આવી વ્યૂહરચનાઓ અમલમાં મૂકતી વખતે કાળજી જરૂરી છે. કલમ 54F હેઠળ કેટલીક શરતો હોય છે, જેમ કે એકથી વધુ રહેણાક મિલકતોની ખરીદી હોય તો કરમુક્તિ મળતી નથી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રોહિત અને નેહાએ વર્ષોના રોકાણ દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડમાં સારીએવી રકમ એકઠી કરી લીધી હતી. એમાંથી તેમણે મુંબઈની આસપાસ એક મોટી પ્રૉપર્ટી ખરીદવાનું નક્કી કર્યું. પ્રૉપર્ટીની ખરીદી વખતે તેમનો પોર્ટફોલિયો પાંચ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. એમાં અડધોઅડધ રકમ તો તેમના મૂડીલાભ એટલે કે કૅપિટલ ગેઇન્સની હતી. તેમના માટે મોટો પ્રશ્ન એ હતો કે આ મૂડીલાભ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સ ભરવાનો આવશે એનું શું કરવું. જો તેઓ આખો પોર્ટફોલિયો ખાલી કરે તો તેમને આવકવેરા ધારાની કલમ 112A હેઠળ ૧.૨૫ લાખ રૂપિયા સુધીનો મૂડીલાભ કરમુક્ત મળે અને એનાથી વધુના મૂડીલાભ પર ૧૨.૫ ટકાના દરે આ ટૅક્સ ભરવાનો આવે. તેમણે હિંમત હાર્યા વગર કરવેરાનું આયોજન કરનારા નિષ્ણાતનો સંપર્ક સાધ્યો.
નિષ્ણાતે તેમને આવકવેરા અધિનિયમની કલમ 54Fનો ઉપયોગ કરવાનું સૂચવ્યું. એ કલમની જોગવાઈ અનુસાર રહેણાક મિલકત સિવાયની સંપત્તિમાંથી મળેલા લાંબા ગાળાના નફાનું રોકાણ નવા રહેણાક મકાનમાં કરવામાં આવે તો કૅપિટલ ગેઇન્સ ટૅક્સ માફ થઈ શકે છે. આ વ્યૂહરચનાને અમલમાં મૂકવા માટે તેમણે પહેલાં પૂરેપૂરા પાંચ કરોડ રૂપિયાના મ્યુચ્યુઅલ ફ્ડનું રિડમ્પશન કરાવી લીધું. તેમણે મૂડીલાભની આખેઆખી રકમ મિલકતની ખરીદીમાં નાખવાને બદલે નિષ્ણાતની સલાહ મુજબ મિલકત ખરીદવા માટે તેમણે એક કરોડ રૂપિયા બચતના વાપર્યા અને ચાર કરોડ રૂપિયાની હોમ લોન લીધી. આ રીતે મિલકતની ખરીદી માટે જરૂરી નાણાંનું સંયોજન લોન અને પોતાની બચતથી થયું, જ્યારે રિડીમ કરાયેલી રકમ ફરી રોકાણ માટે ઉપલબ્ધ રહી. કલમ 54F મુજબ ફન્ડના વેચાણમાંથી મળેલી કુલ રકમ પર કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિ મેળવવી હોય તો એ રકમનું નિશ્ચિત સમયમર્યાદાની અંદર રોકાણ કરવું જરૂરી હોવાથી તેમણે કાયદા મુજબની સમયમર્યાદામાં મિલકતની ખરીદી પૂરી કરી (અહીં જણાવવું રહ્યું કે ઘર કઈ રકમથી ખરીદાયું એ અગત્યનું હોતું નથી). પરિણામે તેમને મૂડીલાભ પર સંપૂર્ણ કરમુક્તિ મળી. અહીં નોંધવું ઘટે કે કલમ 54F મુજબ મૂડીલાભની સંપૂર્ણ રકમમાંથી દલાલી, ટ્રાન્સફર માટેનો ખર્ચ જેવા અમુક ખર્ચ બાદ કરીને મળતી પૂરેપૂરી ચોખ્ખી રકમનું નિશ્ચિત સમયમર્યાદા હેઠળ પ્રૉપર્ટીમાં રોકાણ કરવામાં આવે તો જ મૂડીલાભમાંથી મુક્તિ મળે છે. આ રીતે રોકાણ કરવાથી રોહિત અને નેહાને મૂડીલાભ પર કરવેરામાંથી મુક્તિ મળી. પ્રૉપર્ટીનો સોદો થઈ ગયા બાદ તરત જ તેમણે પાંચ કરોડ રૂપિયા ફરીથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકી દીધા. આમ લાંબા ગાળાનું સંપત્તિસર્જન ચાલુ રહ્યું.
ADVERTISEMENT
આ વ્યૂહરચનાના અનેક લાભ થયા. એક, તેમણે મૂડીલાભ પરનો સંપૂર્ણ કર બચાવ્યો. બે, લોન લેવાને કારણે તેમની નાણાકીય પ્રવાહિતા જાળવાઈ અને ઇક્વિટી બજારમાં રોકાણ ચાલુ રહ્યું, જેથી નિવૃત્તિ અને બાળકોના શિક્ષણ જેવાં લક્ષ્યો પર અસર ન પડી. ત્રણ, તેમને કલમ 80C અને 24(B) હેઠળ હોમ લોન પર કરલાભ મળ્યો, જેને કારણે સમગ્ર આયોજન વધુ અસરકારક બન્યું.
આવી વ્યૂહરચનાઓ અમલમાં મૂકતી વખતે કાળજી જરૂરી છે. કલમ 54F હેઠળ કેટલીક શરતો હોય છે, જેમ કે એકથી વધુ રહેણાક મિલકતોની ખરીદી હોય તો કરમુક્તિ મળતી નથી.
