વિમેન્સ T20 એશિયા કપની ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. બન્ને ટીમો અજેય રહીને ફાઇનલમાં પહોંચી છે. ૨૦૨૪ની ફાઇનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો લેવા ભારતીય ટીમ મેદાનમાં ઊતરશે.
મૅચનો સમય રાત્રે ૮ વાગ્યે
વિમેન્સ T20 એશિયા કપમાં આજે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. બન્ને ટીમો અજેય રહીને આ ફાઇનલમાં પહોંચી છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારત ૭ વાર ચૅમ્પિયન બનીને સૌથી સફળ ટીમ રહી છે.
ભારતીય મહિલા ટીમ અગાઉની આવૃત્તિની ફાઇનલમાં શ્રીલંકા સામે મળેલી હારનો બદલો લેવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. ફાઇનલ પહેલાં ભારતીય કૅપ્ટન હરમનપ્રીત કૌરે ખેલાડીઓને અપીલ કરી છે કે તેઓ કોઈ અસાધારણ પ્રદર્શન કરવાના દબાણમાં આવ્યા વિના માત્ર પોતાની રમત અને ક્ષમતા પર વિશ્વાસ રાખીને સરળ ક્રિકેટ રમે.
દુબઈમાં ટ્રોફી સાથે શ્રીલંકાની કૅપ્ટન ચમારી અથાપથ્થુ સાથે ફોટો-સેશન બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં હરમનપ્રીતે કહ્યું હતું કે જ્યારે તમે ટુર્નામેન્ટ જીતવા માટે અત્યંત મહત્ત્વની મૅચ રમી રહ્યા હો ત્યારે તમારી તાકાત પર ભરોસો રાખવો જ યોગ્ય છે, ‘કંઈક નવું કરવાના બદલે ખેલાડીઓએ પોતાની ગટ-ફીલિંગ અને ક્ષમતા પર વિશ્વાસ રાખવો જોઈએ.
ગત ફાઇનલની હાર વિશે વાત કરતાં હરમનપ્રીતે સ્વીકાર્યું હતું કે ‘ગયા વખતે ૨૦૨૪માં શ્રીલંકાએ ઘરઆંગણે શાનદાર રમત અને નક્કર પ્લાનિંગ સાથે અમને હરાવ્યા હતા. અમે તેમને કમજોર ટીમ નથી માનતા. T20 ક્રિકેટમાં જે ટીમ આપેલા દિવસે શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તે જ જીતે છે.’
