Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ?

આપણી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ?

Published : 02 October, 2022 12:17 AM | IST | Mumbai
Dr. Nimit Oza | feedbackgmd@mid-day.com

દરેક સ્ત્રી ‘શક્તિ’ અને ‘ઊર્જા’નું સ્વરૂપ હોય છે અને આ જ કારણથી આપણા ખિસ્સામાં કે ઘરમાં પ્રવેશનારી લક્ષ્મી અલગ-અલગ ઊર્જા લઈને આવે છે. એ ઊર્જા કાં તો આપણને આબાદ કરે છે, કાં તો બરબાદ. એ નિયતિનો આધાર આપણી નિયત પર રહેલો છે

પ્રતીકાત્મક તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતીકાત્મક તસવીર


મને હજીયે યાદ છે એ દિવસો. દિવાળી કે બેસતા વર્ષના દિવસે નવાંનક્કોર કપડાં પહેરીને હું જ્યારે દાદાને પગે લાગતો 
ત્યારે તેઓ પોતાના ગજવામાંથી એક નવીનક્કોર નોટ કાઢીને મારા હાથમાં મૂકી દેતા અને કહેતા, ‘ના ન પાડતો. આ તો લેવા જ પડે. શુકન કહેવાય. આ પૈસા નથી, આશીર્વાદ છે.’
રૂપિયાની નોટો સાથે કોઈના આશીર્વાદ સંકળાયેલા હોય એ વાત મને ત્યારે નહોતી સમજાતી, પણ જેમ-જેમ હું કમાતો ગયો અને ખર્ચતો ગયો એમ-એમ મને સમજાતું ગયું કે રૂપિયા સાથે એનર્જી જોડાયેલી હોય છે. 
વૉલેટમાં આવતા કે વૉલેટમાંથી જતા રૂપિયાના દરેક સિક્કા કે નોટ સાથે માનવીય ઊર્જા પણ ટ્રાન્સફર થાય છે. નવા જન્મેલા બાળક જેના માટે રૂપિયાની નોટો ફક્ત કાગળ છે, જેને આ ચલણ વિશેની કશી જ માહિતી નથી એ જાણતા હોવા છતાં આપણે તેની નાની-નાની બંધ મુઠ્ઠીઓમાં એક નોટ મૂકી દેતા હોઈએ છીએ. ફક્ત પૈસા જ નહીં, ગિફ્ટમાં આપેલી દરેક વસ્તુ સાથે નીયત અને નિસબત સંકળાયેલી હોય છે. જોકે આપણે જેનો અવારનવાર ઉપયોગ કરતા હોઈએ છીએ એ કરન્સી સાથે એ નોટ પર લખાયેલા આંકડા કરતાં અનેકગણું વધારે મૂલ્ય સંકળાયેલું હોય છે. પચાસ રૂપિયાની સામાન્ય લાગતી નોટ જ્યારે કોઈ વડીલ કે શુભેચ્છક પાસેથી મળે છે ત્યારે એ નોટની કિંમત કરતાં એનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. દરેક ચલણી નોટ સાથે હ્યુમન ઇમોશન્સ જોડાયેલાં હોય છે.
ચલણમાં રહેલી દરેક નોટ પોતાની સાથે સકારાત્મક કે નકારાત્મક ઊર્જાનું વહન કરતી હોય છે. એ નોટ પચાસની હોય કે પાંચસોની, દરેક નોટની સાથે એક ભાવનાત્મક ટૅગ જોડાયેલું હોય છે. આપણા દરેકની સુખાકારી અને શાંતિનો આધાર આપણા ખિસ્સામાં રહેલી એ નોટ સાથે આપણા જીવનમાં પ્રવેશેલી એ પૉઝિટિવ કે નેગેટિવ એનર્જી પર રહેલો છે. 
કોઈએ કચવાતા મને આપેલા, છેતરપિંડી કે ફ્રૉડ દ્વારા કોઈની પાસેથી લીધેલા, કોઈના ઉધાર રાખેલા, કોઈ બીજાના હકના મારી લીધેલા કે પછી અનીતિથી કમાયેલા રૂપિયા પોતાની સાથે એક નકારાત્મક ઊર્જા લઈને આપણા જીવનમાં પ્રવેશે છે. આપણને એ રૂપિયા ભલે સદી જાય, પણ એ રૂપિયાની સાથે આવેલાં નેગેટિવ ઇમોશન્સ આપણા શાંત જીવનમાં તોફાનો સર્જી જાય છે. 
કોઈને ઉદારતાથી આપેલો, મહેનતથી કમાયેલો કે છળકપટથી પોતાની પાસે રાખી દીધેલો દરેક રૂપિયો કર્મ સાથે જોડાયેલો હોય છે. બૅન્ક-અકાઉન્ટમાંથી ઉપાડેલી કે જમા કરાવેલી દરેક રકમની એન્ટ્રી કાર્મિક અકાઉન્ટમાં પણ થતી હોય છે. આપણા દરેકનું બૅન્ક-અકાઉન્ટ આપણા કાર્મિક અકાઉન્ટ સાથે ‘Sync’ થયેલું હોય છે. 
કોઈના ઉધાર લીધેલા કે ઝૂંટવી લીધેલા થોડા-ઘણા રૂપિયા પાછા આપવા માટે એક આખો અવતાર લઈને ફરી પૃથ્વી પર આવવાનું કેટલું ‘મોંઘું’ પડે! 
દરેક સ્ત્રી ‘શક્તિ’ અને ‘ઊર્જા’નું સ્વરૂપ હોય છે અને આ જ કારણથી આપણા ખિસ્સામાં કે ઘરમાં પ્રવેશનારી લક્ષ્મી અલગ-અલગ ઊર્જા લઈને આવે છે. એ ઊર્જા કાં તો આપણને આબાદ કરે છે, કાં તો બરબાદ. એ નિયતિનો આધાર આપણી નીયત પર રહેલો છે. 
ચાર્લી ચૅપ્લિને પોતાની દીકરી જેરાલ્ડિનને લખેલા એક અદ્ભુત પત્રમાં કહેલું કે ‘પોતાના માટે ખર્ચેલા બે રૂપિયા પછી એ વાત સતત યાદ રાખજે કે તેં ખર્ચેલો ત્રીજો રૂપિયો તારો નથી. એ કોઈ એવી જરૂરિયાતમંદ વ્યક્તિનો છે જે સામાજિક અસમાનતાને કારણે તારી પાસે આવી ગયો છે. જો બની શકે તો એ રૂપિયો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પાછળ જ વાપરજે.’
આજની તારીખે હું મારા વૉલેટમાં નજર કરીને જોઈ લઉં છું કે ભૂલથી મારી 
પાસે આવી ગયેલી કોઈ બીજાની નોટ ક્યાંક મારા ઘરનું વાતાવરણ તો નથી બગાડી રહીને? વૉલેટ કે લૉકરમાં ગોંધી રાખેલી, કમાયા વગરની દરેક નોટ ચીસો પાડીને પોતાની મુક્તિ માટે આપણને વિનંતી કરતી હોય છે. 
અને મહેનતપૂર્વક જીતેલા રૂપિયાને બદલે જબરદસ્તી કરીને પરાણે બંદી બનાવેલી નોટો આપણને માનસિક અસ્વસ્થતા, અશાંતિ અને બેચેની તરફ લઈ જાય છે. એ વાત બહુ મોડી સમજાય છે કે ગુલાબી નોટો સામે તાક્યા કરવાથી ચહેરો ગુલાબી નથી થવાનો. એના માટે અંતરમાં ગુલાલ ઊડતો હોવો જરૂરી છે અને એ તો જ ઊડશે જો બંધ મુઠ્ઠીમાં નિષ્ઠા અને નીતિમત્તા હશે.
એ જ કારણ છે કે અકાઉન્ટમાં હજારો ડૉલર હોવા છતાં કેટલાક લોકો અનિદ્રાથી પીડાય છે તો બીજી બાજુ રોટલી 
જેટલી પાતળી ફિક્સ્ડ ડિપોઝિટ ધરાવનારા લોકો ઘસઘસાટ ઊંઘી શકે છે. ઇફ યુ આસ્ક મી કે ખિસ્સા કે વૉલેટમાં કેટલા રૂપિયા હોવા જોઈએ? તો હું કહીશ કે ઊંઘ આવી જાય એટલા. 
(તન અને મનને સ્વસ્થ રાખવા માટે ધનદુરસ્તી અનિવાર્ય છે.)


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2022 12:17 AM IST | Mumbai | Dr. Nimit Oza

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK