કાનપુરના કરોડપતિ વેપારી વિનીત મિનોચા મર્ડરકેસની આખી સ્ક્રિપ્ટ કેવી રીતે લખાઈ, કેવી રીતે પુત્રવધૂએ આખો પ્લાન બનાવ્યો અને એ પ્લાન પાછળ તેની કેવી માનસિકતા કામ કરતી હતી એ વાતો વાંચીને ચોક્કસપણે તમે ધ્રૂજી જશો
ક્રાઇમ-સીન પર પોલીસ અને પોલીસના સકંજામાં શાલુ.
શનિવારની એ રાત હતી.
કાનપુરના પૉશ એરિયા તિલકનગરમાં આવેલી કૉસ્મોઝિન લાઉન્જમાં બેસ સ્પીકરો ફ્લોર પર નાચતા એકેએકના લોહીમાં ઉછાળો આપવાનું કામ કરતાં હતાં તો છત પર લટકતી ડિસ્કો લાઇટોના લાલ, લીલા, પીળા અને બ્લુ રંગો ફ્લોરને વધારે રંગીન બનાવવાનું કામ કરતા હતા. રાતે
અઢી વાગ્યાની આસપાસ ડિસ્ક જૉકી
(DJ) સુદીપે નાઇન્ટીઝનું પૉપ્યુલર સૉન્ગ પ્લે કર્યું : તુમ તો ધોખેબાઝ હો, વાદા કરકે ભૂલ જાતે હો...
અને થોડી વારમાં ફ્લોર પરથી સૉન્ગ માટે વન્સ મોરની ફરમાઇશ આવી. ફરમાઇશ કરનારી પાંત્રીસ-છત્રીસ વર્ષની તે લેડીએ પર્પલ કલરનું ગાઉન પહેર્યું હતું. કદાચ તેને ટકિલાના શૉટ્સની અસર પણ થઈ ગઈ હતી. હસબન્ડ સાથે ડાન્સ-ક્લબમાં આવેલી તે લેડીને ઘરે જવાની ઉતાવળ ન હોય એ પ્રકારનું તેનું બિહેવિયર હતું. દોઢેક વાગ્યાની આસપાસ હસબન્ડે ઘરે જવા માટે કહ્યું તો પણ તે તૈયાર થઈ નહીં. અઢી વાગ્યાની આસપાસ DJએ પણ ક્લબ બંધ કરવાના હેતુથી મ્યુઝિક બંધ કર્યું ત્યારે પણ તે લેડીએ જઈને કહ્યું, ‘પ્લીઝ, એક લાસ્ટ સૉન્ગ... થોડું હજી વગાડો!’
પાર્ટી ૩ વાગ્યા સુધી લંબાઈ અને લંબાયેલી એ પાર્ટીને પર્પલ કલરનું ગાઉન પહેરેલી તે લેડીએ મન ભરીને માણી. કારણ માત્ર એક જ. શનિવારની એ પાર્ટી તેની આઝાદીની પાર્ટી હતી. ઘરેથી નીકળી ત્યાં સુધી તે આન્સરેબલ હતી, પણ ઘરે પાછા ગયા પછી જગતનું કોઈ તેને સવાલ કરવાનું નહોતું, રોકટોક કરવાનું નહોતું કે કોઈની સામે તેણે ચોખવટ કે ખુલાસા કરવાના નહોતા.
લેડી જ્યારે પોતાની કમર ઝુલાવતી હતી ત્યારે તેના કરોડપતિ સસરા ઘરમાં અંતિમ શ્વાસ લેતા હતા. સસરાને મારવાની સોપારી તે લેડીએ પોતે જ આપી હતી જેની તેના હસબન્ડને ગંધ સુધ્ધાં નહોતી આવી. હા, આપણે વાત કરીએ છીએ અત્યારે સોશ્યલ મીડિયા અને ન્યુઝ-ચૅનલો પર ચકચાર મચાવી ચૂકેલી શાલુ મિનોચાની.
