Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મનના બે તબક્કા: એક છે The Doing Mode અને બીજો છે The Being Mode

મનના બે તબક્કા: એક છે The Doing Mode અને બીજો છે The Being Mode

Published : 21 December, 2025 05:21 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આપણને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ જવાથી અથવા તો પોતાની જાતને નિરર્થક સમજીને આજ સુધી એક પણ પ્રાણી કે પક્ષીએ આત્મહત્યા નથી કરી. એ હકીકત જ સાબિત કરી આપે છે કે અસ્તિત્વના ગણિતને હ્યુમન બીઇંગ સિવાયનો દરેક સજીવ વધુ સારી રીતે સમજી શક્યો છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

ધ લિટરેચર લાઉન્જ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


થોડા સમય પહેલાંની વાત છે. મેડિકલના એક ફંક્શનમાં મારે સ્પીચ આપવાની હતી. એ ફંક્શનના મુખ્ય મહેમાન તરીકે એ શહેરની એક ખ્યાતનામ હૉસ્પિટલના વરિષ્ઠ સર્જ્યનને બોલાવવામાં આવેલા. તેમની સાથેની વાતો દરમિયાન મને એક નવી વાત જાણવા મળી. હૉસ્પિટલમાં તેમણે વર્ષો સુધી આપેલી સેવા, કરેલી હજારો સર્જરી, મેળવેલા અવૉર્ડ્સ, સર્જિકલ ઉપલબ્ધિઓ અને આવી અસંખ્ય વાતો તેમણે મારી સાથે શૅર કરી. હું ક્યાંય સુધી તેમને શાંતિથી સાંભળતો રહ્યો. પછી મેં તેમને એટલું જ પૂછ્યું, ‘તમે જે કંઈ પણ મેળવ્યું છે એનાથી તમને સંતોષ છે?’ 
વેલ ઑબ્વિયસલી મને જેની અપેક્ષા હતી એ જવાબ ‘હા’ હતો. જેમણે પોતાનું સમગ્ર જીવન તબીબી સેવામાં અર્પણ કરી દીધું હોય તેમને પોતાના અસ્તિત્વની સાર્થકતા વિશે શું કામ કોઈ અસંતોષ કે શંકા હોય? પણ મારા અઢળક આશ્ચર્ય વચ્ચે તેમનો જવાબ ‘ના’ હતો. આવું કેમ થયું? આપણે કરેલી સેવાઓ કે મેળવેલી ઉપલબ્ધિઓમાં એવી તો કઈ ખામી રહી ગઈ કે એ આપણને સંતોષ અને સાર્થકતાનો અહેસાસ ન કરાવી શકી? કશુંક બન્યા પછી કે ક્યાંક પહોંચ્યા પછી પણ જો આપણી અંદર રહેલો ખાલીપો કે અસંતોષ વધુ ઘૂંટાયા કરે તો સાર્થકતાની ખોજ માટે હવે ક્યાં જવાનું?
આમ થવાનું મુખ્ય કારણ એ છે કે આપણે સૌ ‘Becoming’ અને ‘Being’ વચ્ચેની ખેંચતાણમાં ફસાયેલા છીએ. એક બાજુથી સામાજિક અપેક્ષાઓ આપણને સતત પર્ફોર્મ કરતા રહેવા માટે દબાણ કરે છે તો બીજી બાજુ કોઈ ફૂલની જેમ અનાયાસે ખીલેલું અસ્તિત્વ આપણને બધું જ પડતું મૂકીને આ જગતને અનુભવી લેવાની વિનંતી કરતું રહે છે. એક બાજુ પ્રતિષ્ઠા છે તો બીજી બાજુ પ્રકૃતિ. એક તરફ જવાબદારી, હોદો, પદ અને સ્ટેટસ છે તો બીજી તરફ સુંદરતા. એક તરફ અતૃપ્ત અહંકાર સતત કશુંક બનતા કે મેળવતા રહેવાની જીદ કર્યા કરે છે તો બીજી તરફ સંતુષ્ટ ચૈતન્ય ફક્ત હોવાપણાની ઉજવણી કરતું રહે છે. ક્યારેક તો આપણું આખું આયખું એ સબકૉન્શિયસ માન્યતા સાથે પસાર થઈ જાય છે કે આપણી સેલ્ફ-વર્થ કે સાર્થકતા માત્ર આપણી ઉપલબ્ધિઓથી નક્કી થાય છે. આપણે કઈ પોસ્ટ પરથી રિટાયર થઈએ છીએ, કઈ નોકરી કરીએ છીએ, કેટલા ટર્મિનલ બેનિફિટ્સ મેળવીએ છીએ, કેટલાં સર્ટિફિકેટ્સ કે અવૉર્ડ્સ મેળવીએ છીએ એ બધી બાબતો આપણી સાર્થકતા નક્કી કરે છે એવું આપણને લાગતું હોય છે. ક્યારેક ફક્ત એટલું સમજવામાં જિંદગી આખી પસાર થઈ જાય છે કે આપણી ઉપલબ્ધિઓ, નોકરી કે નેટવર્થ એ આપણી સેલ્ફ-વર્થ નથી.
આપણા મનના બે તબક્કા હોય છે. 
‘The Doing Mode’ અને ‘The Being Mode’. 
જ્યારે પણ આપણે કશુંક કરતા હોઈએ છીએ ત્યારે આપણે ‘Doing Mode’માં હોઈએ છીએ. એ સમયે કોઈ પ્રવૃત્તિમાં આપણું મન સતત પરોવાયેલું રહે છે. બીજી તરફ કશી જ પ્રવૃત્તિમાં વ્યસ્ત ન હોય એવું આપણું મન જ્યારે પસાર થતી દરેક વર્તમાન ક્ષણ માટે અવેલેબલ રહે છે ત્યારે આપણે ‘Being Mode’માં હોઈએ છીએ. જો એ ક્ષણમાં આપણું હોવું આપણને સાર્થક લાગવા લાગે તો સમજવું કે સંતોષ અને સંતૃપ્તિના ઓડકાર માટે હવે બીજું કશું જ કરવાની જરૂર નથી. જો આપણે ‘હ્યુમન ડૂઇંગ’માંથી ‘હ્યુમન બીઇંગ’ બની શકીએ તો આપણી ખરી સાર્થકતા ચકાસી શકીએ.
સ્વીકાર અને સાર્થકતાની શોધમાં ભટકી ગયેલા આપણે છેક સુધી અન્યની અપેક્ષાઓ કે સફળતાના સામાજિક માપદંડોને આધીન જીવન વિતાવ્યા કરીએ છીએ. એક અદ્ભુત પુસ્તક ‘The Courage to be disliked’માં લખ્યા પ્રમાણે આપણું મોટા ભાગનું જીવન અન્યની અપેક્ષાઓ, અભિપ્રાયો કે ઉપલબ્ધિઓનો પીછો કરવામાં પસાર થઈ જાય છે. સામાજિક સ્વીકાર અને ઓળખ પ્રસ્થાપિત કરવામાં નીકળી જાય છે. અને જીવનની કોઈ સાંજે અચાનક આપણને કોઈ પ્રશ્ન પૂછે કે ‘શું તમે સંતુષ્ટ છો?’ તો એનો જવાબ આપણે કૉન્ફિડન્ટ્લી ‘હા’માં નથી આપી શકતા. જે ક્ષણે આપણને એ રિયલાઇઝ થાય છે કે અન્યને ખુશ કરવાની કે જાતને સતત સાબિત કરતા રહેવાની પ્રવૃત્તિમાં આપણી સાર્થકતા નથી રહેલી એ ક્ષણે આપણે ખરી સ્વતંત્રતા માણી શકીએ છીએ. સામાજિક ધોરણો કે અપેક્ષાઓની અવગણના કરીને જેમનામાં અપ્રિય થવાની હિંમત રહેલી હોય છે, ફક્ત તેઓ જ પોતાની મરજી મુજબ જીવન વિતાવી શકે છે. અને તેમને કોઈ વાતનો અફસોસ નથી હોતો, કારણ કે અન્યની દરકાર કર્યા વિના તેમણે પોતાના હોવાપણાને ઊજવી લીધું હોય છે.
એવા કેટલાય લોકો હશે જેમની પાસે કોઈ સ્પેશ્યલ અચીવમેન્ટ્સ કે અવૉર્ડ્સ નહીં હોય અને છતાં તેઓ જાત અને જીવનથી સંપૂર્ણ ખુશ હશે. સંતુષ્ટ હશે, કારણ કે તેમને એ વાત સમજાઈ ગઈ હોય છે કે જીવનની સાર્થકતા ઉપલબ્ધિઓમાં નહીં, ઉપયોગિતામાં રહેલી હોય છે. મારી પાસે ગર્વ કરવા જેવી એક પણ બાબત ન હોય અને છતાં રોજ સવારે થતા સૂર્યોદયને જોઈને જો મારા ચહેરા પર સ્માઇલ ઊગી જતું હોય તો મને જીવનની સાર્થકતા સમજાઈ ગઈ છે એવું કહી શકાય.
આપણને ઇમ્પ્રેસ કરવામાં નિષ્ફળ જવાથી અથવા તો પોતાની જાતને નિરર્થક સમજીને આજ સુધી એક પણ પ્રાણી કે પક્ષીએ આત્મહત્યા નથી કરી. એ હકીકત જ સાબિત કરી આપે છે કે અસ્તિત્વના ગણિતને હ્યુમન ‘બીઇંગ’ સિવાયનો દરેક સજીવ વધુ સારી રીતે સમજી શક્યો છે. કશુંક બનવા કે દેખાડવાના પ્રયત્નોમાં જિંદગી આખી વિતાવી દેનારા આપણને એ જ નથી સમજાતું કે ક્યારેક ફક્ત ‘હોવાપણા’માં જ ભવ્યતા રહેલી હોય છે. જ્યાં સુધી આપણે અન્ય દ્વારા થતા સ્વીકાર, ઓળખ કે ઉપલબ્ધિઓમાં આપણી સાર્થકતા શોધ્યા કરીશું ત્યાં સુધી નિરાશ થયા કરીશું. એક જીવ તરીકેનું આપણું મૂલ્ય આ જગતમાં કશાય પર અવલંબિત નથી. એ ફક્ત આપણી દૃષ્ટિ, સમજણ અને સ્વ પ્રત્યેના સ્નેહ પર આધારિત છે.


Whatsapp-channel Whatsapp-channel

21 December, 2025 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK