૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ અને પૂરો દેશ શોકાતુર થઈ ગયો હતો. એ સમયે તેમને સ્વરાંજલિ આપતું એક ગીત તૈયાર થયું હતું જે ક્યાંય સુધી દેશમાં ગુંજતું રહ્યું હતું. એ ગીત હતું ‘સુનો સુનો અય દુનિયાવાલોં બાપુ કી યે અમર કહાની...’
હસનલાલ ભગતરામ
૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીએ દિલ્હીમાં ગાંધીજીની હત્યા થઈ અને પૂરો દેશ શોકાતુર થઈ ગયો હતો. એ સમયે તેમને સ્વરાંજલિ આપતું એક ગીત તૈયાર થયું હતું જે ક્યાંય સુધી દેશમાં ગુંજતું રહ્યું હતું. એ ગીત હતું ‘સુનો સુનો અય દુનિયાવાલોં બાપુ કી યે અમર કહાની...’ મોહમ્મદ રફીના દરદીલા સ્વરમાં રેકૉર્ડ થયેલા રાજેન્દ્ર કૃષ્ણ લિખિત આ ગીતની રેકૉર્ડે વેચાણના અનેક રેકૉર્ડ તોડી નાખ્યા હતા. આજે એ ગીતના વીસરાયેલા સંગીતકારની વાત કરવી છે.
એ પહેલાં તેમણે સ્વરબદ્ધ કરલાં થોડાં ફિલ્મી ગીતો યાદ કરાવું ઃ ‘એક દિલ કે ટુકડે હઝાર હુએ, એક યહાં ગીરા, એક વહાં ગીરા’, ‘ચૂપ ચૂપ ખડે હો ઝરૂર કોઈ બાત હૈ, પહલી મુલાકાત હૈ જી પહલી મુલાકાત હૈ’ અને ‘ચલે જાના નહીં નૈના મિલાકે ઓ સૈયાં બેદર્દી’ આજે પણ એટલાં જ લોકપ્રિય છે.
જી હા, મારે વાત કરવી છે હિન્દી ફિલ્મોની સૌપ્રથમ સફળ સંગીતકાર જોડી હુસ્નલાલ-ભગતરામની. બે ભાઈઓની આ પંજાબી જોડીનું ફિલ્મોમાં આગમન થયું જ્યારે દેશમાં આઝાદીનાં સપનાં સાકાર થઈ રહ્યાં હતાં. આ જોડીએ એ સમયે પ્રચલિત ફિલ્મસંગીતની ચાલ બદલીને પંજાબી લોકસંગીત અને લાઇટ ક્લાસિકલ સંગીતના મિશ્રણવાળી ફિલ્મી ધૂનો બનાવીને લોકપ્રિયતાનાં નવાં શિખર સર કર્યાં હતાં.
૩૦-૪૦ના દસકાના સંગીતકાર પંડિત અમરનાથ તેમના મોટા ભાઈ હતા. બન્ને ભાઈઓને ગળથૂથીમાં તેમની પાસેથી સંગીતની શિક્ષા મળી હતી. એ ઉપરાંત પંડિત દિલીપચંદ્ર વેદી પાસે બન્નેએ તાલીમ લીધી હતી. ૧૯૧૪માં જન્મેલા ભગતરામ તો હુસ્નલાલથી ૬ વર્ષ મોટા હતા. તેઓ સુંદર હાર્મોનિયમ વગાડતા. હુસ્નલાલ કુશળ વાયોલિનવાદક ઉપરાંત ઉત્તમ ગાયક હતા.
પંડિત અમરનાથ લાહોરમાં પ્રભાત ફિલ્મ્સ સાથે જોડાયેલા હતા. હુસ્નલાલ-ભગતરામ તેમના અસિસ્ટન્ટ બન્યા. સમય જતાં ભગતરામ શર્માએ પંજાબી ફિલ્મોમાં સંગીત આપવાનું શરૂ કર્યું. એ સમયે હુસ્નલાલ તેમની સાથે જોડાયેલા નહોતા. ૧૯૪૪માં પ્રભાતની ફિલ્મ ‘ચાંદ’માં બન્ને ભાઈઓને સ્વતંત્ર સંગીતકાર બનવાનો મોકો મળ્યો ત્યારે તેમનો સંયુક્ત પગાર હતો મહિને ૫૦૦ રૂપિયા. ૧૯૪૬માં દેવ આનંદની પ્રથમ ફિલ્મ ‘હમ એક હૈં’માં સંગીત આપ્યું. દેશના ભાગલા થયા અને સૌ મુંબઈ આવ્યા. એ સમયે ‘મિરઝા સાહેબા’ (૧૯૪૭)ના નિર્માણ દરમ્યાન પંડિત અમરનાથનું અવસાન થયું એટલે બાકીનું કામ આ ભાઈઓએ પૂરું કર્યું.
આ ફિલ્મનું સંગીત લોકપ્રિય થયું એટલે ફિલ્મી દુનિયાએ તેમના કામની નોંધ લીધી. તેમને ‘આજ કી રાત’ અને ‘લખપતિ’માં મોકો મળ્યો, પરંતુ એ ફિલ્મો નિષ્ફળ ગઈ. બે ભાઈઓની તકદીરનું પાસું બદલાયું ૧૯૪૮ની ફિલ્મ ‘પ્યાર કી જીત’થી. ફિલ્મના ‘એક દિલ કે ટુકડે હઝાર હુએ’ (મોહમ્મદ રફી-કમર જલાલાબાદી), (આ ગીત શશધર મુખરજીની ફિલ્મ ‘સિંદૂર’ માટે કમ્પોઝ થયું હતું પરંતુ તેમને પસંદ ન આવ્યું એટલે ફિલ્મમાં લેવાયું નહોતું) ‘ઓ દૂર જાનેવાલે, વાદા ન ભૂલ જાના’ (સુરૈયા-કમર જલાલાબાદી), ‘તેરે નૈનોં ને ચોરી કિયા, મોરા છોટા સા જિયા’ (સુરૈયા–રાજેન્દ્ર કૃષ્ણ) અને બીજાં ગીતો ઘર-ઘરમાં ગુંજતાં હતાં. આ ફિલ્મમાં તેમણે પંજાબી ફિલ્મોની સુપ્રસિદ્ધ ગાયિકા સુરિન્દર કૌરને હિન્દી ગીતો ગાવાનો મોકો આપ્યો હતો.
ગાંધીજીની યાદમાં લખાયેલું ‘સુનો સુનો અય દુનિયાવાલોં’ દેશભરમાં ગુંજતું હતું એ જાણીતી વાત છે. નવાઈની વાત એ છે કે ગાંધીજીની હત્યા થયા બાદ ૨૪ કલાકની અંદર આ ગીત લખાયું અને સ્વરબદ્ધ થઈને રેકૉર્ડ થયું. નિર્માતા બાબુરાવ પાઈ આ ગીત સાંભળીને એટલા ભાવવિભોર થઈ ગયા હતા કે તેમણે કવિ રાજેન્દ્ર કૃષ્ણને એક ગાડી ભેટ આપી દીધી. ખબર નથી તેમણે હુસ્નલાલ-ભગતરામને કોઈ ઇનામ આપ્યું હતું કે નહીં. હા, પંડિત નેહરુએ આ બન્નેની પીઠ થાબડી એ આશ્વાસન પૂરતું હતું.
૧૯૪૯માં રિલીઝ થયેલી ‘બડી બહન’ હુસ્નલાલ ભગતરામની કારકિર્દીની મોટામાં મોટી હિટ ફિલ્મ હતી. ફિલ્મનાં ગીતો અત્યંત લોકપ્રિય થયાં. પંજાબી ઢોલક પર ચલતીના ઠેકા અને હલકીફૂલકી ધૂનો પર આધારિત આ ગીતોએ રેકૉર્ડ્સના વેચાણના બધા વિક્રમ તોડી નાખ્યા. એ સમયે મ્યુઝિશ્યન તરીકે કામ કરતા સંગીતકાર શંકરે આ ગીતોમાં ઢોલક વગાડ્યું હતું. ‘બિગડી બનાનેવાલે, બિગડી બના દે’ (સુરૈયા–કમર જલાલાબાદી), ‘જો દિલ મેં ખુશી બનકર આયે’ (લતા મંગેશકર-રાજેન્દ્ર કૃષ્ણ), ‘ચલે જાના નહીં નૈન મિલા કે’ (લતા મંગેશકર-રાજેન્દ્ર કૃષ્ણ), ‘ચુપ ચુપ ખડે હો ઝરૂર કોઈ બાત હૈ’ (લતા મંગેશકર-પ્રેમલતા), ‘મોહબ્બત કે ધોખે મેં કોઈ ન આએ’ (મોહમ્મદ રફી–રાજેન્દ્ર કૃષ્ણ) ‘વો પાસ રહે યા દૂર રહે’ (સુરૈયા-કમર જલાલાબાદી) અને ‘તુમ મુઝકો ભૂલ જાઓ’ (સુરૈયા–કમર જલાલાબાદી) જેવા દરેક ગીતે ધૂમ મચાવી હતી.