કાનપુરની શાલુની અન્ય બે આરોપીઓ સાથે અરેસ્ટ કરવામાં આવી છે. શાલુ પર આરોપ છે કે તેણે પોતાના જ ૬૩ વર્ષના સસરા વિનીત મિનોચાની સોપારી આપીને હત્યા કરાવી છે. કારણ માત્ર એટલું જ કે શાલુને એ વાત કનડતી હતી કે તેના સસરાના નીતિનિયમો મુજબ તેણે ઘરમાં ચાલવું પડતું હતું. પોતાના પર્સનલ એક્સપેન્સ માટે પણ તેણે સસરા સામે હાથ લંબાવવો પડતો હતો. અલબત્ત, આ કેસની ઇન્ક્વાયરીને લીડ કરતા કાનપુર
(વેસ્ટ)ના ડેપ્યુટી પોલીસ-કમિશનર એસ. એમ. કાસિમ આબિદીને માત્ર આ એક ફરિયાદ પર ભરોસો આવતો નથી. એસ. એમ. કાસિમ આબિદી ‘મિડ-ડે’ને કહે છે, ‘શાલુનાં મૅરેજને ઑલમોસ્ટ ૮ વર્ષ થઈ ગયાં છે. શરૂઆતથી જ વિનીત મિનોચાના પરિવારમાં આ જ નિયમ હતો એટલે અચાનક જ શાલુને સસરાનો સ્વભાવ ઇરિટેટ કરવા માંડે અને તે છેક સુપારી આપવા સુધી પહોંચી જાય એવું દેખાતું નથી. ઇન્ક્વાયરી ચાલે છે કે આ સિવાય બીજું કોઈ રીઝન છે કે નહીં?’
અલબત્ત, અત્યારે પોલીસ-રજિસ્ટર પર ઇન્ક્વાયરી જ્યાં પહોંચી છે ત્યાં સુધીની પણ વાત કરવી હોય તો પહેલાં કાનપુરના આ કરોડપતિ પરિવાર અને વિનીત મિનોચાને ઓળખી લેવા જોઈએ.
કોણ છે આ મિનોચા?
ADVERTISEMENT
કાનપુરમાં જો કોઈને પણ ફાર્મા ટ્રેડર્સનું નામ પૂછવામાં આવે તો તે ફટાક દઈને વિનીત મિનોચાનું નામ આપી દે. મિનોચા ફૅમિલી કાનપુરની દવાબજારનું ખ્યાતનામ નામ છે. વિનીત મિનોચાના પપ્પાએ આ બિઝનેસ શરૂ કર્યો, જેને વિનીત મિનોચાએ ઊંચાઈ પર લઈ જવાનું કામ કર્યું. અડધો ડઝન મલ્ટિનૅશનલ ફાર્મા કંપનીની ઉત્તર પ્રદેશની ડિસ્ટ્રિબ્યુટરશિપ ધરાવતો મિનોચા પરિવાર કાનપુરના ટોચના ૩ ફાર્મા બિઝનેસમેનમાંનો એક છે. એકાદ દશક પહેલાં તો તેમણે બે નાની ફાર્મા કંપનીમાં પાર્ટનરશિપ પણ કરી. વિનીત મિનોચાને જે કોઈ ઓળખે છે તે સૌનું કહેવું છે કે તે ડિસિપ્લિનમાં માનનારા અને હિસાબની બાબતમાં એકદમ કડક માણસ હતા.
વિનીત મિનોચાનાં વાઇફ પુનિતા મિનોચા પ્રોફેશનલ મૅરેજ-કાઉન્સેલર છે. તે મોટા ભાગે પોતાના પ્રોફેશનને કારણે દિલ્હી અને ગાઝિયાબાદ રહે છે. બન્નેને એક દીકરો અને એક દીકરી. દીકરીનાં મૅરેજ ગુરુગ્રામમાં સૉફ્ટવેર એન્જિનિયર સાથે થયાં છે અને દીકરા સુબ્રત મિનોચાનાં મૅરેજ ૮ વર્ષ પહેલાં શાલુ સાથે કરવામાં આવ્યાં હતાં. આ અરેન્જ્ડ મૅરેજ હતાં. કાનપુરમાં જ રહેતી બ્યુટિફુલ, ઍમ્બિશિયસ અને મૉડર્ન લાઇફસ્ટાઇલની શોખીન શાલુ સાથે દીકરાનાં મૅરેજ ફાઇનલ થયાં એ સમયે વિનીત મિનોચાએ વિચાર્યું નહોતું કે પુત્રવધૂના નામે ઘરમાં એક એવી વ્યક્તિને લાવે છે જે એક દિવસ તેમનો જ જીવ લેવાની છે. ઍનીવે, દરેક પરિવારમાં બને છે એવું જ અહીં બન્યું.
બધું ગુડી-ગુડી ચાલતું ગયું અને સારા દિવસો વચ્ચે જ શાલુ અને સુબ્રતને ત્યાં એક દીકરાનો જન્મ થયો જે આજે ૬ વર્ષનો છે. કાનપુર (વેસ્ટ)ના ડેપ્યુટી પોલીસ-કમિશનર એસ. એમ. કાસિમ આબિદી કહે છે, ‘બહારથી આ ફૅમિલીનો કોઈ ઇશ્યુ નહોતો. ઊલટું લોકો ફૅમિલીનું એક્ઝામ્પલ આપીને કહેતા કે આ રીતે રહેવું જોઈએ. જોકે ઇન્ટર્નલી શાલુને પ્રૉબ્લેમ હતા જે તે ક્યાંય બહાર આવવા નહોતી દેતી.’
કાનપુરના કલ્યાણપુર એરિયામાં આવેલી અલ્ટ્રા-લક્ઝુરિયસ હાઇરાઇઝ સોસાયટી રતન ઑર્બિટમાં રહેતા મિનોચા ફૅમિલી પાસે ૩ લક્ઝુરિયસ ગાડી હતી. બૅન્કમાં કરોડો રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ હતી. શાલુને ઘરમાં કોઈ જાતની રોકટોક નહોતી. ઘરમાં રસોઈ બનાવવા માટે બે કુક હતા તો ૧૨ કલાકનો સર્વન્ટ હતો, ડ્રાઇવર હતો. પ્રોફેશનને લીધે સાસુ મહિનામાં ૧૫ દિવસ બહારગામ રહેતી હોય અને સવારે ૧૦ વાગ્યે ઑફિસ જવા નીકળી જતા સસરા રાતે સીધા ૮ વાગ્યે ઘરે આવતા હોય. એ સિવાય ઘરમાં બીજું કોઈ હોય નહીં. પતિ સાથે મનમેળ પણ બેસ્ટ હોય અને જોતાં જ દુશ્મનની છાતી ફાટે એવો સરસ દીકરો હોય. સામાન્ય રીતે આ પ્રકારના જીવનની અપેક્ષા દરેક છોકરીને હોય. જોકે શાલુને સુખની તકલીફ પડવા માંડી હતી અને આ જ તકલીફ વિનીત મિનોચાના જીવનને અંત તરફ ધકેલવાનું કામ કરવા માંડી, જેની શરૂઆત થઈ જુલાઈ મહિનાની એક રાતથી.
૨૮ જુલાઈની એ રાત
૨૮ જુલાઈએ રાત્રે શાલુ પાર્ટીમાંથી ખૂબ મોડી કહો કે અંદાજે દોઢેક વાગ્યાની આસપાસ આવી. અનાયાસ વિનીત મિનોચા એ રાતે જાગતા હતા. તેમને ખબર નહોતી કે શાલુ એકલી ઘરની બહાર છે. શાલુ ઘરમાં આવતાં વિનીત મિનોચાએ તેને કડક શબ્દોમાં કહી દીધું કે દીકરો ઘરમાં છે, પૌત્ર ઘરમાં છે એવા સમયે તમે રાતે બબ્બે વાગ્યા સુધી બહાર ભટકતાં રહેશો એ મને નહીં ચાલે. શાલુ કંઈ કહે કે જવાબ આપે એ પહેલાં જ વિનીતિ મિનોચાએ સીધો આદેશ આપી દીધો કે હવે પછી સુબ્રત હોય અને તમે બહાર જાઓ તો ઠીક છે; બાકી તમે એકલા ક્યાંય પણ જાઓ, રાતે ૧૧ વાગ્યા સુધીમાં ઘરમાં આવી જજો.
શાલુના ઈગોમાં તો જાણે સુનામી આવી ગઈ અને એ સુનામીએ શાલુના મનમાં રહેલી જૂની કડવાશને એ સ્તર પર ચેન્જ કરી નાખી કે શાલુને આખેઆખા વિનીત મિનોચા નડવાના શરૂ થયા.
પડ્યા પર પાટુ
આ ઘટનાના થોડા જ દિવસમાં વિનીત મિનોચાના કહેવાથી ઘરના ડ્રૉઇંગરૂમમાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા લાગવાનું કામ શરૂ થયું. શાલુ શૉક્ડ રહી ગઈ કે ઘરમાં કૅમેરા લગાવવાના છે અને મને કહેવામાં પણ નથી આવતું. તેણે કામ અટકાવી દીધું અને વિનીત મિનોચાએ ફોનમાં શાલુને ચોપડાવી દીધી કે CCTV કૅમેરા તો ઘરમાં લાગશે જ લાગશે. વિનીત મિનોચાનાં વાઇફ પુનિતા મિનોચા કહે છે, ‘એ સમયે વિનીતે ક્લિયર સમજાવ્યું હતું કે સુબ્રત મોટા ભાગે ઑફિસમાં હોય. પાછળ ઘરમાં હોય તો શાલુ-સુબ્રતનો ૬ વર્ષનો દીકરો અને સર્વન્ટ કે જુદા-જુદા કામ માટે ઘરમાં અવરજવર કરતી મેઇડ. શાલુનું પણ નક્કી હોય નહીં કે તે ક્યાં છે. આવા સમયે બાળકની સેફ્ટી માટે પણ ઘરમાં કૅમેરા હોવા જરૂરી છે.’
શાલુને આ વાત ગળે ઊતરી નહીં. તેને લાગ્યું કે કૅમેરા તેની આઝાદી પર તરાપ મારવાનો સીધો રસ્તો છે, હવે કૅમેરા તેના પર ચોકીદારી કરશે. શાલુએ વિરોધ ચાલુ રાખ્યો. તેણે સુબ્રતને પણ કહ્યું, પણ વિનીત મિનોચા પાસે શાલુનું ચાલ્યું નહીં અને કૅમેરા ઘરમાં ફિટ થયા. બળતામાં ઘી હોમવાનું કામ એ થયું કે વિનીત મિનોચાએ એ ચારેચાર કૅમેરાનું ઑપરેટિંગ પોતાના મોબાઇલમાં રાખ્યું. પુનિતા મિનોચા કહે છે, ‘વાત બેડરૂમના કૅમેરાની હોય તો સમજી શકાય, પણ આ તો ડ્રૉઇંગરૂમના કૅમેરા હતા એટલે મેં પણ શાલુને સમજાવી કે વિનીત આ બધું સારા માટે કરે છે, પણ શાલુ માનવા તૈયાર નહોતી.’
શાલુને લાગવા માંડ્યું કે હવે આનો રસ્તો કરવો જ પડે.
મનમાં આવેલા આ વિચારને પેટ્રોલ પૂરું પાડવાનું કામ એક વેબ-સિરીઝે કર્યું. ફૉરેનની એ વેબ-સિરીઝમાં પતિની હત્યાનો બદલો લેવા માટે વાઇફ પોતે આગળ આવે છે અને તે પહેલું મર્ડર તેના સસરાનું કરે છે. જાતે એવું કશું કરવાની ન તો હિંમત શાલુમાં હતી કે ન તો એવી તેની કોઈ ગણતરી હતી એટલે ત્રાહિત હસ્તક કંઈક કરાવવાનો વિચાર તેના મનમાં ઘૂમરાવા માંડ્યો. ડેપ્યુટી પોલીસ-કમિશનર એસ. એમ. કાસિમ આબિદી કહે છે, ‘શાલુના માઇન્ડમાં એ પણ આવ્યું કે વિનીત જાય તો બિઝનેસની બધી જવાબદારી સુબ્રતના હાથમાં આવી જાય અને જો એવું બને તો શાલુ કે સુબ્રતે વારંવારે પાપા પાસેથી પરમિશન લેવી ન પડે.’
બાય ધ વે, પાપાની સાથે જ જોડાયેલા સુબ્રતને પણ પાપા વિનીત મિનોચાએ ફિક્સ સૅલેરી બાંધી આપી હતી, જે દર મહિનાની પાંચમી તારીખે તેના અકાઉન્ટમાં જમા થતી તો એવી જ રીતે ઘરખર્ચ પણ દર મહિને ફિક્સ રકમમાં જ મળતો અને એ રકમ શાલુને આપી દેવામાં આવતી. વિનીતનો નિયમ હતો કે શાલુએ ખર્ચનો હિસાબ આપવાનો. જો શાલુ એ આપવામાં પાછી પડે તો તેને આપવામાં આવતો મન્થ્લી એક્સપેન્સ અટકી જતો. આ થોડું વધારે કહી શકાય. આજના સમયમાં બહુ ઓછી વહુ આ ચલાવે, પણ એનો અર્થ એવો પણ નથી થતો કે કોઈ વહુ તેના સગા સસરાનું સુપારી આપીને મર્ડર કરાવે.
કાગનું બેસવું ને...
કાનપુર પોલીસનું માનવું છે કે શાલુને તેના સસરા નડવા માંડ્યા હતા, પણ એ નડતરને કેવી રીતે રસ્તામાંથી હટાવવી એનો નક્કર વિચાર વિશાલ ગૌતમે આપ્યો. ૩૦ વર્ષનો વિશાલ ગૌતમ એક સમયે વિનીત મિનોચાની ઑફિસમાં કામ કરતો હતો. લગભગ દસેક વર્ષ તેણે કામ કર્યું અને પછી બીજે જૉબ માટે જતો રહ્યો અને સાથોસાથ જુગારના રવાડે પણ ચડી ગયો, જેમાં તે બે લાખ રૂપિયા હારી ગયો.
વિશાલ અને શાલુ કૉન્ટૅક્ટમાં હતાં. અફકોર્સ એવા કોઈ કૉન્ટૅક્ટમાં નહીં. વારતહેવારે વિશાલ બહેનજીને ફોન કરે અને બહેનજી પણ કંઈ કામ હોય તો વિશાલને સોંપે. વિશાલ કરી પણ આપે. બદલામાં બહેનજી એટલે કે શાલુ બસો-પાંચસોની બિક્ષસ આપે. વિશાલ અને શાલુ વચ્ચે વાત થઈ અને વિશાલે શાલુ પાસે વ્યાજે બે લાખ રૂપિયા માગ્યા. મોંમાગ્યું વ્યાજ આપવાની પણ તૈયારી દેખાડી. આ વાતચીત દરમ્યાન વિશાલ એવું પણ બોલી ગયો કે કોઈ ન કરી શકે એવું કામ પણ આપો, હું તમને કરી આપીશ પણ મને પૈસાની બહુ જરૂર છે. કાનપુર પોલીસના કૉલ ડીટેલ રેકૉર્ડ્સ મુજબ પહેલી મે પછી શાલુ અને વિશાલ વચ્ચે અવારનવાર વાત થઈ છે, જે ઑગસ્ટમાં અચાનક જ ખૂબ વધી ગઈ અને મર્ડરના આગળના બાવીસ દિવસ દરમ્યાન તો વિશાલ-શાલુ વચ્ચે એક્ઝૅક્ટ ૩૦૯ વખત વૉટ્સઍપ કૉલ્સ, વૉઇસ કૉલ્સ અને મેસેજિસની આપ-લે થઈ.
મર્ડરના પચીસ દિવસ પહેલાં શાલુ શૉપિંગના બહાને ઘરેથી નીકળીને કાનપુરના પ્રખ્યાત ગુમટી વિસ્તારમાં વિશાલને મળી. ત્યાં કારમાં બેસીને શાલુએ વિશાલ સામે સસરા વિનીતની હત્યા કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જે સાંભળીને વિશાલ શરૂઆતમાં ધ્રૂજી ગયો, પણ આ કામના બદલામાં શાલુએ પાંચ લાખ રૂપિયા આપવાની તૈયારી દેખાડી એટલે વિશાલને લાળ આવી અને તેણે સાડાસાત લાખ રૂપિયાની માગણી કરી. લિટરલી સોદેબાજી થઈ અને બાર્ગેન થતાં-થતાં સોદો ૬ લાખમાં પૂરો થયો. શરત પણ નક્કી થઈ.
મર્ડર પહેલાં બે લાખ અને એ પછીના ૪ લાખ ૧પ દિવસમાં શાલુ કૅશ આપશે.
વિશાલ કામે લાગી ગયો અને તેણે પોતાની સાથે બેરોજગાર એવા ૨૭ વર્ષના રાજ કિશોરને સામેલ કર્યો. વિશાલે રાજને ૩૦,૦૦૦ રૂપિયા ઍડ્વાન્સ આપવાની લાલચ આપી જે રાજને ક્યારેય મળ્યા નહીં.
પ્લાનમાં પણ ઑપ્શન્સ
શરૂઆતમાં પ્લાન એવો બન્યો કે વિનીત મિનોચા સવારે કે સાંજે ઘરેથી નીકળે ત્યારે રસ્તામાં ટ્રક કે પિક-અપ વૅન દ્વારા હિટ ઍન્ડ રનનો રોડકેસ ઊભો કરવો અને વિશાલે ભાગી જવું. જોકે વિનીત મિનોચા જે રસ્તા પરથી નિયમિત ઑફિસ જતા એ રૂટ ગીચ ટ્રાફિકવાળો હોવાથી આ પ્લાનમાં સક્સેસ જવાનું અને બીજા નંબરે પકડાઈ જવામાં જોખમ હતું.
પ્લાન કૅન્સલ.
હવેનો પ્લાન શાલુએ આપ્યો. રાત્રે ઊંઘમાં વિનીત મિનોચાના મોઢા પર ઓશીકું દબાવીને તેમનો શ્વાસ રૂંધી નાખવામાં આવે. એ રાતે શાલુ અને ઘરના બીજા બધા બહાર રહે અને પાર્ટીમાંથી રાતે લેટ ઘરે આવે. પછી સીધી સવારે જ ખબર પડે કે વિનીત મિનોચા જાગ્યા નથી એટલે જાહેર કરી દેવાનું કે તેમને હાર્ટ-અટૅક આવી ગયો. ફૅમિલી-ડૉક્ટર નિદાન કરે અને સર્ટિફિકેટ આપી દે એટલે અંતિમક્રિયા થઈ જાય. કોઈ ઝંઝટ જ નહીં.
આ પ્લાનને પાર પાડવા વિશાલે ઘરમાં આવવું જરૂરી હતું એટલે રક્ષાબંધનના દિવસે શાલુએ સામાન આપવાના બહાને વિશાલને ઘરે બોલાવ્યો અને સામાનની સાથે તેણે છાનામાના ઘરના મેઇન ડોરની ઓરિજિનલ કી વિશાલને આપી દીધી. વિશાલે એના પરથી ડુપ્લિકેટ ચાવી બનાવીને બીજા જ દિવસે ઓરિજિનલ કી શાલુને પાછી આપી દીધી.
મર્ડરનું મુરત નક્કી થયું શનિવાર અને પાંચમી સપ્ટેમ્બરનું.
કારણ કે એ દિવસે સાસુ પુનિતા ગાઝિયાબાદ હતાં અને શનિવાર હતો એટલે શાલુ-સુબ્રત રાત્રે પાર્ટીમાં જવાનાં હતાં. ઘરમાં વિનીત એકલા જ હોય.
પોલીસે કેવી રીતે ઓકાવ્યું સત્ય?
વિશાલની ધરપકડ પછી પોલીસે શાલુ મિનોચાને કસ્ટડીમાં લીધી. શરૂઆતમાં શાલુ સહેજ પણ ભાવ નહોતી આપતી, પણ પછી પોલીસે માસ્ટરસ્ટ્રોક રમ્યો. તેણે એક રૂમમાં ટેબલની એક તરફ શાલુને અને સામે તેના પતિ સુબ્રત, સાસુ પુનિતા અને પગમાં પાટા બાંધેલી હાલતમાં વિશાલને બેસાડ્યા અને પછી સવાલ કરવાના શરૂ કર્યા. આ સવાલ અને જવાબ અક્ષરશ: નીચે મુજબ છે.
વિશાલે કબૂલ્યું છે કે તેં ૬ લાખની સોપારી આપીને સસરાનું ખૂન કરાવ્યું છે. શું કહેવું છે તારું?
શાલુ : તે જૂઠું બોલે છે. મારે તેને કોઈ સોપારી આપવાની જરૂર નથી.
તો પછી આ ઘરની ડુપ્લિકેટ ચાવી તેની પાસે ક્યાંથી આવી? વિશાલે કહે છે કે તેં જ ઓરિજિનલ ચાવી આપી હતી.
મેં કોઈ ચાવી નથી આપી. તે જાતે ચોરી ગયો હશે.
જો તેં ચાવી નહોતી આપી તો પાંચમીની રાતે ગાર્ડ મદને વિશાલને રોક્યો ત્યારે તેં ફોન પર ગાર્ડને તેને અંદર જવા દેવા માટે કેમ કહ્યું?
તેણે મને એવું કહ્યું હતું કે શેઠનું કામ છે.
શેઠ તો એ સમયે ઘરમાં નહોતા.
શાલુ ચૂપ.
તું વિશાલ સાથે શું કામ આટલી વાત કરતી?
હું વાત નહોતી કરતી.
છેલ્લા બાવીસ દિવસમાં તારી ૩૦૯ વખત ફોન પર વાત થઈ છે. આ રહ્યાો ડેટા...
શાલુ ચૂપ.
ગુમટી-નંબર પાંચ પાસે તું વિશાલને ૩ વાર કેમ મળી?
હું નથી મળી.
આ રહ્યાાં CCTV કૅમેરાનાં ફુટેજ...
શાલુ ચૂપ.
અમારી પાસે અલગ-અલગ ૧૪ પ્રૂફ છે જેનાથી સાબિત થાય છે કે વિનીત મિનોચાનું મર્ડર તેં કરાવ્યું છે.
શાલુ ચૂપ.
પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૧(૨) (ગુનાહિત ષડ્યંત્ર) અને હત્યાની કલમો હેઠળ શાલુની વિધિવત્ ધરપકડ કરી લીધી. કોર્ટે તેને અને બન્ને હત્યારાઓને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યાં.
વાત આખા ઘટનાક્રમની
પાંચમી સપ્ટેમ્બરે રાતે ૮ વાગ્યાની આસપાસ વિશાલ રેકી માટે અપાર્ટમેન્ટમાં સામાન આપવાના બહાને ચક્કર મારી ગયો. બધું પ્લાન મુજબ છે એની ખાતરી કરી લીધા પછી તે નીકળી ગયો. રાત્રે સાડાનવ વાગ્યાની આસપાસ એટલે કે રૂટીન કરતાં એક કલાક પહેલાં શાલુ સુબ્રત અને દીકરા સાથે તિલકનગરના કૉસ્મોઝિન લાઉન્જમાં જવા માટે નીકળી ગઈ. એ લોકોના ગયાની ૧૦ જ મિનિટમાં એટલે રાત્રે ૯.૪૬ વાગ્યે વિશાલ અને રાજ કિશોર રતન ઑર્બિટ સોસાયટીમાં આવી ગયા, પણ સિક્યૉરિટી ઇન્ચાર્જ મદન સિંહે ગેટ પર જ તેમને રોક્યા એટલે વિશાલે પોતાના મોબાઇલથી શાલુને ફોન કર્યો અને ગાર્ડ સાથે વાત કરાવી. શાલુએ જ ગાર્ડને ફોન પર સૂચના આપી કે આ અમારી ઑફિસનો જૂનો માણસ છે, પાપાને દવા આપવા આવ્યા છે, નામ રજિસ્ટર કરીને એ લોકોને જવા દો.
વિશાલે ગાર્ડના રજિસ્ટરમાં પોતાનું નામ શિવમ લખાવ્યું અને પછી બન્ને રાતે ૧૦ વાગ્યે ડુપ્લિકેટ ચાવી સાથે ચૂપચાપ ફ્લૅટ-નંબર C-104માં ગયા. એ સમયે હજી વિનીત મિનોચા ઘરે નહોતા આવ્યા. બન્ને હત્યારા ઘરમાં જઈને સીધા શાલુના દીકરાના રૂમમાં જઈને ઓશીકું લઈને વિનીતની રાહ જોવા માંડ્યા. આ તરફ પાર્ટી શરૂ થાય એ પહેલાં જ શાલુ અને સુબ્રત પોતાના દીકરા સાથે પાર્ટીમાં પહોંચી ગયાં અને સેલ્ફીથી માંડીને પોતાના
ડાન્સ-વિડિયો સોશ્યલ મીડિયા પર અપલોડ કરવા માંડ્યાં. પોલીસનું માનવું છે કે આવું કરીને શાલુ ઍલિબાઇ ઊભી કરતી હતી. ક્રાઇમની બોલીમાં ઍલિબાઇનો અર્થ એ થાય કે ગુનાના સમયે પોતે અન્ય સ્થળે હોવાના ખોટા પુરાવા ઊભા કરવા.
ત્રીજો જ પ્લાન અમલમાં
રાત્રે ૧૦.૫૮ વાગ્યે વિનીત મિનોચા બહારથી ઘરે આવ્યા અને તે પોતાના રૂમમાં જતાં પહેલાં પૌત્રના રૂમમાં ગયા. તેમના મનમાં હશે કે તે ઘરે છે કે શાલુ અને સુબ્રત સાથે બહાર ગયો છે એ જોઉં. વિનીત રૂમમાં ગયા અને જેવી લાઇટ ચાલુ કરી કે તેની આંખો ફાટી ગઈ. રૂમમાં વિશાલ અને રાજ હતા. વિનીત વિશાલને ઓળખી ગયા અને તેમણે વિશાલને ધમકાવવાની કોશિશ કરી, પણ મોઢામાંથી હજી તો કોઈ શબ્દો બહાર આવે એ પહેલાં જ ગભરાયેલા વિશાલ અને રાજે બીકના માર્યા તકિયાવાળો પ્લાન મનમાંથી કાઢી નાખ્યો અને સેકન્ડના છઠ્ઠા ભાગમાં સાથે રાખેલી ધારદાર છરીઓથી વિનીત પર હુમલો કર્યો. બે હટ્ટાકટ્ટા યંગસ્ટર્સ, તેમના માથે સવાર થયેલું ઝનૂન અને હેબતાયેલા ૬૩ વર્ષના વૃદ્ધ વિનીત. સ્વભાવિક રીતે જ તે બચાવ કરી શક્યા નહીં અને દોઢ મિનિટમાં પેલા બન્નેએ વિનીત પર ઉપરાઉપરી ૨૬ ઘા ઝીંકી દીધા.
આ બધું પૂરું થતાં રાતના સવાઅગિયાર વાગી ગયા હતા. હત્યા કરીને બન્ને મર્ડરર ઘરનો મેઇન ડોર ખુલ્લો મૂકીને જ અપાર્ટમેન્ટની પાછળની દીવાલ કૂદીને ભાગી ગયા.
ફૅમિલીનો બચાવ
શાલુની ફૅમિલીએ શાલુનો બચાવ કરતાં કહ્યું છે કે શાલુ નિર્દોષ છે અને આ આખી વાત પોલીસે ઊપજાવી કાઢી છે. ફૅમિલીનું કહેવું છે કે ‘વિનીતજી અને શાલુને સગાં બાપ-દીકરી જેવા સંબંધો હતા. પોલીસ એક લુખ્ખા આરોપીના આક્ષેપના આધારે અમારી દીકરી પર આરોપ લગાડે છે, કારણ કે આ કાનપુરનો હાઈ-પ્રોફાઇલ કેસ છે. જો આ કેસ અનસૉલ્વ્ડ રહે તો પોલીસની બદનામી થાય.’
શાલુના ઍડ્વોકેટ દેવાકાંતજીની દલીલ છે કે ‘વિશાલ કહે છે એમ શાલુએ તેને બે લાખ રૂપિયા આપ્યા તો એ શાલુ પાસે આવ્યા ક્યાંથી? જ્યારે ઘરનો બધો વહીવટ તો વિનીત મિનોચા જ સંભાળતા હતા. વિશાલ અને સુબ્રત બન્ને ૧૦ વર્ષ ઑફિસમાં સાથે હતા. વિશાલને શાલુ કરતાં સુબ્રત સાથે વધારે બનતું તો પોલીસે હજી સુધી સુબ્રતની પૂછપરછ કેમ નથી કરી? બની શકે કે આ આખો પ્લાન સુબ્રતે કર્યો હોય અને સુબ્રત-વિશાલ અત્યારે પોલીસને રમાડતા હોય.’
સરોવર મગરનાં આંસુનું
પાર્ટી પતાવીને શાલુ, સુબ્રત અને તેમનો દીકરો વહેલી સવારે લગભગ ચારેક વાગ્યે ઘર પહોંચ્યાં. ત્યાં ફ્લૅટનો દરવાજો ખુલ્લો જોઈને સુબ્રત અંદર ગયો અને બેડરૂમમાં પાપાની જમીન પર લોહીથી લથપથ લાશ જોઈ અને ચીસાચીસ થઈ ગઈ. તરત જ પાડોશીઓ અને અન્ય બધા આવી ગયા. બધા આવ્યા ત્યારે શાલુ મેથડ ઍક્ટ્રેસની જેમ સસરાની ડેડબૉડી પાસે જોરજોરથી છાતી કૂટતી રડતી હતી, ચીસો પાડતી હતી.
મર્ડર હતું એટલે તરત પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે બે વાત નોંધી.
પહેલી એ કે ઘરમાં તિજોરી, કબાટ કે દાગીનાને કોઈએ હાથ પણ નહોતો લગાડ્યો અને ઘરમાં રહેલી કૅશમાંથી પણ એક રૂપિયો ઓછો નહોતો થયો. બીજી વાત, મેઇન ડોરનું તાળું તૂટ્યું નહોતું એટલે કે ઘરમાં ફોર્સ્ડ એન્ટ્રી નહોતી થઈ. એનો સીધો અર્થ એ થાય કે આ મર્ડર સાથે એવી વ્યક્તિ સામેલ છે જેની પાસે પહેલેથી ચાવી હતી.
પોલીસે તરત સોસાયટીના ગેટ અને આસપાસના રસ્તાઓના CCTV કૅમેરાનું ફુટેજ સ્કૅન કરવાનું શરૂ કરી દીધું. એમાં રાત્રે સોસાયટીમાં આવેલા અને પછી ઉતાવળે દીવાલ કૂદીને ભાગતા બે યંગસ્ટર્સ દેખાયા. એ ફુટેજના આધારે શાલુ અને સુબ્રતે એ લોકોને ઓળખવાની ના પાડી દીધી, પણ શાલુના પ્લાનમાં પંક્ચર પાડ્યું સોસાયટીના ગાર્ડ મદન સિંહે. મદને કહ્યું કે આ છોકરાઓને મેં રોક્યા હતા, પણ શાલુ મૅડમે જ કહ્યું હતું કે આ આપણો માણસ છે અને દવા આપવા આવ્યો છે, તેને જવા દો. એ પછી પણ પોલીસને શાલુ અંધારામાં રાખવા માગતી હતી.
CCTV કૅમેરાના ફુટેજના આધારે તે બન્નેની ઓળખ કરવામાં આવી, જેમાં વિશાલ તરત જ ઓળખાઈ ગયો. સોમવારે કાનપુરની ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આાધારે કાનપુરના રતનપુર એરિયામાં રેઇડ પાડી, જ્યાં વિશાલ અને રાજ સાથે જ હતા. પોલીસને જોઈને તેમણે તમંચાથી ફાયરિંગ કર્યું. પોલીસને તો એ જ જોઈતું હતું. તેમણે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું અને ભાગવા જતા વિશાલ-રાજને ગોળીઓ વાગી. પોલીસે બન્નેને પકડી લીધા. હૉસ્પિટલમાં વિશાલે કબૂલાત કરી લીધી અને કહી દીધું કે આ બધું શાલુ મૅડમના કહેવાથી થયું છે. વિશાલે તો ત્યાં સુધી કહ્યું કે મૅડમે અમને કહીને રાખ્યું હતું કે જો કંઈ પણ ગરબડ થાય તો તમે ટેન્શન નહીં કરતા, પોલીસમાં સુબ્રતનું નામ આપી દેજો કે ભૈયાના કહેવાથી અમે આ કર્યું છે; હું બહાર હોઈશ તો તમને છોડાવી શકીશ.
શાલુની તાત્કાલિક અરેસ્ટ કરવામાં આવી અને વધુ એક વાર પુરવાર થયું કે જ્યારે જગત આખું દયાવાન હોય ત્યારે ઘરના જ ઘાતકી પુરવાર થતા હોય છે.
