એને મઠારીને સંપૂર્ણ કવિતાનું સર્જન કરવામાં જે કશમકશ થાય એની ભાવકને ભાગ્યે જ જાણ હોય છે.
સમીર અનજાન સાથે લેખક રજની મહેતા.
કવિતા તો પલાંઠી
પાલવે તો લગાવો
ADVERTISEMENT
નહીંતર છાપરે જઈ
પતંગ ચગાવો
- નલિન રાવળ
કવિ માટે કોરા કાગળનો મુકાબલો કરવો એ અગ્નિપરીક્ષાથી ઓછું મુશ્કેલ કામ નથી. શબ્દોના કિલ્લામાં યોદ્ધાની જેમ પ્રવેશીને લોહીલુહાણ થવાની તૈયારી હોય તો જ કવિતા વરમાળા પહેરાવે. ભલે એમ કહેવાતું હોય કે કવિતાની પ્રથમ પંક્તિ અણધારી પળની નીપજ છે. હકીકત તો એ છે કે મધરાતે કલ્પનાના આકાશમાં અચાનક વીજળીનો ચમકારો થાય ત્યારે ધ્રુવપંક્તિ હાથ લાગે છે. એને મઠારીને સંપૂર્ણ કવિતાનું સર્જન કરવામાં જે કશમકશ થાય એની ભાવકને ભાગ્યે જ જાણ હોય છે.
ફિલ્મોની દુનિયામાં શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી, ભરત વ્યાસ, મજરુહ સુલતાનપુરી અને બીજા અનેક કવિઓનો પ્રવેશ થયો જે ગીતકારના સ્વરૂપે બેહદ લોકપ્રિય થયા. કવિ (Poet) અને ગીતકાર (Lyricist) વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જાણવા જેવો છે. કવિ નિજાનંદે કવિતા લખે છે, પરંતુ જ્યારે તેની સામે એક સિચુએશન પર ગીત લખવાનો પડકાર આવે છે ત્યારે તે ગીતકાર બની જાય છે.
આજે એક એવા ગીતકારની વાત કરવી છે જેણે Quantity સાથે Quality પણ આપી. જેના નામે ૫૦૦૦થી વધારે ફિલ્મી ગીતો લખીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ કાયમ થયો છે તે સફળ ગીતકારનું નામ છે સમીર અનજાન. દુખની વાત એ છે કે તેમના પિતા સ્વર્ગીય ગીતકાર અનજાનને ‘ખઈ કે પાન બનારસ વાલા’, ‘રોતે હુએ આતે હૈ સબ’, ‘ઓ સાથી રે, તેરે બિના ભી ક્યા જીના’, ‘છૂ કર મેરે મનકો, કિયા તૂને ક્યા ઇશારા’ જેવાં અનેક યાદગાર ગીતો લખ્યા પછી પણ જોઈએ એટલી શોહરત ન મળી.
ગીતકાર સમીર અનજાન સાથે મારી પ્રથમ મુલાકાત થઈ ૨૦૨૩માં સંગીતકાર આણંદજીભાઈની ૯૦મી વર્ષગાંઠની પાર્ટીમાં. એ સાંજે અમે ફિલ્મનાં ગીતોની રસપ્રદ વાતો કરી ત્યારે મને કહે, ‘આપ તો પુરાની ફિલ્મો કે ગાનોં કે ‘એન્સાઇક્લોપીડિયા’ હો. બડે-બડે દિગ્ગજ સંગીતકારોં સે આપકી મુલાકાત હુઈ હૈ, જિનમેં સે કુછ હી લોગોં સે મૈં કરીબ સે મિલ પાયા. કભી ઘર પે પધારિએ, આરામ સે બાતેં કરેંગે.’
પ્રથમ જ મુલાકાતમાં અમારી વચ્ચે સારો રૅપો બંધાઈ ગયો. ઇન્ડસ્ટ્રીમાં અનહદ સફળતા મેળવ્યા બાદ પણ મારા જેવી અજાણી વ્યક્તિ સાથેનો તેમનો વાણીવ્યવહાર એટલો સહજ હતો કે માનવામાં ન આવે. સાચા અર્થમાં મોટા માણસની એક ખાસિયત હોય છે. તેમની મોટાઈનો જરાસરખો પણ ભાર સામી વ્યક્તિ પર ન પડવા દે. ત્યાર બાદ બે-ત્રણ વખત તેમના ઘરે જવાનું થયું. અમારી વચ્ચે ફિલ્મો ઉપરાંત અલકમલકની વાતો થાય. સંસ્કૃતિ, ધર્મ, પરંપરા, ક્રિકેટ અને રાજકારણની વાતો પણ આવે. કોઈ પણ વિષય હોય, તેમની રજૂઆત એટલી સરળ અને સહજ હોય કે તમને જરા પણ કંટાળો ન આવે. He is a Fantastic Orator.
અમારી સંસ્થા ‘સંકેત’ની પ્રવૃતિઓ વિશે જાણ્યા બાદ કહે, ‘એક દિન આપકે સાથ કુછ ‘ઑફબીટ પ્રોગ્રામ’ કરેંગે.’ આ વર્ષ ‘સંકેત’નું રજત જયંતી વર્ષ છે. મનમાં હતું કે પચીસમા વર્ષના ચારેચાર કાર્યક્રમ ‘થોડા હટકે’ કરીએ. પ્રથમ કાર્યક્રમ Romancing with Rathod કર્યો. એમાં રૂપકુમાર, સુનાલી, રીવા રાઠોડ અને શ્રવણ રાઠોડના સંગીતકાર પુત્રો સંજીવ અને દર્શને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા.
એ પછીના કાર્યક્રમ માટે મેં સમીર અનજાનને કહ્યું, ‘આપની પાસે પિતા અનજાનના સમયથી માંડીને આજ પર્યંતના સંગીતકારો સાથેના યાદગાર કિસ્સાઓ છે. આપણે એક ઑડિયો-વિઝ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરીએ, જેમાં શ્રોતાઓ સાથે સીધો સંવાદ કરતાં તમે આ વાતો શૅર કરો. આપે એક મકામ (Milestone) હાંસલ કર્યો છે એ મોટી સિદ્ધિ છે. ભાવકોને એ રોમાંચક સફરની (Journey) ઝાંખી કરાવીએ.’
આમ ‘નઝર કે સામને, જિગર કે પાસ’ કાર્યક્રમનું આયોજન થયું. ગીતકાર સમીર અનજાનની જીવનકહાની એક રોમાંચક નવલકથા જેવી છે. શીતલા પાંડેનો (જે આજે સમીરના નામે વિશ્વવિખ્યાત છે) જન્મ ૧૯૫૮ની ૨૪ ફેબ્રુઆરીએ બનારસમાં થયો. તેમના નાનપણમાં જ પિતા બનારસ છોડીને ફિલ્મોમાં ગીતકાર બનવાનાં સપનાં લઈને મુંબઈ આવ્યા. એટલે તેમની પરવરિશની જવાબદારી દાદા પર હતી.
કિશોર સમીરને સાહિત્યનો, સંગીતનો શોખ. ખેતરોમાં જઈને કલાકો ગીતો ગાય. યુવાન થયા એટલે બનારસની ‘મનોરંજન ઑર્કેસ્ટ્રા પાર્ટી’માં જોડાયા. પિતા અને દાદાની ઇચ્છા હતી કે તે આર્ટ્સમાં નહીં પણ કૉમર્સમાં જાય, BCom થઈને બૅન્કમાં નોકરી કરે એટલે ભયો-ભયો. જોકે કિશોર સમીરને સમય જતાં ગીત, ગઝલ લખવાનો ચસકો ચડ્યો. પિતા અનજાનને પુત્રનો આ શોખ ગમતો નહીં. તે નહોતા ઇચ્છતા કે તેમણે જે સંઘર્ષ કર્યો એવો પુત્રએ કરવો પડે. તેમણે તાકીદ કરી, ‘કુછ ભી કરના, ગીતકાર બનને કી કોશિશ મત કરના.’ એ સમયે સમીરને પિતા પર ખૂબ ગુસ્સો આવતો, પણ મજબૂર હતા. પિતા સાથે દૂરી વધતી જતી હતી, કારણ કે તેઓ ભાગ્યે જ મુંબઈથી બનારસ આવતા. તેમને હતું કે તેઓ મુંબઈમાં જલસા કરે છે અને અમને દૂર રાખે છે. હકીકત તો એ હતી કે મુંબઈમાં ૧૭ વર્ષ સંઘર્ષ કર્યા બાદ પિતા અનજાનનું ગીત ‘ખઈ કે પાન બનારસવાલા’ હિટ થયું એ પછી તેમની કિસ્મત બદલાઈ.
કૉલેજના દિવસોને યાદ કરતાં સમીર અનજાન કહે છે, ‘એ દિવસોમાં હું શાયરી લખતો અને મિત્રો મજાક ઉડાવતા. એક દિવસ કૉલેજના ફેસ્ટિવલમાં મુશાયરાનું આયોજન થયું. મારું નામ આવ્યું અને હું સ્ટેજ પર આવ્યો. ‘અર્ઝ કિયા હૈ’ કહેતાં કહ્યું...
ક્યૂં લડકિયાં રાઝ હમસે છુપાતી હૈ
ઉમ્ર હો છબ્બીસ કી, સોલહ બતાતી હૈ
આટલું કહેતાં હૉલમાં તાળીઓ અને સીટીઓ વાગવા લાગી. છોકરાઓ મસ્તીના મૂડમાં છોકરીઓ સામે ચેનચાળા કરવા લાગ્યા. આ જોઈને છોકરીઓનું એક ગ્રુપ ઊભું થઈને મને કહે, ‘યે ઠીક નહીં, હમારે લિએ ભી કુછ બોલો.’ હું વિચારમાં પડ્યો કે શું બોલું, પણ ઈશ્વરે મદદ કરી અને મને બે પંક્તિ સૂઝી.
ક્યૂં લડકે રાઝ હમસે છુપાતે હૈ
શાદીશુદા હોકર ભી કંવારે બતાતે હૈ
આ સાંભળતાં જ છોકરીઓ મૂડમાં આવી ગઈ. તાળીઓ પાડતી જાય અને છોકરાઓને ટોણા મારતી જાય. એ દિવસથી કૉલેજમાં મારું નામ થઈ ગયું. ધીમે-ધીમે મને કવિસંમેલન અને મુશાયરામાં આમંત્રણ મળવા લાગ્યાં. મારી પહેલી ગઝલનું મુખડું હતું...
કભી ઝિંદગી કે સદમે, કભી મૌત કા હૈ ડર
કિસ કશ્મકશ મેં જી રહા હૂં, મેરી યે ઉમર
થોડું નામ થયું એટલે મિત્રો કહે, ‘યે શીતલા પાંડે નામ શાયરાના નહીં લગતા હૈ. નામ બદલો.’ ઘરમાં મને સૌ પ્રેમથી રાજન કહીને બોલાવતા એટલે મેં એ નામ પસંદ કર્યું. મિત્રો કહે, ‘યે તો રાજામહારાજા કે ઘરાને જૈસા લગતા હૈ. કુછ ઔર સોચો.’ મારી ગર્લફ્રેન્ડ પણ ગુસ્સામાં હતી કે કોઈ સારું નામ રાખ.
એ દિવસોમાં ગુલશન નંદાની નવલકથાઓ ખૂબ લોકપ્રિય હતી. (તેમની અનેક વાર્તાઓ પરથી સફળ હિન્દી ફિલ્મો બની છે.) હું તેમનો ચાહક એટલે દરેક બુક વાંચું. એક વાર્તામાં સમીર નામનું પાત્ર હતું. મને એ ગમ્યું. મેં ગર્લફ્રેન્ડને પૂછ્યું, ‘કેવું લાગે છે આ નામ?’ તે રાજી થતાં બોલી, ‘યે સહી નામ હૈ.’ એ દિવસથી મારી કવિતા અને શાયરીઓ સમીરના નામે લખવાનું શરૂ થયું.’
આ હતો ગીતકાર સમીરની જીવનયાત્રાનો પ્રથમ અધ્યાય. એ વખતે કોઈને શું, ખુદ યુવાન કવિ સમીરને પણ ખબર નહોતી કે એક દિવસ નિયતિ તેને એક એવો નિર્ણય લેવા મજબૂર કરશે જેની જાણ થતાં જ પરિવારમાં રોકકળ શરૂ થઈ જશે.
તેમણે એ નિર્ણય ક્યારે, કેવા સંજોગોમાં અને શા માટે લીધો એ વાત આવતા રવિવારે.
lll
‘સંકેત’ના ઉપક્રમે આજે ૧૧ ઑક્ટોબરે ઘાટકોપરના ઝવેરબેન ઑડિટોરિયમ ખાતે ગીતકાર સમીર અનજાન સાથે ઑડિયો-વિઝ્યુઅલ ટૉક-શો ‘નઝર કે સામને, જિગર કે પાસ’નું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સભ્યપદ અને કાર્યક્રમની નિમંત્રણપત્રિકા માટે સંપર્ક કેતન મહેતા : 98206 96962