એક સમય હતો જ્યારે આ સંગીતકાર જોડી પાસે સંગીતકાર ખય્યામ, શંકર, લક્ષ્મીકાન્ત અને મહેન્દ્ર કપૂર જેવા ભવિષ્યના ધુરંધર કલાકારો તાલીમ માટે આવતા. હૃદયનાથ મંગેશકરે વાયોલિનની તાલીમ હુસ્નલાલ પાસે લીધી હતી.
એક મુલાકાતમાં સંગીતકાર પ્યારેલાલજી સાથે હુસ્નલાલ-ભગતરામના સંગીતની ચર્ચા થઈ ત્યારે તેમણે એક રસપ્રદ ઑબ્ઝર્વેશન કર્યું હતું. ‘ફિલ્મસંગીતમાં ઢોલક આધારિત લોકપ્રિય ઠેકાની શરૂઆત આ ભાઈઓએ શરૂ કરી હતી. શંકર-જયકિશન પણ તેમની ચાલથી પ્રભાવિત હતા. વત્તેઓછે અંશે અમે સૌએ એનું અનુકરણ કર્યું છે.’
મેં કહ્યું કે ‘લોકો કહે છે કે નૌશાદ અને શંકર-જયકિશને લતા મંગેશકરને નવી ઓળખ આપી જ્યારે નૂરજહાં ટૉપ પર હતાં. મારું માનવું છે કે લતાજીના સ્વરમાં રહેલા સૌંદર્યને ઉજાગર કરવાનું કામ પ્રથમ વાર ‘બડી બહેન’માં હુસ્નલાલ-ભગતરામે કર્યું છે.’
‘સાવ સાચી વાત છે. એવું જ કાંઈક મોહમ્મદ રફી સાથે થયું. લોકો કહે છે કે ‘ઓ દુનિયા કે રખવાલે’થી તેમના દરદીલા સ્વરને નવો આયામ મળ્યો, પરંતુ આ પહેલાં ‘એક દિલ કે ટુકડે હઝાર હુએ’માં હુસ્નલાલ-ભગતરામે તેમની આ ખૂબીનો સરસ ઉપયોગ કર્યો છે’ એવું પ્યારેલાલજીએ નવી જાણકારી આપતાં કહ્યું.
હુસ્નલાલ-ભગતરામ ફિલ્મસંગીતના સુવર્ણકાળના સંગીતકારોના અગ્રેસર હતા. એવું નહોતું કે એ પહેલાંના સંગીતકારોનું સંગીત લોકપ્રિય નહોતું, પરંતુ આ જોડીએ સંગીતની રજૂઆતને એક નવી દિશા આપી હતી. ૫૦ના દસકાથી શંકર-જયકિશન, ઓ. પી. નૈયર અને બીજા સંગીતકારોએ આ સંગીતમય યાત્રાને વધુ સુરીલી બનાવી, પરંતુ આપણને એક વાતનો હંમેશાં અફસોસ રહેશે. જ્યારે એક તરફ આ દરેક સંગીતકારોએ લાંબા સમય સુધી યાદગાર ગીતો આપ્યાં ત્યારે હુસ્નલાલ-ભગતરામ આગિયાની જેમ ચમકીને થોડા સમયમાં બુઝાઈ ગયા.
‘બડી બહન’ની અપાર સફળતા બાદ તેમની ફિલ્મોના સંગીતમાંથી તાજગી જતી રહી. ઘણી વાર વ્યક્તિની વિશિષ્ટતા જ એની મર્યાદા બની જાય છે. સર્જકની રજૂઆતમાં એકવિધતા આવી જાય તો શ્રોતાઓનો રસ ઊડી જાય એ સ્વાભાવિક છે. ત્યાર બાદની તેમની ફિલ્મોનું સંગીત લોકોમાં પ્રભાવ ન પાડી શક્યું. જોકે તેમનાં છૂટાછવાયાં ગીતો લોકપ્રિય થયાં જેવાં કે ૧૯૫૧માં બી. આર. ચોપડાની ‘અફસાના’માં ‘અભી તો મૈં જવાન હૂં’ (લતા મંગેશકર- ગાફિલ હરનવી. આ ગીત વર્ષો સુધી રેડિયો સિલોન પર દર રવિવારે રાતે ૧૦ વાગ્યે આવતા કાર્યક્રમ ‘આપ કે અનુરોધ પર’ની સિગ્નેચર-ટયુન તરીકે વાગતું હતું), ૧૯૫૨માં ‘ખલીફા’માં ‘વો મેરી તરફ યું ચલે આ રહે હૈં’ (કિશોરકુમાર–વજેન્દ્ર ગૌડર), ૧૯૫૩માં ‘આંસુ’માં ‘સુન મેરે સાજના અપના બનાકે ભૂલ ના જાના’ (મોહમ્મદ રફી, લતા મંગેશકર, કમર જલાલાબાદી), ૧૯૫૪માં ‘શમા પરવાના’મા ‘તુને મેરા યાર ના મિલાયા’ (મોહમ્મદ રફી–મજરૂહ સુલતાનપુરી), ‘૧૯૫૬માં ‘અદલ-એ–જહાંગીર’માં ‘અય મેરી ઝિંદગી તુઝે ઢૂંઢું કહાં’ (તલત મેહમૂદ–કમર જલાલાબાદી).
જ્યારે હુસ્નલાલ-ભગતરામનાં ગીતોને ધ્યાન અને કાન દઈને સાંભળીએ ત્યારે એક સત્ય ઉજાગર થાય છે. એ ગીતોની સ્વરરચનામાં અનેક સફળ સંગીતકારોનાં ગીતોના ભણકારા વાગે છે. આ દુનિયામાં કોઈ ચીજ મૌલિક નથી પરંતુ નવી તાજગીનો અહેસાસ કરાવનાર વ્યક્તિને સાવ વિસારે પાડી દેવી એ યોગ્ય નથી.
બદલાયેલા સમય અને ટ્રેન્ડ સાથે આ જોડી તાલ મિલાવી નહોતી શકી. ૬૦ના દસકામાં તેમણે ‘બી’ ગ્રેડની થોડી ફિલ્મોમાં સંગીત આપ્યું. ૧૯૬૬માં કામના અભાવે કંટાળીને હુસ્નલાલ દિલ્હી ગયા જ્યાં તેમણે પોતાની મ્યુઝિક-સ્કૂલ શરૂ કરી. ૧૯૬૮ની ૨૮ ડિસેમ્બરે ૪૮ વર્ષના હુસ્નલાલને હાર્ટ-અટૅક આવ્યો અને તેમણે વિદાય લીધી. ભગતરામ મુંબઈમાં મ્યુઝિશ્યન તરીકે હાર્મોનિયમ વગાડતાં દિવસો પસાર કરતા હતા અને ૧૯૭૩ની ૨૩ નવેમ્બરે ૫૯ વર્ષના ભગતરામે પણ અંતિમ શ્વાસ લીધા અને એક સફળ પરંતુ કમનસીબ સંગીતકાર જોડીના યુગનો અંત આવ્યો.
એમ કહેવાય છે કે જે સમાજ પોતાના ભૂતકાળને વીસરી જાય છે એનું ભવિષ્ય એટલું ઉજ્જ્વળ નથી હોતું. હિન્દી ફિલ્મસંગીત આપણી સંસ્કૃતિ અને પરંપરાની યાત્રાનો સુરીલો ઇતિહાસ છે. એ યાત્રામાં મશાલચી થનાર આવા ગુણી સંગીતકારોના વારસાને જીવતો રાખવા કોઈક વાર તેમના સંગીતને સાંભળવાનું સત્કર્મ કરવું જોઈએ.


