રાજકુમારે માત્ર ફિલ્મ જ નથી બનાવી, ફિલ્મને ઑડિયન્સ સુધી પહોંચાડવા માટે પોસ્ટર-ડિઝાઇનિંગ અને પ્રમોશનનું જે કામ હોય છે એ પણ જાતે જ કર્યું છે.
શંકગિરિ રાજકુમાર
એક ફિલ્મ બનાવવા માટે ઍક્ટર, ડિરેક્ટર, રાઇટર, કૅમેરામૅન, લાઇટમૅન, એડિટર, મેકઅપ આર્ટિસ્ટ અને એમ ઓછામાં ઓછા સોથી સવાસો જણનો કાફલો જોઈએ; પણ આપણે વાત કરવાની છે શંકગિરિ રાજકુમારની જેણે આ તમામ ભૂમિકા એકલા હાથે ભજવીને ૧૨૦ મિનિટની ફીચર ફિલ્મ બનાવી. એક ફિલ્મ બનાવવા માટે આ માણસે પૂરાં ૬ વર્ષ મહેનત કરીને અશક્ય લાગતું કામ શક્ય કરી બતાવ્યું. પણ સવાલ થાય કે શા માટે? ચાલો જાણીએ
ફિલ્મ શરૂ થાય ત્યારે અને હવે તો ફિલ્મ પૂરી થયા પછી ટાઇટલ-કાર્ડ્સ પર લાંબુંલચક લિસ્ટ જોવા મળે.
ADVERTISEMENT
ડિરેક્ટર, પ્રોડ્યુસર, સિનેમૅટોગ્રાફર, એડિટર, સાઉન્ડ ડિઝાઇનર, કૉસ્ચ્યુમ ડિઝાઇનર, લાઇટમૅન, સ્પૉટબૉય અને એમાંય પાછા આ દરેકના ત્રણથી ૪ અસિસ્ટન્ટ્સ. એક સામાન્ય ફીચર ફિલ્મ બનાવવી હોય તોય સો-દોઢસો માણસોનું લશ્કર ખડકવું પડે અને કરોડો રૂપિયાનું બજેટ હોય ત્યારે જઈને ફિલ્મનો આખો માંડવો બંધાય. પણ જરા કલ્પના કરો કે કોઈ એક માણસ એવું નક્કી કરે કે મારી ફિલ્મમાં મારા સિવાય બીજું કોઈ નહીં હોય ત્યારે?
આગળ વધતાં પહેલાં ખુલાસો, ચોખવટ અને સ્પષ્ટતા કરવાની કે અહીં વાત કોઈ નાનીઅમસ્તી શૉર્ટ ફિલ્મની નથી. વાત છે પૂરી ૧૨૦ મિનિટની ફીચર ફિલ્મની અને એમાં કોઈ કૅમેરામૅન નહીં, કોઈ લાઇટમૅન નહીં, કોઈ એડિટર નહીં, કોઈ મેકઅપ આર્ટિસ્ટ નહીં કે ડબિંગ આર્ટિસ્ટ પણ નહીં. ન કોઈ ફાઇનૅન્સર કે ન કોઈ મોટો પ્રોડ્યુસર. આખી ફિલ્મના ક્રેડિટ રોલમાં સ્ક્રીનપ્લેથી લઈને સાઉન્ડ-ઇફેક્ટ્સ સુધી માત્ર ને માત્ર એક જ નામ હોય. અશક્ય અને અસંભવ. હા, તમારા મોઢામાંથી આવું જ નીકળી જવાનું; પણ ના, આ અશક્ય અને અસંભવ લાગતું કામ તામિલ ફિલ્મમેકરે કરી દેખાડ્યું અને એકલા હાથે, આખું ક્રૂ બનીને તેણે ‘વન મૅન’ નામની ફિલ્મ બનાવી. અપને આપમાં વર્લ્ડ રેકૉર્ડ કહેવાય એવી આ ફિલ્મ બનાવનારાનું નામ છે શંકગિરિ રાજકુમાર.
‘વન મૅન’નો ખર્ચ કેટલો?
રાજકુમાર પોતાની આ ફિલ્મને ઝીરો બજેટ કહેવાને બદલે મિનિમલ બજેટ ફિલ્મ કહે છે. રાજકુમાર કહે છે, ‘એકલા હાથે ફિલ્મ બનાવવાની હતી એટલે ટ્રૉલીથી માંડીને અમુક સાધનો મેં એવાં બનાવ્યાં જે મારા હેલ્પર બનીને રહે. એ સાધનો બનાવવા માટે ખર્ચ થયો એટલે એને પણ ફિલ્મનો એક્સપેન્સ જ ગણવો પડે.’
એ સાધનો બનાવવામાં રાજકુમારે પંદરેક લાખ રૂપિયા ખર્ચ્યા છે; પણ હા, હવે રાજકુમાર એ સાધનો રેન્ટ પર આપીને એમાંથી જે ઇન્કમ કરશે એને તે ‘વન મન’ની ઇન્કમ તરીકે ગણશે.
દુનિયા જેને ગાંડપણ કહે એ ખરા અર્થમાં ઝનૂન હોય છે. શંકગિરિ રાજકુમારે પણ એ જ ઝનૂન સાથે આ ફિલ્મ બનાવી અને પોતાની જિંદગીનાં પૂરાં ૬ વર્ષ હોમી દીધાં. આ એવાં ૬ વર્ષ હતાં જેમાં ભૂખ, તરસ, થાક અને એકલતા સિવાય કશું નહોતું. ઓછામાં ઓછા લોકો સાથે ફિલ્મ બનાવવી હોય ત્યારે સામાન્ય રીતે એ પ્રકારના વિષયની પસંદગી કરવામાં આવતી હોય. ઓછામાં ઓછા લોકેશનથી માંડીને વાર્તાનો સબ્જેક્ટ પણ એવો જ હોય જેમાં બહુ મોટા ક્રૂની જરૂર ન પડે. જોકે રાજકુમારે તો અહીં પણ સરળ રસ્તો પસંદ કરવાને બદલે પિરિયડ ડ્રામા જેવો જાયન્ટ સબ્જેક્ટ પસંદ કર્યો, જેમાં ડઝનેક પાત્રો અને વિશાળ સેટ્સની જરૂર હતી.
કોઈ કૅમેરામૅન નહોતો એટલે રાજકુમારે પોતે દેશી મેકૅનિકલ ગૅજેટ્સ અને ટ્રૉલી સેટઅપ તૈયાર કર્યાં. ટ્રાઇપોડ પર કૅમેરા ગોઠવવાનો, રિમોટ દબાવવાનું અને પછી ફ્રેમમાં દોડીને જવાનું અને કૅરૅક્ટર કરવાનું. ડાયલૉગ્સ બોલી લીધા, મૂવમેન્ટ કરી લીધી એટલે ફરી પાછું આવીને જોવાનું કે ફોકસ બરાબર છે કે નહીં, પોતે કોઈ ભૂલ કરી છે કે નહીં, ઉત્સાહમાં આવીને તે ફ્રેમની બહાર તો નીકળી નથી ગયોને?
આ તો થઈ એક કૅમેરામૅનના કામની વાત; પણ રાજકુમારે તો લાઇટિંગ પોતે સેટ કરવાની હતી, અલગ-અલગ કૅરૅક્ટરનો મેકઅપ પણ જાતે કરવાનો હતો અને કૅસ્ચ્યુમ ડિઝાઇનર બનીને કપડાં જાતે ડિઝાઇન કરવાનાં હતાં. શૂટિંગ પત્યા પછી પણ વાત પૂરી નહોતી થતી.
શૂટ પૂરું કર્યા પછી રાજકુમારે પોતે-જાતે રાત-દિવસ કમ્પ્યુટર સામે બેસીને એડિટિંગ, બૅકગ્રાઉન્ડ સ્કોર, સાઉન્ડ ડિઝાઇનિંગ તૈયાર કર્યાં તો ફિલ્મમાં જરૂરી એવી VFX ઇફેક્ટ માટે VFX પણ પોતે જ શીખીને જાતે બનાવ્યા. એક ફુલલેન્થ ફિલ્મ બનાવવા માટે કુલ ૨૪ ક્રાફ્ટની જરૂર પડે, જેના માટે ઑલમોસ્ટ ૭૦થી વધુ ડિપાર્ટમેન્ટ હોય. શંકગિરિ રાજકુમારે ફિલ્મમેકિંગના એ નાના-મોટા તમામ ૭૦થી વધુ ડિપાર્ટમેન્ટ એકલા હાથે સંભાળ્યા.
સવાલ એ થાય કે એકલા હાથે આખી ફિલ્મ બનાવીને ભલભલાને ધ્રુજાવી દેનારા શંકગિરિ રાજકુમાર છે કોણ?

મ્યુઝિક કમ્પોઝ કરવાનું કામ પણ શંકગિરિએ જાતે કર્યું હતું.
વન મૅનની વચ્ચે બાયોસ્કોપ
‘વન મૅન’ના પ્રોડક્શન દરમ્યાન જ્યારે રાજકુમાર માનસિક રીતે થાકી જતો કે તેને કશું નવું સૂઝતું નહીં ત્યારે નિરાંતે બેસી રહેતો, પણ પછી પોતાને જ વિચાર આવ્યો કે એવું કરવાને બદલે એ ફુરસદના સમયનો પણ સદુપયોગ કરીએ અને આ સદુપયોગમાં પણ કામ જ થયું. રાજકુમારે મિત્રો અને પરિવારની મદદથી પોતાની પહેલી ફિલ્મ ‘વેંગાયમ’ બનાવતી વખતે તેને રિયલમાં જે સ્ટ્રગલ કરવી પડી હતી એના પર આધારિત સેમી-ઑટોબાયોગ્રાફિકલ ફિલ્મ ‘બાયોસ્કોપ’ બનાવી, જે ૨૦૨પમાં રિલીઝ થઈ.
કોણ છે આ સિત્તેરલક્ષણો?
તામિલનાડુના સાલેમ જિલ્લામાં એક નાનકડું ગામ છે શંકગિરિ. હવે એ ગામ સંકરીના નામે પણ ઓળખાય છે. શંકગિરિમાં સામાન્ય મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા આ માણસનું રિયલ નામ રાજકુમાર, પણ પોતાનું મૂળ અને માટી ક્યારેય ન ભુલાય એ માટે તેણે પોતાના નામની આગળ ગામનું નામ જોડી દીધું – શંકગિરિ રાજકુમાર.
ફિલ્મમેકિંગ શીખવા માટે રાજકુમાર કોઈ
ફિલ્મ-ઇન્સ્ટિટ્યૂટમાં ગયો નથી કે ન તો તેના પરિવારમાંથી કોઈએ ક્યારેય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. કૉલેજમાં કૉમર્સ સાથે બૅચલર્સ કરનારા રાજકુમારને નાનપણથી ફિલ્મો જોવાનો બહુ શોખ. એમાંથી જ ફિલ્મ બનાવવાનો કીડો લાગ્યો અને એ કીડા વચ્ચે જ તે ફિલ્મલાઇનમાં એન્ટર થયો. ફિલ્મ બનાવવાની ભૂખ તેનામાં એ હદે પ્રબળ હતી કે કોઈ મોટા કે જાણીતા ડિરેક્ટરના અસિસ્ટન્ટ બનીને પાંચ-દસ વર્ષ વેડફવા પણ તે તૈયાર નહોતો. રાજકુમારે થોડા સમય પહેલાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જેમ ફુટબૉલ રમવા મેદાનમાં જ ઊતરવું પડે એવું જ ફિલ્મ-મેકિંગનું છે - એના માટે મેદાનમાં જ ઊતરવું પડે.
રાજકુમારે કમ્પ્યુટર વસાવ્યું અને સૉફ્ટવેઅર્સ પર જાતે પ્રયોગો કરવા માંડ્યા. એડિટિંગ કેવી રીતે થાય, કટ ક્યાં મુકાય, સાઉન્ડ-મિક્સિંગ કેમ થાય અને ફિલ્મમેકિંગની આવી બધી ટેક્નિક વિશે જાણવાનું, શીખવાનું શરૂ કર્યું. ટ્રાયલ-એરરની આ પ્રોસેસથી જાતને ટ્રેઇન કરનારા રાજકુમારે કવિ મકરંદ દવેની પંક્તિઓ જેવું કામ કર્યું...
ગમતાંને ગુંજે ભરીએ,
ગમતાંનો કરીએ ગુલાલ...
જાતમહેનતે ફિલ્મમેકર બનનારા રાજકુમારે પોતાના જેવા નવોદિતો માટે ‘વન-રૂપી સ્માર્ટ ફિલ્મ્સ’ નામની એક એવી મૂવમેન્ટ ચલાવી હતી જેમાં ઓછામાં ઓછાં સાધનો સાથે કેવી રીતે ફિલ્મ બનાવી શકાય એ શીખવવામાં આવતું. આ જે કોર્સ હતો એની પ્રાઇસ એક રૂપિયો માત્ર રાખવામાં આવી હતી. ઍનીવે, વાત કરીએ રાજકુમારની ફિલ્મ જર્નીની.
એન્ટ્રી ફિલ્મલાઇનમાં
૨૦૧૧માં રાજકુમારે અંધશ્રદ્ધા, ગ્રામ્ય વિસ્તારમાં રહેલી ભ્રમણાઓ અને એને લીધે ઊભી થતી તકલીફો પર કટાક્ષ કરતી તામિલ ફિલ્મ ‘વેંગાયમ’ બનાવી. ફિલ્મનો રાઇટર-ડિરેક્ટર અને લીડ ઍક્ટર રાજકુમાર જ હતો. સ્ક્રિપ્ટ એટલી અદ્ભુત હતી કે તામિલ સિનેમાના દિગ્ગજ ઍક્ટર સત્યરાજ (‘બાહુબલી’માં કટપ્પા બનનારા)એ આ ફિલ્મમાં ગેસ્ટ રોલ કર્યો એટલું જ નહીં, નૅશનલ અવૉર્ડ વિનર ડિરેક્ટર-ઍક્ટર ચરણે ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશનની જવાબદારી પોતાના પર લઈ લીધી. આ ફિલ્મથી રાજકુમારે સાબિત કરી દીધું કે તેની ટૅલન્ટ કઈ સ્તરની છે.
‘વેંગાયમ’ પછી રાજકુમાર તરત જ પોતાની નવી ફિલ્મ ‘ઝૂનમ’ સ્ટાર્ટ કરવા માગતો હતો. આ વખતે તેણે સામાજિક મુદ્દાઓ સાથે હ્યુમન રિલેશનશિપની વાત હાથમાં લીધી હતી. આ એ ફિલ્મ જે રાજકુમારના મનમાં પહેલી વાર ‘વન મૅન’નો વિચાર જન્માવી ગઈ.
બન્યું એવું કે ‘ઝૂનમ’ માટે રાજકુમારે ખાસ્સી દોડધામ કરવી પડી. રાજકુમાર એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘મારી ફિલ્મ ‘વન મૅન’ એ હકીકતમાં આખી ઇન્ડસ્ટ્રી સામેનો બળવો છે.’

ઍક્ટર તરીકે અલગ-અલગ ગેટ-અપમાં શૉટ્સ લઈને ખાસ ઇફેક્ટ આપીને બનાવેલું ફિલ્મનું પોસ્ટર.
હા, એવું જ છે. ‘ઝૂનમ’નો પ્રોડ્યુસર શોધવાથી માંડીને પ્રોડ્યુસરની ઇચ્છા મુજબ સ્ટોરીમાં ફેરફાર કરવા, સ્ટાર્સ પાછળ આંટા મારવા, મહામહેનતે તેમની ડેટ્સ લેવી, પછી તેમનાં નખરાં સહન કરવાં, પ્રોસેસ દરમ્યાન પેમેન્ટ આવતું રહે એ માટે ફાઇનૅન્સરોને ભાઈસાબ-બાપા કરવા અને છેલ્લે ફિલ્મ બની જાય તો થિયેટર-માફિયાઓ પાસે સ્ક્રીન માટે કરગરવાનું અને એ પછી પાઇરસી સામે લડવાનું. આ આખી જે પ્રોસેસ હતી એની સામે શંકગિરિ રાજકુમાર બંડ પોકારવા માગતો હતો, સાબિત કરવા માગતો હતો કે સિનેમા એ કોઈ કરોડપતિઓના બાપનો બગીચો નથી; જો તમારી પાસે પ્રામાણિકતા હોય, ધગશ હોય તો તમારે કોઈના ઓશિયાળા થવાની જરૂર નથી.
‘ઝૂનમ’ આગળ વધતી જ નહોતી એટલે પોતાના બળવાના ભાગરૂપે રાજકુમારે કામ શરૂ કરી દીધું ‘વન મૅન’નું અને એમાં તેણે મનોમન નક્કી કરી લીધું કે આખેઆખી ફિલ્મ તે એકલો જ બનાવશે. કોઈ બજેટ વિના, માત્ર પોતાના સમય અને શરીરના શ્રમને મૂડી બનાવીને રાજકુમારે એ કરી બતાવ્યું જે કરોડોના બજેટ પછી પણ ઘણા નથી કરી શકતા. રાજકુમારે ‘વન મૅન’ માટે લગાતાર ૬ વર્ષ નાખ્યાં અને વચ્ચે સમય મળતાં તે ‘ઝૂનમ’ પણ બનાવતો રહ્યો. અલબત્ત, તેનું ફોકસ તો ‘વન મૅન’ જ હતું. રાજકુમાર કહે છે, ‘મારી પાસે પૈસા નથી, મારી પાસે સારો કૅમેરા નથી, સપોર્ટ નથી, ઓળખાણ નથી. આવી ફરિયાદ કરનારાઓએ યાદ રાખવું રહ્યું કે જો તમારા સપનામાં દમ હોય અને તમે બિનશરતી મહેનત કરવા તૈયાર હો તો આખી દુનિયા તમારી સામે ઊભી હશે તો પણ તમે એકલા હાથે એક આખું નવું વિશ્વ રચી શકો છો. આર્ટ ક્યારેય પૈસાની ગુલામ નથી હોતી, આર્ટ તો માત્ર ને માત્ર સમર્પણ માગે છે.’
વાત ખોટી પણ નથી, કારણ કે સાધનો ક્યારેય સાધનાથી મોટાં નથી હોતાં અને એ વાત શંકગિરિ રાજકુમારે સાબિત કરી દેખાડી છે.
