાવી છે. બિજુની ઉંમર આડત્રીસ વર્ષ છે તો તેની વાઇફ કવિતાની ઉંમર ૩૪ વર્ષ છે. દાદી કાર્ત્યાયની અમ્મા ૭૪ વર્ષનાં છે જ્યારે રિત્વિક અગિયાર વર્ષનો છે. બિજુ કહે છે, ‘અમારી ચૅનલ પર સૌથી વધારે જો કંઈ જોવાતું હોય તો એ છે દાદી-પૌત્રનાં અને મમ્મી-દીકરાનાં ઇમોશન્સ. નાના ગામમાં રહેતા લોકોની લાગણીઓને લોકો પ્રેમથી સ્વીકારે છે એ મારા માટે ગર્વની વાત તો છે જ પણ સાથોસાથ એ વાતની ખુશી પણ છે કે લોકોના જીવનમાં એનાથી ફરક પણ આવ્યો છે.’

વાત બિજુનાં તન, મન, ધનની

યુટ્યુબ કે પછી યુટ્યુબર્સ ક્યારેય પોતાની ઇન્કમ જાહેર નથી કરતા પણ અમુક વેબસાઇટ પરથી એ ઇન્કમનો અંદાજ મળી જાય છે. અલબત્ત, એ ફાઇનલ ઇન્કમ નથી હોતી પણ અંદાજ તો ચોક્કસ લગાવી શકાય.

KL BRO Biju Rithvik દ્વારા બિજુ મહિને ઓછામાં ઓછા વીસેક લાખ રૂપિયા કમાતો હોવાની સંભાવના છે તો દસેક લાખની રકમ બિજુ બ્રૅન્ડ-કોલૅબરશનમાંથી મેળવતો હોય શકે છે. બિજુના વિડિયોઝ ફૉરેનમાં વધારે જોવાતા હોવાથી આ ઇન્કમ વધારે હોવાની સંભાવના પણ છે. બિજુ વતી માર્કેટિંગનું કામ પ્રોફેશનલ્સ કરે છે. હવે તે લાંબા ઇન્ટરવ્યુ પણ આપવાનું ટાળે છે અને જો તમે થોડી વધારે વાત કરો તો તરત જ કહી દે છે કે તમે મારા મૅનેજર કે માર્કેટિંગ ટીમ સાથે વાત કરો.

એક સમય હતો કે બિજુ પાસે પોતાની રિક્ષાના હપ્તા ચૂકવવાના પણ પૈસા નહોતા પણ આજે બિજુ આલીશાન કાર અને ઘરનો માલિક છે. યુટ્યુબની ઇન્કમ શરૂ થયા પછી તેણે સૌથી પહેલું કામ પોતાની લોન ઉતારવાનું કર્યું હતું. આજે બિજુ પર એક પણ રૂપિયાની લોન નથી.

બિજુ રિક્ષા ચલાવતો હતો એટલે તેને કેરલામાં કોઈ છોકરી આપવા તૈયાર નહોતું. પરિણામે બિજુએ છેક કર્ણાટકના કુર્ગની કવિતા સાથે મૅરેજ કર્યાં અને આજે કવિતા કરોડો ઘરનો ફેસ બની ગઈ છે.

કવિતા અને રિત્વિકનો એક વિડિયો છે. સાઠ સેકન્ડના એ વિડિયોમાં રિત્વિકને લઈને કવિતા ગેમ ઝોનમાં આવે છે. રિત્વિક રમે છે અને થોડી વારમાં કવિતાને તેની ફ્રેન્ડનો ફોન આવે છે કે ચાલો આપણે મળીએ. કવિતા રિત્વિકને લઈને ગેમ ઝોનમાંથી નીકળે છે પણ રિત્વિકનું મોઢું ઊતરી જાય છે. ગેમ ઝોનના દરવાજે પહોંચીને કવિતા નિર્ણય બદલે છે અને રિત્વિકને લઈને ફરીથી ગેમ ઝોનમાં આવી જાય છે અને તેને રમવું હોય એટલું રમવાની છૂટ તો આપે જ છે પણ સાથોસાથ પોતે પણ તેની સાથે રમવા માંડે છે. બિજુ કહે છે, ‘અમારો આ વિડિયો બહુ પૉપ્યુલર થયો. આ વિડિયોમાં દસ હજારથી વધારે કમેન્ટ્સ એવી આવી કે મમ્મીઓએ કહ્યું કે અમે પણ હવેથી અમારા દીકરા સાથે આમ જ રહીશું અને તેની ખુશીને પ્રાધાન્ય આપીશું. બસ, અમારો વિડિયો બનાવવાનો હેતુ સાર્થક થયો.’

માત્ર કમાણી નહીં, કમાણીની સાથોસાથ સાચો અને સારો સંદેશ દેવો એ જ તો સોશ્યલ મીડિયાની જવાબદારી છે અને બિજુ આણિ મંડળી આ કામ અદ્ભ્ત રીતે કરે છે એટલે તો તેણે દુનિયાભરના ખમતીધર યુટ્યુબ ક્રીએટર્સને પણ પાછળ છોડી દીધા છે.

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 02:34 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK