Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મારો એકરાર... પરિવારને બનાવીશ પ્રભુ પરિવાર!

મારો એકરાર... પરિવારને બનાવીશ પ્રભુ પરિવાર!

Published : 13 September, 2026 01:12 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિનય એક એવું યંત્ર છે જેના એકના આધારે સંસારની સફળતાની દરેક ફૅક્ટરી ચાલતી હોય છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

પર્યુષણમાં પરમની વાણી

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ આપણને પ્રેરણા આપે છે કે જ્યાં સુધી ‘પ્રભુ’ ન બનો ત્યાં સુધી પરિવારને ‘પ્રભુ પરિવાર’ બનાવવો જોઈએ અને પરિવારના સભ્યોમાં ભાવિના ભગવાનનાં દર્શન કરવાં જોઈએ.
પરિવારને પ્રભુ પરિવાર બનાવવા અત્યંત જરૂરી હોય છે વિનય ગુણ!
જ્યાં વિનય હોય ત્યાં વિજય હોય.
જ્યાં વિનય હોય ત્યાં સ્નેહ, શાંતિ અને સમાધિ હોય.
વિનય એક એવું યંત્ર છે જેના એકના આધારે સંસારની સફળતાની દરેક ફૅક્ટરી ચાલતી હોય છે.
જે પરિવારમાં એકબીજા પ્રત્યે વિનય હોય એ પરિવારમાં ક્યારેય પ્રૉબ્લેમ ન હોય.
વિનય માત્ર શબ્દોમાં નહીં; વિનય તમારી આંખોમાં, તમારી વાણીમાં, તમારા વ્યવહારમાં અને તમારા 
રોમ-રોમમાં વ્યાપ્ત હોવો જોઈએ.
ગુરુ સમક્ષ તમે 100% વિનય કરો છો, પણ એ 100% વિનયનું રિઝલ્ટ તમારી સંસારની લાઇફમાં 1% પણ નથી આવતું, શા માટે?
કેમ કે બાકીના અન્ય એટલે કે રિક્ષાવાળા, વૉચમૅન, લિફ્ટમૅન, પ્યુન, સર્વન્ટ, કુક આદિ સાથે હજારગણો અવિનય કરો છો.
પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એ ભૂલોને રિયલાઇઝ કરીને ભૂલોનો એકરાર કરવા માટે તો હોય છે. જે એકરાર કરે છે તેમની ભૂલો ક્ષમ્ય બની જાય છે.
આજે બે કાન પકડીને પ્રભુ સમક્ષ એકરાર કરો કે હે પ્રભુ! આજે પકડેલા કાન ફરી ન પકડવા પડે એવા ભાવ સાથે પ્રભુ! મેં જ્યાં-જ્યાં, જેની-જેની સાથે અવિનય કર્યો છે, રિક્ષાવાળાને પૈસાનો પાવર બતાવ્યો છે, સૅલેરી આપીને અહંકાર કર્યો છે, પરિવારમાં વડીલોનો ડિસરિસ્પેક્ટ કર્યો છે, નાનાની વાતોને સમજવામાં અહમ્ નડ્યો છે એ સર્વ મારા અવિનયી વ્યવહાર, અવિનયી શબ્દો અને અવિનયી ઍક્શન્સનું तस्स भंते, पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पणं वोसिरामि!
પર્વાધિરાજ પર્યુષણ લાઇફમાં ચેન્જ લાવવા માટે 
હોય છે.
જ્યાં વિનય હોય ત્યાં અન્ડરસ્ટૅન્ડિંગ હોય.
જ્યાં અવિનય હોય ત્યાં મિસઅન્ડરસ્ટૅન્ડિંગ હોય.
ઇતિહાસના પ્રસંગો પર દૃષ્ટિ કરીએ તો સમજાય કે વિનયના અભાવે મિસઅન્ડરસ્ટૅન્ડિંગ થાય અને મિસઅન્ડરસ્ટૅન્ડિંગ સ્ટ્રૉન્ગ બની જાય તો સંથારા જેવી શ્રેષ્ઠ સાધના પણ સદ્ગતિ ન અપાવી શકે.
ચંપાનગરીના મહારાજા ઉદાયને જ્યારે સંસારનો ત્યાગ કરીને સંયમનો સંકલ્પ કર્યો ત્યારે તેમણે પુત્રના હિત, શ્રેય અને કલ્યાણની હિતચિંતા કરીને તેને કર્મબંધથી અટકાવવા પુત્રના બદલે ભત્રીજાને રાજ્ય સોંપ્યું.
પુત્ર પિતાના હિત અને કલ્યાણકારી ભાવોને સમજી ન શક્યો એટલે પિતા પ્રત્યે અત્યંત ક્રોધ આવ્યો અને પિતાનું રાજ્ય છોડીને બીજા ક્ષેત્રમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું, રાજા બની ગયો.
એક સમયે ભગવાન મહાવીરસ્વામીના શરણમાં આવ્યા અને પ્રભુનાં પ્રેરક પ્રવચનોથી પ્રભાવિત અને ભાવિત થઈને સંથારો ગ્રહણ કર્યો. સંથારાની શ્રેષ્ઠ સાધનામાં, જીવના અંતિમ સમયે, સર્વ જીવોની ક્ષમાપના કરવા લાગ્યા.    
खामेमि सव्वे जिवा, सव्वे जिवा वि खमंतु में...
હું જગતના સર્વ જીવોની ક્ષમાપના કરું છું, સિવાય મારા પિતાની! 
મિસઅન્ડરસ્ટૅન્ડિંગના કારણે તેના મનમાં અંતિમ સમય સુધી એ જ ખટકો હતો કે મારા પિતાએ મારી સાથે અન્યાય કર્યો છે. તેનામાં જો પિતા પ્રત્યે રિસ્પેક્ટ હોત તો પિતાને વિનમ્રભાવે રાજ્ય ન સોંપવાનું કારણ પૂછયું હોત અથવા તેના આંતરિક વિનયે તેના વિઝનને ક્લિયર કર્યું હોત કે જે મારા હિતનું હશે એ જ મારા પિતાએ મારા માટે કર્યું છે.
એક વાત યાદ રાખજો કે તમે સંસારમાં છો, પરિવારમાં બધા સાથે છો ત્યારે ક્યારેક તમારું ધાર્યું થાય અને ક્યારેક ન પણ થાય!
સંબંધોમાં જ્યારે ધાર્યું થાય ત્યારે પુણ્ય ઘટે અને જ્યારે ધાર્યું ન થાય ત્યારે પાપ ઘટે! 
ધાર્યું થાય ત્યારે અહમ્ ન કરવો અને ધાર્યું ન થાય ત્યારે અફસોસ ન કરવો, માત્ર સેલ્ફને કમાન્ડ આપવો... મારું કે તેમનું નહીં, ‘કમર્નું ધાર્યું થાય છે!’
ફ્રૂટ્સની વૅલ્યુ વધારે હોય કે ડ્રાયફ્રૂટ્સની? ડ્રાયફ્રૂટ્સની વૅલ્યુ હંમેશાં વધારે હોય.
એમ જેમ-જેમ વડીલો મોટા થતા જાય તેમ-તેમ જો પરિવારમાં તેમની વૅલ્યુ વધતી હોય તો એ પરિવાર વિનયથી સમૃદ્ધ હોય અને એ પરિવાર પ્રભુ પરિવાર હોય! 
જે પરિવારમાં વડીલોની વૅલ્યુ હોય એ પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હોય. 
પરિવારના સભ્યો વચ્ચે એકબીજાને એકબીજાનો ફિયર હોવો જોઈએ કે એકબીજાના ડિયર હોવા જોઈએ?
જે પરિવારમાં ફિયર હોય એ પરિવારમાં રિલેશન્સ ફેલ હોય. 
જે પરિવારમાં બધા એકબીજાના ડિયર હોય એ પરિવારના રિલેશન્સ ડિવાઇન હોય, એ પરિવાર પ્રભુ પરિવાર હોય અને એ પરિવાર પ્રોગ્રેસિવ હોય. 
જે પરિવારમાં રિસ્પેક્ટનો અભાવ હોય એ પરિવારમાં જ્યારે બે સભ્યો એકબીજાને સમજતા ન હોય ત્યારે બન્ને વચ્ચે ઈગોને કારણે કોલ્ડ વૉર ચાલતી હોય અને જ્યારે બન્ને એકબીજાને સમજાવતા હોય ત્યારે ક્રોધના કારણે હૉટ વૉર ચાલતી હોય. 
જે પરિવારમાં વિનય હોય, જ્યાં પ્રભુવીરનું શાસન હોય, જે પ્રભુનો પરિવાર હોય ત્યાં કર્મોના ઉદયના કારણે કદાચ હૉટ વૉર કે કોલ્ડ વૉર થાય પણ વધારે સમય ટકે નહીં. 
કેટલાક પરિવારના વડીલો આજે વૃદ્ધાશ્રમમાં શા માટે છે?
જે વડીલો મીઠા હોય તેમને ક્યારેય કડવા વૃદ્ધાશ્રમમાં જવું ન પડે અને જે વડીલો કડવું બોલતા હોય તેમને ક્યારેય મીઠા ઘરમાં રહેવા ન મળે. 
પરિવારને પ્રભુનો પરિવાર બનાવવા શું કરવું જોઈએ?
1. દરરોજ રાત્રે ૧૦ મિનિટ ઘરના બધા સભ્યોની એક ‘ઘરસભા’ થવી જોઈએ. એમાં બધા સાથે બેસીને સમૂહમાં પ્રથમ ધ્યાન અને મંત્રોચ્ચાર કરે, પછી એકબીજાની મિસ્ટેક ક્લિયર કરે, સજેશન્સની આપ-લે કરે, માંગલિકનું શ્રવણ કરો અને લાસ્ટમાં બધા એકબીજાને સૉરી કહીને ક્ષમાપના કરે.
2. આખા દિવસમાં એક વાર ઘરના બધા સભ્યોએ સાથે બેસીને, મોબાઇલ્સને સાઇડમાં મૂકીને, પ્રસન્નતા સાથે ભોજન કરવું જોઈએ.
અન્ન જેનાં ભેગાં... મન એનાં ભેગાં!
3. વિનયને ઉત્કૃષ્ટ બનાવવા ઘરના બધા સભ્યોએ નિત્ય સવારે દેવ-ગુરુ-ધર્મના સ્મરણ સાથે ૯ અથવા ૨૭ વંદના કરવી જોઈએ. 
પરિવારને પ્રભુ પરિવાર બનાવવા માટે નાનાએ મોટાઓનો રિસ્પેક્ટ કરવો જોઈએ અને મોટાઓએ નાનાની વાતોને સમજીને તેમની વાતનું સન્માન કરવું જોઈએ. 
પ્રભુ પરિવાર એ હોય જે પરિવારમાં સજેશન્સ ઓછાં અને સપોર્ટ વધારે હોય!
જે સંતાનોની શક્તિ અને ક્ષમતાને ખીલવવામાં સપોર્ટર બને છે તે ક્યારેય મૂરઝાતાં નથી. 
નાનાઓએ સમજવું જોઈએ કે વડીલો પાસે જે એક્સ્પીરિયન્સનું નૉલેજ હોય છે એ સ્કૂલના એજ્યુકેશનથી અનેકગણું વધારે શ્રેષ્ઠ હોય છે. 
જ્યાં વિનય હોય ત્યાં એકબીજાને સમજવાની સમજ હોય. 
પરિવારને પ્રભુ પરિવાર બનાવવાનો સંકલ્પ અને પુરુષાર્થ એ આ પર્યુષણની સાર્થકતા છે, પ્રભુ સમક્ષ એકરાર કર્યા પછીનો પ્રભુને આપવાનો કરાર છે.

- રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK