Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હોમમેડ તડકા

હોમમેડ તડકા

22 July, 2021 01:24 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

મુંબઈ ફાસ્ટ ફૂડ મેનુમાંથી જે માગો એ પીરસે છે ત્રણ હોમ શેફ્સની ટીમ. તેમના લાં...બા મેનુમાંથી અમે જે ટ્રાય કર્યું એના વિશે જાણીએ

કાઠિયાવાડી કૉમ્બો

કાઠિયાવાડી કૉમ્બો


મુલુંડના ક્લાઉડ કિચન ‘ધ તડકા હાઉસ’નું મેનુ જુઓ તો લાગે કે પ્રોફેશનલ શેફ્સની ટીમ કામ કરતી હશે પણ ૧૪ પાનાંના મેક્સિકન, ઇટાલિયન, લેબનીઝ, રાજસ્થાની, કાઠિયાવાડી, પંજાબી અને ઈવન મુંબઈ ફાસ્ટ ફૂડ મેનુમાંથી જે માગો એ પીરસે છે ત્રણ હોમ શેફ્સની ટીમ. તેમના લાં...બા મેનુમાંથી અમે જે ટ્રાય કર્યું એના વિશે જાણીએ

ગયા દોઢ વર્ષે આપણને એ સમજાવી દીધું કે દુનિયામાં ચાહે કંઈ પણ થાય, માણસની જીભનો સ્વાદ સંતોષવાની વૃત્તિ ક્યારેય ઓસરવાની નથી. અનેક તકલીફોમાં પણ કંઈક નવું, હટકે અને મોંનો સ્વાદ ખૂલી જાય એવું ચટપટું ખાવાની ઇચ્છા સદાય રહેવાની. એટલે જ કદાચ આ પહેલાં કદી ન ખૂલ્યાં હોય એટલાં ફૂડ સ્ટાર્ટઅપ્સ આ સમયમાં ખૂલ્યાં છે. ગયા વર્ષે લૉકડાઉનમાં ખૂલેલું મુલુંડનું હોમ કિચન ‘ધ તડકા હાઉસ’ એક વર્ષમાં લગભગ બમણું ફૂલ્યુંફાલ્યું છે. લોકોમાં રીચની દૃષ્ટિએ પણ અને તેમના મેનુની દૃષ્ટિએ પણ. 


આપણને રોજરોજ ઘરે ખાવાનું બનાવીને અને ઘરનું ખાઈને કંટાળો આવી જતો હોય છે. એમ છતાં જ્યારે આપણે બહારનું ખાવાનું મગાવીએ ત્યારે એમાં ઘર જેવું જ ખાવાનું હોય એવો આગ્રહ પણ રાખીએ છીએ. બીજી તરફ જો તમે આપણા રોજિંદા ફૂડ કરતાં કંઈક નવું ક્વિઝીન ટ્રાય કરી રહ્યા હો તો પાછો તમને એમાં ગૉરમે સ્ટાઇલ ટચ પણ જોઈએ. મસ્ત વરસાદી સાંજે અમે પણ ઘર કા ખાના અને રેસ્ટોરાંના ઑથેન્ટિક ક્વિઝીનનું કૉમ્બિનેશન જેવું કંઈક ટ્રાય કરવા મુલુંડના ‘ધ તડકા હાઉસ’ પર નજર ઠેરવી. 

અહીંનું ફૂડ ઑર્ડર કરવું હોય તો ઍટ લીસ્ટ આઠ કલાક પહેલાં ઑર્ડર કરવું પડે. મતલબ કે ડિનર જોઈતું હોય તો સવારે કહી દેવું પડે અને લંચ જોઈતું હોય તો આગલા દિવસે રાતે. આની પાછળનું કારણ એ છે કે અહીં બધું જ તમારો ઑર્ડર મળે એ પછી અને એટલું જ બને છે. આનો સીધો અર્થ એ થાય કે ફ્રેશ ફૂડની ગૅરન્ટી. અલબત્ત, આ જ કારણોસર આ કિચન તમને સ્વિગી કે ઝોમૅટો જેવા પ્લૅટફૉર્મ પર નહીં મળે. ધ તડકા હાઉસનું મેનુ જોશો તો લાગશે કે મોટી પ્રોફેશનલ શેફ્સની ટીમ તો હોવી જ જોઈએ કેમ કે અહીંના મેનુમાં તમને રાજસ્થાની દાલબાટી પણ મળશે, સિંધી દાલ પકવાન મળશે, ગુજરાતી-કાઠિયાવાડી કૉમ્બો પણ મળશે, લૅબનીઝ તેમ જ મેક્સિકન ફૂડની ડેલિકસીઝ પણ મળશે. અને ધારો કે કંઈક મુંબઈસ્ટાઇલ પાંઉભાજી, મિસળ, કાંદા પોહા કે મૅગી જેવું ફાસ્ટ ફૂડ ખાવું હોય તો એ પણ એમાં છે. સરસ રીતે ડિઝાઇન કરેલું લગભગ ૧૪ પાનાંનું મેનુ જોઈને શું ખાવું અને શું નહીં એ નક્કી કરવાનું અઘરું થઈ ગયું. એમ છતાં વધુ વાનગીઓ અને રૂટીન કરતાં ડિફરન્ટ ક્વિઝીન ટ્રાય કરી શકાય એ હેતુથી અમે ત્રણ કૉમ્બો ટ્રાય કર્યાં. 
મેક્સિકન કૉમ્બો

એમાં મેક્સિન રાઇસ, નાચોઝ, સાલ્સા અને ચીઝ ડિપ અને લેમન મિન્ટ કૂલર હતાં. ચીઝ ડિપની સાથે નાચોઝની ક્રિસ્પીનેસ મસ્ત સ્ટાર્ટરની ફીલ આપે એવાં હતાં. રાઇસમાં પણ કૉર્ન, ફણસી અને વેજિટેબલ્સનો ભરપૂર ઉપયોગ ડિશને હેલ્ધીઅર બનાવે એવું છે. આ બધાની સાથે જે મિન્ટ કૂલર છે એ થોડુંક વધુ સ્વીટ લાગી શકે છે. 
કાઠિયાવાડી કૉમ્બો 
ગુજરાતી કુક હોય ત્યારે કાઠિયાવાડી-ગુજરાતી તો ટ્રાય કરવું જ જોઈએ. આ કૉમ્બોમાં શાકના ત્રણ ઑપ્શન હોય છે. સેવ-ટમેટાં, રીંગણનો ઓળો અને ભરેલા કાંદામાંથી કોઈ એક સબ્જી તમે મગાવી શકો. સેવ-ટમેટાંના શાકમાં સેવનું પ્રમાણ નહીંવત છે પરંતુ તીખો, ખાટો અને ગળ્યો એમ ત્રણેય સ્વાદ એ શાકમાં તમને મળશે. રીંગણનો ઓળો એકદમ પર્ફેક્ટ છે. જોકે આ કૉમ્બોમાં અમે ભાખરી મગાવેલી એ સૌથી બેસ્ટ ચીજ રહી. ઘઉંના કરકરા લોટની જાડી અને મોટી ભાખરી હતી. એકદમ 
ગુજરાતી ઘરોમાં બને છે એવી જ 
બિસ્કિટ ભાખરી. લંચ-ડિનરમાં તો ખવાય જ, પણ જો ચાની સાથે ખાધી હોય તોય મજા આવી જાય એવી. આ કૉમ્બોમાં ખીચડી-કઢી પણ છે. અગેઇન અહીં કઢી ઘરની છે એની ખાતરી મળે મેથીના દાણાના વઘારથી. કાઠિયાવાડી ઢાબાઓમાં પણ તમને અહીંની કઢી જેવો ઘી અને મેથીનો વઘાર નહીં મળે. ખીચડીની ઉપર છૂટથી રેડેલું ઘી પણ સ્વાદમાં વર્તાય એવું છે. 
ત્રીજું કૉમ્બો અમે ટ્રાય કર્યું લેબનીઝ ફૂડનું. આમ તો તેમના મેનુમાં છ પ્રકારનાં હમસ છે, પણ અમે ત્રણ પ્રકારનાં હમસ ટ્રાય કર્યાં. ક્લાસિક હમસ, રોસ્ટેડ પેપર હમસ અને આલપીનો બેસિલ હમસ. સાથે હતાં પીતા બ્રેડ અને ફલાફલ. મીડિયમ સાઇઝનાં ફલાફલ એકલાં પણ ભજિયાંની જેમ ખાવાની મજા પડી જાય એવાં છે. પિકલ્ડ વેજિટેબલ્સ એટલાં સૉફ્ટ છે કે તમને ચાવવાની જરૂર જ નહીં પડે. 
કુછ મીઠા...
લાંબા મેનુમાં ડીઝર્ટ આઇટમોમાં પણ અઢળક ઑપ્શન્સ છે. મોહનથાળ, દૂધીનો હલવો, ગાજરનો હલવો અને ગોળપાપડી જેવી ટ્રેડિશનલ આઇટમોની સાથે રસમલાઈ, ચીઝ કેકના ઑપ્શન્સ પણ છે. ગોળપાપડી દાદીના હાથનો સ્વાદ યાદ અપાવે એવી છે અને બ્રાઉની અને નટેલાની ફ્રેશનેસનું તો પૂછવું જ શું. 
પૅકેજિંગ અને ડિલિવરી 
એનું પૅકેજિંગ પણ મજાનું છે. ગ્રેવી, કરી કે ડિપ કશું જ લીક થતું નથી. અને હા, છાશ અને ડ્રિન્ક માટેની પ્લાસ્ટિકની બૉટલ પણ ક્યુટ છે. મુલુંડથી થાણે, ઘાટકોપર અને ચેમ્બુર સુધી તો રેગ્યુલર ડિલિવરી થાય છે પણ હવે તો મુંબઈના કોઈ પણ ખૂણે પોર્ટર અથવા તો વીફાસ્ટ દ્વારા તમે તડકા હાઉસની વાનગીઓ ટ્રાય કરી શકો છો 
બે વ્યક્તિ માટે લગભગ ૪૫૦ રૂપિયાનો અંદાજિત ખર્ચ થાય, પણ આગળ કહ્યું એમ ઘર કા ખાના જેવી ફીલ અને રેસ્ટોરાંના ઑથેન્ટિક સ્વાદનું મસ્ત કૉમ્બિનેશન અહીં છે. મેનુમાં શું-શું છે એ જાણવા @thetadkahouse ઇન્સ્ટાગ્રામ પર વિઝિટ કરી શકો છો. 

તડકાની ટીમ 

રુચિ શાહ, ચાર્મી દોશી અને રાજવી શાહ એમ ત્રણ યુવતીઓનું આ બ્રેઇન ચાઇલ્ડ છે. રુચિ મૂળે મેકઅપ આર્ટિસ્ટ અને કુકિંગ એક્સપર્ટ છે. ચાર્મી ફૅશન ડિઝાઇનર છે અને મુંબઈ સ્ટાઇલ ફૂડમાં તેની માસ્ટરી છે. રાજવી સોશ્યલ મીડિયા માર્કેટિંગ પ્રોફેશનલ છે. લૉકડાઉન દરમ્યાન ત્રણેયનું કામ હૉલ્ટ પર મુકાતાં કંઈક નવું કરવાના આશયથી પાર્ટટાઇમમાં કરવાના ઇરાદાથી આ નવું વેન્ચર તેમણે શરૂ કર્યું હતું. જોક એક વર્ષમાં કામ એટલું વધ્યું કે હવે એમાં બીજા બે પાર્ટનર ઉમેરાયા છે. ઇન્શ્યૉરન્સ અને ફાઇનૅન્સ કન્સલ્ટન્ટ નીરવ શાહ જરૂર પડ્યે શેફને રિપ્લેસ કરે છે.  ડીઝર્ટ શૉપ ચલાવતો તેમનો ફ્રેન્ડ પ્રતીક પણ પાર્ટટાઇમ જોડાઈ ગયા છે. રાજવી શાહ કહે છે, ‘અમારી ટીમમાં મારા હસબન્ડ પાર્થ પણ જરૂર પડ્યે મદદ કરવા ખડેપગે તૈયાર હોય છે. અમે આ વેન્ચર પાર્ટટાઇમ ચલાવીશું એમ વિચારીને શરૂ કરેલું પણ મુલુંડ ઉપરાંત ઘાટકોપર, થાણે અને ઓવરઑલ મુંબઈમાંથી એટલો સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે કે અમારે એનો વિસ્તાર કર્યે જ છૂટકો છે.’

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2021 01:24 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK