Arvind Kejriwal Instagram account restricted: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે મેટા દ્વારા કોઈ પણ સ્પષ્ટતા આપ્યા વગર તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં રિસ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યું છે
ફાઇલ તસવીર
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુરૂવારે આરોપ લગાવ્યો હતો કે મેટા (Meta) એ ભારતમાં તેમનું ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ રિસ્ટ્રિક્ટ કરી દીધું છે. તેમણે દાવો કર્યો હતો કે કંપનીએ આ પગલાં પાછળનું કોઈ કારણ આપ્યું નથી અને વારંવાર સ્પષ્ટતા માંગવા છતાં કોઈ યોગ્ય જવાબ આપ્યો નથી.
અરવિંદ કેજરીવાલે એક્સ પર કરી ફરિયાદ
ADVERTISEMENT
એક્સ (X) પર એક પોસ્ટમાં મેટા અને મેટા ઇન્ડિયા (Meta India) ને ટેગ કરીને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે સવાલ કર્યો હતો કે, તેમનું એકાઉન્ટ દેશમાં શા માટે અપ્રાપ્ય (unavailable) કરવામાં આવ્યું છે.
પોસ્ટમાં અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે, ‘તમે મારું એકાઉન્ટ શા માટે રિસ્ટ્રિક્ટ કર્યું છે? તમારી ભારત સ્થિત ઓફિસમાં મૌખિક પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે મારું એકાઉન્ટ ભારતમાં રિસ્ટ્રિક્ટ કરાયું છે અને તે ઉપલબ્ધ નથી. કેમ? તમારી ઓફિસમાંથી કોઈ કારણ આપી રહ્યું નથી અને આ નિયંત્રણો કેવી રીતે હટાવી શકાય તેની કોઈ માહિતી પણ આપી રહ્યું નથી.’
Hi @Meta @metaindia
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 6, 2026
Why have you restricted my account? Verbal enquiries at your India office revealed that my account has been restricted in India and is unavailable in India. Why? Noone in your office is giving any reasons. Noone is suggesting how restrictions can be removed.… pic.twitter.com/4JThAqFMon
કેજરીવાલે વધુમાં આરોપ લગાવ્યો હતો કે કંપનીને મોકલેલા ઇમેઇલ્સના માત્ર રૂટિન એક્નોલેજમેન્ટ જ મળ્યા છે, કોઈ સાર્થક પ્રતિસાદ મળ્યો નથી. તેમણે ઉમેર્યું કે ‘આ ખૂબ જ ખરાબ સર્વિસ છે.’
પીએમ મોદી પર સાધ્યું નિશાન
દિલ્હી (Delhi) ના ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે મેટા રાજકીય દબાણ સામે ઝૂકી રહી છે. કેજરીવાલે લખ્યું, ‘અમારા વડાપ્રધાન સામે આટલું બધું ન નમો, નહીંતર તેઓ તમને ભારતમાં માત્ર તેમનું જ એકાઉન્ટ ચલાવવાની મંજૂરી આપશે.’
આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના સોશિયલ મીડિયા એકાઉન્ટ સાથે જોડાયેલા એક કિસ્સામાં મેટા વિવાદમાં સપડાઈ હતી. આ જ સપ્તાહના પ્રારંભમાં ફેસબુક (Faceook) પર વડાપ્રધાનની એક પોસ્ટ ભૂલથી રિસ્ટ્રિક્ટ થઈ જતાં મેટાના એક વરિષ્ઠ અધિકારીએ માફી માંગી હતી અને તેને ટેકનિકલ ભૂલ ગણાવીને તુરંત પોસ્ટ પુનઃસ્થાપિત કરી દીધી હતી.
કેજરીવાલે આ ઘટનાનો ઉલ્લેખ કરીને સરખામણી કરી હતી કે, ‘જ્યાં વડાપ્રધાનના એકાઉન્ટ સંબંધિત સમસ્યાને મેટાએ ત્વરિત સ્વીકારીને સુધારી લીધી હતી, ત્યાં જ તેમના પોતાના એકાઉન્ટ પર મૂકાયેલા કથિત પ્રતિબંધ અંગે કંપની કોઈ ખુલાસો કે જવાબ આપી રહી નથી.’
મેટા કંપનીએ અરવિંદ કેજરીવાલના આરોપો પર હજુ સુધી કોઈ જાહેરમાં સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
નોંધીનીય છે કે, આ સમગ્ર ઘટનાક્રમ બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)ના એ આદેશની પૃષ્ઠભૂમિ વચ્ચે સામે આવ્યો છે, જેમાં કોર્ટે મેટા, એક્સ (X) અને ગૂગલ (Google) ને દિલહી-નાગપુર ઈ૨૦ (E20) પેટ્રોલ રોલઆઉટ અંગે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સામેની "અભદ્ર, અપમાનજનક અને વાંધાજનક" સોશિયલ મીડિયા પોસ્ટ્સ તાત્કાલિક હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, કેજરીવાલની પોસ્ટ્સ કોર્ટ દ્વારા ફ્લેગ કરવામાં આવેલી સામગ્રીની શ્રેણીમાં આવતી નથી, પરંતુ આપ (AAP) પ્રમુખ E20 પેટ્રોલ નીતિના અગ્રણી વિવેચક રહ્યા છે અને આ મુદ્દે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરતા રહ્યા છે.
