Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ‍ૅનલાઇન શૉપિંગ : મહત્ત્વની સુવિધા અને જોખમી શોખ, બિઝનેસની અને લોકોની દુનિયા બદલાઈ ગઈ છે

આ‍ૅનલાઇન શૉપિંગ : મહત્ત્વની સુવિધા અને જોખમી શોખ, બિઝનેસની અને લોકોની દુનિયા બદલાઈ ગઈ છે

Published : 06 August, 2026 04:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ જનરેશનને ક્યાંય જવું જ નથી. ટી-શર્ટ જોઈએ કે આઇસક્રીમ; હાથમાં મોબાઇલ લીધો, આ‍ૅર્ડર દીધો અને વસ્તુ હાજર. આ‍ૅનલાઇન ખરીદી કરતા ગ્રાહકો લાખોમાં વધતા જાય છે અને બિઝનેસ કરોડોમાં. યે નયા ઇન્ડિયા હૈ

જયેશ ચિતલિયા

જયેશ ચિતલિયા


શૉપિંગ કરવું એટલે શું? આવા સવાલના જવાબમાં એમ કહેવાતું કે મૉલમાં, બજારમાં, સ્ટોરમાં, શોરૂમમાં જવું; કલાકો સુધી વસ્તુઓ જોવી, પારખવી, સેલ્સમૅન સાથે ભાવતાલ કરવા અને બધું બરાબર બેઠું તો ખરીદી કરવી; નહીંતર બીજી 
દુકાન-મૉલ અથવા ઘરે પાછા. હવે આવું બધું ક્યાં? અગાઉ તો તહેવારોની મોસમમાં સેલ લાગે, એક્ઝિબિશન યોજાય, ઢગલાબંધ ડિસ્કાઉન્ટની જાહેરાતો થાય, એક પર એક ફ્રીની ઑફરોથી માંડીને કેટલાંય આકર્ષણો અપાય. સ્ત્રીઓ ખાસ પ્લાન બનાવીને નીકળી પડે. ઘણી વાર પતિ-પત્ની તો ઘણી વાર પરિવાર શૉપિંગ માટે નીકળી પડે. શૉપિંગ એક બિગ ઇવેન્ટ બની જાય, દિવસનો કાર્યક્રમ બને. કેટલી બધી ચર્ચા થાય, બજેટ બને, શું લેવું અને શું ન લેવું, શેની વધુ જરૂર છે વગેરેના આધારે પ્લાનિંગ થાય. હવે આવું બધું ક્યાં? આ વાત થઈ પાંચથી પચ્ચીસ વર્ષ પહેલાનાં ભૂતકાળની. 
હવે વર્તમાનમાં આવી જઈએ. શૉપિંગ એટલે હાથમાં મોબાઇલ કે લૅપટૉપ લઈ ઈ-કૉમર્સની જાણીતી સાઇટ્સ ઓપન કરીને ખરીદીના ઑર્ડર મૂકતા જવા, આઇટમ્સ વર્ચ્યુઅલ બાસ્કેટમાં મૂકતા જવું. ક્યાંય જવાનું નહીં, બધું ઘરે પહોંચી જાય. બોલો, શું જોઈએ છે? આખા ને આખા મૉલ જ નહીં, મૉલ બહારની વસ્તુઓ પણ ઘરમાં આવી ગઈ છે, ટચૂકડા મોબાઇલમાં હાજર છે. શૉપિંગની દુનિયાનો આખો કન્સેપ્ટ બદલાઈ ગયો છે. એમાં વળી નવા-નવા આઇડિયા-ગતકડાં ઉમેરાતાં જાય છે.

હજી કરોડો ગ્રાહકો ઉમેરાશે



થોડા વખત પહેલાં વૈશ્વિક કંપની ગૂગલ અને ડેલોઇટ દ્વારા સંયુક્તપણે કરાયેલા એક અભ્યાસ મુજબ ભારતમાં ડિજિટલ કૉમર્સ માર્કેટનું કદ હાલના ૯૦ અબજ ડૉલરથી હનુમાનકૂદકો મારીને માત્ર ચારેક વર્ષમાં ૨૫૦ અબજ ડૉલર સુધી પહોંચી જવાનો અંદાજ છે જેનો યશ યુવા પેઢી-નવી જનરેશનને જશે જે હવે જેન-ઝી નામે ઓળખાય છે અને ચર્ચાય છે. અભ્યાસ મુજબ આગામી પાંચ વર્ષમાં આશરે બાવીસ કરોડ જેન-ઝી ગ્રાહકો ઈ-કૉમર્સ માર્કેટમાં ૪૫ ટકા જેટલો જંગી હિસ્સો ધરાવતા થઈ જશે. આ ઉપરાંત રસપ્રદ તારણ એ છે કે હજી ૧૫ કરોડ નવા ગ્રાહકો આ ડિજિટલ માર્કેટમાં ઉમેરાશે. ડિજિટલ કૉમર્સ માર્કેટમાં છેલ્લા અમુક સમયથી ક્વિક કૉમર્સ પણ ઉમેરાયું છે જેની સાઇઝ ૨૦૩૦ સુધીમાં બમણી થઈ જશે. અર્થાત્ ઝટપટ ડિલિવરીવાળી ખરીદી કરનારાની માત્રા વધશે. હાલ આવા ગ્રાહકોની સંખ્યા ૩ કરોડ આસપાસ છે જે છથી ૭ કરોડ થઈ જશે. જોકે આ ખરીદી કે શૉપિંગમાં નૉન-ગ્રોસરી આઇટમ્સ વધુ હશે, જ્યારે ૪૫ ટકા આસપાસ ખરીદી ફૅશન અને ઇલેક્ટ્રૉનિક્સ આઇટમ્સની હશે. એમાં વળી મોબાઇલ, ગૅજેટ્સ, આઇપૅડ, ટૅબ્લેટ, લૅપટૉપ, મ્યુઝિક-સિસ્ટમ્સ વગેરે વધુ હશે.


પૈસાની ફિકર છોડો, સમય બચાવો

વિન્ડો શૉપિંગ હવે ઘેરબેઠાં મોબાઇલ કે લૅપટૉપ પર થવા લાગ્યું છે. જોકે ફિઝિકલની મજા જુદી જ હોય છે. એમ છતાં સમયની મારામારી અને કરન્ટ ટ્રેન્ડ તરીકે ઈ-કૉમર્સ શૉપિંગનાં લાભ અને આકર્ષણ ઘણાં છે, ક્યાંક ગેરલાભ પણ છે. જોકે એ ફિકર કોણ કેટલી કરે? પૈસા કરતાં સમય બચાવોની માનસિકતા જોર અને જોમથી કામ કરી રહી છે. સમય બચાવવા ઉપરાંત સરળતા લાવો, વધુ ચૉઇસ મળતી હોય તો એનો લાભ લો. પાછું ઈ-કૉમર્સવાળા વસ્તુ બદલવાની યા પૈસા રીફન્ડ કરવાની સુવિધા પણ આપે છે. હા, એ ખરું કે ઑનલાઇન શૉપિંગમાં કેટલીક ચીજોના ભાવ આડેધડ લગાવાતા હોય છે, પણ પૈસાની ફિકર કરનારા કેટલા? અલબત્ત, કસ્ટમર પણ સ્માર્ટ હોય છે.


