પ્રવાસમાં ખેપાની પ્રજા જો કોઈ હોય તો એ આપણી ગુજરાતી. હોટેલમાં જઈને બે ચા ભેગી પાંચ પ્લેટ ને આઠ વાટકા મગાવીને એમાં નાસ્તો ભરીને હોટેલના મૅનેજર સામે સેથકનું દાબે ને પાછા કે’તાં જાય, તમારા ભાઈને બા’રનું ખાવાની ના પાયડી છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
માછલી જેવી રીતે પાણી વગર નથી રહી શકતી એ રીતે ગુજરાતીઓ વેકેશનમાં પ્રવાસ વગર નથી રહી શકતા. સોસાયટીમાંથી એકાદ ચાગલું કપલ દુબઈની ટૂર (એ પણ ભર ઉનાળે) નક્કી કરે એટલે આખી સોસાયટીનું આવી બને છે.
‘બાજુવાળી પભલી અને જયલો દુબઈ જાય છે!’ પત્ની રસોડામાંથી ઊંડા નિઃસાસા સાથે બોલે છે જેના પ્રત્યાઘાત ડ્રૉઇંગરૂમમાં માવો ચાવીને મૅચ જોતા પતિદેવ પર ત્રણગણા પડે છે. પતિ જો કશો પ્રત્યુત્તર ન આપે તો રસોડામાંથી ધગધગતી લોઢી જેવું બીજું વાક્ય સંભળાય છે, ‘આપણા તો નસીબમાં પ્લેનેય નથી! લોકો કેવા લાઇફ એન્જૉય કરે, પણ અમે તો ઘરમાં કામવાળીની જેમ ઢયડા કરવા જ આવ્યાં છીએ.’
ADVERTISEMENT
આ વાક્યો પછી માવાયુક્ત પતિદેવ પૂછે છે કે ‘ક્યાં જાવું છે બોલ? પભલી ભલે દુબઈ ગઈ આપણે સ્વિટ્ઝરલૅન્ડ જાવું છે!’
‘હવે રહેવા દોને... છેલ્લાં ત્રણ વરસથી સ્વિટ્ઝરલૅન્ડનું નામ લઈને મને સાપુતારા અને સાસણ ફેરવી આવો છો.’
આ સંવાદ મોટા ભાગના ગુજરાતીઓનાં ઘરમાં નિયમિત થતો હોય છે.
બસ-ટ્રેન-પ્લેન અને પોતાની ચાર્ટર્ડ કાર આ ચાર પરિવહન પર આપણાં વૅકેશન ટક્યાં છે અને એ જ રીતે થેપલાં, લસણિયા સેવમમરા, ફરસી પૂરી ને સુખડી આ ચાર ખાદ્ય પદાર્થો આપણા પ્રવાસનું ઈંધણ છે.
કોઈ માને કે ન માને, હોટેલો બહાર ‘આઉટસાઇડ ફૂડ નૉટ અલાઉડ’ આ વાક્યના બોર્ડના મૂળમાં ગુજરાતી પ્રજા છે. આપણે કોઈ પણ હોટેલ પર આઠ-દસ જણ ઊતરીએ એટલે હોટેલવાળા હરખાઈ જાય કે મોટું ઘરાગ આવ્યું. પછી બધા ટેબલ પર ટમેટાના સૉસની જેમ ધીમે-ધીમે ફેલાઈ જાય છે. આઠ ચાનો ઑર્ડર પહેલાં આપવામાં આવે છે. વેઇટર હોંશે-હોંશે ટેબલ પાસે ઊભો રહે છે કે ‘સર, ઔર કુછ ગરમાગરમ લા દૂં!’
‘નહીં ભૈયા! તબિયત ઠીક નહીં હૈ! ઘર કા હી ખાના ખાએંગે!’
આવું કહીને એક ભાભી વેઇટરને તગડે. પછી આંખનો ઇશારો સમજીને કુટુંબનો ઉત્સાહી છોકરો કારમાંથી નાસ્તાનો થેલો ઉતારી લાવે. બસ, આગલી ત્રીસ મિનિટ સુધી એ હોટેલ લસણિયા સેવમમરા અને થેપલાંની સુગંધથી મઘમઘી ઊઠે.
સાપુતારા ગુજરાતનું એકમાત્ર સમ ખાવાનું ગિરિમથક છે. તળાવમાં નવાં પરણેલાં દંપતીઓ તમામ પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર હોય છે. કન્યાના હાથની કોણી સુધીની મેંદી, લાલ-લીલી ભરચક ચૂડલીઓ, કપાળમાં પહેલોવહેલો પૂરેલો સેંથો, ચહેરા ઉપરનો સેંથકનો મેકઅપ અને જીન્સ-ટૉપમાં સજી વરરાજાનો કચકચાવીને હાથ પકડી સાપુતારામાં કપલ પેડલ બોટ એક કલાક માટે બુક કરે છે.
વરરાજો પણ હરખુડો થઈ એવા જોર-જોરથી પેડલ બોટને પેડલ મારે છે અને તેની જાનુને સતત કહે છે, ‘તું રહેવા દે જાનુ! મૈં હૂં ના?’ પોતે પરસેવે રેબઝેબ થઈ જાય. ક્યારેક તો નળામાં જોરથી પેડલ છટકીને વાગે તોય ભડનો દીકરો દેખાડે નહીં. લગ્ન પછી પહેલી જ વાર ફરવા નીકળ્યાં હોઈ વાઇફ પાસે મજબૂત પતિની ઇમ્પ્રેશન પાડવામાં કેટલાય પતિદેવોને ફીણાં આવી જાય છે. એકાદ કલાક મધતળાવે (દુખતા પગના નળા સાથે) એન્જૉય કરી હોટેલમાં પરત ફરે છે અને છાનુમુનો મેડિકલ સ્ટોરમાંથી સૂજી ગયેલા નળા માટે દવા લઈ આવે છે.
નવો પરણેલો પતિ વાઇફને પેડલ માટે શ્રમ નથી આપતો અને બાજુની જ બોટમાં લગ્નનાં ત્રીસ વર્ષ પૂર્ણ કરેલું કપલ માથાકૂટ કરતું નજરે ચડે છે જેમાં હાંફીને પતિ કહે છે કે, ‘તું તો થોડાક પગ હલાવ... હું કાંઈ તારા બાપુજીનો નોકર નથી!’ તો ગોઠણનું બહાનું કાઢી ગોળમટોળ પત્ની સહેજ પણ તસ્દી લેતી નથી.
કેટલાંક ઉત્સાહી દંપતીઓ તો સનસેટ પૉઇન્ટ પણ ખરે બપોરે જોઈ આવે છે. સાંજે બહુ ગિરદી હોયને...! કેટલાંક કપલ ખાવા ખાતર ફરતાં હોય છે તો કેટલાંક જાવા ખાતર...! કેટલાંક આખી ટૂરમાં પાંચ મિનિટ પણ હાથ છોડતાં નથી તો કેટલાંક પાંચ મિનિટ પણ પકડતાં નથી.
‘આઠસો રૂપિયાની કુરતી છે?’ પત્નીના આ પ્રશ્નાર્થનો કેટલાક પતિદેવો એવો રોમૅન્ટિક ઉત્તર આપે છે કે ‘તારાથી વધારે થોડી છે?’ તો અન્ય પતિદેવો ધીમેકથી કહે છે કે ‘મુંબઈમાં આવી નો મળતી હોય તો લઈ લે.’
ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરનારાઓની પણ મોટી જમાત છે. તમારી બારી પાસે સીટ ન આવી હોય તો ખોટેખોટી વૉમિટનાં બહાનાં કરી કેટલાક હુંશિયાર તમારી બારીવાળી સીટ પચાવી પાડે છે. ટ્રાવેલ્સમાં આવતા હો ત્યારે ક્લીનર પોતાને ગમતું મૂવી ટીવીમાં ચડાવે છે. કેટલીક વાર મૂવી બરાબર જામે અને ક્લાઇમૅક્સ આવે એ પહેલાં આપણું સ્ટેશન આવી જાય છે. ફિલ્લમમાં છેલ્લે શું થયું એ ખબર જ નથી પડતી. કેટલાક ઊતરતાં ભેગા રિક્ષાવાળાને અથવા તો તેડવા આવ્યા હોય તેને ઘઘલાવવા માંડે છે. આ તમામના મૂળમાં પેલી ફિલ્મની બાકી રહેલી છેલ્લી ફાઇટિંગ છે.
બસની ગિરદીમાં બળદિયાની જેમ ઢીંક મારીને ચડી જતા અને બારીમાંથી જગ્યા માટે છોકરા ગળકાવી દેનારા લોકોને નજરે નિહાળનારી અમે છેલ્લી પેઢી છીએ. વળી પોતે કન્ડક્ટરની સીટ પર હડી કાઢીને બેસી ગયા પછી બારીમાંથી ભોડું કાઢી અન્ય પૅસેન્જરોને શિખામણ આપે કે ‘જૂનાગઢવાળી આવશે બીજી! થોડી ધીરજ રાખો!’
લે બોલ તંઈ ભાઈ, તેં થોડીક ધીરજ રાખી હોત તો?