ચેપ પણ વધે છે અને રોગો પણ

ઑનલાઇન શૉપિંગમાં અર્જન્સીનું મહત્ત્વ પણ સચવાય છે. આ મન થયું ને વસ્તુ મગાવી લીધી. રાતે સોફા પર બેઠાં-બેઠાં ટીવી પર મજાની ફિલ્મ જોઈ રહ્યા છો અને આઇસક્રીમ, કેક, પીત્ઝા, જેવી આઇટમ ખાવાનું મન થયું કે મોબાઇલ પર ઑર્ડર આપી દીધો. ૧૦-૧૫ મિનિટમાં તો જે માગ્યું એ ઘરે હાજર. 
શનિવાર-રવિવાર કે રજાના દિવસોમાં હોટેલોની લાઇનમાં-વેઇટિંગમાં કોણ ઊભું રહે? જે ખાવાની ઇચ્છા હોય એ ઘરે આવી જાય, બધા સાથે મળીને શાંતિથી માણે. ઑનલાઇન ખરીદીનો આ ચેપ પ્રૌઢ-સિનિયર વર્ગને પણ લાગી ગયો છે. બાય ધ વે, મોટાં શહેરોની ઇકૉનૉમી સ્પેન્ડિંગની બનતી જાય છે જે વપરાશવૃદ્ધિ મારફત અર્થતંત્રને વેગ આપે છે, પરંતુ બીજી તરફ સેવિંગ-કલ્ચર બગડતું જતું હોવાથી પણ ઇકૉનૉમીને અસર થઈ રહી છે. 
ઑનલાઇન શૉપિંગની એક અસર માણસોના સ્વાસ્થ્ય પર પણ થઈ રહી છે. માણસો વધુ ને વધુ ખાઉધરા, આળસુ અને બેજવાબદાર ખર્ચ કરતા થઈ રહ્યા છે. ઓબેસિટી, ડાયાબિટીઝ, સ્ટ્રેસ, કૅન્સર, કિડનીની સમસ્યા જેવા રોગો ઑનલાઇનની એવી ભેટ છે જે ઑર્ડર કરાયેલી આઇટમો સાથે દેખાતી નથી પરંતુ ડિલિવરી સાથે આવતી જાય છે. લોકોનાં ઘરોમાં અને પેટમાં અનેક વસ્તુઓ જરૂર કરતાં વધુ ભેગી થઈ રહી છે. શું તમે આવા ઑનલાઇન ગ્રાહકો છો? તો ગંભીર રીતે વિચારવાનો સમય છે. આ પણ એક પ્રકારનું ઍડિક્શન છે કે બની શકે.

આ‍ૅફલાઇન શૉપિંગનું જોર પણ ચાલુ

નવાઈની અને સારી વાત એ છે કે આટલા મોટા પાયે ઑનલાઇન શૉપિંગ થઈ રહ્યું હોવા છતાં કેટલીક ચીજો માટે હજી પણ પરંપરાગત નાની દુકાનો, ફેરિયાઓ, સ્ટ્રીટ-સેલર્સ વગેરે જોરમાં છે કેમ કે આ ખરીદીની મજા જ કંઈક ઑર છે. ભલે સંપત્તિવાન લોકો વિવિધ ઍપ્સ મારફત શાકભાજી અને અનાજની આઇટમો ખરીદવા લાગ્યા હોય, મધ્યમ વર્ગ અને નીચલો વર્ગ સવાર-સાંજ માર્કેટમાં પોતાના કરિયાણાવાળા અને શાકભાજીવાળા પાસે જ જાય છે. હોટેલોમાં રજાના દિવસે જગ્યા નથી મળતી તો કોણ ફિકર કરે, ઘરેથી બહાર નીકળીને સ્ટ્રીટ-ફૂડ્સની મજા માણવા લાખો લોકો નીકળી પડે છે. અસંખ્ય ફેરિયાઓ-રેંકડીવાળા લાખોમાં કમાણી કરતા થઈ ગયા છે. લાખો લોકોના સ્વરોજગાર આ ટ્રેન્ડને કારણે ચાલતા રહે છે. ખરેખર જરૂર હોય કે ન હોય, કંઈ ને કંઈ શૉપિંગ કરતા રહેવું એ નવી પેઢીનો સ્વભાવ બનતો જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2026 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK